એ આખરી સલામ સદાને માટે આખરી જ રહી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
એ આખરી સલામ સદાને માટે આખરી જ રહી 1 - image


- ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો... ચાલ્યા જાઓ... તમને મા જગદંબાની આણ છે 

- આએંગે લૌટ કર ઇસી ઉમ્મીદ પર તુમ,

હમને તમામ ઉમ્ર તેરા ઇન્તજાર કિયા.

સાંજનો સૂરજ લાલપીળો થતો હતો. બંગાળનાં ઊંચાં ઊંચાં વાંસનાં જંગલો અને મગરચ્છોથી ભરેલી નદીઓ વીંધતો એક અવાજ આવી રહ્યો હતો. ચોતરફ પથરાયેલી ગીચ ઝાડી અને નાની નાની ટેકરીઓએ એ અવાજનો પડઘો પાડી વનની ભયંકરતામાં વધારો કર્યો. જોયું તો સામે બંગાળનો ભયાવહ વાઘ ઊભો હતો.

સોનલવર્ણી ટેકરીઓની પાછળથી પૂંછનો ઝંડો ઊંચો કરી વનનો રાજા હુમલો કરવાની તક શોધતો હતો. બોલનાર એકદમ વાઘ તરફ આગળ ધસ્યો. ત્યાં તો એમના સાથીએ વચ્ચે પડી કહ્યું : 'મહારાજ, દુશ્મનનના સિપાહીઓ લગભગમાં છે. આપ નાસી છૂટો! એની સાથે હું સમજી લઈશ.'

'કોણ? હું નાસી છૂટું? શું નાનાસાહેબ પેશ્વા નાસી છૂટે? અને તેય માત્ર પોતાના પ્રાણ બચાવવા? અરે! રણમેદાન છોડીને ચાલ્યા જતા પેશ્વાને ગાળ તો નથી આપતો ને?'

'મહારાજ, સેવક ગાળ ન આપે રણમેદાનમાંથી ચાલ્યા જતા વીર સેનાપતિને. ફરીથી ભારતનો ઉદ્ધાર કરવા માટે જ અહીંથી ચાલ્યા જવાનું કહું છું, મહારાજ! નાસી છૂટો. આવતી કાલની આશા તમારા ઉપર છે. મને એની સાથે પંજા મિલાવી લેવા દો. ભારતને સ્વતંત્ર બનાવો એ દિવસે આ સેવકને યાદ કરજો!' સૈનિકે નાનાસાહેબને ધીરેથી ધક્કો માર્યો ને પોતે ઉઘાડી તલવારે આગળ વધ્યો.

વીર નાનાસાહેબ થોડા આગળ વધ્યા ને વળી પાછા ફર્યા. એમણે કહ્યું : 'જુવાન સિપાઈ, તને બે દુશ્મનોની વચ્ચે પિસાવા મૂકી ચાલ્યો જાઉં તો મને પોતાને જ મારી જાત તરફ તિરસ્કાર છૂટે! જ્યાં તું ત્યાં હું! સરખો હિસાબ પતાવીશું. સાથે મરવામાંય મીઠાશ છે.'

'મહારાજ, કટોકટી વખતે મર્દ મરવાનું ન ઇચ્છે. નમાલી વાતો ન કરો. રણસંગ્રામમાં આપણા જ હજારો ભાઈઓનાં લોહી શું આટલા માટે રેડાવ્યાં? વીર રાણી લક્ષ્મીબાઈ અને બીજાનાં લોહી શું આટલા માટે વહાવ્યાં? ને આજે પોતાના શરીર પરથી વૈરાગ્ય? પધારો... ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો! જાઓ, તમને મા જગદંબાની આણ છે. હવે પાછું મોં પણ ફેરવો તો!' 

સૈનિકના શબ્દેશબ્દમાં વીરતા ને દેશભક્તિ ગુંજી રહી હતી. દુશ્મન સિપાઈઓના ડાબલા નજીકમાં ગાજી રહ્યા હતા. નાનાસાહેબે આખરે કચવાતે મને પગ ઉપાડયો. ત્યાં તો પેલા સૈનિકે બૂમ પાડી.

'મહારાજ, જરા આપની પાઘડી, શિરપેચ, દુપટ્ટો ને રત્નજડિત તલવાર આપતા જશો?' ચર્ચા કરાય તેવી ઘડી નહોતી. એક જ ક્ષણ, ને વસ્તુઓની આપલ-લે કરી વીજળીવેગે બંને વાઘની બોડ તરફદોડયા. વાઘ છેલ્લી ગર્જના સાથે તૂટી પડયો.

નાનાસાહેબે ગુલાંટ ખાધી. સૈનિકે આખેઆખા વાઘને નીચે હવામાં તોળી જમીન પર પટક્યો. બીજી જ ક્ષણે પાછું જોયા વગર નાનાસાહેબ ટેકરીઓ પાછળ અદ્રશ્ય થઇ ગયા.

અહીં માનવ અને પશુનું ભયંકર યુદ્ધ જામ્યું. એક તરફ રણમેદાન પરથી ઘાયલ થઇને ભૂખ્યોતરસ્યો ભાગતો બેહાલ સૈનિક ને બીજી તરફ મદમસ્ત વાઘ!

ભયંકર યુદ્ધ ચાલ્યું. સૈનિકના આખા શરીર પર ખૂનના રેલા વહી નીકળ્યા તોય એ મચક આપતો નહોતો.

'ઓ ડેન્જર! બેંગાલ ટાયગર! વાઘ! શૂટ! શૂટ!' નજીક આવી પહોંચેલી અંગ્રેજ ટુકડીના કૅપ્ટને બૂમ પાડી.

'ધમ્ ધમ્ ધમ્!' ગોળીઓ વછૂટી. વાઘે પેલા સૈનિકનું કામ ખતમ કર્યું હતું. એનું કામ આ ગોળીઓએ પૂરું કર્યું. લોહીના ધોધ છોડતો વાઘ, વાઘ જેવા સૈનિકની પડખે જ લાંબો થઇ સદાને માટે સૂઈ ગયો.

ગોરા સોલ્જરો નજીક પહોંચ્યા ત્યારે બંનેના પ્રાણ પરલોકમાં પહોંચી ગયા હતા. પણ આ શું? સૈનિકોએ આશ્ચર્ય સાથે જોયું કે નાનાસાહેબ પેશ્વા પોતે જ ત્યાં મરેલા પડયા હતા. એની સાક્ષી આપતાં એમનાં પાઘડી, શિરપેચ ને દુપટ્ટો લોહીમાં તરબોળ પડયાં હતાં! જેને શોધવા માટે દશ દશ હજાર પાઉન્ડના ઇનામ હતાં એ આમ મૃત અવસ્થામાં મળી આવ્યો. શું ખુદાની મહેર! મોં તો ઉઝરડા ને લોહીથી ઓળખી શકાય તેવું નહોતું રહ્યું. રાતાં કપડાં પરથી નિર્ણય થયો કે મરનાર ઇસમ નાનાસાહેબ પેશ્વા પોતે છે.

મૃતદેહને છાવણીમાં લાવવામાં આવ્યો. બીજે દિવસે બધે ખબર પહોંચાડવામાં આવ્યા કે નાનાસાહેબને જંગલમાં વાઘે ફાડી ખાધા. સહુએ વાત સાચી માની. ખાધું-પીધું ને રાજ કર્યું.

***

એક દિવસ પ્રાંતના ગોરા અમલદાર પાસે એક બાતમીદાર આવી પહોંચ્યો. એની પાસે ઊંઘ ઉડાડી મૂકે તેવી બાતમી હતી. એણે ખાનગી સમાચાર આપ્યા કે 'નાનાસાહેબ જીવતા છે; મેં મારી સગી આંખે તેમને જોયા છે.'

ગોરા અમલદારના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે પહેલાં વાત માનવાની ના પાડી, પછી પ્રશ્ન ઉપર પ્રશ્નો કર્યો. આખરે ખાતરી થઇ કે હશે તો નાનાસાહેબ જ! અને એ હોય તો એને કેટલું પ્રમોશન ને કેટલો નીચો હોદ્દો મળે!

એણે બાતમીદારને પૂછ્યું : 'ક્યાં છે અત્યારે? એને કેમ કરી પકડી શકાય?'

'સાહેબ, મેં તેમને ગુજરાતના શિહોર ગામમાં જોયા હતા. આજકાલ રાજકોટમાં છે. શ્રાદ્ધના દિવસો છે. પેશ્વા એટલે તો ચુસ્ત બ્રાહ્મણો! શ્રાદ્ધ ન આપે તો પૂર્વજો દુભાય એવી એમની માન્યતા. એટલે એ શ્રાદ્ધ કરવાના, અને તે માટે એમણે એમના પુરોહિતને પણ શોધ્યો છે.'

'એ પુરોહિત કોણ છે?'

'મહારાષ્ટ્રનો છે.'

'અચ્છા!' સાહેબની આંખમાં કોઈ છૂપો નિર્ણય ચમકી ગયો.

તરત બધી ચાંપતી વ્યવસ્થા થઇ ગઈ. પુરોહિતને બોલાવવામાં આવ્યો; મોટાં મોટાં ઇનામોની લાલચ આપવામાં આવી. માયા દેખી મન ચળી ગયું. એણે નાનાસાહેબને પકડાવી દેવાનું કબૂલ કર્યું.

કેટલાએક દિવસો વીત્યા. હજી પુરોહિત નાનાસાહેબ જેવા વીર નરને કેવી રીતે પકડાવી દેવા એના વિચારમાં હતો, ત્યાં તો એક મોટો તોતિંગ ઘોડો એના ઘર આગળ આવીને ઊભો રહ્યો.

ઘોડા ઉપરથી ખુદ નાનાસાહેબ ઉતર્યા! ઉતરતાંની સાથે પુરોહિતને કહ્યું : 'પુરોહિતજી, શ્રાદ્ધનું કામ જલદી પતાવવાનું છે!'

'હા, મહારાજ! પધારો, પધારો! ઓરડામાં બેસો! બજારે આંટો દેતો આવું અને શ્રાદ્ધની સામગ્રી લેતો આવું. પાંચ હજાર બ્રાહ્મણ પણ જમશે ને? અરે ભૂલ્યો...' પુરોહિતે વ્યંગ કરતાં હસીને કહ્યું ને વાત ફેરવી, 'હા, હા, મહારાજ! વખતને માન છે ને! વારુ. પાંચ બ્રાહ્મણને પણ સાથે તેડતો આવું ને; એટલે એક આંટે બધું પતી જાય.'

'સારું! જે કરવું હોય તે જલદી કરો!' આવનારે બ્રાહ્મણના વ્યંગ પર બહુ લક્ષ ન આપ્યું.

પુરોહિત ઘરથી નીકળી તરત સીધો અમલદારના બંગલે પહોંચ્યો. અમલદારની તો પૂરતી તૈયારી હતી. એણે વેશ બદલવામાં કાબેલ પાંચ બહાદુર ગોરા સાર્જન્ટોને (કેટલાક હિંદી સિપાઈઓ પણ કહે છે) તૈયાર કર્યા. બધાને બ્રાહ્મણનો વેશ પહેરાવ્યો.

અફસરને ખાતરી હતી કે પાંચ લશ્કરી જવાનોના હાથમાંથી ગમે તેવો બળવાન હોય તો પણ નાનાસાહેબ ન જ છટકી શકે !

પાંચ બ્રાહ્મણોને લઈ, શ્રાદ્ધના સામાન સાથે પુરોહિત ઘર તરફ વળ્યો. ઓરડાની નાની-શી બારીમાંથી ચકોર નાનાસાહેબે પાંચ બ્રાહ્મણ અને પુરોહિતને આવતા જોયા. એમની ચકોર આંખને તરત એમાં કંઇક શંકાસ્થાન લાગ્યું.

બ્રાહ્મણોના પગમાં આટલી કડકાઈ ન હોય! પાંચેના પગ એકસાથે પડે છે, જાણે સિપાહીઓ પરેડમાં લેફ્ટ-રાઇટ કરતા ચાલતા ન હોય! જરા નજીક આવતાં બધું કારસ્તાન સમજી જતાં એમને વાર ન લાગી. પણ હવે ભાગી શકાય તેમ નહોતું. ચાલાક માણસો સાથે એમણે ચાલાકી ખેલી લેવાનો નિર્ણય કર્યો. એમણે કહ્યું : 'પુરોહિતજી, આપ સામગ્રી તૈયાર કરો. પાંચે બ્રાહ્મણોને મારી પાસે મોકલો. હું ધીરે ધીરે ક્રિયા શરૂ કરું.'

પાંચ બ્રાહ્મણો અંદર આવ્યા. બધાને પાટલા ઉપર બેસાડી નાનાસાહેબે વિધિ શરૂ કરી. થોડી વારે તેઓ બોલ્યા: 'બ્રાહ્મણશ્રેષ્ઠો! આપ શ્રાદ્ધકર્મને વિશે જાણો જ છો. આ ચરણામૃતનું આચમન કરો. આંખે લગાડો ને નેત્ર બંધ કરી જાપ કરો!'

બ્રાહ્મણ બનેલા સોલ્જરો નિશ્ચિત હતા કે હવે શિકાર જલદી છટકી શકે તેમ નથી. એમણે લીધેલો વેશ પૂરેપૂરો ભજવવા આંખો બંધ કરી અને મોંથી કંઇક બડબડવા લાગ્યા.

બાણમાંથી તીર છટકે એમ નાનાસાહેબે પોતાની સાત મણની કાયાને સંકોચી નાખી ને ઠેકડો માર્યો. એક ઠેકડે તો બહાર! તરત દ્વાર ભીડી ઓરડાને સાંકળ લગાડી દીધી. પુરોહિત અંદર બીજી વ્યવસ્થામાં ગૂંથાયો હતો. એકદમ ઘોડો હણહણ્યો. પુરોહિતે નીચે જોયું. નાનાસાહેબે હસતાં હસતાં કહ્યું : 'પુરોહિતજી! જાઉં છું. બ્રાહ્મણને દેશદ્રોહ ન શોભે! મને બ્રહ્મહત્યા ન પાલવે. અચ્છા. ત્યારે આખરી સલામ!'

ઘોડો ફર્યો, વીજળી વેગે શહેરની પાછલી ગલી વીંધતો બહાર નીકળી ગયો. પુરોહિત સ્તબ્ધ બની ખડો હતો, ત્યાં તો ઓરડામાંથી સોલ્જરોની બૂમો સંભળાઈ. અવાક્ બનેલા પુરોહિતે સાંકળ ઉઘાડી.

પાછળ ભરી બંદૂકે સિપાઇઓ છૂટયા, પણ નાનાસાહેબે જાણે હવામાં અદ્રશ્ય થઇ ગયા હતા. ઘણી ઘણી શોધને અંતે લીલું લીલું ઘાસ ચરતો ઘોડો હાથ આવ્યો. પણ એનો અદ્ભુત અસવાર ન જડયો તે ન જ જડયો.

નાનાસાહેબે કરેલી આખરી સલામ તે આખરી સલામ જ રહી. પછી એમને ન કોઈ જોઈ શક્યું કે ન કોઈ શોધી શક્યું.

પ્રસંગકથા

રાજકીય દાવપેચના કુરુક્ષેત્રમાં રોજ હણાતી પ્રજા...

જર્મનીના પ્રિન્સ બિસ્માર્ક અત્યંત ખાઉધરા હતા. ભોજન જુએ એટલે બધું ભૂલી જાય. પોતાના પેટની સહેજે ફિકર ન રાખે. એટલું બધું ખાય કે તત્કાળ ડોક્ટરને બોલાવવા પડે. પ્રિન્સ બિસ્માર્ક જેટલા ખાઉધરા હતા એટલા જ ઉતાવળીયા હતા. કોઈ વાત પૂરી કરે નહીં અને કોઈ વાત પૂરી સાંભળે નહીં.

એક વાર અતિભોજનને કારણે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવા પડયા. ડોક્ટરે પ્રિન્સને પૂછ્યું, 'તમે રોજના ભોજનમાં શું ખાવ છો?'

પ્રિન્સ બિસ્માર્કે કહ્યું, 'અરે, એવી ગણતરી કોણ કરે છે? મળે એટલું ખાવું એ જ આપણો સિદ્ધાંત.'

ડૉક્ટરે પૂછ્યું, 'સામાન્ય રીતે તમારું પેટ કેટલાં ભોજનથી ભરાઈ જાય છે?'

પ્રિન્સ બિસ્માર્ક અકળાયા. એમની અધીરાઈ હદ વટાવી ગઈ. એમણે કહ્યું, 'અરે! આવા નકામા સવાલ જવા દો. તમે તમારું કામ કરો. મને દવા આપો.'

ડૉક્ટર એમ પાછા પડે તેવા નહોતા. એમણે કહ્યું, 'જુઓ, મારે તમારી ચિકિત્સા કરવાની હોય તો બધું જાણવું પડે. બધું પૂછવું પડે, સમજ્યા ને?' પ્રિન્સ બિસ્માર્કની અકળામણ વધી ગઈ. એમણે કહ્યું, 'અરે, પૂછવાનું રહેવા દો. તમે દવા આપી દો.'

ડૉક્ટર મક્કમ હતા. એમણે કહ્યું, 'જુઓ, તમને કશું પૂછું નહીં અને તમે સાજા થઇ જાવ એવી ઇચ્છા તમે રાખતા હો તો તમારે મારી પાસે નહીં, પણ ઢોરના ડૉક્ટર પાસે જવું જોઇએ.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે પ્રિન્સ બિસ્માર્કને સાચી વાત કહેનારા ડૉક્ટર મળ્યા હતા, પરંતુ આજે આપણા દેશના રાજકર્તાઓને સાચી હકીકત કહેનારા નેતાઓ, સમાજસેવકો કે શિક્ષકો નજરે પડતા નથી. સચ્ચાઇને ધીરે ધીરે દેશવટો મળી રહ્યો છે. આખો દેશ રાજકીય દાવપેચનું કુરુક્ષેત્ર બની રહ્યો છે. જાણે દેશમાં રાજકારણ સિવાય બીજું કશુંય ન ચાલતું હોય એવું લાગે છે. નથી કોઇને સંસ્કૃતિની ચિંતા કે નથી કોઇને સામાન્ય પ્રજાની પીડાની ફિકર.

રાજકારણ હોય, શિક્ષક હોય કે ઉદ્યોગ હોય, સઘળે ભ્રષ્ટાચાર ભરપૂર મહાલે છે. ક્યારેક કોઈ નેતા વેશપલટો કરીને એમના વિભાગનાં તંત્રો જોવા જાય તો સાચી હકીકત નજરે પડે. સામાન્ય પ્રજા તો મોંઘવારીથી આંસુ સારે છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે અને છાશવારે બનતી દુર્ઘટનાને કારણે મોત માથે ઊભું હોય તેવું અનુભવે છે.  કોઈ સચ્ચાઈનો શંખનાદ ફૂંકશે ખરું?


Google NewsGoogle News