લગ્નજીવનથી પ્રસન્ન ચિંગ હાઈ અહર્નિશ બેચેન રહેતી હતી
- આજના વિશ્વની અજાયબી : જેમાં નથી કોઇ ગુરુ કે નથી કોઇ સંસ્થા કે નથી કોઇ ફી કે નથી કોઇ સંપ્રદાય
- ચિંગ હાઈ
- ચિંગ હાઈના જીવનનો આદર્શ તો પરમ જ્ઞાાનની શોધ અને પ્રાપ્તિ હતો અને તેને માટે બ્રહ્મચર્યપાલન આવશ્યક લાગ્યું. આથી એની વાતનો પતિએ સાનંદ સ્વીકાર કર્યો. બ્રહ્મચર્યના પાલન માટે બંનેની પરસ્પરની સંમતિથી લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું હોય, એવી ઘટનાઓ હિંદુ અને જૈન ધર્મગ્રંથોમાં મળે છે, પણ વર્તમાનયુગમાં આવી ઘટના વિરલ જ ગણાય
- હમસે બિછુડે થે વો જમાના હુઆ,
વા ક્યા ફિર ભી કલ કા લગતા હૈ.
જિંદગીમાં ક્યાં ઓછા ચમત્કાર સર્જાતા હોય છે! એ ચમત્કાર આપણી સમક્ષ નવીન વિશ્વનો રોમાંચ લઇને આવે છે. કોઇ નવીન એવા એક રોમાંચક ચમત્કારનો અનુભવ ૧૯૯૯ના ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં કેપટાઉન શહેરમાં યોજાયેલી 'પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ' સમયે થયો. જગતના ધર્મોનો જાણે અહીં મેળો જામ્યો હોય તેમ લાગે. જ્યાં જ્યાં નજર પડે, ત્યાં વિશ્વના કોઇ ને કોઇ ધર્મની સ્મૃતિ ઉજાગર થાય. પ્રત્યેક ધર્મના સંતો અને ઉપદેશકો પોતાનાં બેનર અને અનુયાયીઓ સાથે કૂચ કરતા હતા, પણ આ બધામાં મારું ધ્યાન ખેંચાયું વિયેટનામની બૌદ્ધ ભિક્ષુણી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પર.
એનું કારણ એ કે તેઓ એક પાલખીમાં બેસીને જતા હતા અને અનેક દેશોમાંથી આવેલા બે હજારથી પણ વધુ અનુયાયીઓ એમનું અનુસરણ કરતા હતા. આખું દ્રશ્ય જ એટલું રળિયામણું હતું કે આપોઆપ એ વિશે ઉત્સુકતા જાગે, ઉત્સાહ અને જીવંતતા ઉછળતી લાગે. આજે વિશ્વના ધર્મો પોતાનાં આચાર-વિચાર અને આચરણમાં થોડું પરિવર્તન લાવી રહ્યા છે. એ હકીકત છે કે જેને પોતાનું અસ્તિત્ત્વ ટકાવવું હોય એણે ગતિશીલતા અને પરિવર્તન અપનાવવાં પડે. એનું પ્રતિબિંબ સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈમાં જોવા મળ્યું. એણે બૌદ્ધ ધર્મને એક અદ્યતન રૂપ આપ્યું અને એમાં નવો વિચાર, નવી ચેતના અને નવા અધ્યાત્મનો પ્રચાર કર્યો.
સામાન્ય રીતે નવજાગરણનો સંદેશ આપનારા યોગી પુરુષ હોય, પરંતુ અહીં એક યૌવનથી તરવરતી તેજસ્વી ચહેરો ધરાવતી આકર્ષક પોષાક સાથે નવજાગરણનો સંદેશ આપતી યુવતી જોવા મળી. આ વિશ્વ ધર્મ પરિષદમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને મળવાની સુવર્ણ તક મળી. જેને પરિણામે એના સમગ્ર વ્યક્તિત્વ અને વિચારધારાને જાણી શક્યો અને વિશેષ તો વર્તમાન યુગની ધર્મચેતના અને યોગદ્રષ્ટિને જગાવનારી એક નવીન પદ્ધતિનો અનુભવ થયો.
એનો જન્મ વિયેટનામના ઔલેક શહેરમાં ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. બાળપણથી જ સાહજિક રીતે વિવિધ ધર્મભાવનાઓનો પરિચય થયો. એમના પરિવારમાં ધર્મોનું સહઅસ્તિત્વ હતું. એનો પરિવાર કેથલિક ખ્રિસ્તી ધર્મ પાળતો હતો, પરંતુ એનાં દાદીમાં બૌદ્ધ ધર્મનાં ઊંડાં અભ્યાસી હોવાથી એને નાની વયે જ બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાાન અને ઉપદેશોનું રહસ્ય જાણવા મળ્યું અને વિશેષ તો બૌદ્ધ ધર્મની ધ્યાનપદ્ધતિ શીખવા મળી. એનું મૂળ નામ હુ ડાંગ તિન્હ હતું અને બાળપણથી જ એનામાં ઉમદા ગુણો અને ઊંચી વિચારશીલતા પ્રગટ થતાં હતાં. એની ઉંમરનાં બીજાં છોકરા-છોકરીઓ જુદી જુદી રમત ખેલતાં હોય, ત્યારે ચિંગ હાઈ તત્ત્વજ્ઞાાનના ગ્રંથોનું વાંચન કરતી અને એકાંતમાં મંથન કરતી જોવા મળતી.
અઢાર વર્ષની ઉંમરે વિશેષ અભ્યાસ માટે એ વિયેટનામથી ઇંગ્લેન્ડ, ત્યાંથી ફ્રાંસ અને છેલ્લે જર્મની ગઈ. અહીં અભ્યાસ દરમિયાન રેડક્રોસ સંસ્થામાં માનવસેવાનાં અનેકવિધ કાર્યો કર્યાં. આ સમયે એક જર્મન વૈજ્ઞાાનિકનો પરિચય થયો અને ચિંગ હાઈએ એની સાથે લગ્ન કર્યાં. આ વિદ્વાન અને વિચારશીલ વૈજ્ઞાાનિકે બે વિષયમાં તો ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. એના જીવનમાં ચિંગ હાઈની વિચારધારાનો પ્રતિઘોષ જાગ્યો. ચિંગ હાઈના મેળાપને પરિણામે એણે માંસાહાર ત્યજીને શાકાહાર અપનાવ્યો. ભિન્ન ભિન્ન યાત્રા-સ્થળોનો પ્રવાસ ખેડયો અને યુદ્ધને કારણે નિરાશ્રિત બનેલા લોકોના કલ્યાણકાર્યમાં ચિંગ હાઈને મજબૂત સાથ આપ્યો.
ચિંગ હાઈ એના લગ્નજીવનથી પૂર્ણતયા પ્રસન્ન હતી, પરંતુ એના અંતરનો અવાજ એને અહર્નિશ બેચેન રાખતો હતો. ઘર-ગૃહસ્થીથી માંડીને સેવાકાર્યોમાં એને આનંદ આવતો હતો, પરંતુ સાથોસાથ એના ચિત્તમાં સતત એ પ્રશ્ન ઘૂમરાતો કે એનું જીવનધ્યેય તો આનાથી ઘણું ઊર્ધ્વ છે અને એને માટે ઊંડી આત્મખોજ અને ધ્યાનસાધના જરૂરી છે.
પોતાના જર્મન પતિને ચિંગ હાઈએ અંતરમંથનની વાત કરી. એનો પતિ ચિંગ હાઈની અભીપ્સાઓથી પૂર્ણપણે પરિચિત હતો. જીવનકર્તવ્ય વિશેની એની વ્યાપક અને વૈશ્વિક વિચારધારાથી પ્રભાવિત હતો. વિશ્વમાં શાંત અને સ્વસ્થ માનવ સર્જવાનાં એનાં સ્વપ્નાં જાણતો હતો અને ચોપાસ થતી પ્રાણીઓની ક્રૂર હત્યા જોઇને ચિંગ હાઈની આંખોમાંથી વરસતી આંસુની ધારા એણે નજરોનજર દીઠી હતી.
જીવનની અગ્નિપરીક્ષા કરતી આ વિચિત્ર પરિસ્થિતિના ઉકેલની ખોજ માટે બંનેએ પરસ્પર ચર્ચા કરી. એકબીજાના હૃદયના સાચા સ્નેહની એને સમજ હતી, પરંતુ એથીય વિશેષ ઊર્ધ્વ જીવનધ્યેયનો બંનેને ખ્યાલ હતો. એમણે ભારે મથામણ અનુભવી. એક બાજુ પરસ્પર માટેની લાગણી અને બીજી બાજુ આધ્યાત્મિકતાનો આર્દ્ર પોકાર! આ પરિસ્થિતિ અંગે બંનેએ દીર્ઘ વિચારણા કરી. તીવ્ર આંતરમંથનો અનુભવ્યાં અને અંતે પ્રેમસહિત વિખૂટા પડવાનું નક્કી કર્યું.
ચિંગ હાઈના જીવનનો આદર્શ તો પરમ જ્ઞાાનની શોધ અને પ્રાપ્તિ હતો અને તેને માટે બ્રહ્મચર્યપાલન આવશ્યક લાગ્યું. આથી એની વાતનો પતિએ સાનંદ સ્વીકાર કર્યો. બ્રહ્મચર્યના પાલન માટે બંનેની પરસ્પરની સંમતિથી લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું હોય, એવી ઘટનાઓ હિંદુ અને જૈન ધર્મગ્રંથોમાં મળે છે, પણ વર્તમાનયુગમાં આવી ઘટના વિરલ જ ગણાય.
ચિંગ હાઈની જાગૃત્તિ માટેની ખોજ શરૂ થઇ. જુદા જુદા દેશોના જ્ઞાાની અને ધ્યાનીની ખોજ કરવા માંડી. ભિન્ન ભિન્ન પ્રકારના ધ્યાનનો સ્વયં અનુભવ કર્યો. આધ્યાત્મિક શિસ્તપાલન માટે ગુરુઓનું માર્ગદર્શન મેળવ્યું. એણે વિચાર્યું કે મનુષ્યજાતિને કોઇ એક વ્યક્તિ ઉગારી શકે ખરી? જગતની અપાર પીડાનો નાશ કોઇ એકાદ મહાપુરુષ કરી શકે ખરા? વળી એણે જોયું કે, 'આ પૃથ્વી પર તો એક એકથી ચડિયાતા મહાપુરુષો થયા છે, છતાં માનવી હજી પીડાગ્રસ્ત છે.' આને માટે એણે કેટલાય દેશોની મુસાફરી કરી. સ્વયં કેટલીય આધ્યાત્મિક અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ. અપાર કષ્ટો સહ્યાં. એને લાગ્યું કે બૌદ્ધ ધર્મના 'સુરંગમ સૂત્ર'માં સાક્યમુનિ બુદ્ધે ધ્યાનની સર્વોત્કૃષ્ટતા સમી ક્વાન યિન પદ્ધતિનું આલેખન કરીને સર્વ ધ્યાનપ્રણાલીઓમાં એને શ્રેષ્ઠ તરીકે વર્ણવી છે, પરંતુ કાળના પ્રવાહમાં એ ધ્યાનપદ્ધતિ લુપ્ત થઇ ગઇ. માત્ર સૂત્રવર્ણનમાં જ ધ્યાનપ્રણાલીની વાત મળે છે.
ચિંગ હાઈ આ ધ્યાનપ્રણાલીની ખોજ કરવા માટે કેટલાંય મઠો અને મંદિરો ઘૂમી વળી. આખરે હિમાલયનો આશરો લીધો. અહીં એક યોગીનો મેળાપ થયો અને એમની પાસેથી ક્વાન યિન ધ્યાનપદ્ધતિ પ્રાપ્ત થઇ. ચિંગ હાઈએ એના દ્વારા સાધનામાર્ગે આગળ ધપવાનું નક્કી કર્યું અને એક દિવસ એવો આવ્યો કે જે આંતરપરિવર્તનની ખોજ હતી, એની એને પ્રાપ્તિ થઇ! આ ધ્યાનપ્રણાલી દ્વારા ધીરે ધીરે પૂર્ણ આંતરજાગૃતિ સધાઈ અને વિશ્વનાં ગુપ્ત રહસ્યો નજર સામે સાક્ષાત્ થયાં. હિમાલયના પહાડોમાં એ થોડો સમય રહી અને રોજેરોજની એ ધ્યાનપ્રણાલીએ ચિંગ હાઈને નવજાગૃતિ આપી. એ સમયે આ ધ્યાનપ્રણાલી અને જીવનવિચારને પ્રગટ કરીને એ દ્વારા માનવકલ્યાણની જંખના ચિંગ હાઈને સાદ પાડવા લાગી.
માસ્ટર ચિંગ હાઈની વિશેષતા એ છે કે એમની પાસે દીક્ષિત થનારને સ્વધર્મ છોડવાનો હોતો નથી. માન્યતા કે પરંપરાનો ત્યાગ પણ કરવાની જરૂર હોતી નથી. આને માટે અમુક સંગઠન કે સંસ્થામાં જોડાવું પડતું નથી. જીવનશૈલી જાળવીને કોઇ પણ પ્રકારની ફી લીધા વિના અપાતી આ દીક્ષા તમામ પ્રકારના લોકો લઇ શકે છે. માસ્ટર ચિંગ હાઈનું ધ્યેય વ્યક્તિને સ્વનિર્ભર બનાવવાનું છે. કશાય યાંત્રિક ઉપકરણ વિના પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનમાં આચરણ કરી શકે તેવી જીવનપદ્ધતિ શીખવવાનું છે. કોઇ ગુરુના મત માર્ગદર્શનની પણ જરૂર નથી.
વિશ્વમાં જાગરણ જગાવનારી આ યુવાન સાધ્વી સ્પષ્ટપણે કહે છે કે તે અનુયાયીઓ, ભક્તો, શિષ્યો કે સંગઠન માટે જંખના સેવતી નથી. તે તમારી, પાસેથી ધન, ભેટ કે દાનની સહેજે આશા રાખતી નથી. તેથી એવી કોઈ વસ્તુ એમની સમક્ષ ધરવાની હોતી નથી. માસ્ટર ચિંગ હાઈ એક જ માગણી કરે છે અને તે ઊર્ધ્વગામી થવા માટેના ધ્યાનની નિયમિત નિષ્ઠાપૂર્વકની પ્રેક્ટિસ.
પ્રસંગકથા
ક્યારે અટકશે સ્ત્રીઓની અવહેલના...
એક મુસાફર મુસાફરી કરતો કરતો એક ગામમાં આવ્યો. ગામના પાદરમાં પટેલનું ઘર. પટેલ સીધા-સાદા અને ભલા આદમી.
મુસાફર કહે, 'મંજૂરી હોય તો ઓટલા પર થોડીવાર આરામ કરું.'
પટેલ કહે, 'બેસોને ભલા માણસ! ક્યાં ઓટલો ઘસાઈ જવાનો છે!'
મુસાફરને લાગ્યું કે માણસ ભલો છે. એણે કહ્યું, 'જો કંઇ પાથરવાનું મળે તો ભારે પુણ્ય થશે.'
પટેલ કહે, 'પાથરણું આપું છું. ઓઢવા-પાથરવાથી કંઇ પાથરણું બગડી જતું નથી ને બગડી જાય તો નદી માતા છેને!'
મુસાફરે તો ઓટલા પર જમાવ્યું.
'ઠામ-વાસણ આપો તો પકાવી ખાઉં. ધોઇને પાછા આપી દઈશ.'
'હા, હા, ઠામ-વાસણનો ઢગલો છે. વાપરો ને મારા ભાઈ!'
ઠામ-વાસણ આપ્યાં એટલે મુસાફરે કહ્યું, 'મુઠ્ઠી દાળ-ચોખા આપો. ખીચડી બનાવું. તરત રંધાઈ જાય, ને ઝાઝા ઠામ-વાસણ બગડે નહીં.'
પટેલે તો દાળ-ચોખા આપ્યા. મુસાફરે તે રાંધીને ખીચડી ખાધી.
એટલે પટેલની સોળ વરસની દીકરી બહાર આવી. આખું ઘર ભલાઈનો અવતાર.
મુસાફરે એની સાથે વાતો કરવા માંડી. એમાં જાણ્યું કે દીકરી કુંવારી છે.
થોડીવારે પટેલ બહાર આવ્યા એટલે એણે કહ્યું, 'દીકરી તો પારકું ધન છે. એ ધન વગરનો હું છું. આપ ઉદાર છો. આપ મને...'
પટેલે ધોકો લીધો અને ફટકાર્યો. મુસાફરને ખ્યાલ આવ્યો કે બહુ લૂલીની લપ કરવાથી શું થાય છે.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં આવી લૂલીની લપ કરવાની ટેવ ઘણી ફૂલીફાલી છે. રાજકારણીઓ ભલે કામ ન કરી શકે, પણ બોલવામાં પાછા પડતા નથી. એમાં પણ ચૂંટણીમાં કોઇ સ્ત્રી-ઉમેદવાર તરીકે ઊભી હોય, ત્યારે એ વાણી વિલાસ કરવા લાગે છે અને એને આ એકવીસમી સદીમાં નારી વિશેની આવી અધમ માનસિકતા હોય, તો પછી એમાં પરિવર્તનની કેટલી આશા રાખવી ?
દેશમાં 'બેટી બચાઓ' અભિયાન ચાલે છે, પણ હકીકતમાં તો આવી નિષ્કૃષ્ટ માનસિકતા ધરાવતા રાજકારણીઓની લૂલીની લપને સબક શીખવવાની જરૂર છે. સ્ત્રીનું અપમાન, તિરસ્કાર કરવાનો સિલસિલો આ દેશમાં બેરોકટોક ચાલે છે અને સમાજ પણ આવા રાજકારણીઓને સાંખી લે છે ને જાગૃત નાગરિકો મૌન ધારણ કરીને બેઠા છે.