Get The App

તમારી શાંતિયાત્રા માટે તમને બે શસ્ત્રો આપું છું...

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
તમારી શાંતિયાત્રા માટે તમને બે શસ્ત્રો આપું છું... 1 - image


- શસ્ત્રોથી થતું યુદ્ધ વર્તમાનને ભસ્મીભૂત કરે છે, પણ પ્રકૃતિ સામેની સંહારલીલા તો તમારા ભવિષ્યનો વિનાશ કરે છે

- મિલી જો બૂંદ તો દરિયા સમઝ લિયા ઉસને,

તમામ ઉમ્ર કા પ્યાસા દિખાઈ દેતા હૈ.

- સતીષકુમાર

વિશ્વના મહાન તત્ત્વચિંતક બર્ટાન્ડ રસેલે ૭૬ વર્ષની વયે બૌદ્ધિક તત્ત્વચિંતનને ચિત્તમાંથી વિદાય આપીને પોતાની આસપાસના વિશ્વના રાજકીય પ્રવાહો તરફ લક્ષ ઠેરવ્યું. બીજા વિશ્વયુદ્ધના ભયાવહ માનવસંહારે એમને શાંતિ અને નિ:શસ્ત્રીકરણના પ્રખર હિમાયતી બનાવ્યા. ૧૯૫૦માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાની નીતિના કડક ટીકાકાર બન્યા. શાંતિવાદ અને અણુનિ:શસ્ત્રીકરણ માટે એમણે સત્યાગ્રહ આદર્યો અને આ અત્યંત મેધાવી, કુશાગ્રબુદ્ધિ અને ઉત્કૃષ્ટ વિચારશક્તિ ધરાવતી વ્યક્તિએ અણુશસ્ત્રોની વિરોધમાં ઝુંબેશ જગાવી. અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપમાં એનાં આંદોલનો જાગ્યાં.

૧૯૬૨-૬૩ના અરસામાં અણુશસ્ત્રોવિરોધી આંદોલનમાં બર્ટ્રાન્ડ રસેલની વ્હાઈટ હોલની બહાર ધરપકડ કરવામાં આવી. ૨૦મી સદીના સૌથી વધુ પ્રભાવશાળી બૌદ્ધિકની આ ધરપકડે દુનિયા આખીમાં ભૂકંપ સર્જ્યો. જગતનું ધ્યાન અણુશસ્ત્રો દ્વારા ઊભા થનારા ખતરા તરફ ગયું.

આ સમયે બેંગ્લોરના કોફીહાઉસમાં પોતાના મિત્ર સાથે કોફી પીતા સતીષકુમારે આ સમાચાર વાંચ્યા. ૯૦ વર્ષની જૈફ વયે સવિનય કાનૂનભંગ કરીને દેશની સરકાર સામે સત્યાગ્રહ કરતા બર્ટ્રાન્ડ રસેલને કારાવાસમાં કેદ કરવામાં આવ્યા. એની તસવીરો જોતાં ભૂદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલા સતીષકુમારના હ્ય્દયમાં તીવ્ર મનોમંથન જાગ્યું. આઠ વર્ષ સુધી વિનોબાજીની પદયાત્રામાં સામેલ થનાર સતીષકુમારને બર્ટ્રાન્ડ રસેલના સમાચારે ઊંડા વિચારમાં ડૂબાડી દીધા. એ વિચારમાં પડયા કે નેવું વર્ષના બર્ટ્રાન્ડ રસેલ છેક છેલ્લી જિંદગીએ આ કામ કરે અને પોતે શું કરે છે?

એમના હ્ય્દયની ભીતરમાંથી પોકાર જાગ્યો કે બર્ટ્રાન્ડ રસેલ તો એક એવો માનવી છે કે જેણે હવે પછીની જિંદગી માટેનો પાસપોર્ટ મેળવી લીધો છે, છતાં એને આપણી આ દુનિયાને માટે ભારે ચિંતા છે અને હું છવ્વીસ વર્ષનો હટ્ટો-કટ્ટો થનગનતો યુવાન આમ પગ વાળીને બેસી રહ્યો છું, તે યોગ્ય કહેવાય? મારે ભયાવહ પરિસ્થિતિ સામે કાંઈક કરવું જોઈએ!

અને પછી વિચાર કર્યો કે મારે પણ આ દુનિયાને શાંતિના માર્ગે લઈ જવી છે. અમર્યાદિત ભૌતિક સમૃદ્ધિ ઝંખતી દુનિયાને વ્યક્તિગત, સામાજિક અને પર્યાવરણીય કલ્યાણની ભાવનાઓ સમજાવવી છે. જો આમ નહીં કરું તો મેં મારી જાતનો દ્રોહ કર્યો ગણાશે.

સતીષકુમારે વિચાર્યું કે જે લોકો યુદ્ધ માટેનાં શસ્ત્રોનું ઉત્પાદન કરતા હોય છે તેઓ સંહારક શસ્ત્રોની વધુને વધુ ઘાતકતા સાધવા માટે ઉદ્યમ કરતા હોય છે. આને માટે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રના કુદરતી સ્રોતને ઝડપી લેવા કે નષ્ટ કરવા માગે છે. વિરોધીને ભૂખે મારી નાખતા કે બેસહારા કરતા એને થડકારો થતો નથી.

યુવાન સતીષકુમારના ચિત્તમાં એ સમયે કુદરત સામે યુદ્ધ ખેલતા માનવીની સંહારકતાનું સૂત્ર ખડું થાય છે. એમણે વિચાર્યું કે પોતાના લોભને સંતોષવા માટે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે યુદ્ધ ખેલવાની પેંતરાબાજી કરતું હોય છે અને સાથોસાથ કુદરત સામે યુદ્ધ ચાલુ રાખતા હોય છે. હજ્જારો ડુક્કરો અને ગાયોને વિશાળ વાડાઓમાં ખીચોખીચ ગોંધી રાખીને એમાંથી નફો રળવામાં આવે છે. દરિયાઈ માછલીઓમાં બેરોકટોક માછીમારી, વરસાદને અટકાવી દેતો જંગલોનો વિનાશ અને ભૂમિને વિષયુક્ત બનાવી દેવાના કાર્યને કુદરત સામેનું યુદ્ધ ન કહેવાય, તો બીજું શું કહેવાય?

સતીષકુમારે પોતે જગતને માટે કાંઈક કરવાનો 'વિચાર' કર્યો અને થયું કે શું મોસ્કો, પેરિસ, લંડન કે વોશિંગ્ટન જેવાં શહેરોમાં જઈને સભાઓ અને પરિસંવાદોમાં હું સૌને જાગ્રત થવાની અપીલ કરું? વળી વિચાર્યું કે આ રીતે વિમાનમાર્ગે ઊડીને જઈશ, તો એનો કશો અર્થ નથી. અહીંથી વિમાનમાં બેસીને મોસ્કોની હોટલમાં પહોંચીશ અને ત્યાં રહીશ, ત્યાં વ્યાખ્યાન આપીને પાછો બીજે જઈશ, તેનાથી શું વળવાનું? આવી રીતે તો હજારો લોકો વિમાનમાં ઊડીને મોસ્કોની સફરે જાય છે. ત્યાં જઈને મારા વિરોધની વાતો કરીશ તો એની લોકમાનસ પર શી અસર પડશે?

આમ મનોમંથન ચાલતું હતું. ક્યે માર્ગે પોતાની શાંતિની ભાવના અભિવ્યક્ત કરવી, એનું ચિંતન થતું હતું. આખરે વિચાર્યું કે ભારતથી પગપાળા ચાલીને મોસ્કો, પેરિસ, લંડન અને વોશિંગ્ટન જઈશ, તો તે વધુ યોગ્ય કહેવાશે. મેં મારા શબ્દોના બદલે મારા કાર્યથી વિરોધ પ્રગટ કર્યો એમ કહેવાશે. આથી સતીષકુમારે પદયાત્રા કરવાનો વિચાર કર્યો.

અત્યાર સુધી ભારતની ધરતી પર સંત વિનોબાજી સાથે આવી પદયાત્રાઓ કરી હતી, પરંતુ ચાલતા-ચાલતા જુદા જુદા દેશોમાં જવું એ જેવી-તેવી વાત નહોતી. સતીષકુમાર અને એમના સાથી મિત્ર મેનન બંનેએ આ રીતે પરદેશમાં પદયાત્રા કરવાનો વિચાર કર્યો.

આને માટે વિનોબાજી પાસે આશીર્વાદ લેવા ગયા. વિનોબાજીએ એમને આશીર્વાદ આપતાં કહ્યું, 'શાંતિના સંદેશ માટે વિદેશમાં પદયાત્રા કરવાનો તમારો વિચાર અસાધારણ છે. તમારા આ વિચારને હું પૂર્ણ ટેકો અને આશીર્વાદ આપું છું, કારણ કે આવું કાર્ય તે અદ્દભુત કાર્ય ગણાય.'

સતીષકુમાર અને મેનન આશીર્વાદના આ શબ્દોનું એકચિત્તે પાન કરતા હતા. વિનોબાજીએ કહ્યું, 'હું આ શાંતિયાત્રામાં તમારા રક્ષણ માટે બે હથિયાર આપવા ઈચ્છું છું.'

બંનેને ઉત્સુકતા જાગી. શાંતિ માટેની યાત્રા અને તે શસ્ત્રો સાથે! પણ આ તો સંતના શસ્ત્રોની વાત હતી.

વિનોબાજીએ કહ્યું, 'રક્ષણ માટેના આ બે હથિયારમાં એક હથિયાર એ કે તમે એક પણ પૈસો લીધા વિના પરદેશમાં પદયાત્રા કરશો. અને બીજું હથિયાર એ કે આ પદયાત્રા દરમિયાન તમે શાકાહારી રહેશો. તમે ખૂબ ભૂખ્યા થયા હો, ત્યારે તમે કહેશો કે, 'હા, અમે જરૂર કંઈ ખાઈશું, પરંતુ અમે શાકાહારી છીએ.' જો સામે એ વળતો સવાલ પૂછશે કે 'તમે શા માટે શાકાહારી છો?' અને બસ અહીંથી તમને તાળું ખોલવાની ચાવી મળી જશે. તમે શાંતિ વિશે એની સાથે વાત કરી શકશો અને શાંતિ એટલે માત્ર અણુશસ્ત્રોની શાંતિ નહીં, માત્ર વિશ્વશાંતિની વાત નહીં, પણ પ્રકૃતિ સાથેની શાંતિ. પશુપંખીની દુનિયા સાથેની શાંતિ. તમે એને સમજાવી શકશો કે યુદ્ધના સર્જનનું મૂળ કારણ તો આ પ્રકૃતિનો વિનાશ છે. જે રીતે તમે પ્રાણીની હત્યા કરી શકશો, એ જ અભિગમથી તમે માનવપ્રાણીની હત્યા પણ કરશો. આ બંને પાછળની માનસિક મનોવૃત્તિ એકસરખી જ હોય છે.'

સતીષકુમારને ગુરુચાવી મળી ગઈ. એમની શાંતિ માટેની ભાવના પ્રસરાવાનો અઘરો અને અંતે સરળ બનતો માર્ગ મળી ગયો. એમને ખ્યાલ આવ્યો કે એમણે માત્ર શસ્ત્રોથી થતાં યુદ્ધની વાત કરવાની નથી, પણ પ્રકૃતિ સામે સંહારલીલા ખેલતા માણસને શાંતિની વાત એના મનમાં ઠસાવવાની છે.

શાંતિ વિશેનો એક નવીન સંદેશ સતીષકુમારને મળ્યો. કઈ શાંતિ? તો પહેલી છે માનવીના મનની શાંતિ, બીજી છે વિશ્વની શાંતિ, જે માણસ-માણસ વચ્ચે હોય, જાતિ, ધર્મ અને રાષ્ટ્ર વચ્ચે હોય અને ત્રીજી છે પ્રકૃતિ સાથેની શાંતિ. આ ત્રણ શાંતિની વાત કરવા માટે આ યુવાનોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો. રાજઘાટ પર આવેલી મહાત્મા ગાંધીજીની સમાધિથી શરૂ કરીને પાકિસ્તાન તરફ ચાલ્યા. દિલ્હીથી પાકિસ્તાનની સરહદ સુધી પહોંચતા એમને લગભગ એક મહિનો લાગ્યો. આતિથ્યપ્રેમી ભારતમાં એમને ભોજનની કે રાત્રીનિવાસની કોઈ મુશ્કેલી પડી નહીં. એમના કેટલાક પરિચિતોએ અગાઉથી વ્યવસ્થા કરી રાખી હતી. તો કેટલાક આતિથ્ય પ્રેમીઓએ એમને સામે ચાલીને પોતાને ઘેર આવા નિમંત્રણ આપ્યું. પદયાત્રીઓ ભારત અને પાકિસ્તાનની સરહદ પર પહોંચ્યા. સરહદ સુધી મૂકવા માટે એમના ઘણા સ્નેહીઓ અને સંબંધીઓ આવ્યા હતા. એમનો એક નિકટનો મિત્ર તો થોડું ખાવાનું લઈને આવ્યો હતો અને સાથોસાથ એમને સૂચના પણ આપી, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી. પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે. પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે. ત્યાં પૈસા લીધા વગર જવું અને શાકાહારી રહેવું એ પાગલપનની હદ જ કહેવાય, આથી તમારે માટે નાસ્તાનું એક પાર્સલ લાવ્યો છું.'

સતીષકુમારે એ પાર્સલ તરફ નજર કરી અને મિત્રને કહ્યું, 'તું મારી આટલી બધી ચિંતા રાખે છે તે માટે અભાર. પણ હું મારી સાથે તારું આ નાસ્તાનું પાર્સલ લઈ જઈ શકીશ નહીં.'

આ સાંભળીને મિત્રને ઊંડો આઘાત લાગ્યો. એને થયું કે આના પાગલપનની કોઈ હદ ખરી કે પછી હાથે કરીને દુશ્મન દેશમાં ભૂખ્યા રહીને મરવા માટે જઈ રહ્યા છે! એણે અકળાઈને પૂછ્યું, 'મને સમજાતું નથી કે તમે શા માટે નાસ્તાનું પાર્સલ લઈ જવાની ના પાડો છો? રસ્તામાં ભૂખ લાગે ત્યારે તમને શાકાહારી  ખોરાક મળવાનો નથી. માંસાહાર તમે કરતા નથી. વળી, ગજવામાં ફૂટી કોડી નથી, ત્યારે આ પાર્સલ જ તમને બચાવનારો પરમેશ્વર બનશે.'

સતીષકુમારે હસતાં હસતાં કહ્યું, 'જો ભાઈ, આનો અર્થ તો એ થાય કે મને પાકિસ્તાનના લોકોમાં વિશ્વાસ નથી. મને એવો ભરોસો નથી કે એ લોકો મને ભોજન આપશે. મારી દ્રષ્ટિએ આ નર્યો વિશ્વાસઘાત કહેવાય. હા, કદાચ એવું પણ બને કે મારે બે-ત્રણ દિવસ કે અઠવાડિયું ભૂખ્યા રહેવું પડે. ભૂખ્યા રહીને મરવાની મારી તૈયારી છે, પણ મારી સાથે નાસ્તાનું પાર્સલ લઈ જવા સહેજે ઈચ્છતો નથી.'

પાર્સલ લાવનારો મિત્ર પરેશાન થઈ ગયો. અકળાઈ ઊઠયો અને થોડીવાર એમ લાગ્યું પણ ખરું કે એના પ્રેમની સતીષકુમારને કોઈ કીંમત જ નથી. કોઈ વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ નથી. એ જોરથી બોલી ઊઠયો, 'તું સાવ પાગલ બની ગયો છે. તારું શું થશે એની મને અત્યંત ચિંતા થાય છે. હે ભગવાન!' એની આંખમાં આંસુ સરી પડયા. એ પોતાના મિત્ર સતીષકુમારને ભેટયો અને પાછો વળી ગયો.પાકિસ્તાનની સરહદમાં સતીષકુમારે પ્રવેશ કર્યો. આ રીતે સતીષકુમારે અનેક દેશોમાં આઠ હજાર માઈલની શાંતિયાત્રા કરી.

પ્રસંગકથા

અન્નદાતાને જીવનદાન આપો 

લાંબી યાત્રા કરીને રમેશ પાછો આવ્યો, ત્યારે એના મિત્ર મહેશે પૂછ્યું, 'કેમ દોસ્ત, કેવી રહી સફર? મોજ આવીને?'

રમેશે નિસાસો નાખતાં કહ્યું, 'અરે! થાકીને લોથપોથ થઈ ગયો છું. આખી રાત ઊંઘી શક્યો નહીં.'

'કેમ? એવું તે શું થયું?'

'મને ઉપરથી બર્થ મળી હતી. સહેજે હવા આવતી નહોતી, ગરમીથી બફાઈને બેચેન બની ગયો. આખી રાતનો ઉજાગરો થયો.'

'અરે, પણ તો કોઈની સાથે બર્થ એક્સચેન્જ કરી દેવી હતી ને?'

રમેશે કહ્યું, 'કઈ રીતે કરું? હવે તું જ મને સમજાવ. નીચેની બંને બર્થ પર કોઈ આવ્યા નહોતા, તો કોની સાથે એક્સચેન્જ કરું?'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ કરે છે, પરંતુ એ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. યોજનાનાં આયોજકો રમેશની માફક વિચારે છે કે કોની સાથે બર્થ એક્સચેન્જ કરું?

કારણ એટલું કે એક બાજુ ખેડૂતની ખેતીમાંથી થતી આવક સતત ઓછી થઈ ગઈ છે અને બીજી બાજુ એની ખેતીની ખર્ચમાં સતત વધારો થતો રહે છે, આથી દેશનાં પચીસ ટકા ખેડૂત પરિવારો દેવાનાં બોજ હેઠળ દબાયેલા છે.

આપણા કૃષિપ્રધાન દેશમાં રોજ સરેરાશ ત્રીસથી વધુ ખેડૂતો કે ખેતમજૂરો આપઘાત કરે છે. આવે સમયે યોગ્ય આયોજન કરીને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આવું નહીં થાય, તો સરકારની યોજનાઓ થતી રહેશે, પણ ખેડૂતો સુધી કશું પહોંચશે નહીં.


Google NewsGoogle News