જેનાથી મને હુલાવી દેવા ચાહતો હતો, તે છરો મારા હાથમાં આપ્યો
- ગાંધીજી અને કસ્તૂરબા જાહેર લિમિટેડ કંપનીના શેરહોલ્ડર હતા
- જરૂરત ક્યા મેરે અશ્કોં કો લફઝોં કે સહારે કી,
કિ અક્સર આંસુઓંને માજરે દિલ કે સુનાયે હૈ.
કદી કલ્પના પણ કરી ન હોય એવા સ્થળે કોઈ હૃદયસ્પર્શી ચિત્ર જોવા મળે, ત્યારે મન પારાવાર આશ્ચર્યમાં ડૂબી જાય છે! વેટિકન શહેરમાં ધર્મદર્શનની ચર્ચા માટે જ્યારે પોપ જહોન પોલ (દ્વિતીય)ને મળવાનું બન્યું, ત્યારે એમણે અમને સહુને ઉમળકાભેર આવકાર આપ્યો અને એથીયે વિશેષ જૈનદર્શનનાં પુસ્તકો સ્નેહભાવે સ્વીકાર્યા, પણ ખરું આશ્ચર્ય તો ત્યારે થયું કે એની પોન્ટીફિશિયલ કાઉન્સિલના વિશાળ ખંડમાં અમારી બેઠકનો પ્રારંભ થતો હતો, ત્યારે સામે મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર હતું, જેમાં ગાંધીજી દુઃખીઓને, દલિતોને અને ધર્મગુરુઓને મળતા હતા.
એવી જ રીતે આફ્રિકાના કેન્યાના થિકા કે નકુરુ જેવાં દૂરનાં ગામડાંમાં પ્રવાસ કરતી વખતે નેલ્સન મંડેલાના નામનો ઉચ્ચાર કરીએ, તે પહેલાં સામેની આફ્રિકન વ્યક્તિ મહાત્મા ગાંધીજીનું સ્મરણ કરાવતી હતી. અમેરિકાનાં યુનાઈટેડ નેશન્સના ચેપલમાં સતત એ પ્રશ્ન પૂછાતો હોય છે કે રોજેરોજની હિંસાથી અમે કાયર બની ગયા છીએ. હવે ગાંધીજીની અહિંસક વીરતાનો રસ્તો અમને સમજાવો અને એ અહિંસક વીરતાની વાત થતાં જ ચિત્તમાં અહિંસાના સંદર્ભમાં ગાંધીજીના એક અજાણ્યા પ્રસંગનું સ્મરણ જાગે છે.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી જનસભામાં ગાંધીજીએ એક માણસને અંધારા ખૂણામાં ઊભેલો જોયો. એમની નજર એના પર ચોંટી ગઈ. સભા પૂર્ણ થયા બાદ ગાંધીજી એની પાસે ગયા અને એના હાથમાં પોતાનો હાથ લઈને શાંત, સ્વસ્થ અને ગંભીર અવાજે કંઈક કહેવા લાગ્યા. પેલો માણસ થોડી વાર અચકાયો, ખચકાયો અને પછી સહેજ વળીને ગાંધીજી સાથે ચાલવા લાગ્યો.
બંનેએ એકબીજા સાથે વાતો કરી. એ સમયે ગાંધીપ્રવૃત્તિમાં રસ ધરાવનારા મિલી ગ્રેહામ પોલાક ગાંધીજી સાથે હતા. તેઓ આ બંનેની ભાષા જાણતા નહોતા, તેથી એમની વચ્ચે શું વાત થઈ તે સમજી શક્યા નહીં. ગાંધીજી અને પેલો અજાણ્યો શખ્સ ચાલતા રહ્યા અને વાતો કરતા રહ્યા. મહોલ્લાને છેડો આવ્યો ત્યારે એ માણસ ગાંધીજીના હાથમાં કંઈક આપીને ચાલતો થયો.
મિલીને કશું સમજાયું નહીં એટલે ગાંધીજીને પૂછ્યું,'એને શું જોઈતું હતું? કોઈ ખાસ માગણી લઈને આવ્યો હતો.'
ગાંધીજીએ કહ્યું,'હા, એ માણસ જીવ લેવા આવ્યો હતો.'
'શું જીવ લેવા? તમારો જીવ લેવા? ઓહ, કેટલું બધું ભયાવહ! શું એ પાગલ છે?'
'ના, એ માને છે કે હું અમારા લોકોની જોડે દગો રમી રહ્યો છું. સરકાર જોડે ભળીને હિંદુઓનું અહિત કરવા માગું છું. અને તેમ છતાં તેમનો મિત્ર અને નેતા હોવાનો ડોળ કરું છું.'
'આવું માનવું એ તો નરી દુષ્ટતા. કેવી ભયાનક વાત! આવાને તો પકડીને પોલીસ પાસે પકડાવી દેવા જોઈએ. તમે શા માટે એને આમ જવા દીધો? પાગલ હોવો જોઈએ એ!'
ગાંધીજીએ કહ્યું,'ના, એ પાગલ નથી. માત્ર વહેમાયેલો છે. આથી મેં એની સાથે વાત કરી, પછી એણે છરો મારા હાથમાં આપી દીધો. એ જ છરો કે જે એ મને હુલાવી દેવા ચાહતો હતો.'
'એણે તમને અંધારામાં છરાનો ઘા કર્યો હોત તો?'
અધવચ્ચે જ ગાંધીજી બોલી ઊઠયા, 'આટલા બધા ગભરાઈ જાવ નહીં. એના મનમાં એમ હતું કે હું આને છરો ભોંકીને મારી નાખું, પરંતુ એનામાં એમ કરવાની હિંમત નહોતી. એ મને જેટલો ખરાબ માનતો હતો, એટલો ખરાબ હું હોઉ તો મરવાને લાયક જ ગણાઉં. પણ હવે આ વિશે વધારે ફિકર કરવાની જરૂર નથી. આ કિસ્સો પૂરો થયો. હું નથી માનતો કે એ માણસ ફરી મને ઘાયલ કરવાનો પ્રયત્ન કરે. મેં એને પોલીસ પાસે પકડાવ્યો હોત તો એ મારો શત્રુ બની જાત, પણ હવે એ મારો મિત્ર બનશે.'
ગાંધીજીની આવી અભયવૃત્તિથી અજાયબી પામતી દુનિયા એમને ચમત્કારિક માનતી હતી. ગાંધીજી ૧૯૨૫ના મે માસમાં ઢાકામાં હતા, ત્યારે ૭૫ વર્ષનો એક વૃદ્ધ પુરુષ ગાંધીજી પાસે આવ્યો અને એમને વિનંતી કરી કે ગાંધીજી એના માથે હાથ મૂકે. ગાંધીજીએ ધાર્યુ કે તેઓ આટલું કરશે એટલે ચાલ્યો જશે, પરંતુ એ વૃદ્ધ તો અત્યંત રાજી થઈને ગાંધીજીના પગ આગળ આળોટવા માંડયો. એના ગળામાં ગાંધીજીની છબી હતી. એ બોલ્યો, 'દસ વર્ષથી મારા પગ સાવ જૂઠ્ઠા થઈ ગયા હતા. કેટલીય દવાઓ કરી પણ દર્દ મટે નહીં, પણ એ પછી તમારું નામ લીધું અને હવે જુઓ, હું ચાલી શકું છું.'
ગાંધીજીએ એને પાસે બેસાડયો અને સમજાવ્યો કે,'ભગવાને જ તને સારો કર્યો છે. ગાંધીમાં કોઈને સારો કરવાની તાકાત નથી.'
ક્યારેક ગાંધીજીના ઉત્તર કોઈ અનોખી ઘટના પણ સર્જતા હતા. ગાંધીજી બેંગ્લોરમાં હતા, ત્યારે એક બહેને આવીને એમનાં ચરણોમાં કેળાં અને દ્રાક્ષ ધર્યા. એ બહેન નિઃસંતાન હતી અને એણે રાજગોપાલાચારીને કહી રાખેલું કે સંતાનપ્રાપ્તિ થાય તેવો આશીર્વાદ ગાંધીજી એને આપે તેવી ભલામણ કરે. રાજાજીએ આ વાત ગાંધીજીને કરી અને સ્ત્રીની ઇચ્છાની પણ વાત કરી, ત્યારે ગાંધીજીએ રાજાજી મારફત કહ્યું કે,'આ મ્હેસૂર રાજ્યમાં કેટલાય બાળકો છે, એમાંથી એકાદને દત્તક લઈને ઉછરો.'
રાજગોપાલાચાર્યએ એ બહેનને સંદેશો કહ્યો અને એ બહેને તો જાણે સંતાનપ્રાપ્તિનો ઉપાય મળી ગયો તેમ ખુશ-ખુશ થઈ ગઈ.
ગાંધીજીના નામનો એવો મહિમા હતો કે,'એક શેરહોલ્ડરે ગાંધીજી અને કસ્તૂરબાનાં નામે શેર ખરીધાં હતાં. એ કંપની ૧૯૩૭માં સ્થપાઈ હતી અને એના સ્થાપકે એ ફેક્ટરી ખરીદી હતી. ફેક્ટરીના દફતરે ગાંધીજી અને કસ્તૂરબાનાં નામે અમુક શેરો નોંધવામાં આવ્યા હતા. ગાંધીજીની હત્યા પછી પણ આ શેરો એમના નામે ચાલુ રહ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે ગાંધીજી કોઈ કંપનીના શેરહોલ્ડર હોય એવી માહિતી ક્યાંય મળતી નથી. ફેક્ટરી ખરીદનારે ભક્તિભાવે કસ્તૂરબા અને ગાંધીજીના નામે શેરો ખરીધા હતા. આમ ગાંધીજી એક જાહેર લિમિટેડ કંપનીમાં શેરહોલ્ડર હતા.'
ગાંધીજી બંને હાથે પત્ર લખતા અને જમણા હાથે લખતા થાકી જાય તો ડાબા હાથે લખતા. સાંકડા ખાડાવાળા રસ્તા પર ચાલતી મોટરમાં, ઝડપથી ચાલતી રેલ્વેમાં કે સમુદ્રમાં ડોલતા જહાજ પર પણ તેઓ લખતા હતા. એમનું પ્રથમ પુસ્તક 'હિંદ સ્વરાજ એમણે દરિયાઈ સફર કરતી વખતે જહાજમાં લખ્યું હતું. પત્રો લખવા માટે ફાઉન્ટેન પેન વાપરતા નહીં અને ખાદીની થેલીમાં પત્રોની સામગ્રી રાખતા હતા. આ ખાદીની થેલી સદાય એમની સાથે રાખતા.
એમાં એક વાર એમના ભક્તે પત્ર લખ્યો, 'રાત્રે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મેં શ્રીકૃષ્ણને જોયા. શ્રીકૃષ્ણએ મને કહ્યું કે, 'ગાંધીને કહો કે હવે એમના જીવનનો અંત નજીક આવી ગયો છે. આથી બીજા બધા કામ પડતા મૂકીને માત્ર ભગવદ્ ભજનમાં લાગી જવું જોઈએ.'
ગાંધીજીએ એ સજ્જનને આપેલો માર્મિક જવાબ આજે પણ એટલો જ અર્થપૂર્ણ છે. એમણે લખ્યું, 'ભાઈ, હું તો એક ક્ષણ માટે પણ ભગવાનનું ભજન ભૂલતો નથી, પણ મારે તો લોકસેવા એ જ ભગવાનનું ભજન છે. બીજી વાત, શું સમય નજીક આવી ગયો છે એટલા માટે જ ભગવાનનું ભજન કરવાનું છે? હું તો એવું માનું છું કે આપણો જન્મ થાય એ જ ઘડીથી આપણી ગરદન યમરાજાના હાથમાં હોય છે. પછી ભગવાનનું ભજન કરવા માટે આપણે વૃદ્ધાવસ્થા સુધી શું કામ રાહ જોવી જોઈએ? ભગવાનનું ભજન તો આપણે દરેક અવસ્થામાં કરવું જોઈએ.'
અમેરિકામાં રહેતી એક સ્ત્રી મૃત્યુ પામી, ત્યારે એના કુટુંબીજનોને અત્યંત આઘાત લાગ્યો. એની એક પુત્રીને કાંઈક એમ થઈ આવ્યું કે ગાંધીજી એની માતાને સજીવન કરી શક્શે, એટલે એમ કરવા માટે ૧૯૨૮ના ૨૫ એપ્રિલના રોજ એક આજીજીભર્યો લાંબો પત્ર લખ્યો અને ગાંધીજીનું અમેરિકાની મુસાફરીનું ખર્ચ કરવાની તત્પરતા દાખવી. લાંબા કાગળમાં અંતે લખ્યું,'આપનાથી ન આવી શકાય તો ત્યાંથી જીવનદાન મોકલો અગર આપનામાં જે શક્તિ છે તે શક્તિવાળા આપના કોઈ અનુયાયીઓને મોકલો. આપ ધારો તો મારી માને જીવતી કરી જ શક્શો. આપનામાં એ શક્તિ છે જ!'
આનો શું જવાબ આપવો? એ યુવતીના લાંબાલચ કાગળનો ટૂંકોટચ જવાબ આપતાં લખ્યું ઃ 'મારામાં આવા ચમત્કારો સર્જવાની શક્તિ છે એવી વાત કોણે વહેતી મૂકી એની મને ખબર નથી.. હું બીજા બધા માનવો જેવો એક સીધો, સાદો, મરણાધીન અને નબળાઈઓથી ભરેલો મનુષ્ય છું. મારામાં કોઈ અસામાન્ય શક્તિઓ નથી!'
એક સમયે અમેરિકાના વધુમાં વધુ અખબારોમાં કાર્ટૂનિસ્ટ મોડલિંગનું એક ઠઠ્ઠાચિત્ર પ્રગટ થયું હતું. એમાં માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) સ્વર્ગમાં દાખલ થાય છે અને મહાત્મા ગાંધીજીને મળે છે, ત્યારે ગાંધીજી કહે છે,'ડો.કિંગ, આ ખૂનીઓ વિશે વિચિત્ર વાત એ છે કે એ લોકો એમ માને છે કે એમણે તમારી હત્યા કરી છે.'
આ ઠઠ્ઠાચિત્ર દોરનારે માર્મિક રીતે એ સૂચવી દીધું છે કે વ્યક્તિની હત્યા થઈ શકે, પણ વિચારોની હત્યા કદી કરી શકાતી નથી.
ગાંધીજીએ મનુષ્યજાતિના અંતરાત્માના પ્રવક્તા હતા અને એથી જ ગાંધીજી આજે પણ જીવતા-જાગતા છે. એમના એ શબ્દો 'જ્યાં સુધી મારી શ્રદ્ધા જ્વલંત અને ઉજ્જવળ રહેશે અને હું આશા રાખું છું કે હું એકલો પડી જઈશ તો યે એવી રહેશે, ત્યાં સુધી હું કબરમાં પણ જીવતો હઈશ, એટલું જ નહીં, ત્યાંથી બોલતો હઇશ.'
પ્રસંગકથા
લાઈક અને સબસ્ક્રાઇબર પાછળ દિવાની દુનિયા
નવોદિત લેખક અને સંપાદક વચ્ચે નવલકથાના નામ વિશે તીવ્ર વિવાદ સર્જાયો. નવોદિત લેખક પોતાની નવલકથાનું નામ 'રોશનીનું રહસ્ય' રાખવા ઇચ્છતો હતો, પરંતુ 'રોશની' શબ્દ સાથે 'રહસ્ય' શબ્દ સહેજે મેળ પડતો નથી, તેથી એમણે એ શીર્ષકનો અસ્વીકાર કર્યો.
નવલકથા-લેખકે બીજું શીર્ષક 'પ્રકાશના પંથે' એવું કહ્યું. તો સંપાદકે કહ્યું કે આ રોમાંચક પ્રણયકથા માટે યોગ્ય શીર્ષક નથી. કોઈ યોગીની આધ્યાત્મિક કથા હોય તો આવું શીર્ષક ચાલે.
આમ લેખક જે કોઈ શીર્ષક પસંદ કરે, એને સંપાદક અમાન્ય કરે. એવામાં એક અનુભવી લેખક આવ્યા. એમણે આ વિવાદની વાત સાંભળીને નવોદિત લેખકને પૂછ્યું, 'તમારી આ નવલકથામાં ક્યાંય ઢોલનો ઉલ્લેખ છે ખરો ?'
નવોદિત લેખકે કહ્યું,'આમાં પ્રણયની વાત છે, પણ લગ્નની વાત નથી. માટે ઢોલનો ક્યાંય ઉલ્લેખ નથી.'
અનુભવી લેખકે પૂછ્યું,'ક્યાંય નગારાનો ઉલ્લેખ છે ખરો ?'
નવોદિત લેખકે કહ્યું, 'ના, ક્યાંય નગારાનો ઉલ્લેખ પણ આવતો નથી.'
અનુભવી લેખકે કહ્યું, 'બસ તો આ નવલકથાનું શીર્ષક 'ન ઢોલ, ન નગારા' રાખો!'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે સોશિયલ મીડિયાએ માનવીની માનસિક અને બૌદ્ધિક ક્ષમતા પર એટલો બધો આઘાત કર્યો છે કે નવલકથાના નકારાત્મક શીર્ષકની જેમ એનો ઉપયોગ કરનારને ઘેરી લીધો છે. સાડા પાંચ ઇંચના મોબાઈલે માનવીને લાઈક અને સબસ્ક્રાઈબર પાછળ દીવાનો કરી દીધો છે. એના પર સહજ રીતે મળતા અશ્લીલ કોન્ટેન્ટ સામે આજે કાયદો પણ લાચાર બની ગયો છે અને કિશોરો અને યુવાનો પર એનો ભારે દુષ્પ્રભાવ મળે છે. વળી, ભૂલથી કોઈ એક કોન્ટેન્ટ જોઈ જાય, તો 'ગુપ્તચરો' એના પર એવા કન્ટેન્ટનો મારો ચલાવે છે.
ઇન્સ્ટાગ્રામે ફેલાવેલી અશ્લીલતા એટલી બધી બહેકી ગઈ છે કે ગામડાંની ગૃહિણીઓ અશ્લીલ ગીત પર અશ્લીલ નાચ કરતી હોય છે. ડિજિટલ મીડિયાનો ઉપયોગ લાભદાયી જરૂર છે, પરંતુ એનાથી ગેરલાભ વધુ થયો છે. આથી તો 'ઓક્સફર્ડ વર્ડ ઓફ ઇયર' તરીકે 'બ્રેઇન રોટ' અર્થાત્ માનવીના મગજને સડી નાખનારી સામગ્રી માટે એનો ઉપયોગ થયો છે અને ગયા વર્ષે આ શબ્દનો ૨૩૦ ગણો વધુ વપરાશ થયો છે ! સોશિયલ મીડિયાના આ 'બ્રેઇન રોટ'માંથી લોકોને કોઈ બચાવશે ખરું?