Get The App

ચાલો ને ! ઉજ્જડ જમીન પર ફરી હરિયાળું સ્વર્ગ રચીએ...

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
ચાલો ને ! ઉજ્જડ જમીન પર ફરી હરિયાળું સ્વર્ગ રચીએ... 1 - image


- માનવીય ક્રૂરતાના મહાતાંડવે એને પાગલ કરી દીધો 

- સેબેસ્ટિઓ સાલ્ગાડા અને લેલિયાના 

- સાલ્ગાડોએ તાન્ઝાનિયાની સરહદ પર અકેરા નદીમાં બાર જેટલી લાશો તરતી જોઈ હતી. એક કોલેરાપીડિત શરણાર્થી શિબિરમાં ગયો અને તેમાં સહાય કરતાં કાર્યકરોને બુલડોઝર વડે લાશોનો પહાડ બનાવતા જોયા હતા

- તુમ મેરી ગઝલ, મેરા ગીત, મેરા છંદ હો, સાંસો મેં સમાઈ હુઈ મધુર સુગંધ હો.

આ વિશ્વની એ કેવી વિચિત્રતા કે માનવજાત પોતે પીડિત છે અને વળી તે પોતાની આસપાસની સૃષ્ટિને પારાવાર પીડા આપે છે. દુનિયાભરમાં ઘૂમનાર અને પારાવાર માનવ યાતનાઓને બ્રાઝિલના સાલ્ગાડોએ પોતાની તસવીરમાં 'બોલતી' કરી. તસવીરો એ માત્ર વર્તમાનનો દસ્તાવેજ નથી, બલ્કે વર્તમાનની આશા, નિરાશા, એના શુભ અને અશુભ અને એના માનવીય અને દાનવીય સ્વરૂપનો જીવંત અને સાચુકલો ચિતાર છે. આથી જ બ્રાઝિલના તસવીરકાર સેબેસ્ટિઓ સાલ્ગાડો રવાન્ડા અને બાલ્કન્સ ફોટોગ્રાફી કરવા ગયા, ત્યારે ત્યાંનો નરસંહારને જોઈને કાંપી ઊઠયા. રવાન્ડાનો નરસંહાર અત્યાર સુધીનો સૌથી ભયાવહ નરસંહાર માનવામાં આવે છે.

૧૯૯૪ના એપ્રિલમાં શરૂ થયેલા આ નરસંહારમાં તુત્સી અને હુતુ જેવા બે સમુદાયો વચ્ચેનાં વંશીય સંઘર્ષમાં માત્ર એકસો દિવસમાં દસ લાખ લોકોનાં મોત થયાં હતા. સાલ્ગાડોનો પરમ મિત્ર અને તેનો યુનિવર્સિટીકાળનો સાથીદાર. એની પત્ની અને એનાં બાળકોની ટોળાંઓએ હત્યા કરી હતી. સાલ્ગાડોએ તાન્ઝાનિયાની સરહદ પર અકેરા નદીમાં બાર જેટલી લાશો તરતી જોઈ હતી. એક કોલેરાપીડિત શરણાર્થી શિબિરમાં ગયો અને તેમાં સહાય કરતાં કાર્યકરોને બુલડોઝર વડે લાશોનો પહાડ બનાવતા જોયા હતા.

સાલ્ગાડોએ આ દ્રશ્યો તો લીધાં, પરંતુ એ દ્રશ્યોએ એને માનસિક રીતે ભાંગી નાખ્યો. શારીરિક રીતે એ સાવ દુર્બળ બની ગયો. એણે લખ્યું, 'મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે માણસજાત બીજા માણસનો આવી ક્રૂરતાથી ભોગ લઈ શકે છે.' એક સમયે તો સાલ્ગાડોએ એની પત્ની લેલિયાને કહ્યું કે, 'હવે એણે માનવતામાં વિશ્વાસ ગુમાવી દીધો છે.' વેદનાથી એટલો વીંધાઈ ગયો કે મનમાં એણે પોતાની પ્રિય એવી ફોટોગ્રાફીની કલાને અલવિદા કહેવાનો વિચાર કર્યો.

એ દ્રશ્યો એની આંખ સામે નજરે ચડતાં હતાં. એ સતત બેચેન રહેતો હતો. રવાન્ડાનાં નરસંહારનું દસ્તાવેજીકરણ કર્યા બાદ પૂર્વ આફ્રિકાથી પોતાના વતન બ્રાઝિલમાં પાછો આવ્યો. બ્રાઝિલના મિનાસ ગેરાઈસ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને આવ્યો, ત્યારે મનમાં એવી કલ્પના હતી કે એની ભૂમિનાં લીલાછમ જંગલોમાં એ એના અતિ વ્યગ્ર અને વ્યથિત ચિત્તને શાંતિ આપશે. એ વૃક્ષો, એ પશુ-પક્ષીઓ અને એ ગીચ જંગલોની વચ્ચે રહીને પોતાની વેદનાને વિસ્મૃત કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ વળી એક હૃદયવિદારક આઘાતનો અનુભવ ફોટો જર્નલિસ્ટ સેબેસ્ટિઓ સાલ્ગાડોને થયો.

વર્ષો પહેલાં જે સમૃદ્ધ જંગલોની વચ્ચે વિહાર કરતો હતો, એ ભૂમિ પર એને જંગલનું નામોનિશાન જોવા ન મળ્યું. જે નદીઓનાં ખળખળ જળ એને આનંદિત કરતા હતા, એ શુદ્ધ પાણીની નદીઓ સાવ સુકાઈ ગઈ હતી અને જે રળિયામણા વનની એની કલ્પના હતી, તે સાવ ઉજ્જડ અને ધૂળિયા પ્રદેશમાં ફેરવાઈ ગયું હતું. જે ભૂમિ ત્યાં છવાયેલી હતી, એક સમયે વૃક્ષોથી ગીચોગીચ માત્ર અડધો ટકો વૃક્ષ જોવા મળતાં હતાં. રવાન્ડામાં નરસંહાર જોનારા આ ફોટોગ્રાફરને આ વિનાશલીલાએ કંપાવી મૂક્યો.

કલ્પના કરો કે તમે એવા વિસ્તારમાં રહેતા હો કે જ્યાં પ્રકૃતિનું સૌંદર્ય ચોતરફ વેરાયેલું હોય, પક્ષીઓનો કિલકિલાટ અને મોરના ટહૂકાથી તમારી સવારનું સ્વાગત થતું હોય, એની વચ્ચે આવેલું તમારું ઘર એ તમારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું હોય. એવા ઘરમાં તમે અનેક આશાઓ સાથે પાછા આવો અને ત્યાં વૃક્ષો, મોર, પક્ષીઓ, પ્રાણીઓ, હરિયાળી, નદીઓ અને જંગલો નાશ પામ્યા હોય, ત્યારે કેવું લાગે? સેબેસ્ટિઓ સાલ્ગાડોને આખેઆખું 'ઘર' ગુમાવ્યું હોય તેવો અનુભવ થયો. એ ઉદાસ, ગમગીન અને સાવ હતપ્રભ બની ગયો. માનવજાતની દમનલીલાથી પરાજિત થયેલા પતિને એની પત્ની લેલિયાએ પ્રેરણા આપતા કહ્યું કે, 'આમ નિરાશ થયે નહીં ચાલે. ચાલો, આપણે સાથે મળીને આ જંગલને એના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરીએ, એની લીલી હરિયાળી પાછી મેળવીએ, એના વન્યજીવોને વૃક્ષો દ્વારા નિમંત્રણ-પત્રિકાઓ પાઠવીએ, જંગલને એની લીલી સાડી પહેરાવીએ.'

સાલ્ગાડોને આ કાર્ય અશક્ય લાગતું હતું, પરંતુ એ સમયે તો એણે એની પત્નીના વિચારને ટેકો આપ્યો અને દંપતિએ સમગ્ર વિસ્તારને ફરીથી હરિયાળું બનાવવા માટેનો ભેખ લીધો. એ તમામ પ્રજાતિઓને પાછી લાવ્યા કે જે એક સમયે અહીં વિકસેલી હતી.

૧૯૯૮માં સાલ્ગાડો અને લેલિયાના આ કાર્યનો પ્રારંભ થયો. ૧,૭૫૪ એકરની જંગલની જમીનનાં વેરાન ભાગને પુનઃસ્થાપિત કરવા માટે એમણે રાત-દિવસ કામ શરૂ કર્યું. એ નવા રોપાઓ રોપે, છોડને પાણી પાયા અને ધીરે ધીરે પોતાની સાથે ચોવીસ માણસોને રાખ્યા અને એક નેટવર્ક શરૂ કર્યું. એમણે 'ઈન્સ્ટિટયુરો ટેરા' નામની સંસ્થા સ્થાપિત કરી. એટલાન્ટિક જંગલનાં રોપાઓનું ઉત્પાદન કર્યું, અહીંના પર્યાવરણીય વાતાવરણને પુનઃસ્થાપિત કર્યું અને સાથોસાથ મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક અભિયાન ચલાવ્યું. આમાં શાળાનાં બાળકો, શિક્ષકો, ખેડૂતો અને સ્થાનિક અધિકારીઓને સામેલ કરીને આ વિષયની જાગૃતિ આણી. એથીયે વિશેષ ખાણિયાઓ, ઉદ્યોગપતિઓ અને ખેડૂતોને આ માટે સાચી સલાહ આપી.

વન-નાબૂદીનો ભોગ બનેલો વિસ્તાર ધીરે ધીરે લીલાં જંગલ રૂપે પુનર્જન્મ પામ્યો. એક વારનો ઉજ્જડ જમીન-વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલા સ્વર્ગની મૂળ સ્થિતિમાં ફેરવાઈ ગયો. આ દંપતિએ ૨૯૩ જાતિનાં વૃક્ષોનાં ચાલીસ લાખ જેટલાં રોપાઓ રોપ્યાં અને આપોઆપ એ વિસ્તારની આબોહવા બદલાઈ ગઈ. સૂકી નદીઓ પાણીથી ભરાઈ જવા લાગી, વરસાદમાં વૃદ્ધિ થઈ, જંગલી પ્રાણીઓ પણ આ વિસ્તારમાં પાછા આવ્યાં, પક્ષીઓની ૧૭૨થી વધુ પ્રજાતિઓ, ૩૩ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ અને ઉભયજીવી અને સરિસૃપની પંદર પ્રજાતિઓ પોતાના ઘરમાં આવી ગઈ.

સેબેસ્ટિઓ સાલ્ગાડો અને લેલિયા વેનિકનાં કાર્યમાં એના પુત્ર જુલિયાનો અને રોડ્રિગો પણ સામેલ થયા. છેલ્લાં વીસ વર્ષથી એમેઝોનનું જંગલ અગાઉ હતું, તેવું સુંદર, અદ્ભુત, ભવ્ય બનાવવાનાં ધ્યેય સાથે આ દંપતિએ કાર્ય કર્યુ. એમેઝોનનું એક પાસું તે એની હવાઈ નદીઓ છે. આ નદીનાં પાણીનું બાષ્પીભવન ખૂબ વિશાળ અને ગાઢ-ઘટ્ટ વાદળો બનાવે છે. જે એના ભેજને છેક યુરોપ સુધી લઈ જાય છે. જો એમેઝોન ખોવાઈ જાય તો પૃથ્વી પરનો તમામ ભેજ શોષાઈ જાય.

 કેટલાક લોકો આ જમીનમાંથી સોનું કાઢવા માટે પ્રયાસ કરતા હોય છે અને તેના ભાગરૂપે વૃક્ષો કાપી નાખતા હોય છે. તો કેટલાંક એમેઝોનમાંથી બ્રાઝિલિયન માંસ આવતું હોવાથી પશુઓને ઉછેરવા માટે વૃક્ષો અને છોડ કાપે છે.

સેબેસ્ટિઓ સાલ્ગાડો અને લેલિયા વેનિકનાં કહેવા મુજબ આ રીતે દર વર્ષે ખેતરો આ જંગલનો ટુકડો ખાઈ જાય છે, ત્યારે બ્રાઝિલ પાસે પુરતી જમીન છે, તો શા માટે આ જંગલનો ટુકડો ખાઈ જવો પડે, તે બાબત અકલ્પનીય લાગે છે. એક સમયે સેબેસ્ટિઓ સાલ્ગાડોના પિતાને એમ લાગ્યું કે, 'એનો પુત્ર જંગલ સર્જવાની ઈચ્છાની પાછળ પાગલ બની ગયો છે, પરંતુ જીવનનાં અંતકાળમાં એમણે પોતે વાવેલાં નાનાં નાનાં છોડ જોવા માટે તેઓ વધુ બે કે ત્રણ વર્ષ જીવ્યાં.'

આજે સ્વર્ગનું પુનઃ સર્જન કર્યું હોય, એવો સેબેસ્ટિઓને આનંદ છે. એમની પાસે જગુઆર આવ્યા છે, મકાક નામની એક વાંદરાઓની જાત પણ પાછી આવી છે અને અહીં વસતા પક્ષીઓની ૧૭૨ જેટલી પ્રજાતિઓનો તો એમણે દસ્તાવેજ કર્યો છે.

કોઈએ સાલ્ગાડોને પ્રશ્ન કર્યો કે, 'તમને કયું કાર્ય વધુ ગમે? ફોટોગ્રાફી કે જંગલોનાં પુનઃસ્થાપનનું?'

ત્યારે એમણે કહ્યું કે, 'ફોટોગ્રાફી તમને પ્રેરણા આપે છે, કારણ કે તે સુંદર, વિરૂપ અથવા ઉદાસી ધરાવતી બાબત યથાતથ દર્શાવે છે.' એમણે તૈયાર કરેલું 'એમેઝોનિયા' પ્રદર્શન ત્રીસ લાખ લોકોએ જોયું છે અને કેટલાંકે તો કહ્યું કે, 'અમે તો જાણતા પણ નહોતા, કે એમેઝોનનાં જંગલમાં આટલા બધાં પર્વતો છે.' દસ હજાર ફૂટ ઊંચો બ્રાઝિલનો સૌથી ઊંચો પર્વત પીકો દા નેબ્લીના અર્થાત્ વાદળનું શિખર જોઈને માત્ર વિશ્વના દર્શકો જ નહીં, પણ ખુદ બ્રાઝિલવાસીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.

આમ સેબેસ્ટિઓ સાલ્ગાડો અને એની પત્ની લેલિયા વેનિકનું કાર્ય જગતના પર્યાવરણીય પ્રયાસોની બાબતમાં ભવિષ્યની પેઢી માટે આશાની દીવાદાંડી છે અને સક્રિય કાર્ય માટેનું આહ્વાન છે.

પ્રસંગકથા

આકાશનો તારો વીંધતા ડોનાલ્ડ ટ્રમ્પ 

એક વૈજ્ઞાનિક.

નિતનવા પ્રયોગ કરે. પ્રયોગને માટે અનેક માણસોને રાખે.

એકવાર એક અબૂધ માનવીને રાખ્યો. એ વૈજ્ઞાનિકના પ્રયોગોને આશ્ચર્યની નજરે નિહાળી. મનમાં જિજ્ઞાસા ઘણી, પણ કશી સમજ પડે નહીં.

એ અબૂધ માનવી જુએ કે આ વૈજ્ઞાનિક રોજ રાત્રે આંખ પર કશુંક રાખીને આકાશ જોયા કરે છે. એને થાય કે આકાશમાં એવું તે શું જોવાનું કે જેથી એ કલાકોના કલાકો સુધી જોયા કરે છે!

એક રાત્રે દૂરબીનથી વૈજ્ઞાનિક આકાશનું નિરિક્ષણ કરતા હતા. બાજુમાં પેલો માનવી ઊભો હતો. એ તો વૈજ્ઞાનિકને જુએ અને વિચારે કે આ શું કરે છે એ જ સમજાતું નથી.

એવામાં અબૂધ માનવીએ આકાશ તરફ જોયું. એકાએક આકાશમાંથી તારો ખર્યો. આ જોઈને પેલાએ વૈજ્ઞાનિકને ધન્યવાદ આપતા કહ્યું, 'વાહ! કેવી સચોટ છે તમારી નિશાનબાજી! અહીં ઊભા ઊભા કેવું આબાદ નિશાન તાક્યું કે આકાશમાં રહેલો તારો વીંધાઈ ગયો! તમારા જેવો નિશાનબાજ જગતમાં બીજો નહીં જ.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે સરમુખત્યારો અને સત્તાધીશો અબૂધ બની ગયા છે અને એમના બેફામ વર્તનથી જગતને ઘમરોળી રહ્યા છે. રશિયાના પુતિન યુક્રેનનો સર્વનાશ કરીને એની ધરતી પર સત્તા મેળવવા ચાહે છે, ઈઝરાયેલ ગાઝાને ઉજ્જડ બનાવી દેવા આતુર છે, આફ્રિકાના સરમુખત્યારો સત્તા જાળવવા માટે પારાવાર દમનભર્યો મહાસંહાર કરે છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાતજાતની જાહેરાતોથી અને સત્તાના પ્રભુત્વથી દુનિયાને રોજેરોજ ડરાવે છે.

આકાશનાં તારાને વીંધનારા આ સત્તાધીશોના શબ્દકોશમાં 'માનવતા' શબ્દ શોધ્યો જડે નહીં અને 'વિશ્વકલ્યાણ'નો વિચાર એમને સહેજે સ્પર્શે નહીં, એવી પરિસ્થિતિ છે, ત્યારે જગત પર કોઈ મહાસંકટ ઘેરાઈ રહ્યું હોય એમ લાગે છે.


Google NewsGoogle News