જીવનને જગાડનારી સિસોટી તમારી પાસે છે ખરી ?
- ઢોળાઈ ગયેલા દૂધ માટે રોદણાં રડશો નહીં
- બેન્જામિન ફ્રેન્કલિન
- સદૈવ પોતાનું ગુણદર્શન કરવું અને અહર્નિશ અન્યનું દોષદર્શન કરવું એ સામાન્ય માનવીની પ્રકૃતિ હોય છે. આપણા દોષોને ગજનું રજ કરીએ છીએ અને સ્વ ગુણોને રજનું ગજ કરીએ છીએ
- કહને લગતે હો વિયોગ કી કહાની હમેં,
દેર તક બૈઠે દિલ સે હી હમ રો લેતે હૈ.
તુમ જિસે પ્યાર કહેતે હો, યહ તો આગ હૈ,
કહી નહીં રૂકતી ઔર ન બૂઝાયી જાતી હૈ.
મેળવેલી સિદ્ધિઓની સાથોસાથ જીવનમાં પોતે કરેલી ભૂલોની સતત નોંધ રાખનાર વિશેષ ઊજળી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જિંદગીના પંથ પર ડગલે ને પગલે વ્યક્તિ ઠોકર ખાતી હોય છે કે ભૂલ કરી બેસતી હોય છે. સમર્થ પુરુષોથી માંડીને સામાન્ય વ્યક્તિઓ સુધી સહુ કોઈ ભૂલોનો જાણે-અજાણે ભોગ બનતા હોય છે. જે ભૂલો વિશે વિચારે છે, એ જ એની ભૂલો ઘટાડી શકે છે. જે ભૂલો વિશે વિચારતો નથી, એ ભૂલો વધારતો રહે છે.
બેન્જામિન ફ્રેન્કલિન જિંદગીમાં ભૂલ થઈ બેસે નહીં, તેને માટે સતત સાવધ રહેતા હતા. નાનકડી સિસોટી પાસેથી એવો પદાર્થપાઠ પામ્યા કે સ્થિર-વિદ્યુત (સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત આપનાર આ મહાન વિજ્ઞાાની, સંશોધક અને લેખક એમના જીવનમાં ઘણી સિદ્ધિ પામી શક્યા.
સાત વર્ષના બેન્જામિન ફ્રેન્કલિને રમકડાંની દુકાનમાં એક સરસ મજાની સિસોટી જોઈ. એમનું બાળ મન લલચાયું. પાસે ખિસ્સા-ખર્ચીની જેટલી રકમ હતી, તે બધી આપીને સિસોટી ખરીદી લીધી. બેન્જામિન એમના પિતાનાં સત્તર સંતાનોમાં દસમું સંતાન હતા. મોટાં ભાઈબહેનોએ બેન્જામિનની મજાક કરી કે એક સિસોટીને માટે આટલા બધા સિક્કા આપી દેવાતા હશે? આનાથી ઘણી ઓછી કિંમતે તને સિસોટી મળી હોત! રમકડાંનો દુકાનદાર તને ઉલ્લુ બનાવી ગયો. જરા અમને પૂછવું તો હતું ને! આવા ઠપકાઓ સાંભળીને બાળક બેન્જામિન ફ્રેન્કલિનને ભારે વસવસો થયો. એ પછી એ કેટલાંક વર્ષો સુધી દુ:ખી રહ્યાં, પણ કોઈ પણ પ્રકારની ખરીદીમાં સાવધાની અને જાગૃતિ રાખવા લાગ્યા. ત્યારબાદ એક ડાયરી રાખીને દર શનિવારે સાંજે આખા અઠવાડિયાનાં લેખાંજોખાં લખવાનું શરૂ કર્યું. સિદ્ધિઓ નોંધે અને ભૂલોય નોંધે! એ પછી થયેલી ભૂલો દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ ભૂલોને એ જીવનમાં જગાડનારી સિસોટી માનતા. સમય જતાં સમજાયું કે આ સિસોટીએ તો મને જીવનની પ્રત્યેક બાબતમાં જાગ્રત રહેવાનો અમૂલ્ય પદાર્થપાઠ શીખવ્યો.
આપણે થયેલી ભૂલને કઈ દ્રષ્ટિએ જોઈએ છીએ - એ બાબત વ્યક્તિના જીવનની સફળતા અને નિષ્ફળતાનો આધાર બની રહે છે. ભૂલો તો થાય, લિયો ટૉલ્સ્ટૉય એમના જીવનમાં ભૂલો કરી હતી. મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરે તો પોતાના આત્મવૃત્તાંતમાં પોતે કરેલી ભૂલો અને સ્ખલનોનું બયાન કર્યું છે. મહાત્મા ગાંધીજીએ પણ જીવનના પ્રારંભકાળે કરેલી ભૂલોનો 'સત્યના પ્રયોગો'માં નિખાલસ એકરાર કર્યો છે અને એથીય વિશેષ પોતાની ભૂલને હિમાલય જેવડી ગણીને અને સતત આત્મસુધારણા કરતા રહીને એ બૅરિસ્ટર એમ. કે. ગાંધીમાંથી મહાત્મા ગાંધી બન્યા.
આથી જ સજ્જન અને દુર્જન વચ્ચેનો ભેદ જ એ છે કે,
खलः सर्षपमात्रणि परच्छिद्राणि पश्यति ।
आत्मानो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ।।
'દુષ્ટ માણસ બીજાના રાઈ જેવડા નાના દોષ જુએ છે, પરંતુ પોતાના બીલીના પાંદડા જેવા મોટા દોષ પણ જોવા છતાં નથી જોતો.'
સદૈવ પોતાનું ગુણદર્શન કરવું અને અહર્નિશ અન્યનું દોષદર્શન કરવું એ સામાન્ય માનવીની પ્રકૃતિ હોય છે. આપણા દોષોને ગજનું રજ કરીએ છીએ અને સ્વ ગુણોને રજનું ગજ કરીએ છીએ. પણ જે વ્યક્તિ પોતાનું દોષદર્શન કરે, તે આત્મદર્શનની વધુ નજીક પહોંચી જાય છે અને જો એ બીજાનું જ દોષદર્શન કરતો રહે અને પોતાના જ ગુણદર્શનમાં કેદ થઈ જાય, તો એ આત્મવંચનાનો ભોગ બને છે. પણ જો યોગ્ય રીતે દોષદર્શન કરવામાં આવે, તો એની જિંદગીની આખી સિકલ પલટાઈ જાય છે.
ક્યારેક કોઈ એવી ભૂલ થઈ જાય અને પછી એ ભૂલને માટે આત્મખોજ કરવામાં આવે, તો થયેલી ભૂલનાં ગંભીર પરિણામોમાંથી વ્યક્તિ ઊગરી જાય છે. એક જમાનામાં અમેરિકાની બૉક્સિંગમાં 'જેક' ડેમ્પસેની હાક વાગતી હતી. ૧૯૧૯થી લાગલગાટ આઠ વર્ષ સુધી વિજેતા બનીને એ વિક્રમસર્જક બૉક્સર બની રહ્યો. એ પછી જેન ટુની નામના એક બૉક્સરે એને અણધારી હાર આપી. આવે સમયે જેક ડૅમ્પસે નિવૃત્ત થવાને બદલે ફરી વાર બૉક્સિંગમાં ઊતર્યો. વળી એને સખત હાર સાથે ઘોર નિરાશા મળી, પરંતુ એ પછી એણે 'જેક ડેમ્પસે રેસ્ટોરન્ટ' નામની સંસ્થા શરૂ કરી. હવે એ સ્વયં મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઈનામ આપવા લાગ્યો અને ભૂતકાળમાં થયેલી ભૂલને ભૂલીને આનંદભેર જીવવા લાગ્યો. એ માનતો કે ઢોળાઈ ગયેલા દૂધ પર આંસુ સારવાનો કોઈ અર્થ નથી, પણ એ ઢોળાયેલા દૂધથી બગડેલી જગાને સાફ કરવાની જરૂર છે.
ભૂલ પ્રત્યે વ્યક્તિનો પહેલો પ્રતિભાવ એવો હોય છે કે હું કદી ભૂલ કરું જ નહીં. એનો આકાશને અડતો અહંકાર ધરતીની વાસ્તવિક્તા સ્વીકારવા તૈયાર હોતો નથી. જગતના સરમુખત્યારો અને નિર્દયી રાજાઓ એવી ગાંઠ વાળીને જીવતા હતા કે એમનાથી ક્યારેય ભૂલ થાય નહીં. ઍડોલ્ફ હિટલર પોતાને વિશે આખી જિંદગી આ માન્યતા ધરાવતો હોવાથી સત્યથી એ દૂર નીકળી ગયો. ઘુવડ જેમ દિવસને જોઈ શકતું નથી, એ રીતે હું કદી ભૂલ કરું જ નહીં એમ માનનાર અહંકારના દીવાસ્વપ્નોમાંરાચતો હોય છે.
ભૂલ પ્રત્યે કેટલીક વ્યક્તિઓનો એવો અભિગમ હોય છે કે એ એની ભૂલોને મરણિયો બનીને છૂપાવતો હોય છે. ભૂલ કરવાના અતિ આકર્ષણથી પ્રેરાઈને ગુનો કરે કે લાંચરૂશવત લે અને પછી એ ભૂલને પોતાની ભીતરમાં ગોપવી રાખે. એમ માને છે કે એ સદાકાળ ગુપ્ત જ રહેવાની છે! પણ ભૂલ એવી ચીજ છે કે એ ભલે અંધારા ખૂણામાં થઈ હોય, તો પણ વ્યક્તિને દિવસના અજવાળામાં જાહેર કરવી પડે છે.
આનાતોલ ફાન્સની 'થેઈસ' નવલકથામાં ધર્મગુરૂ પાપાનશ્યસને આવો જ એકરાર કરવો પડે છે અને 'મહાભારત'માં કુંતીને વર્ષોથી હૃદયમાં ભંડારી રાખેલું કર્ણજન્મનું રહસ્ય સ્વયં કર્ણને કહેવું પડયું હતું.
ભૂલ પ્રત્યેનું ત્રીજું વલણ એવું હોય છે કે વ્યક્તિ પોતાની ભૂલ પકડાય એટલે એને છાવરવાની કોશિશ કરે છે. એને માટે કાલ્પનિક કારણોને કામે વળગાડી દે છે. ઈતિહાસનાં આજનાં સંશોધનોએ ભૂતકાળનાં આવાં કેટલાંય સત્યો ને અર્ધસત્યો ખોલી આપ્યાં છે.
ભૂલ પ્રત્યેનું ચોથું વલણ એ એને સ્વીકારવાની અને એમાંથી મુક્તિ મેળવવાના પુરુષાર્થમાં છે. વિજ્ઞાાની કોઈ પ્રયોગ કરે અને નિષ્ફળતા મળતાં તરત જ બીજા પ્રયોગમાં એની પૂર્વેની ભૂલનું પુનરાવર્તન ન થાય, એની સાવધાની રાખે છે.
ઈન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ એમ માનતા હતા કે ધનસંપત્તિ આવતાં હવે એમના દીકરા-દીકરીને સહાધ્યાયીઓ સાથે ઑટોરિક્ષામાં મોકલવાને બદલે કારમાં નિશાળે મોકલવા જોઈએ, પણ એમનાં પત્ની સુધા મૂર્તિએ કહ્યું કે એમનાં સંતાનો સહાધ્યાયીઓ સાથે ઑટોરિક્ષામાં જ સ્કૂલે જશે. પોતાનાં દીકરા-દીકરીને જ્યારે ઑટોરિક્ષામાં સહાધ્યાયીઓ સાથે મોજમસ્તી કરતાં જતાં જોયાં, ત્યારે એન. આર. નારાયણમૂર્તિને લાગ્યું કે એમનો વિચાર ખોટો હતો. નહીં તો એમનાં બાળકોને આટલા આનંદભેર ગોઠિયાઓ સાથે ધીંગામસ્તી કરતા જોવા ન મળત.
ભૂલનો એકરાર કરવા માટે વ્યક્તિ પાસે હિંમત હોવી જોઈએ. મહાત્મા ગાંધીજીએ આથી તો એકાએક સત્યાગ્રહ સમેટી લીધો હતો અને પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો હતો. આ સમયે એમના સાથીઓ અને જનસમૂહના પ્રબળ વિરોધનો એમને સામનો પણ કરવો પડયો. આમ ભૂલ એ જીવનઘડતર કરતો પ્રભાવક શિક્ષક છે, જો વ્યક્તિ એને ઓળખવાનો અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે તો.
પ્રસંગકથા
દેશ તમારો, દોર બીજાના હાથમાં!
એક સમ્રાટને અતિવિચિત્ર અને બેડોળ પક્ષી મળ્યું. તેણે નક્કી કર્યું કે પક્ષીને ઘાટીલું બનાવવું જોઈએ. પહેલાં એની વાંકી ચાંચ સીધી કરવાનું નક્કી કર્યું. થોડી ચાંચ કાપવી પડે તેમ હતી. ચાંચ કાપ્યા વિના બીજો કોઈ ઉપાય પણ ન હતો, કારણ કે આખા રાજયમાં જે પક્ષીઓ હતાં તે બધાની ચાંચ સીધી અને સુંદર હતી. આની ચાંચ વાંકી હોય તે કેમ ચાલે?
આખરે રાજાએ એની ચાંચ કપાવી અને એને પાટાપિંડી કરી. પછી વારો આવ્યો પાંખોનો. આવી કઢંગી પાંખો કેમ ચાલે? રાજ્યભરમાં આવી અસુંદર પાંખવાળું એકેય પક્ષી ન હતું, આથી એની પાંખો કાપી અને સુડોળ બનાવ્યું. પક્ષી પીડાથી તરફડતું હતું. ભાગી જવાનો પ્રયત્ન કરતું હતું, પણ સમ્રાટ કંઈ છોડે તેવા ન હતા.
સમ્રાટને તો વિચાર હતો કે ભલે ગમે તે થાય, પણ પક્ષીનું બેડોળપણું તો દૂર કરવું જ જોઈએ. કદાચ એને થોડી તકલીફ થાય પણ આવી કુરૂપતા ચાલે ખરી? સમ્રાટને થતું કે આ પક્ષીએ ક્યારેય અરીસામાં એનું પ્રતિબિંબ જોયું નહીં હોય. જો પ્રતિબિંબ જોવા મળ્યું હોય તો વાંકી ચાંચ અને બેડોળ પાંખ માટે વરવસો હોત.
આ રીતે સમ્રાટે ચાંચ અને પાંક કાપીને પક્ષીને 'મૉડેલ' બનાવી દીધું અને પછી એને ઊડવા મુક્ત કર્યું.
પરંતુ હવે એ પક્ષીમાં ઊડવાનું સામર્થ્ય ન હતું. એની પાંખો કપાઈ ગઈ હતી. એ તરફડીને ત્યાં જ મરી ગયું.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે પક્ષીને સુંદર બનાવવા માટે એની પાંખો કાપનારા રાજાની જેમ આપણા દેશમાં પણ દેશની અંદર રહીને દેશની તાકાતને તોડવા મથતા રાજાઓ જોવા મળે છે. આજે આવા પરિબળો સામે સાવધાન થવાની જરૂર છે. અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ દેશોને ખરીદવા નીકળી છે. એ દેશોના અર્થતંત્ર પર અથવા તો લશ્કરીતંત્ર પર શાસન જમાવીને ધારે ત્યારે એ દેશની હકૂમતમાં પલટો લાવી શકે છે. પડદા પાછળ રહીને અને વિરોધીઓને બહેકાવીને કે લશ્કરી સરંજામ આપીને પોતાનો બદઈરાદો સિદ્ધ કરે છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતનની પાછળ અમેરિકાનો હાથ છે. અકળાયેલા અમેરિકાએ નાફરમાની કરતી બાંગ્લાદેશની સરકારને ઉથલાવી નાખી. એ જ અમેરિકાએ સીરિયાને સબક શીખવવા માટે બળવાખોરોને મદદ કરી. શાસનને ઉથલાવી નાખ્યું. ઈઝરાયેલ દ્વારા જુદા જુદા દેશોમાં રહેલા પોતાના વિરોધીઓનો અમેરિકા ખાત્મો કરે છે.
આપણા દેશમાં પણ આવાં પરિબળો દેશને ખોખલો કરવા માટે રાત-દિવસ કાર્યરત છે. અમેરિકા અને રશિયા ભારત પર પોતાનો પ્રભાવ જમાવવા માગે છે, તો ચીન ભારતના પડોશીઓને પોતાના પડખામાં લઈને ભારતને ભીંસમાં લેવા સતત પ્રયત્ન કરે છે.
એક અર્થમાં કહીએ તો વિદેશી તાકાત આપણા બારણે ટકોરા મારે છે. એને ભારતની લોકશાહી, પ્રજાનો ભાઈચારો કે પ્રગતિ પસંદ નથી. ધાર્મિક ઝનૂન, આતંકવાદ, જાતિવાદ, વિરોધ પક્ષોનો સતત વિરોધ, પ્રજા કાર્યમાં થતા વિલંબ આ બધાને હાથો બનાવીને વિદેશી તાકાત ભારતને ભીંસમાં લેવા પ્રયત્ન કરે છે, ત્યારે આપણે માટે જાગૃત થવાની ઘડી આવી ગઈ છે. નહીં તો રાતોરાત આ દેશ કોઈ મહાસત્તાને 'વેચાઈ' જશે !