લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું 1 - image


- ચોપન વર્ષની અવિરતયાત્રાના પ્રભાવક પ્રેરણામૂર્તિ 

- શાંતિલાલ  શાહ

સ્વપ્નદ્રષ્ટા માત્ર સ્વપ્નોને સાકાર કરતા નથી, બલ્કે એ અવનવાં સર્જનો પણ કરે છે. એની પાસે માટીમાંથી માનવ સર્જવાની તાકાત હોય છે, નાનકડી ચિનગારીને મશાલ રૂપે પ્રજ્વલિત કરવાની શક્તિ હોય છે. સામાન્યને અસામાન્યમાં પરિવર્તિત કરવાની જડીબુટ્ટી હોય છે.

આ સમયે એવી અપૂર્વ શક્તિનું સ્મરણ કરતાં 'ગુજરાત સમાચાર'નાં ભીષ્મ પિતામહ મુરબ્બી શાંતિલાલ શાહની સ્મૃતિ જાગૃત થાય છે. ૧૯૬૯ની ૨૪ ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી વર્ષોથી 'ઈંટ અને ઈમારત' ગુજરાત સમાચારમાં લખતા 'જયભિખ્ખુ'નું અવસાન થયું. ૨૭મી ડિસેમ્બર, ગુરૂવારે એમણે લખેલું કૉલમ અંજલિ નોંધ સાથે પ્રકાશિત થયું. એ પછી આજે 'ઈંટ અને ઈમારત' કૉલમ મારા દ્વારા ૫૪મા વર્ષમાં પ્રવેશે છે, ત્યારે એવો અનુભવ થાય છે કે સમય બદલાયો, વિષયો બદલાયા, લોકમાનસ પલટાયું અને એ બધું પારખીને આ કોલમ અવિરત ગતિ કરતું રહ્યું છે. અગાઉ 'ગુજરાત સમાચાર'નાં અને ગુજરાતી સાહિત્યના પ્રખર હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠીએ 'કક્કો અને બારાખડી' કોલમ સતત ૫૩ વર્ષ સુધી લખીને વિક્રમ સર્જ્યો હતો. એ પરંપરામાં 'ઈંટ અને ઈમારત' ૫૪ વર્ષની અવિરત લેખનયાત્રામાં આગેકૂચ કરી રહ્યું છું. પરંતુ આ છથી વધુ દાયકાઓમાં ફેલાયેલા વટવૃક્ષનું બીજ રોપ્યું શ્રી શાંતિલાલ શાહની પ્રતિભા અને પ્રેરણાએ.

શ્રી શાંતિલાલ શાહ સાથે લેખક જયભિખ્ખુને ગાઢ મિત્રતા. 'જયભિખ્ખુ'ના અવસાનનાં સમાચાર સાંભળતા શાંતિભાઈ શાહ મારે ત્યાં દોડી આવ્યા એમણે સહુને સાંત્વના આપી.

ચારેક દિવસ પછી મારા કુટુંબના વડીલો સાથે એમને મળવા ગયો ત્યારે એમણે કહ્યું, 'બાબા, હવે 'ઈંટ અને ઈમારત' કોલમ તારે લખવાની છે.'

શાંતિભાઇ ઘણી વ્યક્તિઓને એમના નામને બદલે આવી રીતે બોલાવતા. એક વિખ્યાત તસવીરકારને માત્ર 'ગાંડો' કહેતા, પણ એ 'બાબા' કે 'ગાંડો' શબ્દમાં એમનું નીતરતું વ્હાલ માણવાનું અમને સહુને ખૂબ ગમતું. મેં કહ્યું, 'જયભિખ્ખુનો અનુભવ, વિશાળ જ્ઞાાન અને રંગદર્શી શૈલી મારી પાસે ક્યાં છે? વળી પિતાના મૃત્યુનો ઊંડો આઘાત છે.'

એમણે કહ્યું, 'નહીં, આ કોલમ તારે જ લખવાની છે.' છેવટે એવી શરત સાથે લખવાનું નક્કી કર્યું કે કોલમ ગુરૂવારે નિયમિત પ્રગટ થાય, પણ એની નીચે લેખકનું નામ ન મૂકવું. આની પાછળનો મારો આશય એવો હતો કે કદાચ કોલમ બંધ કરવી પડે તો પણ ઉભય પક્ષે કોઈ સંકોચ ન રહે.

ત્રણેક અઠવાડિયા સુધી કોલમ લખ્યું, ઘણાં લોકો સાંત્વના આપવા આવતા હોવાથી વહેલી સવારે ઊઠીને કોલમ લખવી પડતી. તત્ક્ષણ પિતાનું સ્મરણ થાય, મનમાં કેટલાય ભાવો અને વિચારો ઊભરાય, એમની શૈલીનું મનમાં અવતરણ કરતો હોઉં અને આ બધાને કારણે થતી વેદના અશ્રુપ્રવાહ રૂપે બહાર નીકળતી હતી. આ જોઈને મારા માતૃશ્રી જયાબહેને કહ્યું, 'હવે તેં આ ચોથું કોલમ મોકલ્યું છે. આટલું બધું હૈયું દળવાની જરૂર નથી. તું જઈને શાંતિકાકાને કહે કે હવે મારાથી આ કોલમ લખી શકાય તેમ નથી.'

આવા વડીલ સાથે આવી વાત કરવી કઈ રીતે? સીધે સીધી ના પાડવાની મારી હિંમત ન ચાલી, તેથી મેં કહ્યું, 'શાંતિકાકા, આ કોલમ લખવા માટે આપણે મુરબ્બીશ્રી અમૃતલાલ યાજ્ઞિાકને કહીએ તો?'

એમણે તત્ક્ષણ કહ્યું, 'બાબા, ગાંડો થયો છે? આવતીકાલે તારા નામ સાથે 'ઈંટ અને ઈમારત' પ્રગટ થશે. બકુલ ત્રિપાઠી અને બધા મને પૂછતા કે સ્વ. જયભિખ્ખુ કેટલા કોલમ લખીને ગયા છે ? આ વાતનો અર્થ સમજ્યો ને! બીજું કોઈ કામ હોય તો બોલ.' અને આ રીતે દર ગુરૂવારે અખબારના એ જ લીડર પેજ પર આ કોલમ નિયમિત પ્રગટ થતી રહી.

આજે 'ઈંટ અને ઈમારત' એ સૌથી વધુ વર્ષો સુધી ચાલતી કોલમનો નવો માપદંડ રચે છે, ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે મુરબ્બીશ્રી શાંતિલાલ શાહે કરેલા કેટલાંય વિશિષ્ટ પ્રયોગોનું સ્મરણ થાય છે. ગુજરાતી પત્રકારત્વમાં પોતાની કર્મઠતા, દૂરંદેશી, સાધના અને સિદ્ધિથી નવા સીમાસ્તંભો રચનાર શાંતિભાઈ શાહનું જીવનકાર્ય આજે પણ વિશાળ અખબારી જગતમાં પ્રેરણાનું સ્થાન બની રહ્યું છે.

નવા વિષયોનું ખેડાણ કરવાની એમની સૂઝ, લેખકો અને સાહિત્યકારોની કટારો દ્વારા સંસ્કારિતાનું સંવર્ધન કરવાની ખેવના, વહેલી સવારથી મોડી રાત સુધી અખબારનાં તમામ પાસાંઓને માર્ગદર્શન આપવાનો એમનો ઉત્સાહ એ આજે પણ નવી પેઢીને રાહ ચીંધનારો બની રહ્યો છે.

શ્રી શાંતિભાઈના પ્રત્યેક શ્વાસમાં 'ગુજરાત સમાચાર' ધબકાર લેતું હતું. જીવનનાં ૫૫ કરતાં પણ વધુ વર્ષો તેઓ અખબાર જગત સાથે સંકળાયેલા રહ્યા અને ૪૬ વર્ષ સુધી 'ગુજરાત સમાચાર'ના તંત્રી તરીકે એમણે સક્રિય કામગીરી બજાવી. 'ગુજરાત સમાચાર'ને ગુજરાતનું મોખરાનું અખબાર બનાવવા માટે એમણે રાત-દિવસ પુરુષાર્થ કર્યો.

'ગુજરાત સમાચાર'ના ભવનમાં પ્રવેશતાં જ સામે ખુલ્લા દરવાજાવાળા ખંડમાં એ બેઠા હોય. જાણે આમ જનતાના એક આદમી હોય એવી સાદાઈ, નિખાલસતા અને હૂંફ. જે અખબારી કચેરીમાં પ્રવેશે તેને એમનો ઉમળકાભર્યો અને વહાલસોયો આવકાર મળતો. લોકસંપર્કની અને મેનેજમેન્ટની એમની આ આગવી પદ્ધતિ હતી.

ખમીરવંતા પત્રકાર તરીકે પત્રકારના સ્વમાન અને ખમીરની એમણે હંમેશાં આરાધના કરી. ગુજરાતનાં લોકઆંદોલનો વખતે પ્રજાહૃદયના જુવાળને કોઈની ય શેહશરમ રાખ્યા વિના વાચા આપી. મહાગુજરાતની ચળવળ, નવનિર્માણનું આંદોલન કે અનામત આંદોલન સમયે 'ગુજરાત સમાચાર'ની મહત્ત્વની ભૂમિકા રહી. નર્મદા યોજનાને સાકાર કરવામાં એમણે ગુજરાતની પ્રજાનો બુલંદ અવાજ રાજકીય સ્તરે પ્રગટ કર્યો.

પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને છેક અટલ બિહારી બાજપેયી સુધીના રાજનેતાઓ સાથે એમને ઘરોબો હતો; પરંતુ એમણે પોતાના આગવા સ્વમાનથી કોઈ રાજપુરુષ કે રાજકીય પક્ષની વિચારધારાને ટેકો આપવાને બદલે અખબારની સ્વતંત્રતા અને વ્યવસાયની પવિત્રતા જાળવી હતી.

૧૯૫૮ની પાંચમી જૂને જયભિખ્ખુની 'ઈંટ અને ઈમારત' કોલમ 'ગુજરાત સમાચાર'ના ચોથા પાના પર પ્રગટ થઈ. ત્રિમૂર્તિનાં ચિત્ર સાથે સજાવીને જયભિખ્ખુના પ્રિય વાર એવા ગુરૂવારે આ કોલમનો પ્રારંભ થયો. એ સમયે સામાન્ય રીતે અખબારમાં લીડર-પેજ (તંત્રીલેખનું પાનું)ની બાજુમાં વર્તમાન પ્રવાહોને આલેખતી રાજકીય સમસ્યાઓની ગવેષણા કરતી કોલમ હોય કે દેશના સમસ્યાઓના આટાપાટા આલેખતી સમીક્ષા હોય કે સામાજિક ઘટનાઓની નુકચેતી હોય, પરંતુ તંત્રીલેખની બાજુમાં કોઈ પ્રેરક, મૂલ્યનિષ્ઠ કે ચરિત્રતાત્મક લખાણો આવતાં નહીં. ત્યારે તંત્રી શ્રી શાંતિલાલ શાહે આ એક સાહસ કર્યું. આજે પોઝિટીવ જર્નાલિઝમનો મહિમા કરવામાં આવે છે, ત્યારે છાંસઠ વર્ષ પૂર્વે એમણે જીવનને વિધાયક દ્રષ્ટિકોણ આપતી આવી પ્રેરક કોલમ શરૂ કરીને વર્તમાનપત્રોમાં એક નવો ચીલો પાડયો. એ જ રીતે પ્રસંગકથા દ્વારા 'આ વાત અમને એટલા માટે યાદ આવી કે' કહીને વર્તમાન પરિસ્થિતિ પર એમણે નિર્ભીક અવાજ પ્રગટ કરવાનું આયોજન કર્યું.

પારાવાર આશ્ચર્ય તો એ થાય કે એમણે એ જમાનામાં માત્ર એક રૂપિયામાં એક પુસ્તક આપવાનું આયોજન કર્યું અને એ રીતે એમણે અનેક ઐતિહાસિક અને સંસ્કારી પુસ્તકો ગુજરાતી પ્રજાને પહોંચાડયા. સ્ત્રીઓ માટે 'શ્રી' સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. 'બુલબુલ' અને 'ચિત્રલોક' જેવી સાપ્તાહિક પૂર્તિની સૌ પ્રથમ શરૂઆત કરી. ક્રિકેટની પૂર્તિ ઉપરાંત એના 'ક્રિકેટ જંગ' નામે વિશિષ્ટ અંકોનું પ્રકાશન કર્યું. એમના દરેક નવપ્રસ્થાનની સાથે, વાચકોની નાડ પારખવાની એમની સૂક્ષ્મદ્રષ્ટિ પ્રગટ થતી હતી.

શાંતિભાઈના આ પ્રતિમ પુરુષાર્થે 'ગુજરાત સમાચાર'ને પ્રગતિના પથ પર મુકી દીધું; પરંતુ માત્ર એટલાથી એમને સંતોષ નહોતો અને એથી એમણે અનેક લેખકોને પ્રોત્સાહન આપ્યું. કેટલાય કટારલેખકો, પત્રકારો અને તસવીરકારોના 'માળી' બન્યા. પ્રતિષ્ઠિત લેખકોની કોલમોને સ્થાન આપવાની સાથોસાથ એમણે કેટલાય નવા લેખકોને તૈયાર કર્યા. એક સમયે બાળસાપ્તાહિક 'ઝગમગ'ની લોકપ્રિયતા અને એની પચાસ હજાર નકલોનું વેચાણ આ ક્ષેત્રમાં સીમાસ્તંભરૂપ બની રહ્યું હતું. ચિત્રલોક સિને સર્કલ દ્વારા આગવા કાર્યક્રમો આપ્યાં, એટલું જ નહીં, પણ સ્વયં રાજ કપૂર જેવા અભિનેતા એમ કહેતાં કે 'ગુજરાત સમાચાર' મેરા દૂસરા ઘર હૈ. આની સાથોસાથ રવિવારની પૂર્તિ અને બુધવારની 'શતદલ' પૂર્તિ શરૂ કરી. જેની સાથે સાહિત્ય અને સંસ્કારની સામગ્રી આપવાનો આશય રાખ્યો.

'ગુજરાત સમાચાર'ને એમણે અનેક ક્ષેત્રોમાં વિકસાવ્યું. પત્રકારત્વની કેટલીયે નવી દિશાઓ ખોલી આપી. એમના પ્રત્યેક શ્વાસમાં 'ગુજરાત સમાચાર' ધબકાર લેતું હતું અને આથી તો એમની છેલ્લી માંદગી સમયે હોસ્પિટલમાં જતાં પૂર્વે 'ગુજરાત સમાચાર'માં આવીને એમણે દિવસભરના છેલ્લામાં છેલ્લા સમાચારોની માહિતી પ્રાપ્ત કરી હતી અને પત્રકારોને મળીને વિદાય લીધી.

જીવનનાં પ્રત્યેક શ્વાસે એમણે કરેલી પત્રકારત્વની ઉપાસના કઈ રીતે વિસરાય? 'ગુજરાત સમાચાર'ના અણુએ અણુમાં આજે પણ શ્રી શાંતિભાઈ શાહનો ઉમળકાભર્યો અવાજ, એમનો ત્વરિત પગરવ, પત્રકારો સાથેની મીઠી અલપઝલપ વાતચીત ગૂંજે છે. કેટલીક વ્યક્તિની વિશેષતા અને મહત્તા એમની વિદાય પછી જ રાજ્ય, સમાજ અને સ્વજનોને સમજાય છે. એ કેટલા બધા જીવંત, પથદર્શક અને પ્રેમાળ લાગે છે!

પ્રસંગકથા

ભીતર કી બાત રામ જાને

એક ધનવાન ખેડૂત વિશાળ ખેતરો ધરાવતો હતો. એનો વીસા નામે એક વફાદાર નોકર હતો. શેઠ અને નોકર વહેલી સવારે બહાર નીકળે. જંગલમાં લટાર લગાવે. વચ્ચે વાઘ-વરુની બોડ આવે, સાપના દર આવે. એકવાર શિયાળાની પરોઢે, કડકડતી ઠંડીમાં શેઠ અને નોકર ગાડીમાં જતા હતા. માર્ગમાં વરુઓનું ટોળું આવ્યું. ભૂખ્યાં ડાંસ વરુ. તેઓએ પોતાના ખોરાકને જતો જોયો. બે માણસ અને વધારામાં એક ઘોડો. અધધધ! કેટલું મોટું જમણ થાય! વરુ દોડયાં ને પીછો પકડયો. શેઠ બે બારની બંદૂક. એક ભડાકો કર્યો, એક વરુ વીંધાઈ ગયું. બીજી ગોળી ચલાવી અને બીજું વરુ જમીન પર વીંધાઈને પડી ગયું, પણ વરુ ઘણાં હતાં ને બંદૂકમાં હવે ગોળી નહીં.  શેઠે વિચાર્યું કે વીસો જો વરુને ખાવા મળે તો હું અને ઘોડો બે બચી જઈએ. એણે વીસાને ધીરેથી ધક્કો દીધો. એ વરુના મોંમાં પડયો.

શેઠ સહીસલામત ઘેર આવ્યા. એમણે કહ્યું, 'વીસાએ લુણહલાલ કર્યું. મારા માટે પ્રાણ આપ્યો. નગરના ચોકમાં આવા વફાદાર વીસાની પ્રતિમા ઊભી કરીશ.'

વીસાની મૂર્તિ મુકાઈ, પણ કોણ જાણે કેમ, લોકોને સાચી વાતની ખબર પડી ગઈ. શેઠની નિંદા થવા લાગી. રાજા પાસે વાત ગઈ. એ પણ સાક્ષી-પુરાવા વગર ન્યાય કઈ રીતે કરે? આથી મામલાનો ફેંસલો આપનાર રાજાએ કહ્યું, 'ભાઈઓ! વીસાએ બહાદુરી બતાવી, બાકી ભીતર કી રામ જાને!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ગગનચુંબી દાવાઓ કે પછી ભવ્ય વરતારાઓ (એક્ઝિટ પોલ) જમીનદોસ્ત થઈ ગયા છે. સમર્થ રાજકારણીઓ અણધાર્યો પરાજય પામ્યા છે અથવા તો આશ્ચર્યજનક રીતે એમની સરસાઈ ઘટી ગઈ છે. કેટલાય પ્રદેશોનો રાજકીય ચહેરો બદલાઈ ગયો છે. આમાં મુખ્ય વાત એ છે કે પ્રજાની વાસ્તવિક પરિસ્થિતિનો પક્ષો પાસે કેટલો ઓછો તાગ છે. 

આ બધી બાબતોની 'ભીતર કી રામ જાને' કહીને ઉપેક્ષા કરવાની નથી, ખરી જરૂર તો આંતરમંથન કરવાની છે અને એનાં ભીતરી કારણોમાં જઈને પ્રજાની સુખાકારી વધે તેવા પ્રયત્નો કરવાની છે. આ દેશે ભૂતકાળમાં ગઠબંધનથી ચાલતી સરકારનાં ઘણાં કડવાં ફળ ચાખવા પડયા છે. આશા રાખીએ કે એ જૂની દુખદ કહાની ફરી પુનરાવર્તન પામે નહીં.


Google NewsGoogle News