આપણું ભાવિ અતિ ભવ્ય છે કે ભયાવહ?
- દિશાવિહીન અરાજકતા તરફ દોડી રહેલું વિશ્વ
- દેશની સઘળી પ્રગતિ વસ્તીવધારાનો રાક્ષસ ઓહિયા કરી જાય છે. સમાચારોની વિકૃતતા ધીરે ધીરે છેક ફેક ન્યૂઝ અને ડીપ ફેક સુધી પહોંચી ગઈ છે. સમય એવો આવશે કે જ્યારે સત્ય પર આડંબરી અસત્ય હાવી થઈ જશે અને એની જ સત્ય તરીકે પ્રતિષ્ઠા થવા લાગશે
- અથાહ સાગર કો મૈં પાર કરને ચલા હૂં,
બહાવ હમારે સામને હી આતા રહા હૈ,
ભવંર નાવ કો અજબ ઉલઝા રહા હૈ,
હવા બહુત વિપરિત હી ચલ રહી હૈ.
કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આખા જગતને થંભાવી દીધું હતું. એ જ રીતે તાજેતરમાં માઈક્રોસોફ્ટને કારણે અડધી દુનિયાની કાર્યશક્તિ અપંગ બની ગઈ હતી. માનવજાતિ એની સામે સર્જાતા પ્રચંડ પડકારોનો સામનો કરે છે, પરંતુ ક્યારેક એનો સામનો એ સ્વયંને માટે સમસ્યારૂપ બની જાય છે. કોરોનાની ભીતરમાં કે વર્તમાન સમયમાં માઈક્રોસાફ્ટનું સર્વર ડાઉન થવાને કારણે થયેલા 'કટેસ્ટ્રફી'(આપત્તિ)માં મૂળ કારણ તો માનવબુદ્ધિ જ છેને!
સવાલ એ જાગે કે ટેકનોલોજીથી હરણફાળ ભરતો માનવી એની બૌદ્ધિક ક્ષમતાનો કઈ રીતે ઉપયોગ કરે છે. અનિયંત્રિત રોબોટ એને ભવિષ્યમાં ભય સર્જાવનારો લાગે છે. આથી એને નિયંત્રિત કરવાની મથામણ કરે છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ કેવા કેવા નવા સવાલો ઊભા કરશે એની સમસ્યાથી આજનો માનવી ગૂંચવાયેલો છે. માથે રાત-દિવસ તોળાઈ રહેલા પરમાણુ બોંબના ભયનો તો એણે રોજિંદી દિનચર્યામાં સાહજિકતાથી સ્વીકારી લીધો છે.
બીજી બાજુ વર્ષોથી માનવજાતિ એક સ્વપ્ન સેવે છે કે એક એવા વિશ્વનું સર્જન કરવું કે જ્યાં રોગનું નામનિશાન ન હોય અને સહુ કોઈ સ્વસ્થ જીવન જીવી શકતા હોય. એક રોગ પર વિજય મેળવે, ત્યાં તો નવો રોગ હાજર થઈ જાય છે! માનવજાતિનું સ્વપ્ન છે કે એક એવું જગત રચવું કે જ્યાં યુદ્ધનાં વિનાશને બદલે શાંતિનું સામ્રાજ્ય હોય. આ જગત પર ગરીબી અને ભૂખમરો વિશ્વની આટલી પ્રગતિ પછી પણ ચોતરફ ભરડો લઈને બેઠાં છે. એ ગરીબી અને ભૂખમરાનો અદ્યતન ટેકનોલોજીનાં સહારે ઉકેલ મેળવવાના પ્રયાસમાં સરળતા થઈ છે. ટેકનોલોજી માનવશ્રમનો ગુણાકાર કરે છે, એની સમૃદ્ધિમાં સદાકાળ વૃદ્ધિ થતી રહે એવો પ્રયત્ન કરે છે, પણ હકીકતે આ સમૃદ્ધિ આજે માત્ર થોડા લોકો પાસે છે. સંપત્તિના અસમાન વિતરણને કારણે આટલી પ્રગતિ પછી પણ ગરીબોની ચીસ સંભળાતી ઓછી થઈ નથી.
એક બાજુ સંપત્તિનું બિભત્સ પ્રદર્શન જોવા મળે છે, તો બીજી બાજુ બે ટંકના ભોજન માટે વલખા મારતો વિશાળ માનવસમુદાય નજરે પડે છે. પરિણામ એ આવ્યું કે સમૃદ્ધિ વધી, પરંતુ એ માત્ર થોડા લોકોના તાબામાં જ રહી. બાકીનાં બધાને તો રોગ, ગરીબી અને ભૂખમરા વચ્ચે જીવન બસર કરવું પડે છે. ટેકનોલોજી જરૂર માનવીને સ્વસ્થ જીવન આપી શકે. માત્ર સમસ્યા એ છે કે ખરેખર કેટલી વ્યક્તિઓ સ્વસ્થ જીવન માટે એના સાત્વિક માર્ગ પર ચાલવા તૈયાર છે. માનવીની માનસિક હતાશા અને વિષાદ એને ડ્રગ્સ, દારુ કે વ્યસનનાં માર્ગે લઈ જાય છે. તમાકુએ ગુજરાતનું યૌવન કેટલું તબાહ કરી નાખ્યું છે, એની કલ્પના કરવી મુશ્કેલ છે અને હવે એમાં દારૂ અને ડ્રગ્સ વધતા માનવજાતિને માટે નવાં ભયસ્થાનો ઊભાં થયાં છે. આપણને આવી ભવ્ય સંસ્કૃતિ પ્રાપ્ત થઈ, પણ હજી દેશને ભ્રષ્ટાચારના ચુસ્ત ઘેરામાંથી મુક્ત કરી શકી નથી.
આપણી પાસે વિપુલ પ્રમાણમાં સ્વચ્છ ઊર્જા છે, પણ એની સાથેસાથ વધતા જતાં પ્રદૂષણનાં અનેક કારણો શોધીને એને દૂર કરવાના પ્રયત્નોે હજી પૂરી સફળતા પામી શક્યા નથી. પ્રદૂષણને કારણે માનવજાત પોતાના પર અને સમગ્ર જીવસૃષ્ટિ પર કાળો કેર વરસાવી રહી છે.
સમાજને સાંધતું સોશિયલ મીડિયા એ સ્વયં સમસ્યારૂપ બની ગયું. બાળકોનું બાળપણ છીનવાઈ ગયું. સાંજે ક્રિકેટ કે હુતૂતૂ ખેલતાં બાળકોનું દ્રશ્ય હવે દુર્લભ બની ગયું છે. આંગણામાં નાની મજાની ખેલકૂદ કરતાં શિશુઓ ક્યાં દેખાય છે? એમ કહીએ છીએ કે મોબાઈલના કારણે આંગળીના ટેરવે આખું વિશ્વ આવી ગયું, પરંતુ એ આંગળીઓને એમાંથી કેવું શિક્ષણ મળે છે એ જાણવું ય મુશ્કેલ બન્યું છે. સ્વતંત્રતાએ ધીરે ધીરે એક એવી સ્વચ્છંદતા તરફ ગતિ કરી રહી છે કે જેને પરિણામે સંસ્કૃતિ કે સંસ્કાર નહીં પામેલા માનવીના મનમાં અઢળક દુષ્કૃત્યો ઉભરાવા લાગ્યાં છે. આખી દુનિયા આપણી પાસે આવી ગઈ છે, તેથી માણસનું ચિત્ત અનેક બાબતોથી ઘેરાઈ ગયું છે. એ ઘેરાઈ ગયેલા ચિત્તે માનસિક શાંતિ ગુમાવી છે અને એને પગલે માનસિક સ્વસ્થતા પણ ખોઈ રહ્યો છે.
હકીકતમાં ભવિષ્યમાં સર્જાનારા ખતરાનો તાગ મેળવવામાં લોકો સફળ થતા નથી. મહાનગરમાં મજબૂરીને કારણે રહેતા લોકોની ઇમારતો કડડભૂસ થઈને તૂટી પડે અને કેટલાય એની નીચે દબાઈને અંતિમ શ્વાસ લે એ ખતરો કેટલો બધો અજાણ્યો છે. માણસની ભૂલને કારણે સર્જાતી હોનારતની પરંપરા ગુજરાતને માટે ક્યાં અજાણી છે? એક સમયે માનવી એમ વિચારતો હતો કે વિમાની મુસાફરી કરતા સડકમાર્ગની સફર વધુ સલામત છે. આજે રસ્તાઓ અકસ્માતોથી ઉભરાઈ રહ્યા છે અને નવાસવા પુલો જર્જરિત હોય એમ ભાંગી રહ્યા છે.
આ સંદર્ભમાં બાયરોન રિસ નામનો લેખક 'ધ ફોર્થ એઇજ' નામના પુસ્તકમાં અમેરિકાની પરિસ્થિતિ દર્શાવતા કહે છે, 'આપણને શાર્ક માછલી કરતા ન્યૂયોર્કર દ્વારા કરડવાની શક્યતા દસ ગણી વધારે છે. ઉત્તર અમેરિકામાં તમને સાપ કરતા શેમ્પેઇન કોર્ક દ્વારા માર્યા જવાની શક્યતા વધુ છે અને અમેરિકામાં રીંછ કરતા બદમાશ વેન્ડિંગ મશીનો દ્વારા વધુ લોકો માર્યા જાય છે, પરંતુ આ ચોક્કસ પ્રકારનાં જોખમોનું મૂલ્યાંકન કરવામાં લોકો નિષ્ફળ ગયા છે.'
આથી ભવિષ્યમાં કઈ બાબતોનો પડકાર માણસજાતિએ ઝીલવાનો છે? વધુ પડતા સાવધ રહેવું એ મનુષ્યનો પૂર્વગ્રહ તો છે જ. આપણા જ્યોતિષીઓનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે માણસ ભાવિથી કેટલો ભયભીત છે. આવતી કાલનો ભય આજના માણસને ખૂબ ડરાવે છે. આપણા પૂર્વજોમાં ગભરાટ એ સતત જોવા મળતી બાબત છે. આપણા દરેક વિચારક, સંત, મહાત્મા અને શાસ્ત્રોએ પણ ભવિષ્યનું દર્શન આપ્યું છે. આમાં મોટે ભાગે આવનારું ભવિષ્ય કે થનારી માનવજાતિની પરિસ્થિતિ વિશે ડરામણું ચિત્ર મળે છે. ભાગ્યે જ કોઈએ ભવિષ્યનું પોઝિટીવ ચિત્ર આપ્યું હશે.
જોકે એની સાથોસાથ એમ પણ કહેવાય કે રીંછને ખડક સમજીને તેની પાસેથી ભાગી જવાની ભૂલ કરવા કરતાં ખડકને રીંછ સમજીને ભાગવું વધુ સારું છે. અર્થાત્ ભય પ્રત્યે વ્યક્તિએ જ્ઞાાનાત્મક પૂર્વગ્રહ કોઈ ખરાબ વસ્તુ નથી અને આપણી આસપાસ બનતી ઘટનાઓ જરૂર ટેકનોલોજીના વિકાસની સાથે આવી રહેલા ભયને પણ ઓળખાવે છે. વસ્તી વિસ્ફોટ, પાણીની તંગી, શિયાળ જેવી લુચ્ચાઈ રાખીને બેઠેલા પરમાણુ શક્તિશાળી દેશો અને ઉન્મત્ત વિશ્વનેતાઓથી આ જગત ક્યાં ઓછું ભયભીત છે.
વસ્તીવધારાની દ્રષ્ટિએ ભારતના ભયપ્રદ ભવિષ્યનો જરૂર વિચાર કરવો જોઈએ. દેશની સઘળી પ્રગતિ વસ્તીવધારાનો રાક્ષસ ઓહિયા કરી જાય છે. સમાચારોની વિકૃતતા ધીરે ધીરે છેક ફેક ન્યૂઝ અને ડીપ ફેક સુધી પહોંચી ગઈ છે. સમય એવો આવશે કે જ્યારે સત્ય પર આડંબરી અસત્ય હાવી થઈ જશે અને એની જ સત્ય તરીકે પ્રતિષ્ઠા થવા લાગશે. કેટલીક કસ્ટમ મેઇડ હકીકતો માનવજાતિને ગેરમાર્ગે દોરી રહી છે. મનુષ્યને માટે ખતરારૂપ વિજ્ઞાાપનોમાં માત્ર નીચે નાના અક્ષરમાં ચેતવણી આવે છે. જે ચેતવણીની એના ગ્રાહકોનાં મનને સહેજે પ્રભાવિત કરતી નથી. આપણે જાણીએ છીએ કે આ વસ્તુ માનવસ્વાસ્થ્યને માટે ગંભીર રીતે હાનિકારક છે, તેમ છતાં એનો પરહેજ કરવાને બદલે કે એના પર પ્રતિબંધ મુકવાને બદલે એને ચમકદાર પ્રસિદ્ધિ આપીએ છીએ.
ધીરે ધીરે ડિબેટ એ ચર્ચા, સંવાદ કે સમન્વયને બદલે જલદ કે દાહક વાર્તાલાપ બની ગયા છે. ભારતના ટેલિવિઝન પર આવતી ડિબેટ જુઓ તો એમ લાગે કે આખોય દેશ કુરુક્ષેત્રનું સમરાંગણ છે. મહાભારતનું યુદ્ધ તો અઢાર દિવસમાં પૂર્ણ થયું હતું, પણ આ તો રોજે રોજ નવો મુદ્દો અને નવું યુદ્ધ. જેટલું જોશભેર બોલાય, તે એમાં જીત્યો ગણાય. એમાં તર્કની તો ક્યારેક દલીલોની પટાબાજી ખેલાય છે, પણ અંતે એમાંથી કોઇ સંવાદ કે સમન્વયને બદલે વિખવાદ કે વૈમનસ્યની આગ વધુ ફેલાવવામાં આવે છે.
આ વિશ્વમાં એક બાજુ ધાર્મિક ઉગ્રવાદ છે, તો બીજી બાજુ શરણાર્થીઓની કટોકટી છે. એમ લાગે કે ક્યારેક આ વિશ્વ દિશાવિહીન અરાજકતા તરફ ધકેલાઇ રહ્યું છે. એ હકીકત છે કે માનવજાતિએ ક્રૂરતાથી સંસ્કૃતિ સુધીનો જે વિકાસ સાધ્યો છે, તેમાં આ બાબત કદાચ ગૌણ લાગે, પરંતુ એક નાની ભૂલ પણ અવકાશમાં અકસ્માત સર્જીને અવકાશયાત્રીના મૃત્યુનું કારણ બને છે, ત્યારે પૃથ્વી પર આ સમસ્યાઓથી સર્જાયેલી પરિસ્થિતિ જરૂર ચિંતા પ્રેરે તેવી છે. માત્ર એટલું જ કે આપણે આજે જે ભયનો સામનો કરી રહ્યા છે, તેનાથી વિકરાળ ભયનો અગાઉ આપણે સફળ સામનો કરી ચૂક્યા છે અને એ જ આશા આપણે આવતી કાલને માટે પણ રાખી શકીએ.
પ્રસંગકથા
બજેટની ચર્ચા કે ચર્ચાનું બજેટ
એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થયો. યુવક અલગારી કવિ હતો. યુવતી વૈભવી ધનપતિની પુત્રી હતી. આ બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો. ધીરે ધીરે બંને એકબીજા સાથે લગ્ન કરવાનો વિચાર કરવા લાગ્યા.
યુવતીએ યુવકને કહ્યું, 'આપણે વિવાહ તો કરીએ, પરંતુ દાંપત્યજીવન સારી રીતે પસાર થાય, તે માટે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે.'
યુવકે કહ્યું, 'તારી વાત સોએ સો ટકા સાચી છે. દામ્પત્યજીવનમાં પરસ્પર વચ્ચે સ્પષ્ટતા હોવી અતિ આવશ્યક છે. ઘણીવાર આવી પૂર્વ સમજણના અભાવે પ્રેમલગ્નો થયા પછી કદાચ લગ્ન રહે છે, પરંતુ પ્રેમ રહેતો નથી.'
યુવતીએ કહ્યું,'જો હું તારું ઘર બરાબર ચલાવીશ એમાં કોઈ શંકા નથી. મારામાં એ માટેની સઘળી આવડત છે. માત્ર એક જ બાબત તારે સાચવવી પડશે અને તે એ કે મને રસોઈ કરતા આવડતી નથી. આથી રાંધવા અંગે તારે કોઈ વ્યવસ્થા કરવી પડશે.'
યુવકે કહ્યું,'ઓહ! એમ વાત છે! આ કોઈ મોટો સવાલ નથી.'
યુવતીએ કહ્યું,'ઓહ, તું કેટલો સમજદાર છે! પણ રસોઈ કરવા અંગે કરીશું શું?'
યુવકે કહ્યું,'જો આ પ્રશ્ન સાવ અસ્થાને છે હું મહાન કવિ છું. અમારા કવિઓના ઘરમાં માત્ર ફાકામસ્તી જ હોય. ઘરમાં કશું હોય તો રાંધવાનો સવાલ આવે ને?'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે પેલા યુવક અને યુવતી જેવી સ્થિતિ આપણા દેશમાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રવર્તે છે. બજેટ પ્રસ્તુત થયું છે, ત્યારે એ વિશે ગંભીર ચર્ચા કરવાને બદલે શાસકપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. મહત્ત્વની વાત એ છે કે સંસદીય લોકશાહીમાં મંત્રીમંડળ લોકસભાની પૂર્વમંજૂરી વિના બીજો કોઈ ખર્ચ કરી શકતું નથી. દરેક સરકારી વિભાગ ખૂબ મહેનત કરીને બજેટ તૈયાર કરે છે, પરંતુ એ બજેટની ભલામણોની ગંભીર ચર્ચાને બદલે કેવી ભૂંડી દશા થાય છે, તે આપણે જાણીએ છીએ.
બજેટની જોગવાઈ વિશે ગંભીર ચર્ચા કરવાને બદલે સામસામા આક્ષેપો થાય છે. બજેટની ચર્ચા વચ્ચે સૂત્રોચ્ચાર થાય છે. ક્યારેક તો મારામારીનાં પ્રસંગો પણ બને છે અને પરિણામ શું? બજેટ જેવી ગંભીર બાબત પર કશોય ગંભીર વિચાર વિમર્શ થતો નથી. અંતિમ દિવસોમાં એ ચર્ચા સમેટી લઈને બજેટને મંજૂરી આપવામાં આવે છે. બજેટ પરની ચર્ચાનું ય બજેટ બનાવવું જોઈએ, જેથી ગંભીર વિચારણાને અવકાશ રહે. જ્યારે આજે બજેટ વિશેની ગંભીર વિચારણા એ પક્ષ-વિપક્ષની સાઠમારીમાં ક્યાંય બાજુએ રહી જાય છે. તે વિશે કોઈ વિચારશે ખરું?