For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો

Updated: Apr 18th, 2024

તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો

- બીજાને દ્રષ્ટિ આપવાથી અંતઃ ચક્ષુ ઉઘડે છે અને દિવ્યદ્રષ્ટિ મળે છે

- લીલાઘર ગડા 'અધા'

- અંધેરોં કે ભંવર મેં ડૂબનેવાલા હી થા મૈં તો,

કિ તિનકા ચાંદની કા ઐસે મેં પકડા ગયા કોઈ.

માનવતાનાં મસીહાની આ મર્મભેદક કથા છે, જેણે બીજાની વેદના પોતાના હ્ય્દયમાં સામે ચાલીને સ્વીકારી લીધી છે. અન્યની પારાવાર પીડાનો સ્વયં સાક્ષાત્ અનુભવ કર્યો છે, પછી એ ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ સવારે ૮.૪૪ મિનિટે થયેલા કચ્છના ધરતીકંપની હોય કે પછી એ વેદના કોઈ નારીનાં ગર્ભાશયની પીડા હોય. આમાં સ્ત્રીની સ્થિતિ એવી હોય છે કે સાદી ભાષામાં કહીએ તો એનું ગર્ભાશય બહાર આવી જાય અને બે પગની વચ્ચે ફ્રિક્શન થાય, એમાં ચાંદા પડે, એ કોઈને કહી શકે નહીં અને આવી મહિલાઓની પીડા જોઈ લીલાઘર ગડા 'અધા'ને ઊંઘ ન આવે. વર્ષો પહેલાં સામાજિક જાગૃતિ માટે લીલાધર ગડાએ નાટક લખ્યું હતું અને એમાં તેઓ અધા(પિતા)નું પાત્ર ભજવતા હતા.

એમણે નક્કી કર્યું કે, 'મારે આવી મહિલાઓની તકલીફ દૂર કરવી છે' અને અત્યાર સુધીમાં હજાર-બારસોની વસ્તીવાળા ગામમાં રહીને એમણે સાત હજાર મહિલાઓનાં ઓપરેશન કરાવ્યાં છે. આ બધું કરવાનું કારણ શું? એનું કારણ 'અધા'ના હુલામણા નામે પંકાતા અને પોંખાતા લીલાધર ગડા કચ્છ અને ગુજરાત તો ખરું, પરંતુ ભારત પણ એમની સેવાથી અજાણ્યું નથી. ધર્મ, સમાજ કે સંપ્રદાયનાં સંકીર્ણ દાયરામાં રહેવાને બદલે વિશાળ માનવસમાજની એ અહર્નિશ ચિંતા કરે છે. એમાં પણ સૌથી વધારે ચિંતા તો ત્યજાયેલાં, ઉપેક્ષિતો, તકવંચિતો, સાવ છેવાડાનાં લોકો અને સાંપ્રદાયિક વેર-ઝેરનો ભોગ બનેલાઓ વચ્ચે એમની કરુણા સતત વહેતી રહે છે.

આમ તો એમના મનમાં એક વાર એવો સવાલ જાગ્યો કે, 'ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે મનુષ્ય અને મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કાલ્પનિક સર્જન છે ઈશ્વર.' આ ઈશ્વર પછી તે રામ હોય, મહાવીર હોય, જીસસ હોય, અશો જરથુષ્ટ્ર હોય, પણ એ સર્વગુણ સંપન્ન છે. હવે જો ઈશ્વર એ માણસનું શ્રેષ્ઠ સર્જન હોય તો પછી માણસે ઈશ્વર થવું જોઈએ.

પોતાના આ પ્રશ્નનો ઉત્તર લીલાધરભાઈને શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અગિયારમાં અધ્યાયના એક શ્લોકમાં મળી ગયો. અર્જુન કૃષ્ણ ભગવાનના અવિનાશી સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છે છે, ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, 'તારી આ આંખો વડે તું મારું યોગેશ્વરનું સ્વરૂપ જોઈ નહીં શકે. હું તને દિવ્યચક્ષુઓ આપું છું, તે વડે તું મારા ઈશ્વરીય યોગેશ્વર સ્વરૂપને નિહાળી શકશે.'

આવા દિવ્ય ચક્ષુની ખોજમાં અધા નીકળે છે અને ૧૯૭૫ના જાન્યુઆરીમાં યોજાયેલા એક નેત્રયજ્ઞા સમયે સંતપુરુષ ડૉ. શિવાનંદ અધ્વર્યુની સાથે આંખના સર્જન ડૉક્ટરો શિબિરમાં સેવાકાર્ય માટે આવવાના હતા. આ સમયે સહુ સ્વયંસેવકો સાથે અધા દર્દીઓનાં તંબુમાં બેનર લગાડતા હતા, ત્યારે એક બેનર પર એમની નજર ગઈ. એ બેનર પર લખાયેલું હતું, 'જે બીજાને દ્રષ્ટિ આપે છે તેના અંતઃચક્ષુ ખૂલે છે, તેને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.' અધાને શ્રીમદ્ ભગવદ્ગીતાનો અગિયારમો શ્લોક યાદ આવી ગયો અને વિચાર્યું કે આ તે કેવું કે આ કામ કરવાથી દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય અને ઈશ્વરનાં દર્શન થાય!

એમ તે કંઈ નેત્રચિકિત્સા કરવાથી ભીતરનાં ચક્ષુ ખૂલે ખરા? બીજાને દ્રષ્ટિ મળે, પણ એનાથી આપણી આંખોને કેવી રીતે ભીતરનાં અજવાળાં મળે? આથી જેમ અર્જુને કૃષ્ણને પોતાનો સંશય કહ્યો હતો તે રીતે અધાએ શિવાનંદ અધ્વર્યુ બાપુજીને પ્રશ્ન કર્યો કે, 'આપણે નેત્રયજ્ઞાનું કાર્ય કરીએ, એમાં આપણા દિવ્યચક્ષુ, અંતઃચક્ષુ કઈ રીતે ખૂલી જાય? જો એ રીતે કામ કરવાથી ખૂલતા હોય, તો આપણે સહુ કોઈ આવા અંતરચક્ષુ ઈચ્છીએ છીએ.'

આ પ્રસંગે સંતપુરુષ ડૉ. શિવાનંદ અધ્વર્યુએ એટલું જ કહ્યું કે, 'અધા, એક વાર કામ શરૂ કરો, પછી તમે મારી પાસે આવો પ્રશ્ન કરવા આવશો નહીં. પહેલાં કોઈકને દ્રષ્ટિ આપવાનું કામ કરો. આપણે મોતીબિંદુનું ઓપરેશન કરીએ અને મોતિયો કાઢી લઈએ એ તો સ્થૂળ ઘટના થઈ, પણ એની પાછળનો આધ્યાત્મિક ભાવ તો એ છે કે તમે બીજાને દ્રષ્ટિ આપો છો, જેથી તમારા અંતઃચક્ષુ ખૂલી જશે.'

કચ્છના નલિયા ગામનાં ઓપીડી સેન્ટરમાં ડૉ.અજયપાલસિંઘ એક દર્દીને તપાસતા હતા અને એની બાજુમાં દર્દીની તપાસણીનાં ટેબલ પાસે નલિયા ગામનો એક સ્વયંસેવક વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં, હાથમાં કડું, ગળામાં સોનાની ચેન અને આંગળીમાં ત્રણ વીંટી પહેરીને ઊભો હતો. સામાન્ય ભાષામાં જેને ભાઈલોગ કહે છે એવી એ વ્યક્તિ હતી. ડૉ.સિંઘસાહેબે એક યુવાન બહેનની આંખો તપાસી અને કહ્યું કે, 'અધા, એમને રાજકોટ મોકલાવીએ અને એમને નવી કીકી બેસાડી આપીશું. એમનો કોર્નિયા બદલવાથી દ્રષ્ટિ મળવાના ઉજળા સંજોગો છે.'

વીરનગરમાં ઓપરેશન તો વિનામૂલ્યે થતું હતું, પણ અહીંથી વીરનગર જવા-આવવાનો અને રહેવાનો બધો ખર્ચો સહેજે હજાર રૂપિયા જેટલો થાય. અધા કંઈ ઉત્તર આપે તે પહેલાં પેલા ભાઈલોગ જેવા દેખાતા માણસે ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને એમાંથી પાંચસો રૂપિયાની બે નોટ આપી. અધાએ કહ્યું, 'ભાઈ એમને છૂટા આપો તો વધુ સરળતા પડશે.' એણે ખિસ્સામાંથી નોટોનું બીજું બંડલ કાઢ્યું અને એકસો રૂપિયાની દસ નોટો આપી દીધી.

એ પછી સહુ જમવા બેઠાં ત્યારે નલિયાનાં ગ્રામજનોએ અધાનો ઉધડો લીધો કે તમે આ શું કામ કર્યું? આ તો ડામિસ માણસ છે, બે નંબરનાં ધંધા કરે છે, દાણચોરી, હેરાફેરી જેવાં કામો કરે છે. એની પાસેથી કેમ પૈસા લીધા? અમે એ રકમ આપત.

અધાએ કહ્યું, 'એમને હું ઓળખતો નહોતો. ડોક્ટર સાહેબે કહ્યું ને એમણે તરત આપી દીધા. હવે લેવાઈ ગયા છે, તો પાછા ન દેવાય. એટલે જે થયું છે તે ભૂલી જાવ.'

આ વાતને બે વર્ષ વીતી ગયા. બે વર્ષ પછી ફરી નલિયામાં નેત્રશિબિર થઈ. ડૉ. અજયપાલસિંઘ દર્દીઓને તપાસતા હતા. સ્વયંસેવક તરીકે એક ભાઈ ઊભા હતા. સફેદ કફની, લેંઘો અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે સાવ સાદા કપડાંમાં. ઓપીડી પૂરી થઈ એટલે એમણે કહ્યું, 'અધા, મારે ઘેર પધારો.'

બીજે ગામ જવાની ઉતાવળ હતી, તેમ છતાં અધાનાં પત્નીએ કહ્યું અને એ ભાઈને ઘેર જવાનું સ્વીકાર્યું. રસ્તામાં એ ભાઈએ પૂછ્યું, 'અધા, મને ઓળખ્યો?'

અધાએ નકારમાં માથું હલાવ્યું.

તો એણે કહ્યું કે, 'બે વર્ષ પહેલાં પેલી બાઈને વીરનગર જવા માટે એક હજાર રૂપિયા આપનાર હું જ હતો.' અધાને યાદ આવ્યું કે એ સમયે તો હાથમાં વીંટીઓ હતી, મોંઘી ઘડિયાળ હતી અને ભારે ઠાઠમાઠ હતો અને આજે તો સાવ સાદા. આવું કેમ? ક્યાં ભાઈલોગની છાપ અને ક્યાં આ ધર્મનિષ્ઠ લાગતો માણસ!

અધા એમને ત્યાં પહોંચ્યા. ત્યારે એ ભાઈનાં પત્નીએ કહ્યું કે, 'અધા, આપે એક ઉત્તમ કામ કર્યું છે. એમણે પેલી બહેનનાં ઓપરેશન માટે હજાર રૂપિયા આપ્યાં હતાં. ઓપરેશન કરીને એ બહેન પાછી આવી. એને આંખે સરસ દેખાવા લાગ્યું એટલે એની માએ આવીને કહ્યું, 'ભાઈ, મને તમારો ફોટો આપો. મારે ઠાકોરજીની મૂર્તિ સાથે તમારો ફોટો રાખવો છે. તમે તે દિવસે મદદ કરી, જેથી મારી દીકરીને નજર આવી ગઈ. એ દિવસથી હું માનું છું કે તમે મારા ઈષ્ટદેવ અને તમે મારા ભગવાન.'

ઘટના તો સાવ નાની હતી, પણ આ એક હજાર રૂપિયાનો ઝટકો એવો લાગ્યો કે, કોઈક વ્યક્તિ મારામાં ઈશ્વરનાં દર્શન કરે અને હું આ બે નંબરનાં ધંધા કરું? બધાં ખોટાં કામ કરું? દાણચારી ને હેરાફેરી કરું? અને તે દિવસે એમણે મને પાસે બેસાડીને કહ્યું કે, 'હવે હું આ બધું છોડી દેવા માગું છું, કારણ કે કોઈએ મારામાં ઈશ્વરનાં દર્શન કર્યાં. હવે હું મારામાં રહેલા ઈશ્વરને શોધવાની કોશિશ કરીશ. ખબર નથી કે એ ઘડી ક્યારે આવશે? પણ મારે મારામાં રહેલા ઈશ્વરનાં દર્શન કરવા હોય, તો આ બધું છોડી દેવું જોઈએ.'

એમની પત્નીએ કહ્યું કે, 'અમારા જીવનમાં સુખ જ સુખ છે.' આ ઘટનાને બે-ત્રણ વર્ષ નીકળી ગયા. ફરી અધા નલિયા ગયા, ત્યારે એમણે એ ભાઈની તપાસ કરી તો જાણવા મળ્યું કે એમની પત્નીનું અવસાન થયા પછી એ સાધુ બની ગયા. છેલ્લાં વર્ષોમાં સાત્વિક જીવન જીવતા હતા. જીવનમાં સાદગી અને સંયમને અપનાવી લીધા હતા. એ પછી સઘળું વેચીને ભગવાં કપડાં પહેરીને નીકળી ગયા અને કહ્યું કે, 'મારે ઈશ્વરની શોધ કરવી છે, કારણ કે હું મારામાં એને જોવાની કોશિશ કરું છું.' 

આ વાતને દસેક વર્ષ વીતી ગયાં. એક દિવસ હરિદ્ધારથી એક પોસ્ટકાર્ડ આવે છે અને પોસ્ટકાર્ડમાં લખ્યું હોય છે કે, 'તમે મને ભૂલી ગયા હશો, પણ હું તમને ભૂલ્યો નથી. એ દિવસે તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો. હવે સાત્વિક જીવન જીવીને હું એક જુદા રસ્તે નીકળી શક્યો અને મારામાં રહેલા ઈશ્વરના અંશને શોધું છું. કદાચ એ પરમનો સ્પર્શ મળી જાય.'

અધાએ આ પોસ્ટકાર્ડ વાંચ્યું અને મનમાં પેલું બેનર અને સંતપુરુષ ડૉ. શિવાનંદજીના શબ્દો યાદ આવે છે, 'જે બીજાને દ્રષ્ટિ આપે છે, તેનાં અંતઃચક્ષુ ખૂલે છે ને તેને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.' લીલાધર માણેક ગડા 'અધા'એ વાત પૂરી કરી અને એ પછી ભદ્રેશ્વર તીર્થમાં પાર્શ્વ ચંદ્રસૂરિ દાદાની અને ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજની નિશ્રામાં સાહિત્યપ્રેમી, સૌજન્યમૂર્તિ અને અધ્યાત્મપરાયણ પ્રા. રમજાન હસણિયા પાસેથી ઘણા પ્રેરક પ્રસંગો સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું.         

પ્રસંગકથા

એક બાજુ શેતાન, તો બીજી બાજુ ગર્દભ

૧૯મી સદીમાં થયેલા બંગાળના સંસ્કૃત ભાષાના મહાપંડિત અને સમર્થ સમાજસુધારક પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા-વિવાહ અંગે સમગ્ર દેશને જાગૃત કર્યો. વિધવાની દુઃખદ સ્થિતિ નિવારવા માટે વિધવા-પુનર્લગ્નનો કાયદો સરકાર પાસે પસાર કરાવ્યો અને એ જ રીતે બાળવિવાહનો પણ વિરોધ કર્યો.

એકવાર તેઓ મુસાફરી કરતા હતા. ભીડ એટલી બધી કે ફર્સ્ટક્લાસના ડબ્બા પણ  મુસાફરોથી ખીચોખીચ ભરેલા હતા. તેઓ જગા શોધતા હતા, એવામાં એમણે જોયું કે બે અંગ્રેજ ઉતારુઓ ખાસ્સી જગ્યા રોકીને બેઠા છે. આ બંનેની વચ્ચે થોડાં અખબારો અને ચોપાનીયાં પડયાં હતાં. લોકો ઊભા હોય, પણ એમને અખબારો હટાવાનું કહે કોણ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડબ્બામાં ચડયા. છાપાં હટાવીને બે અંગ્રેજની વચ્ચેની જગ્યામાં બેસી ગયા.

આ જોઈને એક અંગ્રેજ તાડૂકી ઊઠયો, 'આ ક્યો શેતાન આવીને આપણી પાસે બેઠો?'

બીજા અંગ્રેજે જવાબ વાળ્યો, 'અરે, આ તો સાવ ગધેડો છે.'

આ સાંભળી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું, 'આપ બંને સાચા છો. મારી એક બાજુ શેતાન છે અને બીજી બાજુ ગધેડો છે. એમની વચ્ચે હું બેઠો છું.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે વર્ષો પહેલાં જે પરિસ્થિતિની ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કલ્પના કરી હતી, એવી પરિસ્થિતિ આજે આપણા દેશની છે. એને એક બાજુ શેતાન સમું ચીન છે, જે રોજ અવનવા પેંતરા અજમાવીને ભારતને પરેશાન કરે છે. પોતાના જહાજથી એ ભારતની જાસુસી કરે છે અને પોતાના સૈન્યથી ભારતની સરહદ ઉપર પ્રભુત્વ જમાવવા ઘૂસણખોરી કરે છે. વળી એથીયે વિશેષ આ શેતાન કોઈને કોઈ રીતે ભારતને પજવવાના ઉપાયો અજમાવે છે. બાંગ્લાદેશ હોય કે મ્યાનમાર, એમાં ચીન ભારતવિરોધી વાતાવરણ સર્જે છે.

તો બીજી બાજુ પાકિસ્તાન પોતાની પ્રજાને કંગાલિયત ભુલાવવા માટે કાશ્મીરનો પ્રશ્ન સતત સળગતો રાખે છે અને આંતકવાદીઓ દ્વારા ભારત પર હુમલાઓ કરવાની વેતરણમાં રહે છે. આમ એક બાજુ શેતાન અને બીજી બાજુ ગર્દભ બરાબર એવો ઘાટ ઘડાયો છે.

Gujarat