Get The App

આવા ઘોર નરસંહાર વચ્ચે નોબેલ પારિતોષિકની ઉજવણી કરું કઈ રીતે?

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
આવા ઘોર નરસંહાર વચ્ચે નોબેલ પારિતોષિકની ઉજવણી કરું કઈ રીતે? 1 - image


- ચીસો પાડવાની તીવ્ર ઈચ્છા થાય છે, પણ મારો અવાજ રુંધાઈ ગયો છે 

- યહાં ઈન્સાન કી સૂરત મેં આદમખોર રહતે હૈ,

ચલો જંગલ મેં ચલકર હમ કોઈ આદમી ઢૂંઢે.

કોઈ પણ જાતિ પોતાના જાતભાઈઓનો સૌથી વધુ સંહાર કરવાનું કલંક ધરાવતી હોય તો તે મનુષ્યજાતિ છે. માણસ એટલો બધો નિર્દય બની જાય છે કે એને બીજાનો સંહાર કરતા સહેજે થડકારો થતો નથી, બલ્કે વધુ સંહાર કરવાની એને ચાનક ચડે છે. નાદિર શાહ, તૈમૂર લંગ, નેપોલિયન કે હિટલર આજે ય જુદા જુદા વેશ પહેરીને ધરતીને માનવરક્તથી રંગે છે!

આજે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં હિંસાનું તાંડવ ખેલવામાં આવે છે, ત્યારે એમ કહેવું પડે કે ૧૯૫૬ના જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરમાં થયેલા નરસંહાર કરતા પણ આ ભયાવહ નરસંહાર છે. હકીકતે તો ગાઝા પર થયેલા બોંબની અસર જાપાનથી પણ વધુ બદતર અને ધુ્રજાવનારી છે. એક બાજુ મિસાઈલ્સથી આકાશમાંથી વરસતા બોંબથી બચવા માટે લોકો જીવ બચાવીને નાસતા હોય છે અને બીજી બાજુ કેટલાય બાળકો ને સ્ત્રીઓ ભૂખમરાથી રીબાઈ રીબાઈને અંતિમ શ્વાસ લેતા હોય!

તાજેતરમાં દક્ષિણ કોરિયાની લેખિકા હેન કાંગને સાહિત્યનો નોબેલ પારિતોષિક મળ્યું. જગત આખાએ એના સમાચાર જાણ્યા. નોબેલ પારિતોષિક મળે એટલે આખું જગત એના પર પ્રશંસાના પુષ્પો વેરે અને એનાં સર્જનો દુનિયાનાં ખૂણે ખૂણે પહોંચી જાય. હેન  કાંગના પિતા દક્ષિણ કોરિયાના સમર્થ નવલકથાકાર છે. એના પિતા હેન  સેઉંગ-વોએ પુત્રીએ પૂછ્યું કે, 'તને મળેલા આ યશસ્વી એવોર્ડ અંગેનો પ્રતિભાવ જાણવા માટે દુનિયા આખી આતુર છે, તો તું એ માટે ક્યાં પત્રકાર પરિષદ યોજવા વિચારે છે?'

પ્રથમ તો લેખિકા હેન  કાંગે વિચાર્યું કે એ પત્રકાર પરિષદમાં એ પોતાની સર્જન પ્રક્રિયાથી વાત કરશે, પરંતુ એના ભીતરમાં આંતર મંથન ચાલ્યું. આવી વાત કરવાનો આ યોગ્ય સમય છે ખરો? હાન કાંગ દસ વર્ષની હતી, ત્યારે ૧૯૮૦માં દક્ષિણ કોરિયાની લશ્કરી સરમુખત્યારશાહી સામે પ્રચંડ બળવો જાગ્યો હતો. આપખુદી સામે લડીને લોકશાહી માટે પ્રજાએ પ્રતિકાર કર્યો હતો. પરિણામે લશ્કરી સરમુખત્યારશાહીએ હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દીધાં હતાં.

એ પછી હેન  કાંગ તેર વર્ષની થઈ, ત્યારે એના પિતાએ એને નિર્દયી લશ્કરી સરમુખત્યારશાહી હેઠળ ભયાવહ દમનનો ભોગ બનતા લોકો પ્રત્યે આચરવામાં આવેલી હિંસાની તસવીરોનું આલબમ બતાવ્યું હતું. ૨૦૧૬માં લેખિકા હેન કાંગે આ આલબમ જોઈને એવો પ્રતિભાવ આપ્યો હતો કે, 'એ સમયે હું દસ વર્ષની નહીં, બલ્કે મોટી હોત તો મેં લશ્કરી શાસન સામે લડીને, ઝઝૂમીને મેં સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હોત, પણ હું ઘણી નાની હતી, પણ આ તસવીરોથી મને એક વસ્તુનો અહેસાસ થયો કે આવા અમાનવીય દમનથી માનવીનું જીવન કેવું ડરામણું બની શકે છે.'

૨૦૧૬માં હેન  કાંગે 'હ્યુમન એક્ટ્સ' નામની કથા લખી, જેમાં એ બળવામાં કરુણ મૃત્યુ પામેલા લોકોની કથા છે. કેટલાક કારાવાસની કાળી કોટડીમાં વર્ષોનાં વર્ષો પસાર કરે છે અને એનો અંત આત્મહત્યામાં આવે છે. નોબેલ પારિતોષિક વિજેતા હેન  કાંગે વિચાર્યું કે, 'ઈઝરાયેલની હિંસા પણ આવી જ કદરૂપી છે અને એવે સમયે પોતે કઈ રીતે પત્રકાર પરિષદ યોજી શકે! દરરોજ આ યુદ્ધ વધુને વધુ તીવ્ર બની રહ્યું છે અને હજારો લોકો માર્યા જાય છે એવી પરિસ્થિતિમાં એ કઈ રીતે એની ઉજવણી કરી શકે!' આ છે નોબેલ પારિતોષિક વિજેતા હેન કાંગનો મનોભાવ અને હકીકત એ છે કે એંસી વર્ષ પૂર્વે જાપાનમાં જે પરિસ્થિતિ હતી, એથી યે વધારે બદતર પરિસ્થિતિ આજે ગાઝામાં પ્રવર્તે છે.

૧૯૪૮માં હિંદુસ્તાનના ભાગલા સમયની પરિસ્થિતિનું આપણને સ્મરણ થાય છે. ઈઝરાયેલીઓ પેલેસ્ટીનિયનોને એમનું ગામ ખાલી કરવા કહે છે. ખાલી ન કરે તો એમનો પીછો કરીને એમને મારીને ભગાડીને કે બીક બતાવીને ખાલી કરાવે છે અને પછી એમને ત્યાં ક્યારેય પાછા ફરવા દેતા નથી. જ્યાં દાદા-દાદી અને માતા-પિતાની કેટલીય સ્મૃતિઓ જડાયેલી હોય, એ ગામને અને ઘરને ત્યજીને જવું પડે છે. અવગણનાની લાગણી એમને કોરી ખાય છે અને ગામ છોડીને ગયેલા પેલેસ્ટીનિયનોને કોઈ બીજા ગામના કાટમાળ વચ્ચે જીવવું ગુજારવું પડે છે.

૨૦૨૩ના ડિસેમ્બરના ઈઝરાયેલી સત્તાવાળાઓએ ખાન યુનિસની પશ્ચિમે આવેલા અલ-મવાસીમાં પોતાના ઘરબાર અને ઘરવખરી છોડી પહોંચી જવા ફરમાન કર્યું. એમને કહ્યું કે, 'હવે તમારા પ્રદેશમાં હજારો ઘાતક બોંબ વરસવાના છે અને તમારી વસાહત તો શું, પણ તમારો જીવ પણ બચશે નહીં અને તેથી આ માનવતાવાદી અને સલામત ક્ષેત્રમાં ચાલ્યા જાવ.'

આ સલામત ક્ષેત્ર વસ્તીથી કેટલું ઉભરાઈ ઊઠયું તે તમે જાણો છો? અમેરિકામાં વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ મીટરે પાંત્રીસ લોકોની છે. પૃથ્વી પરના સૌથી ગીચ ગણાતા મકાઉ શહેરની વસ્તીની ગીચતા એકવીસ હજારની છે, જ્યારે આ સલામત ઝોનમાં પ્રતિ ચોરસ મીટરે વસ્તીની ગીચતા પાંત્રીસ હજારની છે અને આ ક્ષેત્ર સલામત પણ કેટલું? થોડા જ સમયમાં આ સલામત ક્ષેત્રમાં આવેલી વસાહતો અને આશ્રયસ્થાનો પણ ઈઝરાયેલે મિસાઈલ-હુમલાઓ કર્યા. એક અઠવાડિયામાં ત્રણ શાળાઓને જમીનદોસ્ત કરી. ખેદાનમેદાન કરી નાખી. પહેલો હુમલો ત્રીજી ઓક્ટોબર અને ત્રીજો હુમલો દસમી ઓક્ટોબરે કર્યો અને એમાં ૨૮ પેલેસ્ટીનિયો માર્યા ગયા. જેમાં મોટાભાગનાં બાળકો અને વૃદ્ધ હતા. આમાં યુનિસેફનાં બે સેવાભાવી કર્મચારીઓ પણ હતા. આ આશ્રયસ્થાનોનાં સંયોજકો બાળકોને અને એમના માતા-પિતાને દૂધ બનાવવાની ફોર્મ્યુલા આપી રહ્યા હતા, ત્યારે આ બોંબ એમના પર વીંઝાયો.

હકીકતમાં સહુ કોઈ જાણતા હતા કે, અહીં આ શાળાઓમાં રહેલાઓમાંથી કોઈ હમાસના આતંકવાદી સંગઠનનો ભાગ નહોતા. એમાં મૃત્યુ પામેલી સૌથી નાની વ્યક્તિ તે છ વર્ષનો બાળક મિલા અલ-સુલતાન હતો અને સૌથી મોટી વ્યક્તિ તે ૮૭ વર્ષના અહેમદ અદેલ હમૌલા હતા. આ મૃતકોમાં એક પોલીસકર્મી અને શાળાનો સંચાલક પણ હતો. આ વિસ્ફોટમાં ત્રણ વર્ષના અહેમદ શબાતેએ પોતાના બંને પગ ગુમાવ્યા. અહીં એવા અનેક બાળકો છે કે જે બાળક ઈજાગ્રસ્ત બન્યું હોય અને એની સંભાળ લેનાર એનું કુટુંબ ન હોય. આ બાળકોનું જીવન એક સેકન્ડમાં પરિવર્તન પામે છે. એમનાં માતા-પિતા, ભાઈ-બહેન અને દાદા-દાદીની હત્યા કરવામાં આવે છે અને ક્ષણવારમાં તો એમનું આખું જગત પલટાઈ જાય છે. નોંધારું બની જાય છે.'

અહેમદ શબાત આવા બાળકોમાંથી એક બાળક હતો, જેના પરિવારમાંથી કોઈ જીવિત રહ્યું નહોતું અને તે ગાઝાની ઈન્ડોનેશિયન હોસ્પિટલમાં રડતો હતો. ત્રણ વર્ષનો આ બાળક નવેમ્બરના મધ્યમાં તેના ઘરમાં થયેલા હવાઈ હુમલામાંથી તો આબાદ બચી ગયો હતો. એ વખતે એનાં પિતા-માતા અને મોટા ભાઈની હત્યા કરવામાં આવી હતી. ત્રણ વર્ષનો અહેમદ શબાત અને એનો બે વર્ષનો ભાઈ ઓમર આમાંથી ઉગરી ગયા હતા.

એ પછી અનાથ અને બેઘર અહેમદ અને ઓમરને ઈબ્રાહિમ નામના સજ્જન પોતાના પરિવાર સાથે લઈ ગયા, પણ ફરી વિનાશક બોંબમારો શરૂ થયો. એ સમયે ઈબ્રાહિમે જોયું તો આ બોંબમારાને કારણે અહેમદના બંને પગ છૂટા પડી ગયા હતા અને હાથ લંબાવીને કોઈની મદદ માગી રહ્યો હતો. એનો નાનો ભાઈ ઓમર એ સ્વપ્ન સેવે છે કે પોતાના મોટાભાઈને કોઈ સારવાર મળશે અને એ બચી જશે, પણ ગાઝાની બહાર જવું કઈ રીતે? ઈઝરાયેલની કિલ્લેબંધી તોડવી અશક્ય ગણાય. આ નાનકડો અહેમદ એના જીવનમાં ફૂટબોલ ખેલાડી બનવાની ઈચ્છા ધરાવતો હતો. આજે એના બંને પગ છૂટા પડી ગયા છે!

અહેમદની જેમ મુના અલવાન નામની છોકરી પણ યુદ્ધમાં અનાથ બની છે. એ ઈન્ડોનેશિયન હોસ્પિટલમાં આવી, ત્યારે સતત 'અમ્મા અમ્મા' કરતી હતી, પરંતુ એની માતા તો બોંબમારામાં મૃત્યુ પામી હતી. હકીકતમાં મુનાનાં માતા-પિતા, ભાઈ અને દાદાની હત્યા કરવામાં આવી હતી અને મુના હવાઈ હુમલાને કારણે કાટમાળમાં દબાઈ ગઈ હતી. એને બહાર ખેંચી કાઢવામાં આવી. એની આંખમાં ભારે ઈજા થઈ હતી અને જડબામાં ફ્રેક્ચર થયું હતું. મુનાની કાકી હાન્નાને ઈન્ટરનેટ દ્વારા જાણ થઈ કે મુના નાસેર હોસ્પિટલમાં છે. તેઓ આવ્યાં. મુનાએ કાકીને ઓળખી કાઢી. એની કાકી હાન્ના કહે છે કે, 'મુના અત્યંત પીડાઈ રહી છે, એ ચીસો પાડવા માગે છે, પણ એનો અવાજ રુંધાઈ ગયો છે. કોઈ એની પાસે આવે તો એને બીક લાગે છે. કરુણતા તો એ છે કે મુનાની મોટી બહેનો ગાઝા શહેરમાં છે, પરંતુ એમને એના દક્ષિણ વિસ્તારમાં લાવવાનો કોઈ રસ્તો નથી.'

મુનાની કાકી હાન્ના કહે છે, 'સતત હું મારી જાતને પૂછું છું કે હું શું કરી શકું? આ બાળકીને હું શું કહી શકું અને કઈ રીતે બચાવી શકું?'

જ્યાં આવો નરસંહાર થતો હોય, ત્યાં પોતે કઈ રીતે નોબેલ પારિતોષિકની ઉજવણી કરી શકે અને એથી નોબેલ પારિતોષિક વિજેતા લેખિકા હેન કાંગે પત્રકાર પરિષદ યોજવાનું બંધ રાખ્યું.

પ્રસંગકથા

શિક્ષણની હાટડી અને હોસ્પિટલમાં હરાજી

મહારાણીએ પહેરેલા મહામૂલા મોતીના હારની પાર્ટીમાં આવેલી વ્યક્તિએ ભારોભાર પ્રશંસા કરી. સહુએ ઈચ્છા રાખી કે પોતે આ અતિ કિંમતી મોતીના હારને હાથોહાથ અડકે, સ્પર્શ કરે. મહારાણીએ એ હાર ઉતારીને ટેબલ પર મૂક્યો. ટેબલ ઝળહળી ઊઠયું. એ પછી લોકો ભોજન માટે ગયા અને થોડીવાર પછી બધા પાછા આવ્યા, તો જોયું કે ટેબલ પરથી મોતીનો હાર ગાયબ થઈ ગયો હતો!

ચોતરફ કોલાહલ મચી ગયો. યજમાને કહ્યું, 'ભાઈઓ, આ અત્યંત અફસોસ અને શરમની વાત છે કે આપણી પાર્ટીમાં કોઈ ચોર ઘૂસી આવ્યો છે અને એણે આ હાર ચોરી લીધો છે. હું ઈચ્છું છું કે એ ચોર ચૂપચાપ ટેબલ પર પડેલા ચાંદીના કટોરામાં એ હાર મૂકી દે, જેથી એને શરમિંદા થવું પડે નહીં. ચોરીના આરોપમાંથી એ બચી જાય.'

આમ કહીને એણે થોડીવાર લાઈટ બંધ કરી. બે મિનિટ સુધી હોલમાં સન્નાટો છવાઈ ગયો. જ્યારે લાઈટ ચાલુ થઈ, ત્યારે લોકો વધુ પરેશાન થઈ ગયા, કારણ કે ટેબલ પરથી એ ચાંદીનો કટોરો પણ ગાયબ થઈ ગયો હતો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે મહારાણીનો મૂલ્યવાન હાર તો ચોરાઈ ગયો, પણ એની સાથોસાથ ચાંદીનો કટોરો પણ કોઈ ગાયબ કરી ગયું.

બરાબર એ જ રીતે આજે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પહેલા મોતીના હાર જેવી સચ્ચાઈ ખોવાઈ ગઈ અને પછી ભ્રષ્ટાચારીકરણે ચાંદીનો કટોરો પણ ગાયબ કરી દીધો. શિક્ષણમાં કમાણી કરવા માટે આડેધડ હાટડીઓ ખૂલી, તો હોસ્પિટલ નફાખોરીની દુકાન બની ગઈ. આંધળો નફો મેળવવાની લ્હાયમાં એકે વિદ્યાર્થીનો ભોગ લીધો અને બીજાએ દર્દીઓને સ્વધામ મોકલી આપ્યા.

શિક્ષણની નફાખોરીએ સરસ્વતીની વીણા છીનવી લીધી અને ખોટે માર્ગે લક્ષ્મીની ઉપાસના ચાલુ કરી, તો આરોગ્યના ક્ષેત્રમાં નફાખોર તત્ત્વો આવ્યાં અને એમને માટે દર્દીઓ એ નફો મેળવવાનો માલ બની ગયાં.

ગુજરાતી પ્રજા વેપારી પ્રજા કહેવાય છે, પણ વેપારને નામે આજે તો શિક્ષણ અને આરોગ્યમાં ભ્રષ્ટાચાર કરીને એમનું ગળું જ ટૂંપી દીધું છે.


Google NewsGoogle News