દુનિયાના 1% લોકોએ 10 વર્ષમાં 42 ટ્રિલિયન ડોલર્સ એકઠા કરી લીધા
- ઓક્સ ફામનો ચોંકાવનારો અહેવાલ
- આ અલ્ટ્ર-રીચ ઉપર 8% વેલ્થ ટેક્ષ નાખવા જી-20ની બ્રાઝિલ પરિષદમાં આ મુદ્દો ઉઠાવાશે : જો કે, અમેરિકા તે ટ્રેડરની વિરૂદ્ધમાં છે
એક્સફર્ડ (ઇંગ્લેન્ડ) : વિશ્વની આર્થિક પરિસ્થિતિઓ તે સંબંધી બાબતો ઉપર સતત નજર રાખી રહેલી અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનોની સંસ્થા ઓક્સ ફામે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં દુનિયાના ૧% જેટલા અતિશ્રીમંતોએ ૪૨ ટ્રિલિયન ડોલર્સ એકઠા કરી લીધા છે. (૧ ટ્રિલિયન એટલે ૧ ઉપર ૧૩ મીંડા - એક ડોલર = આશરે ૧૦૦ રૂપિયા એટલે રૂપિયાના હિસાબે જોઇએ તો ૧ ઉપર ૧૫ મીંડાની રકમ થાય)
આ પરિસ્થિતિમાં ઓક્સફામે આવા અલ્ટ્રરીચ ઉપર ઓછામાં ઓછો ૮% વેલ્થ ટેક્ષ નાખવા ભલામણ કરી છે. અહેવાલ વધુમાં જણાવે છે કે અત્યારે વિશ્વના લગભગ તમામ વિશેષત: ટોચના ૨૦ દેશોનાં અર્થતંત્રો એવી રીતે ગોઠવાયાં છે કે જેવાં શ્રીમંતો શ્રીમંત જ બનતા જાય છે. બીજી તરફ તેઓની ઉપરનું કરભારણ ઐતિહાસિક સ્તરે નીચું ગયું છે, તો ત્રીજી તરફ દુનિયાના અન્ય લોકો માટે રોટીના ટુકડાઓ જ રહે છે.
બાકીના આશરે ૩૦% મધ્યમ વર્ગના છે તે પૈકી બે ટકા ક્રીમીલેયરમાં આવે છે. વિશ્વના ૬૯ ટકા લોકો તો અર્ધભૂખ્યા રહી જીવન ખેંચ્યા કરે.
આ ૬૯ ટકા પૈકીના પણ નીચેના સ્તરે જીવતા લોકો માટે એક વિચારકે કહ્યું હતું. તેઓ જીવનજીવતા નથી. તેઓનું અસ્તિત્વ માત્ર છે. (ધે યાર નોટ લિવિંગ ધે આર જસ્ટ એક્ઝીસ્ટીંગ)
ઓક્સફામે આ ચોંકાવનારા અહેવાલમાં તેમ પણ જણાવ્યું છે કે આ એક ટકાં અલ્ટ્રા રીચ પાસે દુનિયાની ગરીબ જનતાની કુલ મૂડીની અર્ધો અર્ધ મૂડી તો તેઓ જ લઇ જાય છે. દુનિયાના ગરીબોની કુલ મૂડી કરતાં આ એક ટકા જ અતિ શ્રીમંતો પાસે તે કુલ મૂડી કરતાં ૩૬ ગણી વધુ મૂડી છે. આ અતિશ્રીમંતો ઉપર ટેક્સ તો છે જ પરંતુ તે તેમની મૂડીના ૦.૫ ટકા જેટલો જ છે. બીજી તરફ દુનિયાના દરપાંચ અબજોપતિઓ પૈકી ૪ તો જી-૨૦ના સભ્ય દેશોના છે.
દક્ષિણ એટલાંટિક સમુદ્ર તટે આવેલી બ્રાઝિલની પર્વતીય ભૂશિર પર વસેલાં વિશ્વનાં સૌંદર્યધામ પૈકીનાં એક બંદરગાહ રાયો દ જાનીરોમાં આ વર્ષે જી-૨૦ની પરિષદ મળવાની છે. બ્રાઝિલ આ વર્ષે જી-૨૦ના અધક્ષ્ય પદે છે. આ સપ્તાહના ઉત્તરાર્ધમાં શરૂ થનારી આ પરિષદમાં અલ્ટ્રારીચનો મુદ્દો ઉઠાવવામાં આવશે તેવું પણ કહેવાય છે. આ અલ્ટ્રારીચ ટેક્સ જાળ ચૂકવીને જ આટલી અસામાન્ય મિલ્કત ઉભી કરી શક્યા છે. આથી આ પરિષદમાં આ અલ્ટ્રા રીચ અને અન્ય અબજોપતિઓ ઉપર કેવાં પગલાં ટેક્સ દ્વારા લેવાં તે વિષે વિચારવિમર્શ થશે. તેમ એસોસિએટેડ ફ્રી પ્રેસ (એએફપી) જણાવે છે.
આ સૂચનની ફ્રાંસ હીસ્પાતિયા (સ્પેન), સાઉથ આફ્રિકા, કોલંબિયા અને આફ્રિકન યુનિયને તરફદારી કરી છે, પરંતુ દુનિયામાં સૌથી વધુ શ્રીમંતો અને અતિ શ્રીમંતો (રીચ, સુપર રીચ અને અલ્ટ્રારીચ) ધરાવતાં અમેરિકા તેની વિરૂદ્ધમાં છે.
દુનિયાની કેટલીયે એનજીઓ તેની તરફેણ કરે છે.
આ સાથે ઓક્સફામ ઇન્ટરનેશનલના નીતિ વિષયક અધ્યક્ષ મેક્સ લોસન આ અતિ શ્રીમંતો ઉપર ઓછામાં ઓછો ૮% વેલ્થ ટેક્સ નાખવા તો જણાવે જ છે. સાથે કલ્પનાતિત સ્તરે વધી રહેલી અસમાનતા પ્રત્યે ધ્યાને દોરતાં કહે છે કે આ મુઠ્ઠીભર ટોચ પર રહેલાઓની લાલચને નાથવા કોઈ ધોરણો કોઈ વ્યવસ્થા ગોઠવવાં જ પડશે.