માતૃભાષા મૃત્યુ પામશે, ત્યારે માતા જીવતી નહીં હોય
- માતૃભાષા ગુજરાતી યુનિવર્સિટીથી વિશ્વભરનાં ગુજરાતીઓનું ખમીર જગાડીએ
- નર્મદ
- રાતકે સૂમસામ વીરાનમેં હમ ચલતે હૈં,
મંઝિલ પર હમ અકેલે સફર કરતે હૈં.
ઘને અંધેરે મેં સિતારે ભી સાથ દેતે નહીં,
ઉમ્મીદોં કે દિયે જલાકે સફર કરતે હૈં.
આવતી કાલે ૨૧મી ફેબુ્રઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે, ત્યારે મારા મનમાં એક સ્વપ્ન જાગે છે કે માતૃભાષા ગુજરાતીની યુનિવર્સિટી હોય તો કેવું? આ વિચારનો મહિમા એ છે કે આજે આરબ દેશોથી વિંટળાયેલું ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓને પરાજિત કરી રહ્યું છે, તેની પાછળ વિશ્વભરનાં યહૂદીઓની એકતા કારણભૂત છે. વિશ્વ આખાને ઉપરતળે કરતું અમેરિકા પણ ઈઝરાયેલને માન અને આદર આપવા ઉપરાંત એ માંગે એટલી સહાય કરે છે, એનું કારણ છે ઈઝરાયલની માતૃભાષા હિબુ્ર.
જર્મનીના હિટલરે કરેલા દમનને કારણે દુનિયાનાં જુદા જુદા દેશોમાં યહૂદી પ્રજાને આશરો લેવો પડયો છે. વર્ષોથી ભિન્ન ભિન્ન દેશોમાં વસતી આ પ્રજા એ દેશની સંસ્કૃતિથી થોડી ઘણી રંગાઈ ખરી, પરંતુ આપણી માફક પાશ્ચાત્ય ભાષાના શિક્ષણ-પ્રયોગોએ જુદા જુદા દેશમાં નિવાસ કરતી યહૂદી પ્રજામાં ખમીર અને એકત્વની ભાવના જગાડી.
૧૯૪૮માં ઈઝરાયલની રચના થયા બાદ હિબુ્ર ભાષાને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી અને એ ભાષાનાં પ્રસાર-પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા. ભાષાના તાંતણે એણે અનેક દેશોમાં વસેલા યહૂદીઓને એક દોરમાં સાંધી દીધા. હિબૂ્ર ભાષામાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે હિબૂ્ર યુનિવર્સિટી ઓફ જેરૂસલેમ સ્થાપવામાં આવી અને અહીં જગતભરમાંથી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા શીખવા માટે આવે છે અને એ રીતે માતૃભાષા હિબૂ્રએ ઈઝરાયલનાં જોમ અને જુસ્સાને કેળવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. પ્રજા પોતીકી માતૃભાષા પ્રત્યે અભિમુખ બને, તો કેવા રૂડાં પરિણામો પામી શકાય એનું ઈઝરાયલ ઉદાહરણ બની રહ્યું.
આજે વિશ્વભરમાં ઠેર ઠેર ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાનાં જે દેશોમાં ગુજરાતી ગયો, ત્યાં ગુજરાતને, ગુજરાતી ભાષાને અને એનાં સંસ્કાર અને સંસ્કૃતિને લઈને ગયા છે, પરંતુ એના પોષણ અને સંવર્ધન માટે જે કાર્ય થવું જોઈએ તે અંગ્રેજી ભાષાની આશિકીને લીધે થયું નહીં. માતૃભાષા ગુજરાતી યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના ગુજરાતીઓને એક તાંતણે બાંધી શકાય નહીં? 'હું ગૂર્જર વિશ્વનિવાસી'નો નાદ ગજબી શકાય નહીં?
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત વિશ્વકોશ, ગુજરાત સાહિત્ય અકાદમી, પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ અને માતૃભાષા અભિયાન જેવી બીજી ઘણી સંસ્થાઓ અને રતિલાલ બોરીસાગર, રમેશ તન્ના જેવા કેટલાંય ભાષાપ્રેમીઓના ચિત્તમાં આ કલ્પના રમ્યા કરે છે, શું આપણે એને સાકાર કરી શકીએ નહીં? એક એવી અલગ યુનિવર્સિટી હોય કે જ્યાં ગુજરાતી ભાષા, સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન એ સઘળાનું માતૃભાષામાં શિક્ષણ અપાતું હોય. સંશોધન, સંપાદન, અનુવાદ જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય. માત્ર ગુજરાતીઓ જ નહીં, પણ બિનગુજરાતીઓ અને પરભાષી વિદેશીઓ એમાં આવતા હોય. આજેય અમેરિકાથી કેટલાંક પરિવારો ભારતમાં આવે, ત્યારે પોતાનાં પુત્ર-પુત્રીઓને ગુજરાતી શીખવવાનો આગ્રહ રાખે છે અને એમને ગુજરાતી ભણાવવા માટે શિક્ષકો રાખે છે. મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા 'સત્યના પ્રયોગો' ગુજરાતીમાં લખી છે અને તેથી એના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીઓ અભ્યાસ કરનારા કેટલાય વિદેશીઓ મળતા હોય છે.
ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો, તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો.
માનવીની જન્મદાત્રી માતા છે, તો સંસ્કારદાત્રી માતૃભાષા છે અને એ બંને માનવીને જીવન આપે છે. એક અર્થમાં કહીએ તો માતાનાં દૂધથી બાળકનાં હાડકાં મજબૂત થાય છે અને માતૃભાષાથી એની કરોડરજ્જુ ટટ્ટાર રહે છે. જે પ્રેમ, આત્મીયતા અને સહજતા માતા પાસેથી મળે છે, એ જ માતૃભાષા પાસેથી મળે છે.
આમ માતૃભાષાએ વ્યક્તિને એક ચહેરો આપે છે અને એવી આપણી માતૃભાષા ગુજરાતી વિશે વિચારીએ, ત્યારે ખ્યાલ આવે કે ગુજરાતની વસ્તી છે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. ૨૦૨૩માં નોર્વેની વસ્તી ૫૪ લાખ હતી, ૨૦૨૫માં ઈઝરાયલની વસ્તી ૯૪ લાખ ૬૫ હજાર છે અને સ્વીડનની વસ્તી આજે એક કરોડ અને છ લાખ છે. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. એક કરોડથી વધુ વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચાવિચારણા કરનારાં ૨૭,૦૦૦ તો ચર્ચામંડળો છે. ૨૦૨૩ના જુલાઈમાં સાત કરોડ અને અઢાર લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાના વિકાસની બાબતમાં પાછળ રહે છે?
જો માતૃભાષાની અવજ્ઞા થતી રહેશે તે ભુલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્ત્ અને એની ચેતનાનું પ્રાકટય જોખમાશે ક્ષીણ થશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ આઈન્સ્ટાઈનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માતૃભાષામાં જ શીખવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત્ કરી લે. એરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યા. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિકુયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ 'સેકન્ડ ફ્રીડમ' માટેની એમની લડાઈ જુએ છે. શ્વેત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે.
ભાષા, સાહિત્ય, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઈતિહાસ, રાજકારણ જેવાં ૧૮૦ વિષયોને લઈને ગુજરાતી ભાષામાં ગુજરાતી વિશ્વકોશનાં ૨૫,૦૦૦ અધિકરણો (લેખો) અને ગુજરાતી લેક્સિકનનું પિસ્તાળીસ લાખ શબ્દભંડોળ આ બંનેનો વિશ્વભરની ગુજરાતી પ્રજા ઓનલાઈન ઉપયોગ કે છે. એમાં ભારત, ઈંગ્લેન્ડ, અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, જાપાન જેવાં દેશના લોકો પણ આ સાઈટની મુલાકાત લે છે અને દર મહિને સાડા પાંચ લાખથી વધુ ગુજરાતી લોકો એનો ઉપયોગ કરે છે. આનો અર્થ જ એ છે કે જો આપણે આ ભાષાકીય કટોકટી સામે કમર કસીએ, તો જરૂર આપણી માતૃભાષા હ્ય્દયવગી અને જીભવગી બની રહેશે.
૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી એ અસિધારાવ્રત એણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબનાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને નર્મદે ભાષા-સાહિત્ય માટે વ્રતતપનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણને આપ્યું. એ રીતે મુંબઈમાં વકીલાત છોડી કેટલાક દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમાં વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ ત્રિપાઠીએ નડિયાદમાં આવીને 'સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરૂભાઈ ઠાકર જેવા વિદ્વાનોની સમર્પણવૃત્તિને, ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીજી તેમ જ ગાંધીમૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગોંડલના રાજવી ભગવતસિંહજી, ચંદુલાલ પટેલ, રતિલાલ ચંદરયા કે કિશોરભાઈ દેસાઈ (ગુર્જરી ડાયજેસ્ટ) જેવાઓની ભાષાપ્રીતિને આપણે આજે સદ્ભાવપૂર્વક યાદ કરીએ. આપણે ફાર્બસ કે જોસેફ વાન ટેલરને ય કેમ ભૂલી શકીએ? કેટલાય સારસ્વતો ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજે કાર્યરત છે. એ કાર્ય ઉત્તમ રીતે ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સહિયારો પ્રયાસ કરીએ.
પ્રત્યેક ગુજરાતી પછી તે વિદ્વાન હોય કે વેપારી હોય, સમાજ સેવક હોય કે પછી નેતા હોય, વિજ્ઞાની હોય કે ટેકનોલોજીમાં નિષ્ણાત હોય - આ બધા પોતાને માતૃભાષા ગુજરાતીનાં પ્રતિનિધિ સમજીને કાર્ય કરે તો ગુજરાત જરૂર 'જય જય ગરવી ગુજરાત'નો ગૌરવભેર જયનાદ કરી શકશે અને સદાય કવિ દલપતરામની એ પંક્તિઓનું ગાન કરશે -
'આવ ગિરા ગુજરાતી
તને, અતિ શોભિત હું શણગાર સજાવું.'
પ્રસંગકથા
જમીનદોસ્ત થઈ ગયો ભવ્ય શીશમહેલ
વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એકવાર પંજાબના પ્રવાસે ગયા હતા. પંજાબના કપુરથલા ગામ નજીક આવેલા દાહડ નામના સ્થળે સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવાનો હતો. પાવડાથી માટી ખોદીને પંડિત નહેરુના હસ્તે સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું.
સરકારી અધિકારીઓએ આ ઉદ્ઘાટનને ભવ્ય બનાવવા માટે કોઈ કસર રાખી નહોતી. વિશાળ મંડપ ઊભો કરાયો, રાતોરાત નવા નકોર રસ્તાઓ બની ગયા, સેંકડો ગ્રામજનો બોલાવવામાં આવ્યા. ઢોલ, નગારાં અને શરણાઈ સાથે ભાંગડા નૃત્યનું આયોજનુ થયું. પંડિત જવાહરલાલ નહેરુ સિંચાઈ યોજનાના ઉદ્ઘાટન માટે પધાર્યા.
આયોજકોએ આ માટે ચાંદીની ખાસ કોદાળી બનાવી હતી. પંડિત નહેરુને ઉદ્ઘાટન માટે ચાંદીની કોદાળી આપવામાં આવી.
પંડિત નહેરુએ ચાંદીની કોદાળી એકબાજુ દૂર ફેંકી દીધી અને નજીકમાં પડેલી લોખંડની કોદાળીથી માટી ખોદવા લાગ્યા. કોઈએ એમને અટકાવવા પ્રયાસ કર્યો. ચાંદીની કોદાળી પાછી આપવાની ચેષ્ટા કરી, આ જોઈ નહેરુ બોલી ઊઠયાઃ
'શું ભારતનો ખેડૂત ચાંદીની કોદાળીથી ખોદકામ કરે છે?'
નહેરુએ લોખંડની કોદાળીથી માટી ખોદીને સિંચાઈ યોજનાનો મંગલ પ્રારંભ કર્યો.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે એ સમયે પંડિત નહેરુએ ચાંદીની કોદાળી ફેંકી દઈને લોખંડની કોદાળી લીધી હતી. આજે દેશમાં ઊલટી ગંગા વહે છે. લાચાર પ્રજાને લોખંડની કોદાળી આપીને માલેતુજાર રાજકારણીઓ ચાંદીની કોદાળીથી કામ કરે છે.
પ્રજાના પસીનાનાં પૈસે તેઓ ચાંદીની કોદાળી વાપરે છે. કોઈ કરોડોનાં ખર્ચે ભવ્ય શીશમહેલ બનાવે છે, તો કોઈ રાજકારણી મોટું કૌભાંડ કરે છે. દેશનાં રાજકારણમાં ભપકો અને આડંબર વધતા જાય છે અને એને પરિણામે પ્રજાનો મોટાભાગનાં રાજકારણીઓ પરથી વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. તાજેતરમાં થયેલી દિલ્હીની ચૂંટણીનાં પરિણામોએ આ બતાવ્યું છે કે પ્રજા એના પૈસાનો દુરુપયોગ કરનાર રાજકારણીને સત્તાસ્થાનેથી નીચે ઉતારી મૂકે છે. રાજકારણ એ ધનપ્રાપ્તિ માટેનું માધ્યમ બની ગયું છે, ત્યારે પ્રજાએ કેજરીવાલને બરાબર પાઠ ભણાવીને સાચી હકીકત ઉજાગર કરી છે. રાજકારણી અને પ્રજા વચ્ચેની આ ખાઈ ઓછી કરવાનો સમય આવી ચૂક્યો છે.