અમે તો વેરઝેરને જાળવનારાં અને તમે તો અમૃતવેલને રોપનારા
- કેટલાય જીવનમાં મંથરા પ્રગટ થઈ અને શ્રીરામનું પ્રાગટય અટકી ગયું
- દૂર તક તૂફાન, ઝંઝા ઔર અંધેરી રાત થી,
ચલને વાલે મુસ્કરા કર રાત ભર ચલતે રહે.
આજે વાલ્મિકી જયંતીએ રામાયણના રચયિતા આર્ષદ્રષ્ટા સર્જકની અમૃતમયી સૃષ્ટિનું સ્મરણ થાય છે. વાલ્મિકી કોઈ ક્ષત્રિય નહોતા, બ્રાહ્મણ કે વૈશ્ય નહોતા. આર્યો કે અનાર્યો, યજ્ઞા પૂજકો કે યજ્ઞા વિરોધીઓ, કૃષિકાર લોકો અને શિકારી લોકોમાંના નહોતા - એ તો એક તટસ્થ દ્રષ્ટા હતા અને જ્યારે રામાયણ પાસે પહોંચીએ, ત્યારે આપણે બોલી ઊઠીએ છીએઃ
'વાહ રે ઋષિ વાલ્મિકી! વાહ રે કવિ વાલ્મિકી! તમારું જગત કેવું સુંદર! કેવું શીલવાન! કેવું શાતાદાયક! અમારું જગત સાચું છતાંય ખોટું, અમે એ વેર-ઝેરને જાળવનારા અને તમે અમરવેલને રોપનારા!'
ઋષિ વાલ્મિકીએ રામાયણમાં આલેખેલા ચરિત્ર-ચિત્રણનો વિચાર કરીએ. કવિ વાલ્મિકીએ રામને કાવ્યના આદર્શ નાયક તરીકે જોયા છે. એ સમયના બ્રાહ્મણ અને ક્ષત્રિયના કે પછી વિષ્ણુ અને શિવ અંગેના ચાલતા વૈમનસ્યને વિસરીને એમણે આ સુંદર મહાકાવ્ય આપ્યું છે. રાજકીય મલિનતાને ભોંયમાં ભંડારી દીધી અને અમરવેલનો માંડવો રચ્યો છે. વેર- ઝેરના ઇતિહાસ અળગા રાખ્યા અને હેત-પ્રીતની રામકથા આપી છે.
આવી રામાયણની સૃષ્ટિ આપણા જીવનનું એક મંગલ કાવ્ય બની રહે છે. ચોપાસ પંક એટલે કે કાદવ ફેલાયેલો હોય ત્યાં કવિ વાલ્મિકી આપણને કમળ બનાવવા ઇચ્છે છે. આ મંગલદ્રષ્ટિ માનવીય ગુણોની સૃષ્ટિનું દર્શન કરાવે છે. જીવનમાં કપરી પરિસ્થિતિ આવે, અણધારી આફતોનું દળ કટક એકસામટું ઉતરી આવે અને આપોઆપ સઘળું ઉપરતળે થઈ જાય, તેમ છતાં જેનું ચિત્ત સ્વસ્થ તો રહે જ, પણ એથીયે વિશેષ ઔદાર્યતાથી ભર્યું ભર્યું હોય એવું કવિ વાલ્મિકીએ રામચરિત્ર આલેખ્યું છે. એકબાજુ વૈભવશાળી અયોધ્યાનું રાજસિંહાસન પ્રાપ્ત થવાનું હોય અને બીજી બાજુ વનવાસમાં જવાની પિતાની આજ્ઞાા સાંભળવી પડે અને ત્યારે એ પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિ સમયે સમભાવ પ્રવર્તે તેવી રામદ્રષ્ટિની વાત કવિ વાલ્મિકીને કરવી છે.
પિતા દશરથે પહેલા રાજ્યાભિષેક માટે બોલાવ્યા અને પછી ૧૪ વર્ષના વનવાસની આજ્ઞાા આપી. આ બંને પ્રસંગે રામના ચિત્તની પ્રસન્નતા એકસરખી રહી છે. કૈકેયીને કારણે રામને વનવાસ સ્વીકારવો પડયો, પરંતુ એના પ્રત્યે સહેજે અણગમો નથી, ત્યારે ગુસ્સો કે રોષ તો ક્યાંથી હોય? અને એથીયે વિશેષ તો પોતાને વનવાસ અને ભરતને અયોધ્યાનું રાજસિંહાસન મળ્યું, તે ઘટનાને રામ અપ્રતિમ સાક્ષીભાવથી જુએ છે. તેઓ વનવાસમાં જતાં પૂર્વે માતા કૈકેયીને પ્રણામ કરવા આવે છે અને ત્યારે કહે છે.
'વનમાં રહીને માત્ર મારી જે કાળજી લેવાની આજ્ઞાા તમે મને કરી અને સકલભુવનનો ભાર (રાજ્યશાસન) તમારા પુત્રના ખભે મૂક્યો. અહીં અમારા બંનેનાં કાર્યની સુગમતાનો વિચાર કરતા એમ લાગે છે કે, 'હે મા! તમારો મારા તરફ વિશેષ પક્ષપાત છે.'
આમ વિપરીત પરિસ્થિતિ રામહૃદયને સહેજે વિચલિત કરી શકતી નથી, પણ આ વાત છે ચૌદ વર્ષના વનવાસમાં જતાં પૂર્વેની. એ પછી રામને કેટલાંય કટુ અને હૃદયદ્રાવક અનુભવો થયા. રાક્ષસો સાથે સંઘર્ષ થયો, સીતાનું હરણ થયું, રાવણના અહંકારનો પરાજય કર્યો. આવા અગણિત કેટલાય અનુભવો બાદ તેઓ પુનઃ અયોધ્યામાં આવે છે, ત્યારે ચૌદ વર્ષ પૂર્વેનું એ જ સૌજન્ય, આદર અને આનંદનો ભાવ જોવા મળે છે. કૈકેયીને પ્રણામ કરતી વખતનાં એમના શબ્દો જોઈએ, ત્યારે રામના વિરાટ હૃદયનો ખ્યાલ આવે છે. તેઓ કૈકેયીને કહે છેઃ
'હે મા! મને વનવાસ આપીને તેં મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. પિતાજીનો સ્નેહ, ભરતનો મહિમા, હનુમાનનું પૌરુષ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણની ભક્તિ, સીતાનું સત્, મારું બાહુબળ અને વૈરીઓનો વેરભાવ - એ બધું મને જાણવા મળ્યું છે તે હે મા! તારાં ચરણોનો જ પ્રસાદ છે.' એથીયે વિશેષ રામ કહે છેઃ
'મારા વિરહમાં દશરથ પ્રાણ ત્યજે, મારી અનુપસ્થિતિમાં પોતાને મળેલું રાજ્ય ભરત ઠુકરાવી દે, હનુમાન મારા માટે સાગર કૂદી જાય, સુગ્રીવ જાનની બાજી લગાવી દે, લક્ષ્મણ નિદ્રા ત્યાગીને ખડે પગે ઊભો રહે, સીતા પ્રતિકૂળ વાતાવરણમાં મારું જ રટણ કરતી રહે, વેરના મૂર્તિમંત સ્વરૂપ રાક્ષસોને હણવામાં મારું બાહુબળ સમર્થ નીવડે - આ બધી વાતોનું જ્ઞાાન, જો હું વનમાં ન ગયો હોત તો મને શી રીતે થાત?'
આ રીતે જગતને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની કળા રામ પાસેથી પ્રાપ્ત થાય છે, પરંતુ રામદ્રષ્ટિના શિખરને જોવા માટે દશરથ, કૈકેયી અને મંથરાની ત્રિપુટીની વિચારધારાની ઊંડી ખીણ પણ જોવી ઘટે! અંધકારને જોઈએ તો જ પ્રકાશની સાચી ઓળખ થાય, હિંસાનો દાવાનળ જોઈએ તો જ અહિંસાનો અર્થ સમજાય, યુદ્ધની ઘોર અશાંતિના સમયે જ શાંતિનું મહાત્મ્ય સમજાય અને ક્યારેક અનિષ્ટની ઉપસ્થિતિ જ ઈષ્ટની મહત્તાનો મહિમા સમજાવે છે.
ત્રણ વૃત્તિઓ એવી છે કે જેને કારણે માનવીનું જીવન ઊંડી ગર્તામાં ફંગોળાઈ જાય. એ વૃત્તિને કારણે એની શક્તિ અશક્તિમાં પરિવર્તન પામે છે. દશરથ, કૈકેયી અને મંથરા એ ત્રણ છે આ દુર્વૃત્તિનાં પ્રતીક. દશરથ એટલે કામ, કૈકેયી એટલે ક્રોધ અને મંથરા એટલે દ્વેષ. એકલો મોહ પણ હાનિકારક છે. આ મોહ જ ઋષિ વિશ્વામિત્રનો તપોભંગ કરાવે છે. જ્યારે બળવાન કંસનો ક્રોધ એની પાસે સગી બહેનોનાં સંતાનોનો ઘાત કરાવે છે. અને લોભ એ દુર્યોધનના મનને એવો ઘેરી લે છે કે એ પાંડવોને ગામ તો શું, પણ એક તસુ જમીન પણ આપવા તૈયાર થતો નથી અને દુર્યોધનના એ લોભે કુરુક્ષેત્રની ભૂમિ પર મહાસંહાર સર્જ્યો.
હવે જ્યારે આ ત્રણેય દુર્વૃત્તિ ભેગી મળે ત્યારે કેવો ઉલ્કાપાત થાય. એવા ઉલ્કાપાતને પરિણામે રામને ચૌદ વર્ષના વનવાસે નીકળવું પડે છે. રામાયણનું અત્યંત વિલક્ષણ ખલપાત્ર છે મંથરા. શેક્સપિયરના 'ઓથેલા' નાટકનો ઇયાગો એમ કહે છે કે, 'હું જે દેખાઉં છું તે હું નથી' મંથરા પણ બહારથી કૈકેયીનું હિત સાધનારી વાતો કરતી હોવા છતાં હૃદયમાં લોભજનિત સ્વાર્થ સાધે છે. આવી લોભની વૃત્તિ માનવીના સઘળા સારાં લક્ષણોને શૂન્યવત્ કરી નાખે છે.
અયોધ્યા નગરી રામના આવતીકાલે થનારા રાજ્યાભિષેકના ઉત્સવમાં ઘેલી બની હતી. કૈકેયી સહિત સહુ કોઈ હૃદયમાં આનંદનો સાગર છલકાતો હતો. અયોધ્યાની સત્ત્વગુણી પ્રજાને રામ માટે અપાર પ્રેમ હતો. રામ એમનો આત્મા હતો અને એમના આત્મામાં રામ હતા. પ્રજાનો માપદંડ જ આ એના આત્માના પ્રતીકરૂપે એ રામને જુએ છે.
આવા સમયે દેવતાઓના કહેવાથી અવળી મતિ સૂઝાડવા આવેલી સરસ્વતી ભારે નિરાશ થાય છે. એકેય અયોધ્યાવાસીના મનમાં વસીને એની મતિ બગાડી શકતી નથી. માત્ર લોભી મંથરાને જોતાં એને થયું કે આની બુદ્ધિ બદલી શકાય તેમ છે. એની મતિને અવળી ગતિ કરી શકાય તેમ છે. આમેય મંથરા એ અયોધ્યાની નિવાસી નહોતી. એ તો કૈકેય દેશની હતી. રાણી કૈકેયી સાથે કરિયાવરમાં આવેલી હતી.
ક્રોધીને કરિયાવરમાં લોભી મળે પછી શું ન થાય?
અયોધ્યાની સત્ત્વગુણી પ્રજા રામને ચાહતી હતી. આખી અયોધ્યા નગરીમાં એક માત્ર મંથરા જ રામ પ્રત્યે દ્વેષ ધરાવતી હતી. લંકાની પ્રજા વિલાસી, મિથ્યાભિમાની અને દુરાચારી હતી. આવી રજોગુણી પ્રજામાં રાજાને સહાય કરનાર માત્ર એક વિભીષણ સત્ત્વગુણી છે.
રામના રાજ્યાભિષેકની પૂર્વ રાત્રિએ અયોધ્યાની દીપમાલિકાઓના દીવા મંથરાને દઝાડે છે. ભીતરનો હળાહળ દ્વેષ પ્રજ્વલિત દીવાનો પ્રકાશ સહી શકતો નથી. મહેલની દીવાલો પર ઝળહળતા એ દીવાઓ લોભી મંથરામાં દ્વેષ જગાડે છે. કૌશલ્યાની દાસીઓ આનંદભેર કહે છે, 'અરે! કાલે રાધવનો રાજ્યાભિષેક થશે, મંથરી નાચો, નાચો!'
મંથરાના લોભી હૃદયમાં દ્વેષનો નાચ ચાલે છે. માનવવૃત્તિનો આ એવો નાચ હતો કે જે પ્રગટ થતા અનિષ્ટની આબોહવા સર્જાય છે અને ઇષ્ટને વિદાય લેવી પડે છે.
એ સમય પછી પણ કેટલાય જીવનમાં મંથરા પ્રગટ થઇ અને રામનું પ્રાગટય અટકી ગયું!
એ સમયે અને આજે પણ મંથરા અમર છે! કારણ કે રામાયણમાં અપવર્તન કરનાર વાલિના મૃત્યુની કથા છે. ધુ્રમાક્ષ, અકંપન અને પ્રહસ્ત જેવા શક્તિશાળી રાક્ષસોના વધની ઘટના છે, યુદ્ધમાં સદાય અપરાજેય કુંભકર્ણના પરાજ્યનો પ્રસંગ છે. ઇંદ્રવિજયી ઇંદ્રજીતના મૃત્યુની અને રાવણના વધની વાત છે, પરંતુ ક્યાંય મંથરાના મૃત્યુનો ઉલ્લેખ નથી!
પ્રસંગકથા
રેલ્વેમાં પ્રવાસ કરતી ગમખ્વાર દુર્ઘટનાઓ
એકાએક અણધાર્યો અકસ્માત થયો. એ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનું એક સાથે મૃત્યુ થયું. મૃત્યુ પામનારાઓમાં અલ્લડપ્રસાદ નામે શિક્ષક, ગલત નારાયણ નામના વેપારી અને ગટ્ટુ ગઠિયા નામનો માફિયા હતો. ત્રણેનાં નામ જુદાં અને કામ જુદાં.
આ ત્રણે એક સાથે સ્વર્ગમાં પહોંચ્યા અને સિંહાસન પર બિરાજમાન યમરાજે ચિત્રગુપ્તનો ચોપડો તપાસ્યો. એમાં ત્રણે 'મહાનુભાવો'એ કરેલાં કાર્યોની અને આચરેલાં પાપોની યાદી પર નજર કરી. એ વાંચીને યમરાજ અકળાઈ ઊઠયા અને વિચાર કર્યો કે આ ત્રણેને એમના પાપની સજા મળે એવી કાળી કોટડીમાં પૂરી દેવા.
શિક્ષક, વેપારી અને ગઠિયાને લઈને યમરાજ જેલની કોટડીઓ તરફ ચાલ્યા. પાછળ પાપ-પુણ્યના ચોપડા સાથે ચિત્રગુપ્ત અને શસ્ત્રસજ્જ યમસેવકો હતા. યમરાજે એક કોટડી ખોલી, તો એમાંથી કાન ફાડી નાખે એવા જોરશોરથી અવાજો આવતા હતા. બાળકોની ભારે ચીસાચીસ સંભળાતી હતી. સરસ્વતીની છબીને બાજુએ હડસેલીને સાષ્ટાંગ દંડવત્ કરવાની સાથે લક્ષ્મીની ઉપાસના થઈ રહી હતી. યમરાજે આદેશ આપ્યો, 'શિક્ષક અલ્લડપ્રસાદને આ કોટડીમાં પૂરી દો. એમણે વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે સજા વધુ કરી હતી. નિશાળના વર્ગો કરતાં ટયુશનના વર્ગોમાં વધુ દિલચશ્પી દાખવી હતી. લક્ષ્મી માટે ઘેલા બનીને સરસ્વતીને એમણે કલંક લગાડયું હતું, તેથી એમને આ ઘોંઘાટિયા ખંડમાં પૂરી દો.'
શિક્ષક અલ્લડપ્રસાદ ગભરાયા. એમને ચિંંતા પેઠી કે ટયુશન પર સરકારી પ્રતિબંધ હોવા છતાં પોતે કરેલાં ટયુશનોની યાદી ચિત્રગુપ્તને મળી કઈ રીતે? કોટડીમાં નહીં પૂરવા માટે યમરાજને કરગરવા લાગ્યા, ત્યારે યમરાજે એને શિક્ષકની સોટી ઊંચી કરીને બતાવી એટલે તરત કોટડીમાં પેસી ગયા.
એ પછી બીજી કોટડી ખોલી. એમાં લોહીચૂસ મચ્છરોનો પાર નહોતો. પથારીમાં બધે માંકડ પથરાયેલા હતા. ઉપર ડંખીલા ભમરા અને મચ્છરો ગણગણતા હતા. યમરાજે વેપારી ગલતનારાયણને કહ્યું,'તમે ખોટી રીતે શોષણ કરીને ગરીબોનું લોહી ચૂસ્યું છે. અહીં આ મચ્છર, માંકડ, ચાંચડ દર મિનિટે તમારું લોહી ચૂસશે.' આમ બીજી ઓરડીમાં વેપારી ગલતનારાયણને પૂર્યા.
એ પછી ગટ્ટુ ગઠિયાનો વારો આવ્યો. યમરાજે એને ભારતીય રેલ્વેની ટિકિટ આપી. ગટ્ટુ તો આનંદથી નાચવા લાગ્યો, પણ એકાએક રડવા જેવો થઈ ગયો. યમરાજે કહ્યું, 'ટ્રેનની આ ટિકિટમાં આખા દેશમા તમારે હેમખેમ પ્રવાસ કરવાનો છે અને પછી મારી પાસે આવવાનું છે.'
ગટ્ટુ ગઠિયો કરગરવા લાગ્યો. એણે કહ્યું, 'હે યમરાજ, મને આટલી મોટી સજા શાને કરો છો?'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે તાજેતરમાં ભારતીય રેલ્વેનો પ્રવાસ વધુને વધુ જોખમી બન્યો છે. ગટ્ટુ ગઠિયાનો ભય સાવ સાચો છે. દેશમાં લાખો લોકો રેલ્વેમાં પ્રવાસ કરે છે, પરંતુ ક્યાંક રેલ્વેના પાટા પર જોડાયેલા સ્પેરપાર્ટ્સ સમયસર બદલવામાં આવતા નથી. ઘણીવાર તો સ્થાનિક બજારમાં જ એનું રિપેરિંગ કરવામાં આવે છે.
ક્યાંક સ્લીપર અને ટ્રેક એક સાથે બદલાતી નથી. એથીયે વધુ બધા રેલ્વે ક્રોસિંગ પર સિગ્નલ નથી. રેલ્વેનાં કર્મચારીઓની ભૂલને કારણે ગમખ્વાર અકસ્માતો થયા છે અને આમાં અધૂરું હોય તેમ દેશવિરોધી તત્ત્વો રેલ્વેના પાટા પર મોટા પથ્થરો કે લોખંડના પાઇપો મૂકે છે અથવા તો પાટાને ઉખેડી નાંખે છે.
ભારતનું રેલ્વે તંત્ર એ સૌથી મોટું તંત્ર છે અને છતાં એમાં પારાવાર અતંત્રતા પેસી ગઈ છે, જેને પરિણામે છાશવારે રેલ્વે અકસ્માતની દુઃખદ ઘટનાઓ સાંભળવા મળે છે.