વિશ્વમાં દર એક મિનિટે ૧૦ લાખ પાણીની બોટલ વેચાય છે, ૨ અબજ લોકો સ્વચ્છ પાણીથી વંચિત
૧ લિટર બોટલ બંધ પાણી ૨૦ થી ૨૫ રુપિયામાં મળે છે.
પ્લાસ્ટિકની બોટલોમાં હાનિકારક કેમિકલ અને માઇક્રો પ્લાસ્ટિકનો ખતરો
લંડન,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪, શુક્રવાર
એક જમાનો હતો કે લોકો વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ બંધાવતા હતા. ગુજરાતી ભાષામાં સસ્તા દામ માટે પાણીના ભાવે એવો રુઢિપ્રયોગ છે પરંતુ બદલાતા સમયની સાથે પાણી હવે કોમોડિટી વસ્તું બની ગઇ છે. ૧ લિટર બોટલ બંધ પાણી ૨૦ થી ૨૫ રુપિયામાં મળે છે. સ્થાનિક કે દૂરના સ્થળોએ ફરવા ગયા હોય ત્યારે બોટલબંધ પાણી ખરીદવા મજબૂર થવું પડે છે.એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં દર એક મિનિટે ૧૦ લાખ પાણીની બોટલ વેચાય છે.
રોજબરોજ પાણીનું વેચાણ અને માંગ વધી રહી છે.બ્રિટિશ મેડિકલ જર્નલ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર દુનિયામાં ૨ અબજ લોકોને સુરક્ષિત અને પુરતું પાણી મળતું નથી. જે લોકો પાસે પીવાનું પાણી નથી તેમણે બહારથી પાણી ખરીદીને પીવું પડે છે. બોટલબંધ પાણીનો વેપાર કરતી કંપનીઓ બોટલબંધ ખૂબજ સુરક્ષિત અને સ્વાસ્થ્ય માટે સારું હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે હંમેશા સાચું હોતું નથી.
પ્લાસ્ટિકની બોટલોમાં હાનિકારક કેમિકલ અને માઇક્રો પ્લાસ્ટિકનો ખતરો રહે છે. ખાસ કરીને પ્લાસ્ટિક બોટલમાં લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખવું હાનિકારક છે.આ બોટલોનું વેચાણ ના થાય ત્યાં સુધી અસલામત રીતે તડકા અને વધુ તાપમાનમાં રાખવામાં આવે છે આથી તેની ગુણવત્તામાં ફેરફાર થાય છે.કેટલીક બ્રાંડ પાણી નહી અમૃત વેચતી હોય તેવો દાવો કરતી રહે છે.
સંશોધકોનું માનવું છે કે રેસ્ટોરન્ટ અને સાર્વજનિક સ્થળોએ પેયજળ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તેના સ્થાને રિયુઝ હોય તે જરુરી છે. પાણીની ૧૦ બોટલોમાંથી ૯ બોટલોનું રિસાયકલિંગ કરવામાં આવતું નથી.પાણીની વ્યવસાયમાં નફો હોવાથી અનેક ઉધોગ સાહસિકો રોકાણ કરી રહયા છે. સુરક્ષિત પેયજલ માટે ગરીબ દેશોની સરકારોએ પાયાની સુવિધા માટે તાત્કાલિક પગલા ભરવા જરુરી બની ગયા છે.