સત્યનો અવાજ બુલંદ બનાવે, તો દુનિયા તો એનો માત્ર પડઘો છે
- મજહબી જોશ ક્યારેક બેગુનાહને ગુનાની ભઠ્ઠીમાં નાખી દે છે
- ખ્વાજા હસન નિઝામીસાહેબ ઘરબહાર દોડી આવ્યા. જોયું તો પોતાના વયોવૃદ્ધ શ્વસુર ખ્વાજા અહમદ સદિક ગોળીથી વીંધાઈને નીચે પડયા હતા! લોહીના ફુવારા વહી રહ્યા હતા. થોડીવારમાં એમનો પ્રાણ ચાલ્યો ગયો
- એક પલ કે લિયે તુમ સફર મેં મિલે,
ફિર કભી ના મુઝે ઉમ્ર ભર મેં મિલે.
દિલ્હીના એક પત્રકા૨ ૫૨ એક દિવસ ફોન આવ્યો : 'સ્વામી શ્રદ્ધાનંદજીનું ખૂન થયું છે, ખૂની ઝડપાઈ ગયો છે. આપ તરત આવો.'
ટેલિફોનનું રિસીવર પાછું મૂકી પત્રકાર તરત બહાર નીકળ્યા. થોડીવારમાં તેઓ સ્વામી શ્રદ્ધાનંદજીના નિવાસસ્થાને પહોંચી ગયા. અહીં સ્વામી શ્રદ્ધાનંદજીનાં સઘળાં કાર્યની જવાબદારી સંભાળનારા સ્વામી રામાનંદજી હાજર હતા. તેમણે જ આ પત્રકારને ફોન કરીને જાણ કરી હતી.
ખંડમાં પ્રતિભાશીલ અને પ્રચંડકાય તેજસ્વી સ્વામી શ્રી શ્રદ્ધાનંદજીનો નિશ્ચેતન દેહ પડયો હતો. મુખ પરનું તેજ, ભવનાં પરની દઢતા અને ઓષ્ઠ પરનો સંકલ્પ હજી એનાં એ હતાં! જાણે એ હસતા હતા, હસતા હસતા કહેતા હતા, 'મારનાર મને મારી શક્યો નથી, હું અમર થઈ ગયો!'
આ ભવ્ય માનવદેહને જોતાં જ દ્રષ્ટાના મોંમાંથી બોલાઈ જતું, 'અમર તું મરણે રે! ધન્ય શ્રદ્ધાનંદ સ્વામી!'
ઉન્માદભેર ધર્મચર્ચા કરવા આવેલો કાતિલ-ખૂની અબદુલરશીદ સામે પોલીસની અટકમાં હતો. એની પાસેની રિવોલ્વર કબજે ક૨વામાં આવી હતી અને એ રિવોલ્વરની ગોળીઓએ સ્વામીજીની દેહમાં પડેલા છેદમાંથી, પહાડમાંથી પાણીનું ઝરણું વહે તેમ, લોહી વહ્યું આવતું હતું!
પોલીસ ઇન્સ્પેક્ટર શેખ નજીરૂલહક મામલાની જાંચ કરી રહ્યા હતા. લોકોની મોટી ભીડ એકઠી થતી જતી હતી, વાતાવરણમાં ભારે ઉત્તેજના હતી. ઉન્માદનું મોજું ચારે દિશામાં પ્રસરી રહ્યું હતું.
લોકો કંઈ કંઈ વાતો કરતા કરતાં, ન જાણે કેવી કેવી વાતો ઉપજાવતા હતાં. એક ભાઈ, જે અધિક પ્રભાવશાળી વ્યક્તિ હતી, એણે કહ્યું, 'આ કાળું કામ ખ્વાજા હસન નિઝામીનું છે. અબ્દુલરશીદ એમનો નોકર અને એજન્ટ છે.'
દારૂખાનાના ઢગમાં નાની-શી ચિનગારી મૂકતાં જે ધડાકા-ભડાકા થાય તેની તૈયારી થઈ રહી. આ વખતે જનસમૂહના અભિપ્રાય વિરુદ્ધ એક અક્ષર કાઢવો એ જાનની બાજી લગાવવા બરાબર હતું.
ટેલિફોન પરના આમંત્રણથી આવેલ પત્રકારે અબ્દુલરશીદ સામે જોયું અને ટોળાને કહ્યું, 'હું આ માણસને ઓળખું છું.'
'ઓળખો છોને તમે એને? ખ્વાજા હસન નિઝામી તમારા પણ મિત્ર છે એટલે પછી એને તમે ઓળખતા જ હોવા જોઈએ.' ટોળાએ પત્રકારની વાતને પુરાવા તરીકે લઈ લીધી.
'આ માણસે જ ખૂન કર્યું છે, એનો મને પાકો વિશ્વાસ છે,' પત્રકારે આગળ કહ્યું,
'હાથકંકણને અરીસાની જરૂર નથી. રિવોલ્વર સાથે કાતિલ ગિરફ્તાર થયો છે, પણ વાત એ છે કે આ ખૂનની પ્રેરણા કરનાર કાબેલ વ્યક્તિ પડદા પાછળ રહી છે. કિલ્લાને તોડી નાખવા આ માણસ ઊંટ બન્યો છે. ધક્કો આપનાર હાથી બીજા છે. એ હાથીઓની ધરપકડ થવી ઘટે.'
લોકોએ વિવિધ પ્રકારના સૂરોમાં આ વાત કરી. તેઓ પોતાના કોપાનલમાં સદોષ ભેગા નિર્દોષને પણ હોમી દેવા માગતા હતા. મનમાં વેરની આગ સળગતી હતી. કોઈને ઝડપીને ભસ્મીભૂત ક૨વા સહુ આતુર હતા.
પત્રકા૨ મહાશયે જરા પણ ખોફ અનુભવ્યા વગર ઝિંદાદિલીથી કહ્યું, 'અબ્દુલરશીદ મારે ત્યાં કારકુન તરીકે કામ કરી ગયો છે. એનું મજહબી પાગલપન મેં અનુભવ્યું છે. એટલે આ બૂરા કામની જવાબદારી હું એના એકલાના માથા પર મૂકું છું. આપણું મજહબી જોશ એવું ન હોવું જોઈએ કે કોઈ બેગુનાહને ગુનાની ભઠ્ઠીમાં ઝોંકી દે, ને આપણે ખુદ સત્યના દરબારમાં ગુનેગાર બની ખડા રહી જઈએ.'
પત્રકારે વાતની ભૂમિકા બાંધી, એણે વધુમાં કહ્યું, 'મારા કાર્યાલયમાં અબ્દુલ૨શીદ થોડો વખત કારકુની કરી ગયો છે. હું એને ઘણીવાર નકલ ક૨વાનું કામ સોંપતો. એક વાર અફઘાનિસ્તાનથી સમાચાર આવ્યા. ત્યાંના શાહ અમાનુલ્લાખાંએ અહમદીઆ પંથના કેટલાક લોકોને સંગસાર કરાવ્યા હતા. સંગસાર એટલે પથરા મારીને ગુનેગારનું મોત નિપજાવવું! આ વીસમી સદીમાં મજહબ અથવા પંથના નામ પર, મતભેદના કારણે, આ પ્રકારની સજાઓ થાય, એ મને ન રુચ્યું. મેં અફઘાન સરકાર પર ટીકા કરતો એક લેખ લખ્યો. આ લેખ નકલ કરવા માટે મેં ખૂની અબ્દુલ૨શીદને સોંપ્યો.
'અબ્દુ૨૨શીદ થોડીવારમાં એ લેખ લઈને મારી પાસે આવ્યો. એનો ચહેરો તપાવેલા તાંબા જેવો હતો. એણે મને કહ્યું, 'આ લેખ હું તૈયાર કરી શકીશ નહીં. તમે શીખ છો, ગેરમુસ્લિમ છો. મુસ્લિમ વિધાન (શરિયત)ની તમને સમજ નથી. આવા લોકોને સંગસાર ક૨વા એ ધાર્મિક ફરજ છે.'
પત્રકારે થોડીવા૨ થોભીને પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, 'મેં એ દિવસે અબ્દુલ૨શીદને પગાર ચૂકતે કરી છૂટો કર્યો. પછી એ હિજરતમાં અફઘાનિસ્તાન ચાલ્યો ગયો. કોઈ પણ મજહબી ઝનૂનમાં એ ગમે તેવું કામ કરવા તત્પર થઈ શકે તેવો હતો. આવા કામને એ ધાર્મિક ફરજ લેખે છે. અફઘાનિસ્તાનથી પાછા વળતાં આ કામ માટે એ સાથે રિવોલ્વર લેતો આવ્યો. આ કામ એની પાસે બીજા કોઈએ કરાવ્યું નથી, ફક્ત મજહબ પાગલપને કરાવ્યું છે. હવે શેરડી ભેગી એરડી પીલી નાખવાનો કોઈ અર્થ નથી.'
એક શીખ પત્રકારની આ વાતો અને સ્વામી રામાનંદજીની ખામોશીએ ભીડને ખોટા માર્ગે જતા રોકી લીધી. એ દિવસે સાંપ્રદાયિકતા પર સત્યનો વિજય થયો. રેડાયેલા લોહીની પવિત્રતા જળવાઈ ગઈ.
થોડા દિવસો વીત્યા પછીની આ વાત છે. એક દિવસ સંધ્યાના તડકા ઢળી ગયા હતા, અંધારું જામતું જતું હતું, ને ખ્વાજા હસન નિઝામીસાહેબના ઘર આગળ ગોળીબાર થયો. ગેરેજ પાસે મોટર તૈયાર ઊભી હતી. એક ગૃહસ્થ ત્યાં ઊભા હતા. ગોળી નજીકથી જ છૂટી હતી. ત્યાં ઊભેલી વ્યક્તિ કરુણ ચિત્કારની સાથે જમીન પર ઢળી પડી! અજાણ્યો ખૂની મિરજા ગાલિબની કબર ત૨ફ ભાગ્યો. અંધકારે એને છુપાવવામાં પૂરી મદદ કરી.
થોડી વારમાં ખ્વાજા હસન નિઝામીસાહેબ ઘરબહાર દોડી આવ્યા. જોયું તો પોતાના વયોવૃદ્ધ શ્વસુર ખ્વાજા અહમદ સદિક ગોળીથી વીંધાઈને નીચે પડયા હતા! લોહીના ફુવારા વહી રહ્યા હતા. થોડીવારમાં એમનો પ્રાણ ચાલ્યો ગયો.
ખૂની લાપત્તા હતો. રાતનો અંધકાર ઘેરો હતો. જોતજોતામાં અનેક માણસો એકત્ર થઈ ગયા. સગાંવહાલાં અને રિશ્તેદાર પણ આવી ગયાં. સ્વામી શ્રદ્ધાનંદજીના મૃત્યુ વખતે ઉપસ્થિત રહેલા શીખ પત્રકારમિત્રને પણ ખબર આપવામાં આવ્યા. એ ઉભયના મિત્ર હતા.
ખૂની કોણ હોઈ શકે એ માટે વિવાદ ચાલવા લાગ્યો. કેટલાક ચુસ્ત લોકોએ કહ્યું, 'કોઈ જાણીતો હિન્દુ જ હશે.'
પોલીસને કયા કયા હિંદુઓનાં નામ આપવાં તેની વિચારણા ચાલી રહી. એટલામાં પેલા પત્રકાર મહાશય ત્યાં આવી પહોંચ્યા. તેઓએ આ બધો રંગ જોયો, નિર્દોષોને દોષિત ઠરાવવાની મનોભાવના નિહાળી, તરત જ નિઝામીસાહેબને એકાંતમાં લઈ જઈને પ્રશ્ન કર્યો, 'ખૂનીને તમે જાણો છો? તમે જોયો છે?'
'ના.'
'માનો છો કે એ હિંદુ જ હશે?'
'ના, સાદિકસાહેબને એક મુસ્લિમ કુટુંબ સાથે પેઢીગત વેર ચાલે છે. એ કુટુંબનો પણ કોઈ માણસ હોય!'
'તો હિન્દુનું નામ દેવું ઇમાનને યોગ્ય થશે ખરું?'
'ના. આપનો સિદ્ધાંત હું જાણું છું. મને પોલીસ ઇન્સ્પેક્ટર શેખસાહેબે સ્વામીજીના ખૂન વખતનો કિસ્સો કહ્યો છે. મને હે૨ાન ક૨વા માટે તૈયાર થયેલા લોકોને આપે જ રોક્યા હતા, આપે જ સાચી નસિયત આપેલી. અમે વારંવાર એ કિસ્સો યાદ કરીએ છીએ. એ વખતે આપે ખરેખર ખૂબ જવાંમર્દી દાખવેલી,' ખ્વાજા હસન નિઝામીએ કહ્યું.
'હું એ જવામર્દીનો જવાબ આપ પાસેથી જવાંમર્દીની રીતે માગું છું,' શીખ પત્રકારે કહ્યું, 'માણસ માટે પરીક્ષાનો સમય રોજ રોજ આવતો નથી, કોઈક વાર જ આવે છે. માણસે એમાં પાસ થવું જોઈએ. જો તમે માનતા હો કે ગુનેગાર હિન્દુ જ છે, તો તમે કહો, નહીં તો પોલીસને ગુનેગાર શોધી લેવા દો.'
પોલીસ તપાસ શરૂ થઈ, કાતિલની ખોજ ચાલુ થઈ. આખરે આ ગુના બદલ એક મુસ્લિમ રિશ્તેદાર પકડાયો. બે કુટુંબ વચ્ચે પેઢીનાં વેર હતાં. અંદર-અંદરના વેરના લીધે જ આ કામ થયું હતું. કોર્ટમાં કેસ ચાલ્યો. પૂરતા પુરાવા વગર આરોપીને શકનો લાભ મળી ગયો. એ છૂટી ગયો, પણ વૃદ્ધિગત થતી અસત્યની હારમાળા અટકી ગઈ. ઇમાનનો દીપ જળવાઈ ગયો.
માણસ એક વાર સત્ય અને યથાર્થતાના અવાજને બુલંદ બનાવે તો દુનિયા એ તો માત્ર એનો પડઘો છે.
પ્રસંગકથા
પગાર ઓછો, પણ આવક એકસો ગણી
વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને એમના હોમવર્કમાં એક નિબંધ લખવા આપ્યો. આ નિબંધનો વિષય હતો, 'આ જગતમાં મને સહુથી વધુ ગમતી વ્યક્તિ.' બીજે દિવસે વિદ્યાર્થીઓ પોતાનો નિબંધ લખીને આવ્યા. શિક્ષકે એક પછી એક વિદ્યાર્થીને એમનો નિબંધ વાંચવા માટે કહ્યું.
રોમા નામની એક નાની છોકરીનો નિબંધ સહુથી સારો હતો. એણે પોતાને જગતમાં સૌથી ગમતી વ્યક્તિ તરીકે પોતાના પિતાને ગણાવ્યા હતા. એ પછી પિતાના ગુણો વિશે વર્ણન કર્યું હતું અને એમની લાગણી વિશે સુંદર રીતે લખ્યું હતું.
શિક્ષકે રોમાને શાબાશી આપતાં કહ્યું, 'રોમા, તને હું સૌથી વધુ માર્ક આપું છું, કારણ કે તારો નિબંધ સૌથી સારો છે. એમાં તેં તારા પિતાના સ્વભાવનું અને ગુણોનું ખૂબ સચોટ વર્ણન કર્યું છે. તારા જેવી નાનકડી છોકરી આવું સુંદર વર્ણન કરે ત્યારે સાચે જ શાબાશી આપવાનું મન થાય છે.'
આટલું કહ્યા પછી શિક્ષકે સ્વાભાવિકતાથી પૂછયું, 'રોમા આવો સરસ નિબંધ તેં તારા પિતાજીને વાંચીને સંભળાવ્યો છે ખરો ?'
રોમા બોલી, 'સાહેબ, વંચાવવાની જરૂ૨ શી ? ખુદ મારા પિતાએ જ આ નિબંધ લખાવ્યો છે.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં રોમાના પિતા જેવી ભ્રષ્ટ-આચારની કહાની છે. પિતા જ પોતાની પ્રશંસા કરતો નિબંધ લખી આપે. એ રીતે આજે લાંચ-રૂશ્વતની તપાસ કરનારી એજન્સીઓમાં જ ભારે લાંચ-રૂશ્વત પ્રવર્તે છે. કૌભાંડોની તપાસ કરનારા નવું કૌભાંડ સર્જે છેે. પ્રજાકીય કાર્ય કરનારા સરકારી કર્મચારી કામ કરવાને બદલે રૂશ્વતનો કારોબાર ચલાવે છે.
એક સમાચાર મુજબ ભ્રષ્ટ કર્મચારીઓ પોતાનાં કામ કરવાનો પગાર તો મેળવે છે, પણ એના કરતાં એકસો ગણી ૨કમ લાંચ દ્વારા મેળવે છે. અગ્રણી રાજકારણીઓ, કેટલાંક રાજ્યનાં મુખ્યમંત્રીઓ, પ્રધાનો અને તપાસ અધિકારીઓ સહુ કોઈનાં લાંચ-રૂશ્વતનાં કિસ્સા છાશવારે જાહેર થતા ૨હે છે. વાડ ચીભડું ગળે એવી હાલત થઈ છે. કોઈ પ્રધાન સસ્તા રેશનને નામે રેશનકૌભાંડ કરે છે, તો કોઈ ક્લિનિકમાં દર્દી વગર જ મહોલ્લા ક્લિનિકને નામે અબજો રૂપિયાનું કૌભાંડ કરે છે. જ્યાં નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જ ભ્રષ્ટાચારો કરતા હોય, ત્યાં બીજા કોઈને શું કહી શકાય? ભ્રષ્ટાચારની તપાસ કરનારા કર્મચારી જ એમાં ડૂબેલા હોય પછી આ ભ્રષ્ટાચાર અટકે કઈ રીતે?
એક બાજુ દેશ પ્રગતિની આગેકૂચ કરે છે, તો બીજી બાજુ ભ્રષ્ટાચાર એને અધોગતિની ખાઈમાં ડુબાડી દે છે.