For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારે કોઇ પડકાર જોઇતો હોય ત્યારે હું રંગ કરૂં છું

Updated: Feb 22nd, 2024

મારે કોઇ પડકાર જોઇતો હોય ત્યારે હું રંગ કરૂં છું

- કોણ પરવા કરે છે શારીરિક મર્યાદાની? કલાસૃષ્ટિ મને અમર્યાદ દુનિયામાં જીવાડે છે 

- વ્હીલચેરબદ્ધ ઓડિસ ક્રેગ 

- કોઈ વ્યક્તિ પોતાના હાથનો ઉપયોગ કર્યા વિના પેઇન્ટિંગ કરી શકે ખરો? ઓડિસ ક્રેગે ઘોડી પર બેસાડેલ પીંછીનો માઉથપીક તરીકે ઉપયોગ કર્યો અને વ્હીલ ચેરના હાથા પર સીધો ટેકો લઈને એ ચિત્રો દોરવા લાગ્યો. 

- પસ્તીયોં મેં ખો ગયા હૈ આદમી,

કિતના છોટા હો ગયા હૈ આદમી,

ઇસ લિયે શૈતાનિયત કા જોર હૈ,

આદમી મેં સો ગયા હૈ આદમી.

જિંદગીની રફતાર માનવીને ક્યાંથી ક્યાં લઈ જતી હોય છે! વર્તમાનની વેદનાને ઘણીવાર ભૂતકાળની વહાલપની યાદ ઓછી કરતી હોય છે. ભૂતકાળનાં મીઠાં સ્મરણો એની વર્તમાનની પીડાને ઓગાળી નાખતા હોય છે અને એ જ રીતે પારાવાર યાતના વચ્ચે જીવતા ઓડિસ ક્રેગને એનો ભૂતકાળ સતત નજર સમક્ષ રહે છે!

માતાની મમતાએ એ સમયે ઓડિસ ક્રેગનાં સહુ ભાઈ-બહેનોને એવી રીતે લપેટી લીધાં હતાં કે જેથી માતાની વિદાય પછી પણ એ ભાઈ-બહેનો સદાય એકબીજાની સાથે ગાઢ સ્નેહથી બંધાયેલાં રહ્યાં. ઘોડા પર બેસીને એકબીજાનો પીછો કરતા હોય તેવી ટોળીઓની ભાઈ-બહેનો સાથે કરેલી વાતોનો અંત નથી, તો બીજી બાજુ ખેતરમાંથી કપાસ અને શેરડીનો પાક લેવા માટે સાથે મળીને આનંદભેર કરેલી મહેનત ભુલાતી નથી.

ઓડિસ ક્રેગ કહે છે કે એના પહેલા ધોરણથી પાંચમા ધોરણના અભ્યાસ સુધી એ ખેતરમાં જ વસતો હતો. ખેતર એ જ એની દુનિયા. એ અગિયાર વર્ષનો થયો, ત્યારે એનો પરિવાર જે ફાર્મ હાઉસમાં રહેતો હતો, ત્યાં આગ લાગી અને પરિવારને મજબૂર થઈને શહેરમાં વસવા જવું પડયું, પણ ઓડિસ ક્રેગને શહે૨ની હવા પસંદ નહોતી. આથી એ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને સીધેસીધો નૌકાદળમાં તાલીમ લેવા માટે જતો રહ્યો. અહીં  ક્રેગે મિકેનિક બનવા માટે એણે આઠ વર્ષ અભ્યાસ કર્યો અને છેલ્લાં ચાર વર્ષ સાન ડિએગો નજીક આવેલા નેવલ બેઝ કોરોનાડો ખાતે એ કામ કરતો હતો. અહીં પોતાની કારકિર્દી દરમિયાન એ લાંબા અંતર સુધી સાયકલ ચલાવતો અને પોતાની ગમતી ૨મત ટેકલ ફૂટબોલ ખેલતો હતો. એને નૌકાદળની કામગીરી ખૂબ પસંદ પડી હતી અને વિચાર કરતો હતો કે હજી બીજાં વધુ ચાર વર્ષ માટે નૌકાદળમાં મારે કામ કરવું છે.

લગભગ ચાલીસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ઓડિસ ક્રેગ એના નૌકાદળના સાથીદારો સાથે ફૂટબોલ ખેલતો હતો. આ સમયે દોડીને પ્રતિસ્પર્ધી સાથે એ જોરથી બાથ ભીડવા ગયો, પરંતુ એ માટે ખોટો વળાંક લેતાં ક્રેગની ત્રીજી અને ચોથી સર્વાઈકલ કરોડરજ્જુ તૂટી ગઈ, જેને કારણે ક્રેગ ખભાથી નીચે પટકાયો. ગરદનથી એને લકવો થઈ ગયો અને એની આખી જિંદગી બદલાઈ ગઈ.

હકીકતમાં સર્વાઈકલ કરોડરજ્જુની ઈજા એ કરોડરજ્જુ પર થતી બધી ઈજાઓમાં સૌથી ગંભીર છે. આ કરોડરજ્જુ ગરદનનાં પાયાની નજીક, સર્વાઈકલ સ્પાઇનના મધ્યભાગની રચના કરે છે. એ ખભાથી નીચે સુધીના શરીરના કાર્યને નિયંત્રિત કરે છે. ક્રેગને શારીરિક પુનર્વસન કેન્દ્રમાં દાખલ થવું પડયું અને સહુ કોઈ કહેતા કે એની આખી જિંદગી પરાવલંબી થઈ ગઈ છે, ત્યારે એને ક્રિસ્ટોફર સુપરમેન યાદ આવે છે.

આ ક્રિસ્ટોફર રીવ ૧૯૭૦-૧૯૮૦ના દાયકામાં સુપરમેન તરીકેની ભૂમિકા આગવી છટાથી ભજવતો હતો અને એના અભિનયનો સિનેજગતમાં એક જબરો કરિશ્મા હતો. ઘોડેસવારી દરમિયાન એ પડી જતાં લકવાગ્રસ્ત બન્યો. એની ગરદનથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ જતાં સુપરમેનને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, આથી એને પોતાની સાથે સતત શ્વસન ઉપકરણ રાખવું પડતું હતું. આવી અવસ્થામાં પણ એ સુપ૨મેને એની ફિલ્મના પડદા પરની ભૂમિકાને જીવનના તખ્તા પર સાચી ઠેરવી. એણે અભિનય અને દિગ્દર્શન ચાલુ રાખ્યું. પોતાની આત્મકથાનાં બે પુસ્તકો લખ્યાં. પર્યાવરણ, માનવ અધિકારો અને અભિવ્યક્તિની કલાત્મક સ્વતંત્રતા માટે એણે કામ કર્યું. વળી, કરોડરજ્જુની ઈજાના સંશોધન માટે અને વિકલાંગ લોકોને વધુ સારો વીમો મળે એ માટે એણે પ્રચાર કર્યો હતો.

એણે ક્રિસ્ટોફર અને ડાના રીવ ફાઉન્ડેશનનું નેતૃત્વ કર્યું અને એક સંશોધન કેન્દ્રની પણ સ્થાપના કરી. જો ક્રિસ્ટોફરને ઘોડેસવારી દરમિયાન અકસ્માત થયો ન હોત અને લકવાગ્રસ્ત થયો ન હોત, તો એની અભિનય કારકિર્દી કેટલા ઊંચા મુકામ પર પહોંચી હોત, તેની આગાહી કરવી અશક્ય છે. એણે ફિલ્મ અને નાટક બંનેમાં વિવિધ ભૂમિકાઓ ભજવવાનું ચાલુ રાખ્યું હોત. વળી, ફિલ્મનાં પડદા પર એક પ્રભાવશાળી અભિનેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી દીધી હતી.

આમ, ગંભીર વિકલાંગતા સાથે સુપરમેન ક્રિસ્ટોફર રીવે જિંદગીનો પરાજય સ્વીકાર્યો નહોતો. ભૂતકાળ જેમ વર્તમાનને જોડે એ રીતે 'મેન ઓફ સ્ટીલ' કહેવાયેલા ક્રિસ્ટોફર રીવ જેવું જ ઓડિસ ક્રેગ સાથે બન્યું. એ પોતાના નૌકાદળનાં સાથીઓ સાથે બેઝ પર ટેકલ ફૂટબોલ રમી રહ્યો હતો, ત્યારે એને આ ગંભીર ઈજા થઈ.

આ ઈજામાંથી બહાર નીકળવા માટે કોઈએ એને સૂચન કર્યું કે તમારે સર્જનાત્મક રીતે કોઈ કલા-કાર્ય ક૨વું જોઈએ. એણે અગિયાર વર્ષ સુધી યુનિવર્સિટી ઓફ કેલિફોનયામાં સેમેસ્ટરનાં એક વર્ગમાં પ્રવેશ મેળવ્યો અને એકસઠ વર્ષની વયે ૨૦૧૨માં એ ચિત્રકામ અને પેઇન્ટિંગમાં વિશેષતા ધરાવતા નિષ્ણાત તરીકે જાણીતો થયો. અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યા બાદ એણે ચિત્રકલા ક્ષેત્રે સર્જનાત્મક કાર્ય શરૂ કર્યું.

કોઈ વ્યક્તિ પોતાના હાથનો ઉપયોગ કર્યા વિના પેઇન્ટિંગ કરી શકે ખરો? ઓડિસ ક્રેગે ઘોડી પર બેસાડેલ પીંછીનો માઉથપીક તરીકે ઉપયોગ કર્યો અને વ્હીલ ચેરના હાથા પર સીધો ટેકો લઈને એ ચિત્રો દોરવા લાગ્યો. એક સમયે એના વર્ગખંડમાં અને ચિત્રકારોના સમાજમાં એક માત્ર વિકલાંગ કલાકાર તરીકે એની ઓળખ કરાતી હતી, પરંતુ ધીરે ધીરે એની કલામાં સહુને રસ પડવા લાગ્યો અને કેટલાક એને પૂછતા પણ ખરા કે તમે કેવી રીતે પેઇન્ટિંગ કરી રહ્યા છો?

આવે સમયે ઓડિસ ક્રેગ જવાબ આપતો, 'હું ફક્ત તમારા જેવો માણસ બની રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું.' એનું ઉત્સાહી સ્મિત અને હકારાત્મક વિચારધારા સહુને સ્પર્શી જતાં. ધીરે ધીરે એણે આફ્રિકન અમેરિકન સમાજના જાહેરજીવનની અગ્રણી વ્યક્તિઓનાં સ્કેચ દોરવામાં મોટી કુશળતા હાંસલ કરી. એના ઘરના દરેક શેલ્ફમાં એણે જુદી જુદી કલાકૃતિઓ મૂકી છે અને કેટલાક લોકો તો ખાસ એને ઘેર આવીને ફોટો ટૂર લે છે. એની પોઝિટીવ વિચારધારા તો એવી છે કે એ કહે છે કે, 'જ્ઞાાન એ શક્તિ છે' અને પોતાના કેમ્પસની બહાર ફરીને એ યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સમજાવતો હોય છે.

કોઈ એને પૂછે, 'શું તમે આટલી બધી શારીરિક મર્યાદાઓ સાથે વર્ગો ભરી રહ્યા છો?' તો એના જવાબમાં એ કહે છે કે, 'તમારે મારી જેમ વર્ગો ભ૨વા જોઈએ. જુઓ, હું કેવો વર્ગો ભરી રહ્યો છું.'

એકસઠ વર્ષનો પીઢ એવો ક્રેગ ઘોડી પર ચોંટેલ માઉથપીકનો ઉપયોગ કરે છે, જે તેની વ્હીલચેર સાથે જોડાયેલું હોય છે અને જે એને કેન્વાસ પર બ્રશ અને કાગળ પર પેન્સિલ મૂકવા સક્ષમ બનાવે છે. બાળપણનો પેલો ખેતરનો સાદ ક્યાંથી ભૂલી શકાય? નવલિકાકાર ધૂમકેતુની 'ગોવિંદનું ખેત૨' વાર્તાનું અહીં સ્મરણ થાય. એ પોતે જીવનનાં પ્રારંભે દક્ષિણ કેરોલીના રાજ્યનાં ખેતરોમાં જીવતો હતો. તે ગ્રામીણ ખેતરોનાં રેખાંકનો એ બનાવી રહ્યો છે અને પોતાના એ પ્રદર્શનને નામ આપ્યું છે : 'લાઈફ ઓન ધ ફાર્મ'.

એનાં રેખાંકનો પરથી તૈયાર થયેલું પુસ્તક એના અધ્યાપકો અને સહાધ્યાયીઓ તૈયાર કરી રહ્યા છે. ક્રેગ પુસ્તકના વર્ણનાત્મક ભાગ પર વિચાર કરી રહ્યો છે, જે આગામી પાનખરમાં ઓનલાઇન ડેબ્યુ કરવાની ધારણા રાખે છે. ક્રેગને યુનિવર્સિટી ગ્રાન્ટ ફંડ મળ્યું છે અને ક્રેગ પોતાની કલાયાત્રા વર્ણવતા કહે છે કે, 'મારૂં દરેક ચિત્ર એ એક વાર્તા કહે છે.' ક્રેગનો પુત્ર એનાં પ્રદર્શનોમાં ચિત્રો ટીંગાડવા માટે નોકરી પરથી રજા લઇને હાજર થઇ ગયો છે.

પચાસથી વધુ ચિત્રો આ પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યાં છે અને એની સાથે અભ્યાસ કરતી કેવિન સ્ટુઅર્ટ - મેગી કહે છે કે, 'ઓડિસ એક નોંધપાત્ર વ્યક્તિ છે. એ એના કામમાં એવા સ્થાને પહોંચ્યો છે કે જ્યાં મોટાભાગનાં લોકો ક્યારેય પહોંચી શકતા નથી. એની પાસે યાદશક્તિ અને નિશ્ચિતતા એ બે આગવાં મૂલ્યો છે અને આ યાદશક્તિનાં આધારે એ કામ કરતો હોવાથી જ્યારે એ કોઇ દ્રશ્ય દોરતો હોય, ત્યારે એને યાદ કરવાને બદલે જાણે એ ઊભો રહીને જોઈ રહ્યો હોય એવું લાગે છે.'

જ્યારે એનો એક બીજો સાથી પેટ્રિક લોકજીવનનાં ગીતો અને વાદ્યોનાં સાધનોથી ક્રેગના ચિત્રપ્રદર્શનમાં મૌખિક ઇતિહાસનાં તત્ત્વોનો સમાવેશ કરી રહ્યો છે. આજે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ઓડિસ ક્રેગ એક જીવંત વ્યક્તિ તરીકે પોતાની કલાકૃતિઓથી આનંદ મેળવી રહ્યો છે અને ઓડિસ કહે છે કે, 'જ્યારે મારે કોઇ પડકાર જોઈતો હોય ત્યારે હું રંગ કરૂં છું.'

પ્રસંગકથા

પ્રલોભનોની દુનિયામાં પામર બન્યો માનવી

એક વેપારી હોટલમાં ઉતર્યો. ઉતરવાની ઉતાવળમાં એ હોટલનું ભાડું પૂછવું ભૂલી ગયો.

એ પછી સામાન બાંધીને હોટલમાંથી નીકળતા પહેલાં એણે બિલ મંગાવ્યું. બિલ જોઈને એના છક્કા છૂટી ગયા. એણે હોટલ આટલી બધી મોંઘી હશે એવી તો કલ્પના જ કરી નહોતી.

વેપારી હોટલના કાઉન્ટર પર ગયો. વાતચીત કરી, પણ કશું વળ્યું નહીં. એવામાં એની નજ૨ કાઉન્ટર પર લાગેલા બોર્ડ પર પડી.

એ બોર્ડ પર લખ્યું હતું, 'આપનું કશું રહી ગયું નથી ને?'

વેપારીએ કાઉન્ટર પરના મેનેજરને કહ્યું કે, 'આ બોર્ડ સાવ ખોટું છે. આને બદલે બીજા પ્રકારનું લખાણ બોર્ડ પર લખવું જોઈએ.'

મેનેજરે કહ્યું, 'આ તો અમે ગ્રાહકોના લાભ માટે બોર્ડ મૂકેલું છે. એમને અહીંથી વિદાય આપતા અગાઉ તે જે ખંડમાં ઉતર્યા હોય ત્યાં કશું રહી જતું નથી, જેથી અહીં ઉત૨ના૨ને અહીંથી નીકળ્યા બાદ મુશ્કેલી વેઠવી ન પડે. આ તો ગ્રાહકોની સાચી સેવા કરવાનો અમારો ઈરાદો બોર્ડ પરના લખાણ દ્વારા વ્યક્ત થાય છે.'

વેપારીએ હસતાં હસતાં કહ્યું, 'તમારી સેવાની ભાવના સારી કહેવાય, પરંતુ જો ગ્રાહકની સાચેસાચી સેવા કરવી હોય તો તમારે બોર્ડ ૫૨ એમ લખવું જોઈએ કે, આપની પાસે કશું બાકી રહ્યું નથી ને?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશમાં શોપિંગની આદત એટલા હદે વકરી ગઈ છે કે વ્યક્તિ શોપિંગ મોલમાંથી બહાર નીકળે, ત્યારે એના ખિસ્સાં ખાલી થઈ ગયા હોય છે! જુદી જુદી વિજ્ઞાાપનો દ્વારા લલચામણી જાહેરાતો કરીને ગ્રાહકને આકર્ષવામાં આવે છે અને પછી એ જાહેરખબરના મારાથી આકર્ષાયેલો ગ્રાહક એક વસ્તુ લેવાને બદલે ત્રણ વસ્તુ ખરીદે છે!

એક સમયે દેશમાં ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવવાનો મહિમા હતો. આજે જરૂરિયાત કરતાં ઘણું વધુ રાખીને જીવવું અને જરૂરી ન હોય તો પણ લઈ લેવું, તેમાં માનવામાં આવે છે. આને પરિણામે ગ્રાહક સતત ખરીદી કરતો રહે છે, અર્થતંત્ર ચાલતું રહે છે, પરંતુ એ ગ્રાહકની આર્થિક સ્થિતિ સદાય કફોડી જ રહે છે!

આજે તો વ્યક્તિ શોપિંગ મોલમાં જાય પછી ચારેક કલાકે બહાર નીકળતો હોય છે. બીજી બધી વસ્તુઓનાં મૂલ્યો કે કિંમત ઊંચા ગયાં, પણ સમયનાં મૂલ્યનો અહીં કોઈ વિચાર કરતું નથી.

Gujarat