દેવભૂમિની અપ્સરા છે તું... દાનવોના રાજને કેમ સહી શકે!
- આઝાદી માટે કુરબાન થતી તારા જેવી સ્ત્રીઓ માટે મને ગર્વ છે
- જબ નાદાન થે હમ તો જિંદગી કી મજે લે રહે થે, અબ સમજદાર હુએ, તો જિંદગી મજે લે રહી હૈ.
લખનઉના રંગીન જીવનની જાન અજી હતી. અજી નાની હતી, પણ નગરનું એ આબદાર મોતી હતું. એના સંપર્કમાં આવનાર હર કોઈ એનો તલસાટ અનુભવતા, અને અજીના એક 'જી' પાછળ માગે તે કુરબાન કરવા તત્પર રહેતા.
પ્રભાતના ગુલાબ જેવી આબદાર અને રાતની નિહીંગંધા જેવી સુવાસિત અજીજાન અંગ્રેજોના દિલમાં પણ વસી હતી. પાતળો કટિબંધ, સોનેરી કેશપાશ, લાંબું મરોડદાર નાક, ગુલાબ શા ગાલ ને પાતળા થન્નકદાર પગ કોઈ પણ ગૌરાંગનાને ઝાંખા પાડવા માટે પૂરતા હતા. ઘણા કહેતા કે અજી અંગ્રેજોના દેશમાં જન્મવાને બદલે ભૂલથી અહીં જન્મી ગઈ છે!
અંગ્રેજો જેવું હિંદી જાણતા, અજી એવું અંગ્રેજી જાણતી, પણ અંગ્રેજી ગીત કે નૃત્યની નકલમાં એ ભલભલી યુરોપિયન નૃત્યાંગનાને પાછી પાડતી.
સતત ચાલતા રણમેદાનથી અને રાત-દિવસની રાજખટપટોમાંથી આસાયેશ શોધવા અંગ્રેજ જનરલો અજીજાનની મુલાકાત લેતા. કહે છે કે એની સામે એક એવી દરખાસ્ત પણ પેશ થઈ હતી કે અજીએ લશ્કરી નર્તકી તરીકે પગારદાર થઈને રહેવું, પણ શરત એ કે પછી કોઈ દેશીને પોતાના ઉંબરે આવવા દેવો નહીં.
અજી કૂપે-રંગે ફક્કડ હતી, એવી સ્વભાવે અક્કડ હતી. એણે કહ્યું કે નવ મણ તેલ બળે તોય, મન વગર નાચે નહીં, એવી આ રાધા છે. તમે ઘર ભૂલ્યા. અજીને કેટલીક અજબ વાતોનો શોખ હતો. એ હંમેશા સાહસની વાતો સાંભળતી. કૂસ્તમ-સોરાબ કે મહાભારતના ભીમસેનની વાતોની ે ખૂબ રસિયણ હતી. વળી, એના રમતના પ્રકાર પણ વિચિત્ર હતા. નવરાશે સિતાર મૂકી સમશેર લઈને એ ખેલતી. ભૈરવીના આલાપ લેવાને બદલે ભાલાની રમત શીખતી. બંદૂક પણ કોઈ વાર ચલાવી લેતી.
રામરતન નામનો એક એનો બાળપણનો નોકર હતો. અજી એની સાથે વાતો કરતી, મર્દાની રમતો ખેલતી. ભારતના ભડવીરોનાં ચરિત્રો સાંભળતી. રામરતન તરફ એને ખૂબ મમતા હતી, પણ ભલો માણસ એક સવારે એકાએક ગુમ થઈ ગયો, ને ખૂબ શોધ્યો તોય ન મળ્યો તે ન જ મળ્યો.
પિતાએ કહ્યું, 'નોકરની જાત છે. જ્યાં બે પૈસા વધુ મળે ત્યાં જઈને સલામ કરે!'
અજીને આ ટીકા ન રુચિ. એણે પિતાને કહ્યું નહીં, પણ મનમાં ગણગણી કે આપણે શું કરીએ છીએ? પૈસા માટે કેવું કેવું કરીએ છીએ? બેવકૂફો સામે નાચીએ છીએ. શું એ આપણને પસંદ છે? દિવસો રંગચંગ ભર્યા વીતવા લાગ્યા. અજીના પ્રશંસકોનો એક આખો ધૂમાડો રચાઈ ગયો, પણ તેવામાં પવનથી દીવો ઠરી જાય એમ પિતા હુસેનખાંનું મોત થયું.
ભરી લખનઉ નગરીમાં ચતુરસુંદર અજીજાન એકલી! આશકો એ એકલી નારને જોઈને ડેલીના ઉંબરે દોડી આવવા માંડયા. કોઈ લાલચ, કોઈ ધામધમકી, કોઈ છૂરી-ખંજર તો કોઈ કંઈ ને કંઈ ભેટ-સોગાદો લઈને દરવાજા પર ખડા થયા. કંટાળેલી અજી આખરે એ દિવસ પોતાની કોઠી ખાલી કરી કાનપુર ચાલી ગઈ અને કાનપુરમાં ફક્ત પહેલા મુજરાથી એ મુલ્કમશહૂર બની ગઈ, મહેફિલની મહારાણી બની બેઠી. એને માટે કાનપુર શુકનિયાળ નીવડયું. અહીં એક મનભર વસ્તુની પ્રાપ્તિ થઈ અને તે નોકર રામરતનની! અજીજાન તો એને જોઈને પાગલ થઈ ગઈ, ને એના ખોળામાં બેસીને બોલી, 'ખુદાના કસમ ખાઈને કહે કે હવે મને છોડીશ નહીં. તું પગારદાર નોકર નહીં, મને જે મળે તેમાં તારો ત્રીજો ભાગ! બોલ, હવે રાજી છે ને!'
રામરતન બોલ્યો ઃ 'અજી! તને સાત ભવે પણ નહીં છોડું, પણ હું તને પૈસા ખાતર છોડી ગયો નહોતો. હું એક મોટા કામમાં પડયો છું. તને ખબર છે કે આપણી ભારત માતા બંધનમાં છે?'
'કોણે બાંધી છે?' અજીએ ભોળી અદાથી પ્રશ્ન કર્યો.
'અંગ્રેજોએ.'
'તે તું શું કરીશ?' અજી આશ્ચર્યથી પૂછી રહી.
'હું દેશને જગાડવાના કામમાં પડયો છું. જન જાગે તો શું ન થઈ શકે! મેં લશ્કરોમાં પ્રચાર કાર્ય કર્યું છે, મિયાં ને મહાદેવ એક થયા છે. ચપાતી ને ફુલનો રાષ્ટ્રક્રાન્તિનો સંદેશ લઈ ગામેગામ ફરું છું.'
અજી કહે, 'રામરતન! મને બધી વાત માંડીને કહે. શું ફૂલ બધા સૂંઘે છે, ને ચપાતી બધા ચાખે છે ઃ હિંદુ ને મુસ્લિમ તમામ!'
'જકૂર! અજી! દેશ તો તેમનો પણ છે ને! ખુદ નાનાસાહેબ પેશ્વાએ બહાદુરશાહને બાદશાહ બનાવવાનું કહ્યું છે. દેશ આગળ આપણે કોણ?'
'ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત તું જાણે તો તને ખબર પડે. અરે! ઓરતનાં સિપાહીદળ રચાયાં છે. બંદૂક, તીર, તલવાર....'
અજી અને રામરતન એક રેશમી આસન પર પાસે પાસે બેઠાં ને આખી રાત વાતોમાં ગાળી. રામરતન હજી પણ અવારનવાર ગુમ થઈ જતો. એ કોઈ મોટા કામમાં પડયો હોય તેમ અજીને લાગતું હતું...
એક દિવસ અજી છંછેડાયેલી નાગણ જેવી લાગી. રામરતન આવ્યો કે એ બોલી, 'મારું નામ ઓરતોના સિપાહી દળમાં લખી લે. આજે એ ઠાકોર મારા મુજરા માટે આવેલા. એ જ વખતે એક અંગ્રેજ જનરલ અહીં આવ્યો. એણે ઠાકોરનું અપમાન કર્યું, બહાર કાઢ્યા ને મને મુજરાનો હુકમ કર્યો, પણ એ રીતે નાચે એ અજીજાન નહીં, બીજી કોઈ ગેરજાન! મને એણે ઘોડાના ચાબૂકથી પીટી!'
'અરર!' રામરતન બોલ્યો. 'પછી તું નાચી?'
'નાચે તે બીજી. મેં કહ્યું કે તું મારા કટકા કરી નાખીશ, તોય આજ નહીં નાચુંગી!'
'શાબાશ!' રામરતન બોલ્યો, 'હવે અંગ્રેજોએ ઊચાળા ભર્યા સમજો. અજી! એક બહુ મોટા માણસને મેં તારી મુલાકાત માટે નોતરું આપ્યું છે.'
'કોણ છે એ?'
'નાનાસાહેબ પેશ્વાના સેનાપતિ તાત્યા ટોપે! અજી! એનું નામ સાંભળી અંગ્રેજોનાં હૈયાં ધડકી ઊઠે છે.'
'ખરેખર! તેઓ અહીં આવશે? ચમરતન! તેમના સ્વાગતની તૈયારી કરીએ. મને મદદ કર! હું એમને શું ભે આપું? એમને શું રુચશે?'
'અજી! એ માગે તે આપજે, અંગ્રેજો સામે એણે બકરી બાંધી છે. ચકલીઓએ બાજ પર ચડાઈ કરી છે!' ને અજી તો સાફસૂફીમાં, વેશભૂષામાં, સાજસિંગારમાં પડી ગઈ. સોનેરી કમખો, ધૂપછાંવની લીટીઓવાળી સાડી, સાચી જરીનો ચણિયો ને હીરાની મોટી દામણી પહેરી મલપતી મલપતી બહાર આવી.
રામરતન અજી સામે જોઈને મીઠું મીઠું મલપતો હતો. અજી ગણગણતી હતી,
એણે સોનેરી ફૂલોવાળાં કૂંડા ને કૂપેરી માછલીઓવાળાં જળપાત્ર ગોઠવ્યાં. ધૂપથી તો આખી કોઠી મઘમઘી રહી. વારે વારે એ એક જ વાક્ય ઉચ્ચારતી, 'રામરતન! હું કંઈ ન જાણું! જવાબદારી તારી! આવો માણસ આપણે ઘેર આવે ખરો?'
ને આમ વાતોમાં ને વાતોમાં આકાશી સુંદરીએ નીલી સાડી ઓઢી ને એક પ્રચંડ પુરુષ ઝડપથી આંગણામાં દાખલ થઈ ગયો. ઊંચાઈમાં, કદમાં, મિજાજમાં અંગ્રેજોને આંટે એવા નરને અજીએ ઓળખી લીધો. શાયરીની બે-એક બેતથી સ્વાગત કરવું હતું, પણ કંઠ રુંધાઈ ગયો. એની આંખોમાંથી મુક્ત મોતી વરસ્યાં.
'ધન્ય અજી! રામરતન મારો પ્રિય ને વફાદાર સાથી છે. તારા બહુ વખાણ કેર છે. લોભ-લાલચે હિંદના બડા બડા માણસોને વેશ્યા જેવા બનાવ્યા છે, ત્યારે એક અજીજાન પાસેથી હું માણસાઈની માગણી કરું છું.'
અજીનું મોં શરમથી લાલ બની ગયું.
'તારા જેવી સ્ત્રીઓ ભારતમાતાને પેટ પાકે છે. એનો મને ગર્વ છે. શુભની એ એંધાણી છે.'
'હું શું ભેટ ધરું?' અદી મહામહેનતે ગળું ખંખારીને આટલું બોલી શકી. ગાયિકાને-શબ્દશિલ્પીને અત્યારે શબ્દો શોધ્યા જડતા નહોતા.
'અણમોલ વસ્તુની-તારા હૃદયની ભેટ દેશને આપ. હજાર બે હજાર વરસે એક વાર આવતી પળ આજે આવી છે. શેષનાગ પર ખીંટી ખોડવી છે. દેવભૂમિની અપ્સરા છે તું. દાનવના રાજને કેમ સહી શકે?'
એક એક શબ્દ વજ્રની લકીર જેવા હૃદયપટ પર અંકાતા હતા.
'ધન, મન, જન, જીવન ને યૌવન દેશનાં ચરણો પર કુરબાન.' અજી કુરનીસ બજાવતી બોલી. એણે મોટા મોટા રાજા-નવાબોનું આ રીતે માન કર્યું નહોતું.
'ધન્ય નારી! તું અંગ્રેજ બેડાની નાચનારી બની જા. જે સમાચાર મળે તે મને પહોંચાડતી જા. પળેપળ અસ્તિ અને નાસ્તિની પસાર થઈ રહી છે. તું આ દેશના કામની ચીજ છે, અમોલખ ચીજ છે. જે બીજાથી નહીં બને તે તારાથી બનશે.'
'જેવો હુકમ. આ દાસીને આપે ધન્ય કરી!'
એક દિવસ અંગ્રેજી અખબારોએ મોટાં શીર્ષકો નીચે એક સમાચાર પ્રગટ કર્યા ઃ
'જાસૂસ ઔરતની ધરપકડ! કાનપુરની ટીકારામની કોઠીમાં અંગ્રેજો સામે ગદર (બળવા)ની તૈયારી! અજીએ અંગ્રેજ જનરલોનો એક કાગળ ફોડયો ને ગદરબાજોને કામયાબી મળી. કાનપુરની મશહૂર ગાયિકા અજાન પર જાસૂસીનો આરોપ!'
અજીને એના કોઠામાં જ કેદ કરવામાં આવી. એના પર મુકદ્દમો ચાલ્યો. એના હૈયાબળ્યા આશકોએ જ એના પર આક્ષેપ કર્યા, ને કહ્યું કે એને નાચવા-ગાવા સિવાય હવે બીજાં કામની પરવાનગી મળવી જોઈએ નહીં. અજીએ પોતાના બયાનમાં કંઈ કહ્યું નહીં. એણે જાસૂસીનો ઇન્કાર કર્યો ને કહ્યું, 'ભારતમાતા બંધનમાં છે. અંગ્રેજો એની બેઇજ્જતી કરે છે. એની ઇજ્જત માટે મેં કામ કર્યું છે!'
ઈ.સ. ૧૮૫૭ના આરંભમાં અજીને ફાંસીની સજા થઈ. માત્ર ૨૫ વર્ષની અજીએ એ દિવસે સુંદરમાં સુંદર પોશાક સજી, હીરદોરીનો ગાળિયો પોતાના ગળામાં નાખી, જિંદગીની જાજમ સંકેલી લીધી.