શ્રીમંતાઈ ભોગવવા કરતાં સાહસ ખેડવાનું વધુ પસંદ હતું
- ચીનના હનાનના વિશાળ પેગોડામાં ભગવાન મહાવીરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીએ તો...
- બારબાર ઘિર-ઘિર આતા હૈ સાવન, વહ ભી સૂખ ગયા હૈ ઈન આંખોમેં.
- મેરા દર્દે દિલ તુમ્હે બતાઉં કૈસે, આંસુ કી જબાન ભી ખામોશ હો ચૂકી હૈ.
- ' આપ તો કૅન્ટોન શહેરમાં અને એથીય વિશેષ સમગ્ર ઉત્તર ચીનમાં સૌથી વૃદ્ધ અને સૌથી મહાન ભિક્ષુ છો. આઠ વર્ષથી આપના સત્સંગમાં આવું છું. આજે પહેલી વાર માંગણી કરું છું, તો આપ મારા પર પ્રસન્ન થાવ.'
આજથી બસો વર્ષ પહેલાં કાઠિયાવાડની ધીંગી ધરા પરથી તારાચંદ નામનો જુવાનિયો પોતાનું નસીબ અજમાવવા માટે મોહમયી મુંબઈમાં આવ્યો. એ સમયે મુંબઈ બંદરેથી ભારતમાંથી મોટા પ્રમાણમાં અફીણ ખરીદીને ચીન મોકલવામાં આવતું હતું. આ વ્યાપારથી અઢળક કમાણી મેળવનારા કેટલાય શ્રેષ્ઠીઓ મુંબઈમાં હતા, પરંતુ કોઈએ અઢળક કમાણી રળી આપતા ચીન દેશમાં જવાની હિંમત કરી નહોતી. તારાચંદ એક એવા વેપારી હતા કે જેને શ્રીમંતાઈ ભોગવવા કરતા નવાં નવાં સાહસો ખેડવા વધુ પસંદ હતા અને આથી એ એકલો-અટૂલો એક ઘાટી નોકર સાથે ચીનમાં પહોંચી ગયો.
આ અજીબોગરીબ દુનિયાને જોઈને એને અચરજનો પાર રહ્યો નહીં. એણે આ દેશને પારખવા માટે ચીની ભાષા શીખવાનું નક્કી કર્યું. બીજી પરદેશી ભાષાઓ શીખવી સરળ છે, જ્યારે ચીની ભાષામાં જેટલા શબ્દો છે તેટલા તેના જુદાં જુદાં સંકેતો છે. વિશાળ જનસમુદાય આ ભાષા બોલતો હોવા છતાં એના પાર વિનાના મૂળાક્ષરો શીખવાનું પરદેશીને માટે તો ભારે પડકારરૂપ ગણાય. ચીનનો શિક્ષિત માનવી છ હજારથી સાત હજાર અક્ષર જાણતો હોય છે. એના મુખ્ય અખબારને વાંચવા માટે ત્રણ હજાર અક્ષરોની જરૂર પડે. ચીની ભાષાના અક્ષરો શીખવવાના મહાસાગરમાં તારાચંદે ઝંપલાવ્યું અને અંતે એ ભાષા શીખીને જ જંપ્યો. એના મનમાં એક ઇચ્છા હતી કે, 'વેપાર તો મારા ભાઈ ઠીક છે, પરંતુ મારે બૌદ્ધ ધર્મના તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કરવો છે.' એણે સાંભળ્યું હતું કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે સામ્ય છે. એ સામ્યને સિદ્ધ કરીને કોઈ સર્જન કરવા ચાહતો હતો.
અથાગ પરિશ્રમથી ચીની ભાષા શીખ્યા પછી એણે પહેલું પગલું ભર્યું બૌદ્ધ ધર્મના ભિક્ષુઓનો સત્સંગ સેવવાનું. ચોથી સદીમાં બૌદ્ધ ધર્મના એક ભિક્ષુ ભારત આવ્યા હતા અને તે પછી સાતમી સદીમાં ચીનથી વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ અને ભાષાંતરકાર હ્યુ-એન-ત્સાંગ ભારત આવ્યા હતા અને એમણે સત્તર વર્ષ સુધી ભારતમાં પ્રવાસ ખેડીને એનું વર્ણન લખ્યું હતું. હ્યુ-એન-ત્સાંગ ભારતમાંથી બૌદ્ધ ધર્મનાં સેંકડો પુસ્તકો ચીનમાં લઈ ગયા હતા. ભારતમાં જે પુસ્તકો મળવા દુર્લભ હતા, તે ચીની ભિક્ષુઓએ ચીનમાં જતનથી જાળવી રાખ્યા.
તારાચંદે આ ગ્રંથોમાંથી થોડું થોડું જ્ઞાાન ભિક્ષુઓ દ્વારા સંપાદિત કર્યું. થોડો ઘણો વેપાર કરીને બાકીનો સમય બૌદ્ધ ભિક્ષુઓ સાથે ગાળવા લાગ્યો અને સમય જતાં એને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં ઘણું સામ્ય જણાયું. બંનેનું ધ્યેય સ્વર્ગ નહીં, પણ દુઃખમુક્તિ હતું. બંને અહિંસાના પુરસ્કર્તા, યજ્ઞાો અને વૈદિક કર્મકાંડના વિરોધીઓ અને નારીસન્માનમાં માનનારા હતા. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બંને ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં થયા. બંને કર્મવિચારમાં માનનારા હતા. જૈન સાધુની માફક બૌદ્ધ ભિક્ષુ વર્ષાઋતુમાં એક જ સ્થળે રહે છે. વળી બંને ધર્મમાં ભિક્ષુ અને ગૃહસ્થ માટે અલગ નિયમો છે. મહાવીર અને બુદ્ધ બંનેએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. બંનેમાં પૂજાપાઠની ક્રિયાઓ હતી, નીતિનાં ઉચ્ચ સિદ્ધાંતોનું આલેખન હતું અને બંનેમાં ચોવીસ તીર્થંકરો અને ચોવીસ બૌદ્ધો હતાં. આ બંને ધર્મો પાસે કથાઓનું વિશાળ સાહિત્ય હતું અને એ બંનેએ મનનાં અને ઇન્દ્રિયનાં સંયમનો મહિમા કર્યો હતો અને પોતાની આ ખોજમાં તારાચંદ મોતીચંદ શાહે ત્રણ વર્ષ ગાળ્યા.
એવામાં કૌટુંબિક કારણોસર તારાચંદને ચીનથી મુંબઈ આવવું પડયું અને એકાદ વર્ષ રહેવાનું બન્યું, પરંતુ તારાચંદના મન પર તો ચીન સવાર થઈ ગયું હતું. આથી પોતાના વેપાર અને સંસારની યોગ્ય વ્યવસ્થા કરીને તારાચંદ ફરી ચીન જવા માટે મુંબઈથી નીકળ્યા. ઈ.સ. ૧૮૧૪ની ૨૭મી જુલાઈનો એ દિવસ હતો અને એ દિવસે એક અંગ્રેજ વેપારીનું જહાજ મુંબઈથી ચીન જતું હતું, તેમાં બેસીને તારાચંદ ત્રણેક મહિને શાંગહાઈ પહોંચ્યા, પરંતુ આ શહેરમાં અન્ય દેશોના વિદેશીઓ વસતા હતા જ્યારે તારાચંદને તો ચીની પ્રજા વચ્ચે ચીના બનીને રહેવાની ઈચ્છા હતી. મુંબઈથી પોતાની સાથે ચીન આવેલા જહાંગીર ખરશેદ લીકીમ નામના પારસી ગૃહસ્થને વેપાર-ધંધો સોંપીને તારાચંદ ચીનના કૅન્ટોન શહેરમાં વસવા લાગ્યા. અહીં તેઓ ચીનાનો પહેરવેશ પહેરીને રહેતા હતા. શાકભાજી અને ફળો પર પોતાનું જીવન ગુજારતા હતા. સાદા, નીતિમાન અને ધર્મનિષ્ઠ હતા અને પોતાનો મોટાભાગનો સમય બૌદ્ધ ભિક્ષુઓ પાસે બેસીને સત્સંગ કરવામાં ગાળતા હતા.
ચીની જીવનપ્રણાલી અપનાવનાર તારાચંદ જૈન ધર્મ મુજબ પોતાનું ધર્મધ્યાન બરાબર કરતા હતા. ચીની વેપારીઓનો આદર પ્રાપ્ત કરનાર અને સહુની સાથે મીઠાશથી મળનાર તારાચંદને સહુ ચાહવા લાગ્યા. બૌદ્ધ ભિક્ષુઓ એમના પર ઘણો ભાવ રાખતા હતા, તો વળી રાજ્યના અધિકારીઓ પણ તારાચંદને એક ધાર્મિક પુરૂષ તરીકે આદર આપતા હતા. સામાન્ય રીતે ભિક્ષુઓ અજાણી વ્યક્તિને ધર્મપુસ્તકો બતાવતા કે શીખવતા નહીં, પરંતુ તારાચંદ એમાં અપવાદરૂપ બન્યા. આ રીતે આઠ-આઠ વર્ષ એમણે બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ વચ્ચે ગાળ્યો, પરંતુ જૈન ધર્મને ભૂલ્યા નહોતા. જ્યારે બૌદ્ધ ધર્મનાં સૌથી વૃદ્ધ ભિક્ષુ તારાચંદ પર પુત્ર જેવો સ્નેહ દાખવતા હતા.
એક વાર તારાચંદે એમને કહ્યું, 'મારે આપને એક નમ્ર અરજ કરવાની છે.'
વૃદ્ધ ભિક્ષુએ કહ્યું, 'બોલ શું છે? કહે.'
તારાચંદ બોલ્યો, 'ભગવાન બુદ્ધની માફક ભગવાન મહાવીરે પણ આ જગતનાં દુઃખો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં એમના જીવન અને બોધવચનોની આપની પાસે અનેક વાર વાત કરી છે. ભગવાન મહાવીરનું અદ્ભૂત તપ, સાધના, સર્વજ્ઞાપણું અને તત્ત્વજ્ઞાાન ધર્મગ્રંથોનાં પાને પાને પ્રકાશે છે, તો પછી આપણા હોનાનના વિરાટ પેગોડા (મંદિર)માં એમની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવીએ તો કેવું? આવાં સત્કાર્યોમાં સહકાર આપવો, એ આપના જેવા મહાપુરૂષોનું કામ છે.'
પોતાના વહાલસોયા તારાચંદનાં આ વચનો સાંભળીને વૃદ્ધ ભિખ્ખુ ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડા સમય બાદ એમણે કહ્યું, 'તારી પાસેથી એ ધર્મની અને તીર્થંકરોની હકીકતોનું મેં શ્રવણ કર્યું છે અને તેથી હું નિઃશંકપણે માનું છું કે જેઓ જગતના કલ્યાણકર્તા હતા, પરંતુ આ વિશાળ બૌદ્ધ પેગોડામાં આવી મૂર્તિપ્રતિષ્ઠાની અનુમતિ આપવી મારે માટે મુશ્કેલ છે. આ માટે તો સમગ્ર બૌદ્ધ સંઘ, ભિક્ષુઓ અને રાજસત્તાની સંમતિ જોઈએ. જો આ બધા સંમતિ આપે તો જ આ કાર્ય થઈ શકે.'
તારાચંદે કહ્યું, 'અરે, આપ તો કૅન્ટોન શહેરમાં અને એથીય વિશેષ સમગ્ર ઉત્તર ચીનમાં સૌથી વૃદ્ધ અને સૌથી મહાન ભિક્ષુ છો. આપના ઉન્નત આચાર, વિદ્વત્તા, વય અને અધિકારથી આપ સહુને માટે પૂજનીય છો. આપના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે. આપ જ આ કામ કરવા માટે સર્વથા શક્તિમાન છો. આઠ વર્ષથી આપના સત્સંગમાં આવું છું. આજે પહેલી વાર માંગણી કરું છું, તો આપ મારા પર પ્રસન્ન થાવ.'
વૃદ્ધ ભિક્ષુએ કહ્યું, 'તારું કલ્યાણ થાઓ. આ માટે હું જરૂર પ્રયત્ન કરીશ.'
પૂર્ણિમાના દિવસે વિરાટ બૌદ્ધ સંઘ ભરાયો. અધિકારીઓ, ન્યાયાધીશો, શ્રેષ્ઠીઓ અને વિદ્વાનો ઉપસ્થિત હતા. હજારો ભિક્ષુઓ પણ ત્યાં હાજર હતા અને કૅન્ટોનનો વાઇસરોય ચેંગ પણ ત્યાં પધાર્યા હતા. વૃદ્ધ ભિખ્ખુએ બોધ આપવાનું શરૂ કર્યું અને એમણે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધની સમકાલીનતા વિશે વાત કરી. બંનેના ધર્મસિદ્ધાંતોની સમાનતાની વાત કરી. આચાર, સંયમ અને અહિંસાના પાલક એવા ભગવાન મહાવીરની વાત કરી અને આ સઘળું કહ્યા પછી એમણે ધીરેથી સભાજનોને કહ્યું કે, 'આપણા વિશાળ હોનાનના પેગોડામાં એમની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીએ તો કેવું?'
આ સંદર્ભમાં સહુએ પોતપોતાનો અભિપ્રાય જાહેર કર્યો. બધાએ એક જ વાત કરી કે વૃદ્ધ ભિક્ષુ જે નિર્ણય આપશે એમાં અમારી સંમતિ છે.
આજથી બસો વર્ષ પહેલાં આ અદ્ભુત ઘટનાનું સર્જન થયું. એક સમયે ભારતમાં આ બંને ધર્મો એક સાથે પ્રવર્તતા હતા. એમની વચ્ચે ઘણું સામ્ય હતું અને આજે હોનાનનાં વિશાળ મંદિરમાં ભગવાન બુદ્ધની પ્રતિમા સાથે ભગવાન મહાવીરની પ્રતિમા મુકાઈ રહી હતી.
આને માટે તારાચંદ મોતીચંદ શાહે ભગવાન મહાવીર સ્વામીની પિત્તળની સુંદર મૂર્તિ ભારતથી મંગાવી. કારતક સુદિ પૂર્ણિમાને દિવસે હનાન પ્રાંતના આ પેગોડામાં મોટો ઉત્સવ ઉજવાયો. આ મંગલ પ્રસંગે હજારો ભિક્ષુઓને ભિક્ષા અને વસ્તુઓનું દાન આપવામાં આવ્યું. તારાચંદના હૃદયમાં ધર્મશ્રદ્ધાની ભરતી આવી હતી. એણે હજારો ડોલર ખર્ચીને ભવ્ય ઉત્સવ ઉજવ્યો અને કૅન્ટોનના-હનાનના પેગોડા (મંદિર)માં બૌદ્ધ ધર્મગુરૂને હાથે ભગવાન મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ.
તારાચંદનું એ સ્વપ્ન સિદ્ધ થયું. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો એનો અભ્યાસ અંતે રંગ લાવ્યો. એક સમયે ભારતમાં જન્મેલો બૌદ્ધ ધર્મ આખાય ચીનમાં ફેલાયો, તો એ જ ચીની ધરતી પર પોતે આવું જિનમંદિર રચી શક્યો એનો એના હૃદયમાં અપાર આનંદ હતો. પોતાની ભાવના સિદ્ધ કરીને ઈ.સ. ૧૮૨૨માં તારાચંદ ભારત પાછા આવ્યા અને પોતાનો આખરી સમય ધર્મ ઉપાસનામાં વ્યતીત કર્યો.