પોતાની આજીવિકા ધર્મોપદેશકે જાતે રળવી જોઈએ
- મારું સાચું આધ્યાત્મિક જાગરણ તો હિમાલયની ગોદમાં થયું છે
- સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ
- અગર મિલ જાયે તો સદા અપની કમી ઢૂંઢે,
કિસી કે સુર્ખ હોઠોં પર મુહબ્બત કી નમી ઢૂંઢે.
૧૯૯૯ ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેજસ્વી ચહેરો, સુદ્રઢ દેહ અને તરવરતા આનંદ ને ઉલ્લાસ સાથે પોતાના અનુયાયીઓની વચ્ચે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ જોવા મળી. આજ સુધી ભારત, જાપાન કે ચીન જેવા એશિયાઈ દેશોમાં આધ્યાત્મિક ગુરૂઓ જન્મ્યા હતા, જ્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનો જન્મ વિયેતનામમાં થયો. એનું મોટાભાગનું જીવન તાઈવાનમાં વ્યતીત થયું એ એણે પ્રબોધેલી યૌગિક પ્રક્રિયાને અનુસરનારા તાઈવાન, ચીન અને અમેરિકા જેવા કેટલાય દેશોમાં તમને મળી આવશે. એનાં માતા-પિતા ચુસ્ત કૅથલિક હતા અને એની દાદીમા પાસેથી ચિંગ હાઈએ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, ઉપાસના પદ્ધતિ અને બૌદ્ધ ધર્મગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના પિતા પ્રસિદ્ધ નેચરોપેથ હોવાની સાથોસાથ વિશ્વસાહિત્યના અને તત્ત્વજ્ઞાાનના ઊંડા અભ્યાસી હતા.
મજાની વાત એ હતી કે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈમાં અનેક સંસ્કૃતિઓ, કેટલાક ધર્મો અને પારાવાર ધાર્મિક વિચારણાનો સંગમ તો થયો હતો, પરંતુ એની સાથોસાથ એ પોતાના કોઈ આગવા ધર્મનો પ્રચાર કરતી નથી. બધા ધર્મતત્ત્વોને પાર અધ્યાત્મ પર એની દ્રષ્ટિ છે. એના મુખેથી 'બાઈબલ'નાં ઉપદેશ વચનો સાંભળવા મળે. 'શ્રીમદ્ ભગવદગીતા'ની કર્મવિષયક વિચારણા પ્રગટ કરે અને બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો 'સુમંગમા સૂત્ર'નાં સૂત્રો પણ આવતાં. વળી, એ કહે છે કે એનું ખરું આધ્યાત્મિક જાગરણ તો હિમાલયની ગોદમાં થયેલું છે. એ હિમાલયમાં વસવાટ કરીને પાછી આવી, ત્યાર પછી એક નવી યોગપદ્ધતિ શીખીને આવી, જેને એ 'ક્વાન યીન પદ્ધતિ અને દૈવી પરિવર્તન' તરીકે ઓળખાવે છે.
એણે એના આ અનુભવોની વાત કોને કરી? એણે એના આ અનુભવો ફાર્મોસા (તાઈવાન)માં વસતા પોતાના અનુયાયીઓને કહ્યા. વિયેતનામ અને ચીનના નિવાસીઓને કરી. એણે આ પદ્ધતિ શીખવી, પરંતુ હજી એના અનુયાયીઓ અને ચાહકો એની ખોજ કરે છે કે આ યોગ પદ્ધતિ આપનાર એના ગુરૂ કોણ હતા? એક માન્યતા પ્રમાણે આ ભારતના સંત મતની 'સૂરત શબ્દયોગ' પદ્ધતિ છે અને તે આ મતના યોગી ઠાકર સિંગ પાસેથી એને શીખવા મળી છે.
કોઈ મત કે સંપ્રદાયનો પ્રચાર કરવાને બદલે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પોતાના ભીતરનું આંતરદર્શન કરવાનું અને એમાંથી પોતાની આંતરિક ભવ્યતા અને શક્તિ પ્રગટાવવાનું છે. આથી કોઈ એક ધર્મના જ નહીં, પણ સર્વ ધર્મના લોકો એની યોગપદ્ધતિને અનુસરી શકે છે અને એના દ્વારા વ્યક્તિને સુખ, શાંતિ અને સાર્થક્યનો અનુભવ થાય છે.
પોતાની યોગપદ્ધતિથી દુનિયાને નવો પ્રકાશ આપવા નીકળેલી આ આધ્યાત્મિક નારીના વિચારો સાવ અનોખા છે. અહીં ધ્વનિ અને પ્રકાશ પર ધ્યાન ધરવામાં આવે છે અને રોજના અઢી કલાકનું ધ્યાન ધરવાનું કહેવામાં આવે છે. વળી, એ કહે છે કે કોઈ ખ્રિસ્તીને જીસસનો અનુભવ થાય કે કોઈ બૌદ્ધનો નિર્વાણનો અનુભવ થાય, એ આજે શક્ય નથી, પણ ચિંગ હાઈના અનુયાયી ચિંગ હાઈનો અનુભવ પામી શકે છે. વળી, એના કહેવા પ્રમાણે પેલી વિભૂતિઓ ભૂતકાળની હતી અને તે પોતે પ્રત્યક્ષ છે!
એનો ઉપદેશ એ છે કે તમારે તમારી ધાર્મિક પરંપરા ત્યજવાની જરૂર નથી, પરંતુ તમારે તમારી ભીતરી ક્ષમતા પ્રગટાવવાની જરૂર છે અને ક્યારેક તો એ કહે છે કે હું તમને કોઈ ધર્મ આપતી નથી, કોઈ આધ્યાત્મિક નથી આપતી, પરંતુ તમારી જાતને જાણવાની ક્ષમતા આપું છું. જે શાંતિ અને પ્રેમની તમે બહાર ખોજ કરો છો, એ તો તમારી ભીતરમાં જ નિહિત છે અને તેથી આપણી સઘળી સમસ્યાઓનો ઉત્તર આપણી જાતને જાણીને જ આપી શકીએ. આપણે તો માત્ર આપણી જાતને શોધવાનું કામ કરવાનું છે. આપણું ભવિષ્ય બીજા કોઈની પાસે નથી, પણ સ્વયં આપણી પાસે જ છે. આપણી પાસે જ સ્વર્ગ અને નર્ક બંને એક જ સમયે છે અને આપણે એ બંનેને અનુભવી શકીએ છીએ.
સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનો એક નવો વિચાર એ છે કે ઈશ્વરને જાણવો એ કોઈ મહાન રહસ્યની કપરી ખોજ નથી, પરંતુ એને સાવ સાહજિક રીતે જાણી શકાય છે. એક બાળક પણ ઈશ્વરનો અનુભવ કરી શકે છે. ઈશ્વરનો તમે જીવતે જીવ જ પામી શકો છો. આની સામે કેટલાક એવા પણ સવાલ ઊભા થાય છે કે તમારી નજર સમક્ષ ન હોય, તે નિરાકારને તમે કઈ રીતે ભજી શકો? ત્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ એની યોગ પદ્ધતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
એની યોગપદ્ધતિમાં એમનો સૌથી મોટો આગ્રહ શાકાહારી બનવાનો છે. ઉત્તેજક પદાર્થો કે જાતીય હિંસાથી દૂર રહેવાનું કહેતી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ કહે છે એ વ્યક્તિમાં એવું પરિવર્તન સાધે છે કે એને 'જ્ઞાાન' ઉપલબ્ધ થાય છે, પરંતુ પોતાને એ કોઈ દેવદૂત માનતી નથી. માત્ર પોતાની પદ્ધતિથી જનસમૂહની ચૈતસિક ભૂમિકાને ઉત્તરોત્તર વિકસાવીને એમનામાં પરિવર્તન લાવવા માગે છે.
સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની એક વિલક્ષણતા તો આંખે ઊડીને વળગી ગઈ. બીજા સાધુ-સાધ્વીઓ પોતાના અનુયાયીઓ પાસેથી જુદી જુદી રીતે ધનસંપત્તિ ઉઘરાવતા હોય છે, જ્યારે સુપ્રીમ માસ્ટર ક્યારેય કોઈને કશી સહાય કે આર્થિક મદદ કરવાનું કહેતી નથી, બલ્કે એ માનવકલ્યાણનાં કાર્ય કરીને અન્યને સહાયરૂપ બને છે. એની પાસે દીક્ષા લેવી હોય કે રૂપાંતર પામવું હોય, તો પણ કોઈ ફી નથી, પરંતુ તેઓ સ્વયં અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિ ધરાવતા હોવાથી એ ઘણી ઘણી ચીજવસ્તુઓ બનાવે છે અને લોકો અને ખરીદી છે.
એ ક્યારેક કવિતા સર્જે છે, તો ક્યારેક ઘરેણાંની ડિઝાઈન બનાવે છે, ક્યારેક કપડાં બનાવે છે, તો ક્યારેક કપડાંની ડિઝાઈન બનાવે છે, ક્યારેક ચિત્ર બનાવે છે તો ક્યારેક સંગીત સર્જે છે. આ બધા દ્વારા એ સંસ્કૃતિના આંતરિક અને બાહ્ય સૌંદર્યને પ્રગટ કરે છે. અને એના એ કલાત્મક સર્જનોથી થતી કમાણી દ્વારા માનવકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. એ કહે છે કે આપણે પોતે જ એવાં સાધનો ઊભાં કરવા જોઈએ કે જેમાંથી આપણે જરૂર પૂરતું મેળવીને અને બીજાને આપી દઈએ. એનું 'એટ વન વિથ ઑલ ક્રિએશન્સ' નામનું ઓઈલ પેઈન્ટિંગ બે હજાર ડોલરમાં વેચાયું. એણે ડિઝાઈન કરેલાં છટાકાર રંગોનાં વસ્ત્રોનાં વેચાણથી પણ સારી એવી આવક ઊભી થાય છે. એણે પહેરેલાં વસ્ત્રો મોટી કિંમતે ખરીદાય છે અને આ રીતે આ સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સ્વાવલંબનથી પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિ ચલાવે છે અને જનકલ્યાણનાં કાર્યો કરે છે.
સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનું મૂળ નામ હુ ડાંગ તિન્હ હતું. બાળપણથી જ એનામાં ઉચ્ચ ગુણો અને ઊંડી વિચારશીલતા પ્રગટ થઈ. જ્યારે બીજા છોકરાઓ જુદી જુદી રમત ખેલતા હોય, ત્યારે ચિંગ હાઈ તત્ત્વજ્ઞાાનનાં ગ્રંથોનું વાચન કરવામાં નિમગ્ન હોય. બાલ્યવયથી જ એને કોઈ ફળઝાડને નુકસાન પહોંચાડે તે પસંદ નહોતું. એ વૃક્ષ, છોડ કે પુષ્પની વંદના સ્વયં અનુભવતી હોય તેટલી બધી બેચેન બની જતી હતી. અને સહુને કહેતી કે કારણ વિના આ કુદરતનો વિનાશ કરવાની ભૂલ કરશો નહીં. એ રસ્તામાં ફરવા નીકળી હોય અને કોઈ ઘાયલ પ્રાણી પડયું હોય તો એને સંભાળપૂર્વક ઘેર લઈ આવતી અને એની સારવાર કરતી. પ્રાણીહત્યા જોતાં તો એ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડતી. માંસાહારને માટે થતી પ્રાણીહત્યાઓએ એનું હૃદય એટલું બધુ દ્રવિત કરી નાખ્યું કે એણે જીવનભર શાકાહાર અપનાવ્યો, એટલું જ નહીં પણ પોતાના અનુયાયીઓ માટે અને પોતાની ધ્યાનપ્રક્રિયા શીખવા માટેની પહેલ શરત તરીકે શાકાહારી જીવનને સ્થાપિત કર્યું.
અમેરિકા, ચીન, તાઈવાન, વિયેતનામને ઘેલું લગાડનારી આ આધ્યાત્મિક નારીના શાકાહાર વિશેના ક્રાંતિકારી વિચારો તો માંસાહાર કરતા દેશોને સ્તબ્ધ કરી રહ્યા છે. એણે અમારી મુલાકાતમાં પોતાના ધર્મના પ્રથમ સિદ્ધાંત વિશે સ્પષ્ટતાથી વાત કરતાં કહ્યું, 'તમને સવાલ થતો હશે કે હું શાકાહારની આટલી બધી પ્રતિષ્ઠા કેમ કરું છું?' તો મારો જવાબ આ છે.
'હું એ માટે શાકાહારી છું અને મારી અંદર વસતા ઈશ્વરની આ ઈચ્છા છે. હત્યા નહીં કરવાના વૈશ્વિક સિદ્ધાંતનો માંસાહાર વિરોધ કરે છે. કોઈ આપણી હત્યા કરે એમ આપણે સ્વયં ક્યારેય ઈચ્છતા નથી, તો બીજાની હત્યા કરવાનો આપણો શો અધિકાર છે? કોઈ આપણા પ્રત્યે અમુક પ્રકારનું દુરાચરણ ન કરે, તેમ પ્રબળપણે ઈચ્છીએ છીએ, એવું જ આચરણ આપણે પ્રાણીઓ પ્રત્યે કરીએ, તે સર્વથા અનુચિત છે. આમ પ્રાણીહત્યા કરીને આપણે આપણી જાતની વિરૂદ્ધમાં કાર્ય કરીને. સામે ચાલીને દુ:ખો વહોરી લઈએ છીએ. તમે તમારી જાતને બટકા ભરી શકો નહીં, ખાઈ શકો નહીં કે એના પર છરી હૂલાવી શકો નહીં, બરાબર એ જ સિદ્ધાંત બીજાના જીવનને માટે પણ લાગુ પડે છે.'
'આવી રીતે માંસાહારનો ત્યાગ કરવાથી જીવન કેવું બને?' એવા પ્રશ્નના જવાબમાં તેજસ્વી ચહેરો અને વેધક દ્રષ્ટિ ધરાવતી યુવતી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું કે, 'પ્રાણીહત્યાનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને એક દાયરામાં સીમિત કરી દેતા નથી. બલ્કે આ પૃથ્વી પરના તમામ જીવન સાથે આપણો આત્મવિસ્તાર સાધીએ છીએ. આપણું જીવન માત્ર આપણા શરીર સુધી જ સીમિત રહેવાને બદલે બીજાં પ્રાણીઓ અને તમામ જીવજંતુઓ સુધી વિસ્તરશે અને પરિણામે આપણી જિંદગી વધુ ભવ્ય, મહાન, સુખી અને સીમારહિત બનશે.'
પ્રસંગકથા
દળી દળીને ઢાંકણીમાં ય ઉઘરાવ્યું નહીં
લોકલ ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે ન પૂછો વાત. અંદર ખીચોખીચ મુસાફરો હતા અને કેટલાક તો બહાર સળિયાને પકડીને લટકતા હતા. ડબ્બામાં ઊભેલા એક ઑફિસરે બાજુમાં ઊભેલી મહિલાને કહ્યું, 'આપને હું મદદ કરું ?'
'શેની મદદ?'
'આ ગાડી ચાલશે એટલે ઘણા ધક્કા લાગશે, તો ટ્રેનનું હેન્ડલ પકડવામાં તમને મદદ કરું.'
'તમે સહેજે ચિંતા ન કરો. મેં હેન્ડલ બરાબર પકડયું છે. પડી નહીં જાઉં.'
અધિકારીએ કહ્યું, 'બહેન, માફ કરજો. મને તમે પડી જાવ એની મને કોઈ ચિંતા નથી.'
'તો પછી આવી સૂફિયાણી સલાહ અને વણમાગી મદદ આપવા શા માટે તૈયાર થઈ ગયા છો?'
'કારણ એટલું જ કે મને મારી નવી ટાઇની ફિકર છે, જેને પકડીને તમે ઊભા છો.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે ટ્રેનના હેન્ડલને બદલે ઓફિસરની નવી ટાઈ પકડીને ઊભી રહેલી મહિલા જેવી મોટી ભૂલ તાજેતરમાં ભારતની લોકસભાની કાર્યવાહીમાં જોવા મળી. વોકઆઉટ, સુત્રોચ્ચાર અને સામસામા વિરોધ સાથે લોકસભાનું. આખુંય સત્ર સમાપ્ત થઈ ગયું. બંધારણને અનુલક્ષીને ગંભીર ચર્ચા કરવાને બદલે સામસામા આક્ષેપો થયા. થોડાક શબ્દો પકડીને ચોતરફ આરોપીને આંધી જગાવવામાં આવી. વિરોધ પક્ષ શાસક પક્ષ પર સતત આરોપ મુકે અને ટ્રેઝરી બેંચના પ્રવક્તા વિરોધ પક્ષની સામે દલીલો કરે.
હકીકતમાં ચર્ચા તો એ કરવાની હતી કે જનધન યોજનામાં ચોપન કરોડ એકાઉન્ટમાંથી સાડા અગિયાર કરોડ એકાઉન્ટ કેમ એક્ટીવ નથી? વિચાર તો એ કરવાનો હતો કે અત્યંત મહત્વની એવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરોમાં સુડતાળીસ ટકા મકાનો કેમ ખાલી રહ્યા છે! ડિજીટલ એરેસ્ટ, બળાત્કારની ઘટનાઓ અને વ્યાપક ભ્રષ્ટાચાર અને નકલી પોલીસ, ડૉકટર કે સરકારી અધિકારીઓને નશ્યત કરવા વિશે વિચાર કરવાનો હતો. એને બદલે સઘળી ચર્ચા આક્ષેપો-પ્રતિ આક્ષેપોમાં પલટાઈ ગઈ. ચૂંટણી સમયે જેમ સામસામી દલીલબાજી થાય એ સ્થિતિ ચૂંટણી પછીની લોકસભામાં જોવા મળી. બેની લડાઈમાં ત્રીજો ફાવે એમ કહેવાય છે, પણ અહીં તો કોઈ ફાવ્યું નહીં. વધારામાં પ્રજાનાં નાણાં બરબાદ થયાં અને એથીયે વિશેષ તો પ્રગતિશીલ ભારતની છબી ખરડાઈ ગઈય. કોઈ આ અંગે વિચારશે ખરું?