એક રૂપિયાનું પણ દાન કરવું પડયું નહીં
- પ્રસિદ્ધિના આશય વિના કાર્ય કરવું તે જ સાચું પબ્લીક રિલેશન્સ!
- જેઆરડી તાતા
- આપ મેરા હિસાબ રખતે હૈ,
વક્ત કા ક્યા જવાબ રખતે હૈ.
- ઉદ્યોગપતિ પાસે ઉદાર હ્ય્દય અને દિલની પ્રામાણિકતા હોય તો તે કેટલી પ્રગતિ સાધી શકે છે અને એમના ઉદ્યોગો કેટલા નફાકારક બની શકે છે, તેનું ઉદાહરણ જેઆરડી તાતાનું નેતૃત્વ ગણી શકાય. તેઓ માનતા કે, 'જે લોકો ભવિષ્યની જરૂરિયાતો સમજી શકે છે, એમને જ ભવિષ્યમાં સફળતા મળે છે.'
કેટલીક પરંપરા એવી હોય છે કે તે જોઈને આપણું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જાય. ભારતમાં એવી પારસી સમાજની પરંપરા છે અને જ્યારે આપણે જમશેદજી તાતા, જેઆરડી તાતા કે રતન તાતાનો વિચાર કરીએ, ત્યારે પરંપરાની સંવેદના અને પ્રભાવ બંને અનુભવી શકીએ છીએ.
રતન તાતાને પૂર્વે તાતા ગુ્રપની જવાબદારી સોંપનાર જેઆરડી તાતાના ભવ્ય વ્યક્તિત્વનું સ્મરણ થાય છે. આ એવું વ્યક્તિત્વ છે કે જેણે ત્રણ-ત્રણ દાયકા પૂર્વે વિદાય લીધી હતી, પરંતુ એમના વિચાર, આચાર, અનુભવ અને માનવતા સદાને માટે સહુના ચિત્તમાં જડાઈ ગયા છે.
જેઆરડી તાતાનું આખું નામ હતું જહાંગીર રતનજી દાદાભાઈ તાતા. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ એવા રતનજી દાદાભાઈના એ પુત્ર હતા. જેઆરડી તાતાનો વિદેશમાં જન્મ અને વિદાય હોવા છતાં જીવનભર ભારતીય પારસી પરંપરાને પૂર્ણ રીતે અપનાવીને રહ્યા તેમજ ભારતમાં વ્યવસાય અને સમાજસેવાના ક્ષેત્રે વિશિષ્ટ નેતૃત્વની છાપ મૂકી ગયા. આમ તો વારસામાં તાતા ગુ્રપ મળ્યું હતું, પરંતુ એમણે માત્ર વારસો જાળવી રાખવાને બદલે એને ઉજાળી જાણ્યો હતો. જ્યારે તાતા ગુ્રપના ચેરમેન બન્યા, ત્યારે એમની પાસે ચૌદ કંપનીઓ હતી અને જેનો કુલ વ્યવસાય સત્તર કરોડનો હતો. પચાસ વર્ષની વયે સ્વેચ્છાથી ચેરમેનપદેથી રાજીનામું આપ્યું, ત્યારે તાતા ગુ્રપમાં કુલ પંચાણું કંપનીઓ હતી અને એનો વ્યવસાય દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હતો.
આ અપ્રતિમ વિકાસની પાછળ એમની આકરી મહેનત, ઊંડી સમજદારી અને નખશીખ પ્રામાણિકતા કારણભૂત હતી અને એના થકી જ એમણે કંપનીનો વિસ્તાર કર્યો. જે કંપનીઓ પોતાને વારસામાં નહોતી મળી, તેને સ્થાપીને વિકસાવી. અનેક વિવિધ ક્ષેત્રો અને વ્યવસાયોમાં ઝંપલાવ્યું અને સફળતા મેળવી. સામાન્ય રીતે જેઆરડી તાતાની વાત કરવામાં આવે, ત્યારે દેશનાં વિમાન અને ઉડ્ડયન ક્ષેત્રમાં એમણે કરેલી કામગીરીનું સ્મરણ કરવામાં આવે છે, પરંતુ એમણે ઈન્ફર્મેશન ટેકનોલોજી, હોસ્પિટાલિટી, ટેલિકોમ, ઓટોમોબાઈલ, સ્ટીલ, મીઠું, સોફ્ટવેર, વીમો જેવાં વિવિધ વ્યવસાયોમાં મેળવેલી સિદ્ધિઓને પણ યાદ કરવી જોઈએ. આ ઉપરાંત ટાઈટન (ઘડિયાળ માટે), તાતા કેમિકલ્સ, તાતા ટી, તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ વગેરે કંપનીઓ પણ સ્થાપી.
એમના ભવ્ય જીવનને પૂરું જાણવા માટે તો સાઈરસ ગોંદાએ લખેલું અને કોયૂર કોટકે અનુવાદિત કરેલું કલ્પવૃક્ષ પબ્લિકેશનનું 'જેઆરડી તાતા : ઉત્કૃષ્ટ પ્રતિભા મહાન લીડર' ગ્રંથ જોવો જોઈએ. આ ગ્રંથમાં સંગ્રહાયેલા જેઆરડી તાતાનાં કેટલાંક મધુર સ્મરણો આપણે જોઈએ સમજાશે કે લોકોનાં મન અને હ્ય્દયમાં એમનાં ઉત્પાદનોએ કેવું મહત્ત્વનું સ્થાન ભોગવ્યું હતું. વિશાળ વ્યવસાય કરનાર ઉદ્યોગપતિ પાસે ઉદાર હ્ય્દય અને દિલની પ્રામાણિકતા હોય તો તે કેટલી પ્રગતિ સાધી શકે છે અને એમના ઉદ્યોગો કેટલા નફાકારક બની શકે છે, તેનું ઉદાહરણ જેઆરડી તાતાનું નેતૃત્વ ગણી શકાય. તેઓ માનતા કે, 'જે લોકો ભવિષ્યની જરૂરિયાતો સમજી શકે છે, એમને જ ભવિષ્યમાં સફળતા મળે છે.'
નિયમિતતા અને ચોક્સાઈ એ એમના નેતૃત્વનો પાયો હતી અને આથી જ તાતા ગુ્રપના મુખ્યમથક બોમ્બે હાઉસમાં બોર્ડ રૂમની બહાર એમણે એક ચેરિટી બોક્સ મૂક્યું હતું. એ સમયે તેઓ બધાની સાથે લંચ લેતા હતા અને અહીં જ જુદી જુદી બેઠકો પણ કરતા હતા. આમાં મોડા પહોંચેલા ડિરેક્ટર અને તાતાનાં અન્ય અધિકારોને દંડ રૂપે ચોક્કસ રકમનું દાન કરવું પડતું હતું અને જે કંઈ દાનની રકમ એકઠી થાય તે સેવાભાવી કાર્ય માટે વાપરવામાં આવતી હતી. નોંધપાત્ર બાબત એ હતી કે અન્ય સેવાકાર્યો માટે સંપત્તિનંા દાન કરનાર જેઆરડી તાતાને એમની કારકિર્દીમાં આ બોક્સમાં ક્યારેય એક રૂપિયાનું દાન કરવું પડયું નહોતું, કારણ કે તેઓ સમયપાલનની બાબતમાં ઘણા ચુસ્ત હતા.
એક દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ વરસતો હતો અને આ સમયે આદિત્ય પોલિમર્સ કંપનીના માલિક મહેશ શાહ મુંબઈમાં ચર્ચગેટ રેલ્વેસ્ટેશનની બહાર ટેક્સીની રાહ જોઈને ઊભા હતા. એમને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પહોંચવાનું હતું, પરંતુ કોઈ પણ ટેક્સીવાળો એમને લઈ જવા માટે તૈયાર થતો નહોતો. વરસાદમાં ભીંજાતા મહેશભાઈ રોડની વચ્ચે લગભગ ઊભા હતા અને વરસાદમાં ઝડપથી ટેક્સીને 'ઝડપવા માટે' પ્રયત્ન કરતા હતા. બરાબર એ જ સમયે એક મર્સીડીઝ એમની પાસે આવી અને તેમાં પાછળની સીટ પર બેઠેલા સજ્જને તેમને બેસી જવા કહ્યું. મહેશભાઈ ખૂબ પલળી ગયા હતા. કોઈ ટેક્સી ડ્રાઈવર પણ તેમને બેસાડવા તૈયાર થતા નહોતા, કારણ કે એમને ભય હતો કે આટલા બધા વરસાદમાં પલળી ગયેલા મહેશભાઈ જો ટેક્સીની સીટમાં બેસશે, તો સીટ પલળી જશે અને ટેક્સી બગડશે, પરંતુ એ સજ્જને આવી કોઈ ચિંતા કર્યા વગર મહેશભાઈને પાછલી સીટમાં પોતાની નજીક બેસવાનું કહ્યું.
રસ્તામાં વાત કરતાં મહેશભાઈને ખ્યાલ આવ્યો કે એમને લીફ્ટ આપનાર જેઆરડી તાતા હતા. જેઓ તાતા કંપનીના હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં જઈ રહ્યા હતા. બોમ્બે હાઉસ આવ્યું, ત્યારે જેઆરડી તાતા ઉતર્યા અને એમની સાથે મહેશભાઈ પણ કારમાંથી ઉતરવાની તૈયારી કરતા હતા, પરંતુ જેઆરડીએ એમના ડ્રાઈવરને મહેશભાઈને બોમ્બે સ્ટોક એક્સચેન્જ મૂકી આવવા કહ્યું. આમ કોઈ વરસતા વરસાદમાં છેક પોતાના સ્થાન સુધી મૂકી આવવાનું કહે, તે કેવું! અને એથીયે વિશેષ તો જેઆરડીએ ઉતરતી વખતે ડ્રાઈવરને કહ્યું કે, 'મહેશભાઈને ઉતરતી વખતે છત્રી આપજો.'
જેઆરડીની નમ્રતાનો અનુભવ કોલેજના વાર્ષિક દિવસના કાર્યક્રમ માટે નિમંત્રણ આપવા જનારા ચોવીસ વર્ષના એલેક્સ ઈમાનુએલને થયો હતો. તેઓ જેઆરડી તાતાના ઘેર પહોંચ્યા. લગભગ એક સદી જૂનો એ વિશાળ બંગલો મુંબઈમાં કમ્બાલા હિલમાં હતો. એની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો જોવા મળતાં હતાં. આ યુવાનને તો આ મુલાકાત એક સ્વપ્ન સમી લાગતી હતી. તેઓ કાળી-પીળી (મુંબઈની પ્રસિદ્ધ કાળી અને પીળી ટેક્સી)માં બેસીને જેઆરડી તાતાને મળવા ગયા. દરવાજા પાસે સિક્યોેરિટી ગાર્ડને વિશ્વાસ બેસતો નહોતો. એલેક્સ વરંડામાં પ્રવેશ્યા અને પછી ડ્રોઈંગ રૂમમાં ગયા. ખુરશી પર બેસવા જતા હતા, તે સમયે પાછળથી કોઈ વ્યક્તિએ ખુરશી થોડી ખેંચી અને પછી થોડી પાછળ કરી, જેથી મહેશભાઈ નિરાંતે અને આરામદાયક રીતે બેસી શકે. આ જોઈને આ ચોવીસ વર્ષનો યુવાન વિચાર કરતો હતો કે, 'આ મહાન ઉદ્યોગપતિના ઘરનાં નોકર-ચાકર પણ કેવા નમ્ર છે.' પણ એમનો એ વિચાર તરત જ આથમી ગયો અને ખ્યાલ આવ્યો કે એમને માટે આરામદાયક ખુરશી ગોઠવનાર વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ જીઆરડી પોતે હતા.
થોડાક સમય પછી એક નોકર કોફી અને કૂકી લઈ આવ્યો અને ટેબલ પર મૂકી દીધાં. જેઆરડીએ સ્વયં ઊભા થઈને યુવાન એલેક્સને કોફી આપી અને કૂકી ઓફર કર્યા. જેઆરડીની નમ્રતાએ આ યુવાનનો ડર અને એની ચિંતા દૂર કરી દીધા અને એના મનમાં એમના પ્રત્યે આદર અને પ્રેમ જાગ્યો. જેઆરડીએ આ યુવાન પાસે વસ્તી નિયંત્રણ અંગે અભિપ્રાય માંગ્યા. એલેક્સ સોશિયલ સાયન્સના વિદ્યાર્થી હતા, એમણે એમના અભિપ્રાય કહ્યા, પરંતુ એક મહાન અને સમર્થ હસ્તી ચોવીસ વર્ષના એક નિમંત્રણ આપવા આવેલા સામાન્ય વિદ્યાર્થી પાસેથી અભિપ્રાયો માંગી રહી છે, તે જોઈને આ યુવાનના મનમાં એમના પ્રત્યેનો આદર અનેકગણો વધી ગયો. આ યુવાન સમય જતાં તાતા સન્સમાં માનવસંસાધન વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ કાર્ય કરતો હતો, પણ જેઆરડીની નમ્રતાનો આ અનુભવ એના જીવનનો સૌથી મહાન અનુભવ બની રહ્યો.
અજાણી વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને આદરભર્યો વ્યવહાર કરનાર જેઆરડી માટે આ નમ્રતા એ સ્વાભાવિક હતી. અત્યારે તો પબ્લિક રીલેશન્સ અને જનસંપર્કને નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ફાંફા મારવામાં આવે છે, ત્યારે જેઆરડીએ ક્યારેય પ્રસિદ્ધિ મેળવવાના આશય સાથે કોઈ કાર્ય કર્યું નહોતું. હકીકતમાં આ જ સાચા અર્થમાં પબ્લિક રીલેશન્સ છે. લોકો પણ નિ:સ્વાર્થપણે તેમની પ્રશંસા કરતા, કારણ કે જેઆરડીના ઉદાત્ત કાર્યોની પાછળ આ નિ:સ્વાર્થતા હતી. આવા કેટલાંય મહાન પ્રતિભા અને ઉત્કૃષ્ટ નેતૃત્વ ધરાવનાર જેઆરડીનાં કેટલાંય મધુર પ્રસંગો પર નજર કરવાની હજી બાકી છે. પછી ક્યારેક.
પ્રસંગકથા
શું નકલી એ છે અસલી ચહેરો
ગામડાં ગામમાં એક જાન ગઈ. એ જાનમાં વરરાજાના કાકા સંસ્કૃત ભણેલા. નારણભાઈ એમનું નામ. પોતાની જાતને કાશીના પંડિત તરીકે ઓળખાવે.
માયરામાં હસ્તમેળાપ પૂરો થયો અને ચોરીનાં ચાર ફેરા લેવાનો સમય આવ્યો કે તરત જ કાશીના આ પંડિતે ઊભા થઈને હાથમાં બે-ચાર શાસ્ત્રો લઈને ત્રાડ પાડી, 'ઊભા રહો, ઊભા રહો, મંગલ ફેરા ફરવાનું હમણાં મુહૂર્ત નથી.'
લગ્નવિધિ કરનાર ગોરે કહ્યું, 'અમે વીસ વરસથી ગોરપદું કરીએ છીએ. મુહૂર્ત જોવાય છે, પણ ચોરીમાં ફેરા ફરવાના મુહૂર્તની વાત તો તમારી પાસેથી જ સાંભળી.'
'તે ક્યાંથી સાંભળો ?' મહાપંડિત ગર્જ્યા, 'આ મારી પાસે શાસ્ત્રના આધાર રૂપ છે આ ત્રણ ગ્રંથો. જુઓ, કદાચ તમે ગોર તરીકે વિદ્ધાન હશો, પણ હું કાશીનો પંડિત છું, મુહૂર્ત વગર ફેરા ન ફરાય.'
અને પછી તો પંડિત ચોરીમાં લાંબા થઈને સૂઈ ગયા અને બોલ્યા,'વરનો કાકો છું. વગર મુહૂર્તે લગ્ન થવા નહીં દઉં. મારા દેહ પર પગ મૂકીને ફેરા ફરવા હોય તો ફરો, નહીં તો શાસ્ત્રાર્થ કરો.'
બીજું મુહૂર્ત વહેલી સવારના સાડા ચાર વાગ્યાનું હતું. બધા લાચાર થઈને બેઠા. બિચારા વરરાજા રેશમી ભપકામાં લગભગ હોમાઈ ગયા. નવેસરથી મુહૂર્ત જોઈ ચોરીમાં ચાર ફેરા ફેરવ્યા, ત્યારે સવારના પાંચ વાગવા આવેલા. આ બધી વિધિ પૂરી થયા પછી નકલી કાશીના પંડિત નારણભાઈ કહે, 'હાંકીને દોસ્ત, લાકડાની તલવારે. કોઈ કહે તો ખરો, હું કાશીનો પંડિત નથી ?'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ગુજરાતમાં ઠેર ઠેર કાશીના પંડિત નીકળી આવ્યા છે. ક્યાંક નકલી આઈ.એ.એસ. મળે છે અને ક્યાંક નકલી ડોક્ટર મળે છે. નકલી દવાઓનો તો પાર નથી અને નકલી દસ્તાવેજોની કોઈ ગણતરી નથી. એટલું બધું નકલી થવા લાગ્યું છે કે સવાલ એ છે કે અસલી ક્યું હશે? આ નકલીઓની બોલબાલા વચ્ચે પ્રજા બિચારી રિબાય છે.
આ નકલીઓ પકડાય છે ખરાં, પરંતુ ફરી એ ધંધો ન કરે એવો કોઈ સબક શીખવવામાં આવતો નથી. શું આ નકલી એ ભ્રષ્ટાચારમાં ડૂબેલા આ દેશનો અસલી ચહેરો છે?