Get The App

રેમન્ડ ડોલ્ફિન દરેક શિક્ષકની ભીતરમાં વસે છે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
રેમન્ડ ડોલ્ફિન દરેક શિક્ષકની ભીતરમાં વસે છે 1 - image


- હવે સ્માર્ટફોન આપણાં સંતાનોનો ઉછેર કરે છે

- કૈસે કહે કિ અચ્છે લોગ મિલના હો ગયા મુશ્કિલ,

મિલા કરતે હૈં હીરે કોયલોં કી હી ખદાનોં મેં.

અમેરિકાના કનેક્ટિકટમાં આવેલી આઈલિંગ મિડલ સ્કૂલના સહાયક પ્રાચાર્ય બનવાની સાથોસાથ રેમન્ડ ડોલ્ફિનને એક હકીકતનો તત્કાળ જ અહેસાસ થઈ ગયો કે સ્કૂલના વિદ્યાર્થીઓની હાલત બરાબર નથી. એમણે જોયું કે આજના વિદ્યાર્થીનો જેટલો સંબંધ માતા-પિતા સાથે બંધાય છે, એટલો જ સંબંધ સ્માર્ટફોન સાથે બંધાઈ જાય છે અને પછી એ ગેમ રમે, પૈસાથી ગેમિંગ કરે, અભ્યાસ વખતે પણ ફોનની દુનિયામાં ડૂબેલો રહે, સાઇબર ફ્રોડનો શિકાર બને અને સાઇબર બુલિંગ પણ થાય. આમ, જેમ જેમ સ્માર્ટ ફોનનું વ્યસન થતું જાય, તેમ તેમ વિદ્યાર્થીની એકાગ્રતા અને એના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.

તો બીજી બાજુ એનાં માતા-પિતાને પણ એમ લાગે છે કે બાળક સ્માર્ટ ફોન નહીં વાપરે તો આ ઝડપી જમાનામાં સાવ પછાત રહી જશે. વળી, ૨૦૦૫ પછી જન્મેલાં બાળકો પોતાનાં માતા-પિતા એમને ફોલો કરે તે પણ પસંદ કરતા નથી. બીજી બાજુ સ્માર્ટફોનની સ્ક્રીનને સતત વળગી રહેતા વિદ્યાર્થીની આંખને જોખમ ઊભું થાય છે.

આમ પ્રાચાર્ય ડોલ્ફિન સાહેબે જોયું કે એમની સામે સૌથી મોટી મુસીબત છે મોબાઈલ ફોન. સ્કૂલે નિયમો ઘડયા હતા અને વ્યવસ્થા કરી હતી, તેમ છતાં વિદ્યાર્થીઓ વર્ગમાં ફોન સાથે આવતા હતા અને એનો યથેચ્છ, કોઈ પણ સમયે ઉપયોગ કરતા હતા. વિદ્યાર્થીઓએ જેનાથી દૂર રહેવું જોઈએ અને એમને દૂર રાખવા જોઈએ એવી બધી બાબતો સોશિયલ મીડિયા દ્વારા મરી-મસાલો નાખીને ભરપૂર પીરસવામાં આવતી હતી. પ્રાચાર્ય રેમન્ડ ડોલ્ફિન ક્યારેક વિદ્યાર્થીઓનાં હોલમાં કે કેફેટેરિયા યા અન્ય સ્થળે જતા, ત્યાં બધા જ વિદ્યાર્થીઓને ફોનનાં સ્ક્રીનમાં તરબોળ ડૂબેલા જોવા મળતા.

આથી એક દિવસ એમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. એક જ સપાટે સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકી દીધો. કહ્યું કે, 'ફોનની સાથે વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશી નહીં શકે.' પ્રારંભે તો વિદ્યાર્થીઓએ અને વાલીઓએ સખત વિરોધ કર્યો. એની સાથોસાથ ડોલ્ફિને એક બીજું કામ કર્યું કે સ્કૂલના વિદ્યાર્થીઓ મોટે ભાગે ખૂબ સુગર ધરાવતી વાનગીઓ ખાતા હતા. એના પર એણે પ્રતિબંધ મૂક્યો અને કહ્યું કે, 'આનાથી બહુ નહીં, પણ એક મહિનામાં તમને સહુને તમારી તબિયત વધુ સારી લાગશે.'

આ અગાઉ અમેરિકાના સર્જન જનરલ અને ન્યૂ યોર્ક શહેરના સ્વાસ્થ્ય કમિશ્નરે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના ઉપયોગ અંગે ઘણી ચેતવણી આપી હતી, પણ એની કશી અસર નહોતી થઈ. ડોલ્ફિન સાહેબે આ નિર્ણય જાહેર કર્યો એ પછી તેનું પાલન કરાવવા માટે સ્કૂલના પ્રવેશદ્વાર પર તેઓ સ્વયં ઊભા રહ્યા. સ્કૂલનો ગેટ ખોલ્યો અને એક સાથે આઠસો બાળકો ધસમસતાં અંદર દાખલ થયાં. કોઈ દોડતો, તો કોઈ ધક્કા મારતો હતો, એમની પીઠ પર મોટી બેગ અને શરીર પર મોટા જાકીટ હતા. પ્રાચાર્ય રેમન્ડ ડોલ્ફિને પારખી લીધું કે એમની વ્યવસ્થા મુજબ જેમના હાથમાં મોબાઈલ હતો એમણે કૃત્રિમ રબરના ભૂરા રંગના નાનકડા થેલામાં મોબાઈલ રાખ્યો હતો અને થેલા પર સ્કૂલ મેનેજમેન્ટે ચુંબકવાળું તાળું લગાવ્યું હતું. કેટલાક પાસે આવી થેલી નહોતી તો એમણે એમનો ફોન શિક્ષકને બતાવ્યો અને સ્કૂલે એને થેલી આપી. આમ વિદ્યાર્થીઓ પાસે ભૂરી થેલીમાં ફોન રહ્યો, પણ એ તાળામાં બંધ હતો. એ તાળું નિશાળના સમય પછી ખુલવાનું હતું.

કેલિફોર્નિયાની એક કંપનીએ આવા ચુંબક ભરેલા તાળાવાળા ભૂરા થેલા બનાવ્યા હતા. ચૌદ વર્ષના માઈકલ વિલ્સને તો કહ્યું કે, 'આખો દિવસ મને મારો ફોન અડકવા નહીં મળે, એ વિચારથી જ હું પહેલાં તો ધ્રુસકે ને ધુ્રસકે રડવા લાગ્યો.' એણે કેફેટેરિયાની દીવાલ પર એવું લખાણ લખ્યું કે, 'હે અધિકારીઓ, તમારા આ નિર્ણય પર ફરી એક વાર વિચાર કરો.' ચીઓમા બ્રાઉન તો સાવ પાગલ થઈ, પણ એને પણ બધાની માફક ફોન ભૂરી થેલીમાં બંધ કરવો પડયો.

પ્રાચાર્ય રેમન્ડ ડોલ્ફિન પોતાના આ પ્રયોગને બરાબર ચકાસી રહ્યા હતા. ધીરે ધીરે વિદ્યાર્થીઓનું વલણ બદલાવા લાગ્યું. કેટલાકને લાગ્યું કે હવે તો આખો દિવસ પસાર થઈ જાય, પણ મને યાદ નથી આવતું કે મારી પાસે ફોન છે. આને પરિણામે હું ક્લાસમાં વધુ ધ્યાન આપી શકું છું. અગાઉ વિદ્યાર્થીઓને ક્લાસ શરૂ થતાં પહેલા રોજ સતત એમ કહેવામાં આવતું કે મોબાઈલ ફોન બાજુએ રાખો અને તમારો હેડફોન કાઢી નાખો. હવે શિક્ષકોને એવું કહેવાની જરૂર પડતી નથી. પહેલાં તો શિક્ષકો પણ એમ માનતા હતા કે મોબાઈલ પરનો પ્રતિબંધ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મોટી મૂઠભેડ ઊભી કરશે. પ્રબળ સંઘર્ષ જાગશે. વળી, ઘણે સ્થળે કોરોના પછી એવું બન્યું હતું કે શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધમાં ઘણું વિચિત્ર અને વિપરિત પરિવર્તન આવ્યું હતું. વિદ્યાર્થીઓ માત્ર લંચ સમયે જ પોતાનો મોબાઈલ જોતા નહોતા, પરંતુ ચાલુ વર્ગમાં પણ યુટયુબ જોવા લાગ્યા હતા અને એ છોડવા માટે સહેજે તૈયાર નહોતા. હકીકતમાં તો શિક્ષકોને વારંવાર એમને ઠપકો આપવો પડતો હતો.

મનોવૈજ્ઞાાનિક સુસાન લિન તો કહે છે કે, 'ફોન અને એના જેવા બીજાં સાધનો બાળકોને હતાશા અથવા એકલવાયાપણાનો શિકાર બનાવે છે. એ પહેલાં બાળકોને પોતાના આકર્ષણમાં જકડી લે છે અને પછી એમને ગુલામ બનાવી દે છે.' આ મનોવૈજ્ઞાાનિક સુસાને એક પુસ્તક લખ્યું છેઃ 'હુ ઇઝ રેસિંગ ધ કિડ્સ' (કોણ આપણાં બાળકોને પોષી રહ્યું છે). એણે આ પુસ્તકમાં ઉત્તર આપ્યો કે, 'પરિવાર કે સ્કૂલ નહીં, પણ આ નવાં સાધનો આપણા સંતાનોનું પોષણ કરે છે.' અને એથી જ આ સાધનોને આપણે બાળકો પાસેથી લઈ લેવા જોઈએ. એને શા માટે આપણે સ્કૂલમાં ઘૂસવા દઈએ?

રેમન્ડ ડોલ્ફિનના પ્રતિબંધ સામે વાલીઓએ ત્રણ પ્રકારની ફરિયાદ કરી, 'પહેલી ફરિયાદ એ હતી કે કપરી પરિસ્થિતિમાં અમે અમારાં બાળકોનો સંપર્ક કરી શક્તા નથી, બીજા કેટલાકે એમ કહ્યું કે અમારું બાળક ક્યારેક ગભરાઈ જાય છે, ત્યારે ફોન એને સંગીતની દુનિયામાં લઈ જાય છે અને પછી એ ધ્યાનાવસ્થામાં સહાયક એવી 'એપ'ની મદદ લે છે. હવે એ શું કરશે? જ્યારે કેટલાક એવા પણ હતા કે જો ફોન બાળકો પાસે નહીં હોય તો અમારો એમની સાથે સંપર્ક ખતમ થઈ જશે.'

આના ઉપાય રૂપે સ્કૂલે દરેક ક્લાસરૂમમાં લેન્ડલાઈન ફોન મૂક્યો. કેટલાક ક્લાસરૂમમાં બે ફોન મૂક્યાં. વળી શિક્ષકો પાસે જે મોબાઈલ હોય તેના પર વાલી વાત કરી શકે અને બાળકોને મદદ કરી શકે. કોઈએ તો એમ કહ્યું કે, 'સ્કૂલમાં કોઈ આવીને આંધળો ગોળીબાર કરે તો ફોન વિના શું કરવું ?' જવાબમાં કહેવામાં આવ્યું, 'જો મોબાઈલ પાસે હશે તો બાળકો શાંત અને ખામોશ રહીને છુપાઈ શકશે નહીં. 

આવે સમયે જો બાળકો પોતાનો ફોન લઈને વાત કરવા લાગે તો ઘણી મોટી આફત ઊભી થાય.' આઇલિંગ મિડલ સ્કૂલે એક બીજો રસ્તો પણ વિચાર્યો કે, 'આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્કૂલની ઓફિસમાં પહોંચી જાય અને એની લોક કરેલી થેલી તરત જ ખોલવામાં આવશે. જોકે એ પછી જોવા મળ્યું કે આવી કોઈ જરૂર પડતી નથી.'

કોઈએ કહ્યું કે, 'છેલ્લી ઘડીએ બાળકને સ્કૂલમાં લેવા આવવાનો અમારો કાર્યક્રમ બદલાઈ જાય તો ?' આના ઉત્તરમાં ડોલ્ફિન સાહેબે કહ્યું કે, 'આવા સંજોગોમાં અમે એને લેન્ડલાઈન ફોનથી તમારી સાથે વાત કરાવી દઈશું.' બન્યું તો એવું કે આવી રીતે લેન્ડલાઇન ફોન કરવામાં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવવા લાગી. અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ ટોળકી જમાવીને બાથરૂમમાં જઈને ઇલેક્ટ્રોનિક સિગારેટ પીતા હતા. અથવા તો અશ્લીલ ફોટોગ્રાફ જોતા હતા. આ બધું બંધ થયું. ક્યાંક તો એવું પણ બન્યું કે બાથરૂમ જવાની પરવાનગી લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ઓછી થઈ ગઈ! સ્કૂલ છૂટે ત્યારે વિદ્યાર્થીઓ ભૂરી થેલી ખોલનારા મશીન પાસે પહોંચી જાય અને એક વ્યક્તિ ત્યાં હાજર હોય એ એમનો ફોન ખોલી આપે અને પછી બધા હસતાં હસતાં સ્કૂલ બસમાં દાખલ થાય.

વિદ્યાર્થીઓ પણ કહે છે કે હવે એમને નિશાળમાં મિત્રો બનાવવાની વધુ તક મળે છે. માથું નીચું નાખીને એકીનજરે ફોનની સ્ક્રીનની દુનિયામાં ખોવાઈ ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. વિલક્ષણ ઘટના એ બની કે સ્કૂલમાં ફોન ચાલ્યો જતાં ઘણી જૂની થઈ ગયેલી દોસ્તીની દુનિયા પાછી આવી. ચૌદ વર્ષની સેરેનિટી ઈરાજો કહે છે કે, 'હું સ્કૂલનું કામ પૂરું કર્યા બાદ ટિકટોક જોતી હતી. હવે એવું નથી કરી શકતી, તેથી મને ઘણો સમય મળે છે એટલે અમે પરસ્પર સાથે વાતચીત કરીએ છીએ અને નવી નવી બાબતો વિશે વિચારીએ છીએ.'

આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ગાબે સિલ્વર કહે છે, 'શરૂઆતમાં તો આ ભૂરી થેલીઓએ અમને ભારે દુઃખી કરી નાખ્યા. એનાથી અમે પરેશાન થઈ ગયા, પણ હવે ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. લંચ સમયે અમે એકબીજાની સામે બેસીને વાત કરવા લાગ્યા અને અમે મોટા થઈશું, ત્યારે આ મૈત્રીનો કેવો મહિમા છે તે સમજવા લાગ્યા.'

તો બીજી બાજુ ચૌદ વર્ષની નિકોલ કહે છે કે, 'ખિસ્સામાં બંધ ફોન પણ પરેશાન કરતો હતો. દિવસમાં ઘણી વાર એ અવાજ કરતો કે કોઈ નોટિફિકેશન આવ્યું છે. એ આવ્યું હોય તો જોવું પડતું હતું. વારંવાર બહાર કાઢવો અને જોવું અને પછી ખ્યાલ આવે કે એમાં કશું કામનું નહોતું. હવે અમે જ્યારે એકબીજા સાથે વાતો કરીએ છીએ, ત્યારે ફોન ક્યાં છે એ પણ યાદ પણ આવતું નથી. અમને લાગતું કે ફોન હાથમાં નહીં હોય તો અમે કેટલું ગુમાવીશું, પણ હવે સમજાય છે કે એવું કશું થતું નથી, કારણ કે સ્કૂલની બહારની દુનિયામાં આપણા મતલબની વાત કેટલી હોય છે?'

રેમન્ડ ડોલ્ફિનનો આ પ્રયોગ ધીરે ધીરે એક સફળ કહાની બની રહ્યો છે. આ પ્રયોગ વિશે જોઆન સ્લેટરે સુંદર લેખ લખ્યો છે. હવે આજે તો દુનિયાનાં અનેક દેશો સ્કૂલમાં સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યા છે. દુનિયાભરની સ્કૂલોને કોઈ પ્રાચાર્ય રેમન્ડ ડોલ્ફિનની જરૂર છે. હકીકતમાં તો એ દરેક શિક્ષકની ભીતરમાં રહે જ છે. માત્ર સવાલ એ છે કે એ ડોલ્ફિન સાહેબ જેવી હિંમત બતાવી શકે છે ખરો? કે પછી હજુ વધુ સમય સુધી રેમન્ડ ડોલ્ફિનને રાહ જોવી પડશે!

પ્રસંગકથા

'મોટાં માથાં' અને લાચાર આમજનતા 

કાપડની દુકાનમાં અણધારી આગ લાગી. લોકો આગ બૂઝાવવા દોડી આવ્યા. કાપડ હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાતી હતી. આ સમયે મફતલાલ ભડભડતી આગની વચ્ચે કૂદી પડયા.

આ વિસ્તારમાં મફતલાલ એની બહાદુરી માટે જાણીતો હતો. એણે બહાદુરીનાં કયાં કામ કર્યા, એની કોઈને ખબર નહોતી, પરંતુ પોતાની બહાદુરીની સ્વ-પ્રશંસા કરવામાં એ ક્યારેય પાછો પડતો નહીં.

મફતલાલ લાટીની આગમાં ઘૂસ્યા અને થોડીવારે એક માણસને ઊંચકીને બહાર લાવ્યા. આસપાસ ઊભેલા લોકો મફતલાલની હિંમત પર વારી ગયા. કોઈકે એને શાબાશી આપી, તો કોઈએ એને શેર બહાદુર તરીકે બિરદાવ્યો, પણ મફતલાલ જે માણસને ઊંચકીને લાવ્યા હતા એ તો ધુંવાપુંવા થતો હતો. બરાડા પાડતો હતો અને મફતલાલને અપશબ્દો પણ કહેતો હતો.

લોકોએ એને પૂછયું, 'મફતલાલે તારો જાન બચાવ્યો, છતાં તું મફતલાલને કેમ ગાળો આપે છે?'

પેલા માણસે જોરથી બરાડીને કહ્યું, 'અરે! હું કંઈ આગમાં ફસાયેલો નહોતો, હું તો ફાયરબ્રિગેડ વાળો છું.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેને આગમાંથી બચાવવામાં આવે છે, તે જ ફાયરબ્રિગેડનો કર્મચારી હોય છે! આજે આ દેશમાં સમસ્યાઓની ચોતરફ જે આગ લાગી છે, તેના મૂળમાં સામાન્ય માનવી નહીં, પરંતુ કોઈ અધિકારી, બેંકનો કર્મચારી કે પક્ષનો નેતા છે. કોઈ ગમખ્વાર અકસ્માત બન્યો હોય, રાજમાર્ગમાં ઊંડા ખાડાઓ અને ઈમારતો જમીનદોસ્ત થતી હોય, તો તેના મૂળમાં કોઈ અગ્રણી બિલ્ડર કે અધિકારીઓની સાંઠગાંઠ હોય છે.

દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે બધાં કાળાં કામ કરનારા 'મોટાં માથાં' હોય છે. ક્યાં તો એ પકડાતા નથી, એને બદલે કોઈ સામાન્યને ગુનેગાર ઠેરવવામાં આવે છે. જો એ પકડાય તો એમની લાગવગને આધારે છૂટી જાય છે. ક્યાંય જરૂરી પોલીસ કાર્યવાહી થતી નથી અને આ બધામાં કંઈ ન થાય તો વિલંબથી મળતો ન્યાય એમની વહારે આવે છે. આમ અંતે મોટા માથાં સલામત રહે છે અને જે આમ આદમી એના પર આવેલી આફતને લીધે જીવનભર આઘાત અને પારાવાર વેદના સાથે જિંદગી ટૂંકી કરે છે!


Google NewsGoogle News