સરદાર પટેલને કદી 'લોખંડી પુરૂષ' કહેશો નહીં...
- અર્જુન જેવા વલ્લભભાઈ હોય, ત્યાં વિજય તો સામે ચાલીને આવે
- કુછ સંભલકર હમ ચલે, કુછ સાથ થી માં કી દુઆ
ઈસ તરહ સે જિંદગી કી સભી મુશ્કિલે સહતે રહે.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલો મહા અન્યાય કર્યો છે આપણે? સરદાર પટેલને માટે જ્યાં અને ત્યાં, જ્યારે અને ત્યારે, કોઈપણ વાતને પ્રારંભે 'લોખંડી પુરુષ' એવું વિશેષણ પ્રયોજાય છે. સરદારને 'લોખંડી પુરુષ' કહી શકાય ખરા? આ વિશેષણ સરદારના વ્યક્તિત્વને યથાર્થ રીતે પ્રગટ કરે છે ખરું?
હકીકત તો એ છે કે સરદાર જેવા વીર અને સાહસિક હતા, એટલા જ ઉદાર અને ક્ષમાવાન હતા. જેવા કાર્યદક્ષ એટલા જ હૃદયના પ્રેમાળ. જેટલા સંકલ્પવાન એટલા જ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન. સરદારની ઈશ્વરશ્રદ્ધા વિશે જરા વિચારીએ!
૧૯૩૩ની પહેલી જૂને સરદાર વલ્લભભાઈ પટેલે લખ્યું, '(ઈશ્વરની) દયા મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ સતત પ્રયત્ન કરવો... ઈશ્વરનો પાડ માનવો અને એને શરણે જઈ જીવનને જેટલું નિર્મળ કરી શકાય તેટલું બનાવવા પ્રયત્ન કરવો.'
સરદારે એમના અવસાન પૂર્વે નવેક મહિના અગાઉ એક પત્રમાં લખ્યું, 'દુનિયા પ્રલયને માર્ગે દોડી રહી છે. એમાંથી કેમ બચી શકાય એ તો ઈશ્વરના હાથમાં છે, પણ પુરુષાર્થ કરવો એ આપણું કામ છે.'
આવા સરદાર વલ્લભભાઈને માટે 'લોખંડી પુરુષ' વિશેષણની કલ્પના ક્યાંથી આવી હશે? એનું મૂળ કદાચ 'ઉત્તરરામચરિત' નાટકમાં ભવભૂતિએ પ્રયોજેલી ઉક્તિમાં હોઈ શકે. એ નાટકમાં રામના હૃદયને માટે 'વજ્રાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ' એવું કહેવાયું છે. એનો અર્થ છે : વ્રજથી પણ કઠોર હૃદય ધરાવતા અને પુષ્પથી પણ સુકોમળ હૃદય ધરાવતા.'
જો 'વજ્ર' અને 'પુષ્પ' બંનેને સાથે રાખીને વિચાર કરવામાં આવ્યો હોય તો એવું વિશેષણ સરદારને માટે યોગ્ય થાત, પરંતુ આપણે એમાંથી માત્ર અપ્રસ્તુત એવો પ્રથમ ભાગ જ લઈ લીધો અને એમાંથી 'લોખંડી પુરુષ' જેવું વિચિત્ર વિશેષણ ઘડી કાઢ્યું. એનાથી આગળ વધી અંગ્રેજીમાં એમને 'આયર્ન મૅન' કહ્યા.
સરદારના વ્યક્તિત્વને સરખાવવા માટે એમની ઑલિવર ક્રોમવેલ અને બિસ્માર્ક સાથે તુલના કરવામાં આવી. તુલના કરનારાઓને એનાથી આગળ વધીને છેક મેક્યાવેલી અને હિટલર સાથે સરદારની તુલના કરી છે. સરદારને હિટલર સાથે સરખાવનારાને જવાબ આપવાનું ઉચિત નથી. એમને બિસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે, જે બિસ્માર્કે ૮૦ જેટલા સુબાઓને દબાવીને ભારતના સંદર્ભમાં નાનકડા ખોબા જેવા જર્મનીનું એકીકરણ કર્યું હતું. આને માટે એણે બેધડક બનીને હિંસા અને હત્યાનો આશરો લીધો. આવા જુલ્મગાર, લોહીતરસ્યા બિસ્માર્ક સાથે કઈ રીતે સરદારની સરખામણી થઈ શકે?
અફસોસ તો એ વાતનો છે કે આવી તુલનાઓનો ગુજરાતે વિરોધ કર્યો નથી. બલ્કે એણે પણ 'લોખંડી પુરુષ' એવા વિશેષણની પોતાના મહાન પનોતા પુત્રને પોંખ્યા છે.
ગુજરાતના પ્રસિદ્ધ નાટયવિદ્ ચંદ્રવદન મહેતાએ આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં નોંધ્યું છે કે ગુજરાતના રાજ્યપાલશ્રીએ સરદારનો પરિચય 'લોખંડી પુરુષ' તરીકે આપવાની સાથોસાથ એમ પણ કહ્યું હતું કે 'બધી જ મહાન વ્યક્તિઓ લોખંડી પુરુષ હોય છે.'
આની સામે ચંદ્રવદન મહેતાએ સવાલ પણ ઊઠાવ્યો હતો કે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, શંકરાચાર્ય, આર્ય ભટ્ટ, અકબર, નરસિંહ, અખો, દાદાભાઈ નવરોજજી, જમશેદજી ટાટા, શ્રીમદ્ રાજચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી - એવી અનેક વ્યક્તિઓ થઈ ગઈ, તે બધાને લોખંડી પુરુષ શી રીતે કહેવાય?
આમ સરદારને 'લોખંડી પુરુષ' વિશેષણ આપ્યું, પણ એનું ઓચિત્ય પારખવામાં વિવેકી ગુજરાત ઊણું ઉતર્યું છે. મૂળ શબ્દ હતો વજ્રથી પણ કઠણ હૃદય ધરાવતા. એનું સાવ અવળું પરિવર્તન કર્યું અને 'વજ્ર'નો અર્થ 'લોખંડ' કર્યો. 'વજ્ર'નો અર્થ ઈંદ્રનું હથિયાર અથવા તો હીરો થાય છે, તો તેનું સરદારને માટે લોખંડમાં રૂપાંતર કોણે કર્યું?
બીજી એક બાબત એ છે કે 'લોખંડી' શબ્દથી સરદારની દ્રઢતા પ્રગટ થતી નથી. લોખંડી માણસોને ઈતિહાસમાં હિંસાનો આશરો લીધો છે. લોખંડી શબ્દમાં દ્રઢતાની સાથે કઠોરતા અને નિર્દયતા સામેલ છે એનો ખ્યાલ આપણને બિસ્માર્કના પરિચયથી થયો છે.
સરદાર પાસે આફતોની વચ્ચે અડગ રહે એવું દ્રઢ મનોબળ હતું. એવા દ્રઢ મનોબળધારી વ્યક્તિને લોખંડી પુરુષ કહી શકાય નહીં. યુરોપમાં જેમને 'આર્યન મેન' કહેવામાં આવે છે. તેઓએ સહેજપણ હિચકિચાટ વિના હિંસાનો આશરો લીધો હતો. 'આયર્ન મેન'નું ભળતું ગુજરાતી 'લોખંડી પુરુષ' કરીને સરદારની વિરાટ પ્રતિભાને ઘણો અન્યાય કર્યો છે. પારાવાર આશ્ચર્યની એ વાત છે કે સરદાર પટેલને બિરદાવતા ગુજરાતી કાવ્યોમાં પણ એમને 'હે લોહપુરુષ' એવું સંબોધન કરવામાં આવ્યું છે. સરદાર વિષે બીજા કેટલાક ઉલ્લેખો જોઈએ.
બારડોલીના સત્યાગ્રહ વખતે અંગ્રેજોએ વલ્લભભાઈને લેનિનનું તખલ્લુસ આપ્યું હતું. ગુજરાતના સાક્ષર ઉમાશંકર જોશીએ કૌટિલ્યને ટાંકીને સરદાર પટેલને 'આત્મવત્તાવાળો પુરુષ' કહ્યા છે. નરસિંહરાવ દિવેટીયા અને એચ.એમ.પટેલે સરદારને માટે ગીતા અને રામાયણનો સાથ લીધો છે. એચ. એમ. પટેલે ેએમનાં ભાષણોમાં ગાંધીજીને રામ સાથે અને સરદાર પટેલને હનુમાન સાથે સરખાવ્યા હતા. સાક્ષર નરસિંહરાવ દિવેટીયાએ શ્રીકૃષ્ણ જેવા ગાંધીની પડખે અર્જુન જેવા વલ્લભભાઈ હતા, એવી ઉપમા આપીને નોંધ્યું છે કે જ્યાં આવું હોય ત્યાં વિજય તો હોય જ.
આ ઉપમામાં પણ એક સવાલ જાગે છે. અર્જુનની સામે અનેક મહારથીઓ હતા, પોતાના બાંધવો હતા, ભીષ્મ, દ્રોણ, જયદ્રથ અને કર્ણ હતા, પરંતુ એ તમામ કુરુક્ષેત્રના રણમેદાનમાં એકત્રિત થયા હતા. વળી, આ બધાની સામે યુદ્ધ ખેલવાનું છે, એ વિચારથી અર્જુનનાં ગાત્રો શિથિલ થઈ જાય છે. શરીરે કંપારી થઈ પરસેવો વળે છે. યુદ્ધના મેદાનમાંથી પાછા ફરવાનું વિચારે છે.
આ સંદર્ભમાં સરદાર વલ્લભભાઈ સામે કઈ પરિસ્થિતિ હતી? સરદારની સામે એક-બે રાજ્ય નહીં, પણ પુરા સાડા પાંચસો જેટલાં રાજ-રજવાડાંઓ હતાં. આવી સ્થિતિ હોવા છતાં ક્યારેય સરદારને કંપારી થઈ નથી. ક્યારેય પરિસ્થિતિ જોઈને પરસેવો છૂટયો નથી. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું, ત્યારે સરદાર વલ્લભભાઈએ મહાત્મા ગાધીજી કે અન્ય કોઈને પૂછ્યા વિના સ્થિર બુદ્ધિથી પોતાનો જંગ ખેલ્યો. અર્જુનની સામે કૌરવ સેના હતા. જ્યારે સરદાર પટેલની સામે સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ અજમાવી શકતા આખા હિંદુસ્તાનના રાજાઓ હતા. કાવાદાવા, દાવપેચ અને કૂડકપટ કરનારા એમના દીવાનો હતા. બેફામ દમન કરવાની એમની પાસે સત્તા હતી.
જનાબ ઝીણાનો ભાગલાવાદી અભિગમ હતો. 'મનસ્વી' કે 'કોમવાદી' કહીને સરદારની પ્રતિભાને ખંડિત કરવા માનનારાં તત્ત્વો વિરોધીની છાવણીમાં તો હતા જ, બલ્કે ખુદ કોંગ્રેસ પક્ષમાં પણ એમના વિરોધીઓ હતા. અંગ્રેજોની બદદાનત ક્યાં ઓછી હતી? અંગ્રેજો રાજ-રજવાડાને મોકળું મેદાન આપીને દેશને ખંડિત કરવા ચાહતા હતા. આમ અર્જુન કરતાં પણ સરદારને વધુ વિરોધીઓ અને વધુ કસોટીઓનો સામનો કરવાનો હતો.
વળી, બારડોલીના આ વીરનું કામ થોડું અઘરું હતું. શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે વિષ્ટિ કરવા ગયા, ત્યારે શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રનો મહાસંહાર નિવારવાનો એક ઉપાય બતાવ્યો. એમણે દુર્યોધનને કહ્યું કે, 'જો તું પાંચ ગામડાં પાંડવોને આપી દે, એનાથી એમને સંતોષ થશે. બાકીનું રાજ તું સંભાળ.' આ સમયે દુર્યોધને એમ કહ્યું કે, 'પાંચ ગામ તો શું, પરંતુ સોયની અણી જમીન પર ઊભી રહે તેટલી જમીન પણ હું પાંડવોને આપવાનો નથી.'
પોતાના રાજની જમીન માટેની ચાહના કેટલી હોય છે તે છેક મહાભારતના કાળથી જોવા મળે છે. આવી જમીન માટે યુદ્ધો થયાં. વિદેશી શાસન આવ્યું. એ જમીનને અને એ રાજને સરદારે એમની પાસેથી લઈ લીધા. એની પાછળ એમની કેટલી કુનેહ હશે! બાકી અંગ્રેજોએ તો દેશ છોડતી વખતે દેશી રાજરજવાડાંઓને એમ કહ્યું હતું કે 'તેઓ ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અને ઈચ્છે તો સ્વતંત્ર રહી શકે છે.'
આવે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે આ રાજાઓને કુશાગ્ર બુદ્ધિથી સમજાવ્યા. એમના હૃદયમાં રહેલી રાષ્ટ્રભાવનાને જાગ્રત કરી. કેટલાકે સામે ચાલીને પોતાનું રાજ સમર્પિત કર્યું, કેટલાકે સરદારની સમજાવટભરી સલાહ માથે ચડાવી. થોડાક ન માન્યા એમની સામે સરદારે મક્કમ પગલાં લીધાં. આ રાજાઓએ સરદારને પોતાનું રાજ સોંપ્યું, એટલું જ નહીં, પણ એમને પોતાના સાચા માર્ગદર્શક માન્યા. ઘણા રાજાઓ એમને પોતાના મોટાભાઈ સમાન ગણતા હતા. સવાલ એ થશે કે સરદારને શું કહીશું? કોની સાથે સરખાવીશું? બિસ્માર્ક, હિટલર, મેકિયાવેલ કે અર્જુન સાથે? સરદારની કોઈ સાથે તુલના થઈ શકે એમ નથી. સરદાર તો અખંડ ભારતના ભાગ્યવિધાતા કે નૂતન ભારતના શિલ્પી ગણાય.
પ્રસંગકથા
દોષનો ટોપલો બીજાને માથે
અદાલતમાં કેસ ચાલતો હતો. ન્યાયાધીશે ચોરીના આરોપસર પકડી લાવવામાં આવેલા યુવાનને પૂછ્યું, 'તમે સાચું બોલો, ખરેખર તમે ગુનેગાર છો કે બેગુનાહ છો?'
યુવાને દયામણા ચહેરે કહ્યું, 'સાહેબ, મેં કોઈ ચોરી કરી નથી, કોઈ ગુનો કર્યો નથી. હું સાવ નિર્દોષ છું.'
ન્યાયાધીશે વધુ કડકાઈથી પૂછ્યું, 'જુઓ, તમે મને એ કહો કે આ અગાઉ તમે ક્યારેય કોર્ટમાં આવ્યા છો ખરા? ગુનેગાર તરીકે આવા પંજરામાં ઊભા રહેવું પડયું છે ખરું?'
યુવાને કહ્યું, 'જજ સાહેબ, મને માફ કરો. અગાઉ ક્યારેય અદાલતમાં આવ્યો નથી. આ મારી પહેલી ચોરી છે.'
યુવકની વાત સાંભળીને જજ સાહેબ માંડ હસવાનું રોકી શક્યા, પરંતુ કોર્ટમાં ઉપસ્થિત બીજા બધા ખડખડાટ હસી પડયા.
જજ સાહેબે મેજ પર હથોડી લગાવતાં કહ્યું, 'ઓર્ડર, ઓર્ડર.'
યુવાન વિચારમાં પડયો અને બોલ્યો, 'બે ટોસ્ટ એક કડક-મીઠી ચા !'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે કોર્ટમાં યુવાન જે રીતે પોતાની નિર્દોષતા સાબિત કરે છે. એ રીતે આજે દેશનાં તંત્રોમાં પણ આવી નિર્દોષતા સાબિત કરવાની હોડ ચાલી છે.
એ પૂરની ભયાનક ઘટના હોય, પુલ તુટવાની ગમખ્વાર ઘટના હોય કે પછી કોઈ હચમચાવનારી સામાજિક દુર્ઘટના હોય - બધે જ પહેલાં તો અધિકારીઓ પોતે નિર્દોષ હોવાનું જાહેર કરે છે. કેટલાક કહે છે કે આ ષડયંત્રની અમને જાણ જ નહોતી અને કેટલાંક કહે છે કે એની ચકાસણી કરવી એ અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. કોઈ કહે છે કે આ અમારા વિભાગનું કામ નથી, તો કોઈ કહે છે કે આ તો ક્લાર્કથી થયેલી ભૂલ છે.
આમ જવાબદારી સ્વીકારવાને બદલે દોષલો ટોપલો બીજાનાં માથે મુકવાની હોડ ચાલે છે અને તેને પરિણામે કોઈ પણ દુર્ઘટનાની એટલી લાંબી તપાસ થાય છે કે કાં તો દોષિત મળતા નથી અથવા તો કોઈ સામાન્ય માનવીને દોષિત કહેવામાં આવે છે.
આપણા તંત્રોની આ અતંત્રતાએ વ્યક્તિ, સમાજ અને દેશને કેટલી મોટી હાનિ પહોંચાડી છે.