એક માસૂમ દિલની કદરદાની લાખો ઉપેક્ષાઓને ભૂલાવી શકે છે
- સ્વર્ગ મળતું હોય, પણ સ્વમાન ન જળવાય, તો જન્નતના દરવાજેથી પણ પાછો ફરી જાઉં !
- એક ઐસા ભી વક્ત હોતા હૈ,
જહાં ખુશી ગમ મેં બદલ જાતી હૈ.
એક ઐસા ભી સમા હોતા હૈ,
જહાં હંસી આંસુ મેં પલટ જાતી હૈ.
જમાનો ઉર્દૂ કવિ 'ઝૌક'નો હતો અને શાયરી શબાબ અને સનમની આસપાસ ઘૂમતી હતી. આવે સમયે મિર્ઝા ગાલિબની ફારસી શબ્દોથી ભરેલી શાયરી કેટલાકને સમજાઈ નહીં અને કેટલાકને એમાં શાયરીનો મિજાજ જોવા મળ્યો નહીં. ઈશ્કની રંગીન તબિયતની કવિતા થતી હોય ત્યાં જિંદગીની નિજી સંવેદનાઓની કવિતા સમજાય કોને? આથી જ દિલ્હીના શાહી મુશાયરામાં ગાલિબને સમજનારા ન મળ્યા. નાસમજની બેઅદબી ક્યારેક આપણી સમજ બહારની હોય છે! ઈશ્કની રંગીન રાતોમાં જીવનારને જીવનના તાપ નાપસંદ હોય છે. મિર્ઝા ગાલિબને અજ્ઞાાનીઓની અજ્ઞાાનતા કાંટાની જેમ ચૂભતી હતી.
આ શાયરને કોઈ તલાશી હતી. એ એવા જિગરને ચાહતા હતા કે જે એમના જખમને જાણી શકે! એમની ભીતરી વ્યથાનો ભાર ઝીલી શકે! પણ આજે મળે કોણ? સહુ કોઈ મોજ, મસ્તી અને મુશાયરામાં મશગૂલ હતા.
ચાલતા ચાલતા કવિ દિલ્હીના જાણીતા લત્તામાં આવી પહોંચ્યા. અહીં રાત રોશનીથી ઊજવાતી હતી. શરબતી શાયરીના જામ છલકાતા હતા. માનવી સાકીના જામે રંગમાં બદહવાસ બની જતો હોય છે. એ તવાયફોનો લત્તો હતો!
ગાલિબ એકાએક અટકી ગયા. એક નાનકડા મકાનને પહેલે મજલે આછી મીણબત્તી જલતી હતી. વેરાનમાં જાણે વીરડી! સાંજનો આછો ઝણકાર એ ગૂંગળાવતી નીરવતાને ભેદીને મુક્ત સ્વર્ગીય વાતાવરણ સર્જતો હતો. 'ઝૌક'માં ઝૂકી ગયેલા નગરમાં અહીં વળી કોણ?
ગાલિબ દાદર ચડી ગયો. તવાયફની માતાએ ગાલિબને આવકાર દીધો. ગાલિબ સંગીત ખંડમાં ગયો. આજ સુધી ગાલિબ કવિતામાં જે રૂપ ગાતો હતો, જેની વારંવાર બંદગી કરતો હતો, એ રૂપ આજે નજર સામે આવીને ઊભું રહ્યું. આંખમાં ચળકતો સુરમો હતો. વિખરાયેલા કેશકલાપમાં ઘટાદાર વાદળોની મસ્તી ચૂમતી હતી. હોઠ પરનું મધુર છતાં દર્દભર્યું સ્મિત ગાલિબને એની કવિતાનું જીવતું સ્વરૂપ લાગ્યું.
એ બેઠી હતી. સામે પડેલા સાજ પરથી સંગીતના સૂરો વહાવી રહી હતી. ગાલિબ આવીને બેઠો. દિલના ગમને છુપાવતાં તવાયફે પૂછયું, 'કેમ મુશાયરામાં ન ગયા? રાજકવિ ઝૌક એની ગઝલ આજે પેશ કરવાના છે!'
ગાલિબને આ ઉપવાસ અજનબીભર્યો મીઠો લાગ્યો. ગાલિબે કહ્યું, 'હું ગયો હતો, પણ પાછો આવ્યો. મારે તો તારી પાસેથી કંઈક સાંભળવું છે.'
તવાયફ મોતી બેગમ છટાથી બોલી, 'હું સૌદા અને ઝૌકની ગઝલ ગાતી નથી.'
'તો તું કોની ગઝલ ગાય છે?'
'હું? હું માત્ર ગાલિબની ગઝલો ગાઉં છું. જેને આજનો જમાનો સમજી શક્યો નથી. પણ આવતા જમાનાનો અને એ પછીના જમાનાઓનો મહાકવિ ગાલિબ મારો મનપસંદ કવિ છે.'
ગાલિબ સ્વસ્થ બનીને સાંભળી રહ્યો. એના દિલમાં તોફાન જાગ્યું. મુશાયરાની અવગણના વીસરી ગયો. એક માસૂમ દિલની કદરદાની એવી લાખો ઉપેક્ષાને ભુલાવી શકે એટલી ઉન્નત હતી.
'ગાલિબ... એ તો કઠોર કવિ છે.' ગાલિબે હસતાં હસતાં કહ્યું.
'જે લોકોએ જિગરમાં જિંદગીનું દર્દ ન અનુભવ્યું હોય, જે શેર-શાયરીના મિજાજને ન સમજતા હોય, એવા તો આથીય વધુ કટુ વચનો ગાલિબને કહેશે.'
'એક શાયર તરફ તમારા પક્ષપાતની કદર કરું છું, પણ આ ગાલિબ તો તદ્દન બેસમજ માણસ છે. કૈંક અર્થહીન અઘરી કડીઓ લખે છે. કવિ આગાજાને ભર મુશાયરામાં ગાલિબને યોગ્ય જ કહ્યું કે - મગર ઈનકા કહા તો આપ સમજે યા ખુદા સમજે.'
'ગાલિબને બિચારાને શમા-પરવાનાની રંગતનો તો ખ્યાલ જ ક્યાં છે?' ગાલિબે જવાબ વાળ્યો.
તવાયફે સહેજ ગુસ્સે થઈને કહ્યું, 'ઓહ! ગાલિબની રંગત જ અનોખી છે! પણ જેનું હૃદય એટલું ઠંડું હોય કે પ્રણયની આગનો અંગારો એને અડતાં જ ઠરી જાય, એ એ ગાલિબી રંગત જાણે ક્યાંથી? જિંદગી બરબાદ કરવાની જિગરદાની ધરાવનાર જ ગાલિબની અઘરી કવિતાની કમનીયતા અને ચોટ સમજી શકે. બીજા તો બુઝદિલ છે.'
ગાલિબ ઊભો થઈ ગયો. પોતાની ઓળખ આપી, પણ શાહી મુશાયરામાં નહીં વાંચેલી ગઝલો ત્યાં મૂકતો ગયો!
'ઉનકે દેખે સે જો આ જાતી હૈ મુંહ પર રૌનક, વો સમજતે હૈં કિ બિમાર કા હાલ અચ્છા હૈ.'
ગાલિબ અને મોતી બેગમની અનોખી પ્રેમકહાનીનો આ છે આરંભ. ગાલિબના દિલ પર આ પ્રેમ ઘેરી અસર કરી ગયો. ગાલિબ પોતાની આ પ્રેમિકાનો 'દોમની' તરીકે ઉલ્લેખ કરે છે. આ 'દોમની'નો અર્થ છે ગાનારી કે નાચનારી.
એક કહીકત એ છે કે ગાલિબની આ પ્રિયતમા યુવાનીમાં મૃત્યુ પામી હતી અને એથી જ ગાલિબે એની શરૂઆતની કવિતામાં એક કરૂણ પ્રશસ્તિ લખી છે. એ કરૂણ પ્રશસ્તિમાં મોતી બેગમના મૃત્યુને લીધે થયેલા શોકની વાત કરે છે. ગાલિબની જન્મેલી થોડી પંક્તિઓ જોઈએ.
'તેં મારી જોડે દોસ્તી બાંધવાનો ખ્યાલ જ કેમ કર્યો? અરેરે! મારી દોસ્તી કરીને તેં તારી પોતાની જ દુશ્મની વહોરી લીધી છે.'
'તેં તો જિંદગી સુધી મારી તરફ વફાદારીના કસમ ખાધા હતા, પણ અફસોસ! એ જિંદગી જ કેટલી ટૂંકી નીવડી!'
'બદનામીની બીકે ધૂળના બુરખામાં લપાઈ જવું એ તો તારી મહોબ્બતનું આખરી કદમ હતું. અફસોસ!'
ગાલિબની આ કવિતા પરથી એમ લાગે છે કે મોતી બેગમ આબરૂદાર કુટુંબની હોવી જોઈએ. એને માટે બદનામી કે બેઈજ્જતી સહન થાય તેમ નહીં હોવાથી એ આપઘાત કરવા મજબૂર બની હશે.
જિંદગીમાં ફાકામસ્તીના દિવસો જોનાર ગાલિબને ઈ.સ. ૧૮૪૦માં એક સુવર્ણ તક આવી અને ચાલી ગઈ. દિલ્હીની કૉલેજમાં ફારસી ભાષામાં નિષ્ણાતની જરૂર હતી. કૉલેજના કુલપતિ જેમ્સ થોમસન સાથે ગાલિબને પહેચાન હતી. હિંદ સરકારનો મંત્રી હોવાથી થોમસન શાહી દરબારમાં બેસતા ગાલિબથી પરિચિત હતો.
ઈ.સ. ૧૮૪૨ની આ વાત. દિલ્હી કૉલેજમાં ફારસીના અધ્યાપકની જરૂરત. ગાલિબને બોલાવવામાં આવ્યા. પાલખીમાં બેસીને મળવા ગયા. એ જમાનાનો રિવાજ એવો કે કોઈ માણસ પાલખીમાં બેસીને મળવા જાય, તો યજમાને બહાર આવીને આવકારો આપવો પડે છે. જે આવકાર આપવા બહાર ન આવે, તો અતિથિનું અપમાન ગણાય!
ગાલિબ પાલખીમાં બેઠા અને અંગ્રેજ અધિકારી થોમસનને ખબર આપી કે શાયરે આઝમ ગાલિબ આવ્યા છે. એ વખતે ગાલિબને 'શાયરે આઝમ'નો ખિતાબ મળેલો હતો.
ચોપદાર અંદર જઈ આવ્યો. બહાર આવીને કહ્યું, 'સાહેબ કામમાં છે. આપ અંદર વેઈટિંગ રૂમમાં બેસો.' ગાલિબને આ અપમાન લાગ્યું. એમણે ચોપદારને કહ્યં. 'સાહેબને ફરી કહો કે શાયરે આઝમ બહાર ઊભા છે.' ગાલિબ બહાર ઊભા રહ્યા. પેલા ચોપદારે થોડી વારે આવીને કહ્યું, 'સાહેબ, આપ બીજા કામે આવ્યા હોત તો એ આદરમાન આપવા જરૂર હાજર થાત. આજ તો આપ નોકરી માટે આવ્યા છો. આપે જાતે જ હાજર થવું જોઈએ.'
કવિના કલેજામાં તીર વાગ્યું. એ બોલ્યા, 'હું મારી આબરૂ વધારવા નોકરી કરવા આવ્યો છું. આબરૂ ઘટાડવા નહીં. આવી નોકરી ગાલિબને ન ખપે. ભૂખ્યો પણ જંગલનો શેર છું. રિબાઈ-રિબાઈને મરવું મંજૂર છે, પણ કુત્તાની જેમ રોટી માટે પૂંછડી પટપટાવતાં શીખ્યો નથી. ચાલો, આલેકુમ સલામ!' શાયર તો પાછા ફરી ગયા. સાથીઓએ એમને ઠપકો આપ્યો. કહ્યું, 'આમ તે કરાય? પૂરા એકસો રૂપિયાની નોકરી હતી.'
ગાલિબે જવાબ આપ્યો, 'સો રૂપિયા શું, ખુદ સ્વર્ગ મળતું હોય પણ સ્વમાન જતું હોય તો ગાલિબ જન્નતના દરવાજાથી પાછો ફરી જાય. જાળવવા જેવી આ જાન નથી. જાળવવાની તો આદમીએ પોતાની શાન છે.'
ગાલિબે આ નોકરી સ્વીકારી હોત તો આર્થિક ચિંતામાંથી મુક્ત થયા હોત. ફારસી ભાષાના વિદ્વાન તરીકે કેટલાય લાભો તરીકે જાણીતા થયા હોત. બ્રિટીશ સહાયકોને ખુશ કરી શક્યા હોત. આવા કેટલાય લાભો થતા હોવા છતાં ગાલિબને આત્મસન્માનના ભોગે કશું કરવાની તૈયારી નહોતી. ગાલિબનો આ મિજાજ એ કવિનો મિજાજ છે અને કવિ ગાલિબ એમ આર્થિક સ્થિતિને કારણે કદમબોસી કરે તેવા નહોતા.
જિંદગીમાં આર્થિક સ્થિતિને કારણે ગાલિબને સતત અને સખત કામ કરવું પડયું છતાં સાહિત્ય જગતમાં એમની કીર્તિ વધતી જતી હતી. દસ કે બાર વર્ષે કાવ્યરચના કરનારા ગાલિબ ઉર્દૂ શાયરીને ઈશ્ક, શબાબ અને અગમનિગમની ખ્વાબી જિંદગીભરમાંથી બહાર લાવીને વિવિધ સમસ્યાઓથી ભરેલી જીવનની વાસ્તવિક ધરતી પર અને રોજબરોજના કડવા-મીઠા અનુભવો પર કાવ્યરચના કરે છે. ઉર્દૂ કવિતાએ ગાલિબના ઉચાં શિખરો સર કર્યાં. વળી એની રચના પાછળ યુરોપીય ભાષાસાહિત્યનો લેશમાત્ર પ્રભાવ નહોતો એ નોંધવું જોઈએ. ગાલિબે વર્ષોથી ચાલી આવતી અને બંધિયાર પરંપરાનો ત્યાગ કર્યો. હવાઈ અને લપસણી રચનાઓની વ્યર્થતા બતાવી અને ઉર્દૂ કવિતાને અણદીઠી ભોમ પર વણખેડેલા પ્રશ્નો, વિચારો અને ભાવનાઓમાં ગાતી કરી.
પ્રસંગકથા
બલ્બ નાખવા માટે ચાર કર્મચારી
ભારતમાં વધતી મોંઘવારીનો તાગ મેળવવા માટે એક નિષ્ણાત અર્થશાસ્ત્રીને રોકવામાં આવ્યા. એમણે અન્ન વિતરણ ક્ષેત્રે સરકારની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢવાનું નક્કી કર્યું. આને માટે એ કૃષિ મંત્રાલયમાં ગયા અને એના મુખ્ય સચિવને એમની કાર્યક્ષમતા જાણવા માટે પ્રશ્ન કર્યો.
અર્થશાસ્ત્રીએ પૂછયું, 'દેશ મંદીમાંથી ઊગરી ગયો છે, પણ મોંઘવારીમાં સપડાયો છે. અનાજ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે તમારી પાસે એ અંગે કેવું કાર્યક્ષમ તંત્ર છે?'
સચિવે કહ્યું, 'અમારી કાર્યક્ષમતાનો તો અંદાજ મેળવવો જ મુશ્કેલ છે. આપ કોઈપણ બાબતમાં પૂછશો તો અમે તમને અમારી કાર્યક્ષમતાનો પુરાવો આપીશું.'
નિષ્ણાત અર્થશાસ્ત્રીએ પૂછયું, 'તમે અત્યારે મોડી રાત સુધી ઓવરટાઈમ કરો છો. ધારો કે તમારા કાર્યાલયનો બલ્બ ઊડી જાય, તો એને બદલવા માટે તમારે કેટલા માણસોની જરૂર પડે ?'
ગણતરી કરીને કૃષિ મંત્રાલયના સચિવે કહ્યું, 'સાહેબ, ચાર માણસોની.'
'જરા સમજાવો, કઈ રીતે?'
'એક માણસ ઊડી ગયેલા બલ્બને અંધારામાં શોધી કાઢવા માટે, બીજો એ જે સીડી પર ચડયો હોય, તે પકડી રાખવા માટે, ત્રીજો ઑફિસના કબાટમાં ક્યાં બલ્બ મૂક્યા છે એની જાણકારી ધરાવતો હોવાથી નવો બલ્બ શોધવા માટે અને પછી ચોથો ઈલેકટ્રીશિયનને બોલાવી લાવવા માટે. આમ આ કાર્યને ઝડપથી પૂરું કરવા ઓછામાં ઓછા ચાર કર્મચારી જોઈએ.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશમાં થતાં સરકારી કામોમાં પારાવાર વિલંબ થાય છે. પ્રજા વર્ષોથી રેલ્વે, સડક કે પુલની રાહ જોઈને બેઠી હોય છે. એમાં પારાવાર વિલંબ થાય છે અને એ વિલંબ પછી પણ એમાં મુશ્કેલીઓ ઊભી થતી રહે છે.
આપણી વ્યવસ્થામાં જ એટલો ભ્રષ્ટાચાર પેસી ગયો છે કે નવો પુલ હોય કે પછી હાઈવે બનાવ્યો હોય, પણ થોડા જ સમયમાં પુલ નદીમાં જલશરણ થઈ જાય છે અને હાઈવે ખાડાઓથી ભરાઈ જાય છે. વળી, હાઈવે કે પુલ તૂટી જતા અંતે તો પ્રજાને જ સહન કરવું પડે છે. પુલ પડી જતાં ઘણાં ગામોનો પરસ્પરનો સંપર્ક કેટલાય વર્ષો માટે તૂટી જાય છે. એક તો કેટલાંય વર્ષો સુધી રાહ જોયા બાદ પ્રજાએ આ સુવિધા મેળવી હતી. એ સુવિધા એક ઝાટકે ભ્રષ્ટાચારને કારણે છીનવાઈ જાય છે. આ માત્ર જનસમસ્યા જ નથી, પણ સરકારની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ છે.