ગાજામાં થતા હુમલામાં દર ૧૦ મીનિટે ૧ બાળકનું મુત્યુ, છેલ્લા બે મહિનામાં ૧૬૦૦૦ લોકોના મોત
યુધ્ધમાં થયેલા મોતમાં ૬૦ ટકા મહિલાઓ અને બાળકોનો સમાવેશ
જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓના અભાવના પગલે ભૂખમરાની સ્થિતિ
જીનેવા,૬ ડિસેમ્બર,૨૦૨૩,બુધવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અવિરત ચાલતા જંગમાં નિદોર્ષ નાગરિકો અને ખાસ તો બાળકોની સ્થિતિ ખૂબ કફોડી થઇ છે. ગાજામાં હમાસ સામે ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે જેમાં દર ૧૦ મીનિટે એક બાળકનું મુત્યુ થઇ રહયું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીના જણાવ્યા અનુસાર બાળકોના મોત ઇઝરાયેલી સેનાના હુમલાનો જ ભોગ બની રહયા છે. પેલેસ્ટાઇનમાં વિશ્વઆરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ રિચર્ડ પીપરકોર્ને જિનેવા ખાતે યુએન પ્રેસ પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગાજામાં બાળકોના થઇ રહેલા મુત્યુ માનવતા માટે કાળા અધ્યાય સમાન છે.
ટીઆરટીના રિપોર્ટ મુજબ ૨ મહિનામાં ગાજાપટ્ટીમાં ૧૬૦૦૦ લોકોના મોત થયા છે જેમાંથી ૬૦ ટકા મહિલાઓ અને બાળકો છે. ૪૨૦૦૦થી વધુ લોકો યુધ્ધમાં ઘાયલ થયા છે. મેડિકલ સારવાર અને આંતરમાળખાકિય સગવડ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પહેલા હોસ્પીટલોમાં ૩૫૦૦ જેટલા બેડ હતા જયારે હવે ૧૫૦૦ કરતા પણ ઓછા રહયા છે. ઘાયલ લોકો પીડા ભોગવી રહયા છે પરંતુ પાટાપીંડીનો અભાવ છે.
ગાજામાં થયેલા હુમલામાં હોસ્પિટલ તબાહ થઇ ગઇ છે. ગાજામાં દયનીય સ્થિતિ જોતા તાત્કાલિક યુધ્ધવિરામની જરુરીયાત છે. લાખો લોકોએ ઘર છોડીને શરણાર્થી શિબિરોમાં શરણ લેવી પડી છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે એક સપ્તાહ સુધી યુધ્ધવિરામ ચાલ્યા પછી ફરી હુમલાઓ શરુ થઇ ગયા છે. ગાજાપટ્ટીમાં પાયાની સુવિધાઓ મળતી નથી. જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓના અભાવના પગલે માનવતા સંકટમાં છે.