વિશ્વમાં ૧.૩૦ અબજ લોકોને હાઇ બ્લડ પ્રેશર, અડધાને તો ખબર જ નથી
નિયમિત તપાસ કરાવીને હાઇ બીપીની તકલીફ જાણી શકાય છે
છેલ્લા ૩૦ વર્ષમાં હાઇ બીપીના દર્દીઓ બમણા થયા છે - વિશ્વ આરોગ્ય સંસ્થા
વોશિંગ્ટન,૧૭ મે,૨૦૨૪,શુક્રવાર
ભાગદોડભરી જીંદગી, અનિયમિત જીવનશૈલી અને વધતા જતા તણાવના લીધે લોહીના ઉંચા દબાણ (હાઇ બ્લડ પ્રેશર)ની તકલીર વધતી જાય છે. વિશ્વમાં થતા કુલ મુત્યુનું સૌથી મોટું કારણ હાઇ બીપી અને તેને સંબંધિત થતી બીમારીઓ છે. ધમનીની દિવાલો પર સામાન્ય કરતા લોહીનું દબાણ વધારે હોય ત્યારે આ સમસ્યા થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ૧૯૯૦માં હાઇ બીપી ધરાવતા લોકોની સંખ્યા ૬૫ કરોડ હતી જે હવે વધીને ૧.૩૦ અબજ થઇ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે ૫૦ ટકાને તો હાઇબીપી હોવાની જાણ જ નથી. હાઇ બીપીથી કોઇ તકલીફ થાય ત્યારે જ ખ્યાલ આવે છે.નિયમિત તપાસ કરાવતા રહેવાથી હાઇ બીપીનું કારણ જાણી શકાય છે અને સારવાર થઇ શકે છે. ૨૦૦૬થી ૧૭ માર્ચ વિશ્વ હાઇબીપી દિવસ તરીકે ઉજવાય છે. ઉંચા અને નીચા લોહીના સિસ્ટોલિક અને ડાયાસિસ્ટોલિકના માપવામાં જોવામાં આવે છે.
હાઇ સિસ્ટોલિક ૧૪૦ કરતા વધારે જયારે ડાયસ્ટોલિક ૯૦ મીમી એચજી કરતા વધારે હોય છે. ૯૦ થી ૧૨૦ જેટલું લોહીનું દબાણ સમતોલિત ગણવામાં આવે છે. હાઇબીપી હ્વદયરોગ, સ્ટ્રોક, લકવો, વિકલાંગતા અને મુત્યુ તરફ દોરી જાય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં હાઇ બીપી વધારે જોવા મળે છે. મહિલાઓમાં ૩૨ ટકા જયારે પુરુષોમાં ૩૪ ટકામાં લોહીનું ઉંચું દબાણ જોવા મળ્યું હતું.
હાઇબીપીથી દર વર્ષે ૧.૦૮ કરોડ લોકોના મુત્યુ થાય છે. ૨૦૧૯માં થયેલા એક સર્વેમાં ૧૦.૪ કરોડ યુવાઓને હ્વદય સંબંધી બીપીની સમસ્યા જોવા મળતી હતી. ખાનપાન, વ્યાયામ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને હાઇ બીપીની બીમારીને નિયંત્રિત કરી શકાય છે. જરુર પડે નિયમિત દવાઓ લેવી અને પરેજી પાડવી પડે છે.