આઝાદીના ઇતિહાસની એક હિંમતભરી, અનેરી ક્રાંતિકારી પ્રવૃત્તિ
- ફ્રીડમ રેડિયોના કાર્યક્રમનો 'હિંદોસ્તાં હમારા'થી પ્રારંભ થતો અને 'વંદે માતરમ્'થી સમાપ્તિ થતી
આઝાદીની ઝંખનાનો આતશ જલતો રાખવા માટે કેટલીય વ્યક્તિઓએ કુરબાની આપી છે. માત્ર પાંચ વર્ષની વયે અમદાવાદના આશ્રમમાં ગાંધીજીને જોતાં જ ઉષાબહેન મહેતા ગાંધી રંગે રંગાઈ ગયા. એ પછી થોડા જ સમય બાદ સૂરત જિલ્લાના એમના ગામ સરસની પાસેના ગામમાં ગાંધીજીએ યોજેલી એક શિબિરમાં એમણે ભાગ લીધો અને થોડો સમય આ નાની બાળાએ રેંટિયો પણ કાંત્યો હતો.
૧૯૨૮માં માત્ર આઠ વર્ષની વયે ભારતના પ્રવાસે આવેલા સાયમન કમિશન સામેના મોરચામાં ભાગ લીધો. 'સાયમન ગો બેક'ના નારા સાથે વહેલી સવારની બાળકોની પ્રભાતફેરીમાં ભાગ લીધો. આવા આંદોલનની એક કૂચમાં પોલીસોએ બાળક-બાલિકાઓ પર લાઠીમાર કર્યો. 'ઝંડા ઊંચા રહે હમારા' એમ કહીને હાથમાં ઝંડા સાથે આગળ વધતાં બાળકો પર લાઠીમાર થતાં એક છોકરી બેહોશ બની ગઈ અને એના હાથમાંથી ઝંડો જમીન પર પડી ગયો.
ઝંડાને જમીન પર પડેલો જોઇને ઉષાબહેનનું હૈયું કકળી ઊઠયું. એમને લાગ્યું કે આ તો આઝાદીના ઝંડાનું અપમાન કહેવાય અને એથીયે વધારે આ રીતે બ્રિટિશ તાબેદારી ધરાવતી પોલીસનો વિજય કહેવાય. આથી એમણે હાથમાં ઝંડો રાખવાને બદલે પહેરવાનો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખ્યો. તરત જ ખાદીના તાકા ખરીદવામાં આવ્યા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી એવી રીતે વસ્ત્રો બનાવ્યાં કે એ ઝંડા જેવા જ લાગે. પોલીસ ગમે તેટલો લાઠીમાર કરે, પણ એ ઝંડો કઇ રીતે ઝૂંટવી શકે કે ફેંકી દઈ શકે ?
ગાંધીજીની ભાવનાઓને જીવનમાં સાકાર કરનારી વિરલ વ્યક્તિઓમાંથી એક એવા ડો. ઉષાબહેન મહેતા ૮૦ વર્ષની વયે ઇ.સ. ૨૦૦૦ની ૧૧મી ઓગસ્ટે અવસાન પામ્યા, પણ આજે પણ એમની સાદાઈ, લઘુતા અને નિખાલસતાનું સ્મરણ થાય છે. 'પદ્મવિભૂષણ'નો ખિતાબ મળ્યો હોવા છતાં ક્યારેય સભામંચ પર સ્થાન મેળવવા આગળની હરોળમાં બેસવાની વૃત્તિ નહીં, પાછળ બેસવામાં ક્ષોભ નહીં. બધું સરળ અને સહજ. એમાં પણ ઉષાબહેન મહેતાની ફ્રિડમ રેડિયોની પ્રવૃત્તિએ એક કુશળ, સાહસિક નારીરત્નની પ્રતિભાના પ્રકાશનો સૌને અનુભવ કરાવ્યો.
૧૯૪૨ની ૯મી ઓગસ્ટે ભારતના લાડીલા નેતાઓને કારાવાસમાં બંધ કરીને અંગ્રેજ સરકારે આઝાદીનો અવાજ ગૂંગળાવી નાંખવાનો પ્રયત્ન થયો. આ સમયે 'ક્વિટ ઇન્ડિયા' (હિંદ છોડો)નો સંગ્રામ આરંભાયો હતો. ઉષાબહેન અને એમના સાથીઓને દેખાવો કે જાહેર સભામાં ઝાઝી શ્રદ્ધા નહોતી. અગાઉનાં આંદોલનોના ઇતિહાસ પર નજર નાખવાથી એમને એટલી ખાતરી થઇ ગયેલી કે આઝાદીની આ ચળવળમાં જો સફળ થવું હોય તો પોતાનું ટ્રાન્સમીટર હોવું જોઇએ. જુદાં જુદાં પ્રેસને તાળાં લાગી ગયાં. સમાચારો પર પ્રતિબંધ હતો. જેલમાં રહેલાં નેતાઓની કોઇ જાણકારી મળતી નહોતી, ત્યારે ઉષાબહેન અને બાબુુભાઈ ઠક્કરે 'ફ્રીડમ રેડિયો'નું કામ કરવાનો નિર્ણય કર્યો.
આઝાદીના આશકોને માટે નેતાઓની ગતિવિધિ જાણવા માટે અને પ્રજાની સ્વાધીનતાની ઝંખના જાગૃત રાખવા માટે આવા ટ્રાન્સમીટરની ઉપયોગીતા હતી. વળી શક્તિશાળી ટ્રાન્સમીટર હોય તો અન્ય દેશો સુધી પણ પોતાની આઝાદીની વાત પહોંચાડી શકાય. શિકાગો રેડિયોનાં નાનક મોટવાણી પણ આની સાથે જોડાયાં, જેને પરિણામે ટ્રાન્સમીટર માટેનાં સાધનો અને ટેકનિશિયનો ઉપલબ્ધ થયાં. એવી જ રીતે ડો. રામમનોહર લોહિયા. અચ્યુતરાવ પટ્ટવર્ધન અને પુરુષોત્તમ ત્રિકમદાસ આ સિક્રેટ કોંગ્રેસ રેડિયોમાં સહયોગ આપવા તૈયાર થયા. આ રેડિયો દ્વારા ગાંધીજી અને બીજા નેતાઓનાં સંદેશાઓ દેશભરમાં ફેલાવવાના હતા, પરંતુ ટ્રાન્સમીટર તૈયાર કરવા માટે ઘણો ખર્ચો થાય. એનું શું કરવું ?
આવે સમયે પોતાનં સઘળાં ઘરેણાં એક વ્યક્તિએ આપવાની તૈયારી બતાવી, પરંતુ આવી રીતે રકમ મેળવવી કેટલું યોગ્ય ગણાય ? આથી અંતે બાબુભાઈ ઠક્કરે જરૂરી પૈસા મેળવ્યા અને નિષ્ણાત દ્વારા એક જરૂરી સેટ બનાવડાવ્યો. જો કે, હકીકત એ બની કે આ સેટ બનાવનારે જ અંતે ઉષાબહેન અને એમના સાથીઓને દગો દીધો ! બીજી બાજુ 'મહાત્મા' ફિલ્મ તૈયાર કરનાર વિઠ્ઠલભાઈ ઝવેરીની દોરવણી હેઠળ એક બીજું જૂથ પણ બીજા ટ્રાન્સમીટર ચલાવવાની વિતરણમાં હતું. આ સિવાય પણ બીજા કેટલાંક જૂથો આઝાદી માટે ઝઝૂમતા લોકોનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરતાં હતા. જો કે, બીજા જૂથોએ બહુ ફાળો ન આપ્યો, પરંતુ આ બધાં જૂથો વચ્ચે સુમેળ અને સંગઠન સાધવાનું કામ ડો. રામમનોહર લોહિયા કરતા હતા અને આ બધાં જૂથો અનેક રોમાંચક સાહસો અને રહસ્યો સાથે સંકળાયેલાં 'કોંગ્રેસ રેડિયો'ને નામે એક સાથે કામ કરતાં હતાં.
આ કોંગ્રેસ રેડિયો માત્ર નામનો જ રેડિયો નહોતો, પરંતુ એને એનું પોતાનું ટ્રાન્સમીટર, પ્રસારણ મથક અને રેકોર્ડિંગ મથક પણ હતું. પોતાની કોલસાઇન અને આગવી તરંગ લંબાઈ હતા અને ૧૯૪૨ની ૧૪મી ઓગસ્ટથી એનું પ્રસારણ શરૂ થયું.
આ કોંગ્રેસ રેડિયો છે. ૪૨.૩૪ મીટર પર ભારતના કોઇ સ્થળેથી બોલે છે અને આમ આ રેડિયો દ્વારા દેશના ખૂણે ખૂણે સમાચારો પહોંચવા લાગ્યા. શહેરની પોલીસ અને ગુપ્તચર પોલીસ એમની ભાળ મેળવવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યાં. એમના વિશાળ પંજામાંથી આ આઝાદીના આશકો આબાદ રીતે હાથતાળી આપતા હતા. ટ્રાન્સમીટર અને પોલીસની ગુપ્તચર વાન વચ્ચે સંતાકૂકડી ચાલતી હતી. ટ્રાન્સમીટર સાવ નજીક હોય, તો પણ પોલીસને થાપ આપવામાં સફળ થતા અને ક્યારેક તો પોલીસને એમ લાગતું કે તે માઇલોના માઇલ દૂર છે. હકીકતમાં સાવ નજીક જ હોય !
આને માટે એક મહિનાના ભાડે જુદી જુદી જગ્યાએ આ આઝાદીના આશકો ફ્લેટ લેતાં. ક્યારેક કહેતા કે 'કાકાને માટે ફ્લેટ જોઇએ છે.' 'કાકા'ની સહુ આતુરતાપૂર્વક રાહ જોતા હોવાનો દેખાવ પણ કરતાં. શરૂઆતમાં દિવસમાં એકવાર પ્રસાર થતું. એમાં સમાચાર, ભાષણ, સૂચના અને એલાન પ્રસારિત થતાં. અમુક વિષયોને સ્પર્શવાનો અખબારો વિચારસુદ્ધાં કરી શકતા નહીં, તેઓ કોંગ્રેસ રેડિયો સરકારી હુકમોનો ભંગ કીરને લોકોને સાચી માહિતીથી વાકેફ કરતો હતો.
આમ જનસમૂહમાં એક નવું જોમ જાગી ઊઠયું. ધીરે ધીરે સવારે એક સાંજ એમ બે વખત અંગ્રેજી અને હિન્દીમાં પ્રસારણ શરૂ થયું. શાયર ઇકબાલના 'હિંદોસ્તાં હમારા' એ ગીતથી કાર્યક્રમનો આરંભ કરતા અને કાર્યક્રમને અંતે 'વંદે માતરમ્' પ્રસારિત થયું.
૧૯૪૨ની ૧૨મી નવેમ્બરે કાર્યકરોની બેઠક મળી અને સહુએ નક્કી કર્યુંકે આ આખીયે પ્રવૃત્તિ ગુપ્ત રાખવી. બીજી બાજુ અંગ્રેજ પોલીસે મુંબઈના અગ્રણી રેડિયો વેપારીઓને પકડયા. એ પછી બાબુભાઈ ઝવેરીની કચેરી પર દરોડો પાડયો, ત્યારે સીઆઈડીના બારેક અધિકારીઓની ચાંપતી નજર હોવા છતાં કચેરીની બધી ફાઇલો આબાદ રીતે ખસેડી દીધી. આ સમયે ઉષાબહેને બાબુભાઈને પૂછ્યું, 'તમારી માતાની તબિયત અંગે મારે ડોક્ટરને શું કહેવાનું છે ?' બાબુભાઈએ કહ્યું, 'માતાની સ્થિતિ ગંભીર છે એમ ડોક્ટરને કહેશો.'
અહીં ડોક્ટર એટલે ડો. રામમનોહર લોહિયા અને આ ઉત્તર સાંભળીને ઉષાબહેન ડો. રામમનોહર લોહિયા અને અન્ય સહુ કાર્યક્રમ રેકોર્ડ કરવા માટે જ્યાં રોકાયા હતા, ત્યાં ગયા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા. એવામાં એક ટેનિશિયનની ધરપકડ થતાં કાર્યક્રમ પ્રસારિત થવાની મુશ્કેલી ઊભી થઇ, પણ સહુએ નક્કી કર્યું હતું કે આ રેડિયો બંધ થવો જોઇએ નહીં.
આથી એક જ મથક ચલાવવાનું અને બીજું ટ્રાન્સમીટર રાતોરાત બદલી નાખવાનું નક્કી કર્યું. છેવટે એક સ્થળે ત્રણ ઓરડાઓ બંધ કરીને કાર્યક્રમ શરૂ થયો, પણ એ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યાં જ બારણે ટકોરા પડયાં. કાર્યક્રમ તો પૂરો કર્યો, પોલીસે ત્રણ બંધ બારણાં તોડીને સહુને પકડી લીધાં.
પોલીસને ત્રણ મહિનાની આકરી મહેનત અંતે સફળ થઇ. ડેપ્યુટી કલેક્ટર, મિલિટરી ટેકનિશિયનો અને પચાસેક પોલીસોનું દળ વિજયના સ્મિત સાથે ધસી આવ્યું. તેમણે રેકોર્ડ ચલાવવાનું બંધ કરવા ફરમાન કર્યું, પરંતુ સહુએ આ હુકમ માનવાનો ઇન્કાર કર્યો અને 'વંદે માતરમ'ની રેકોર્ડ પૂરી થવા દીધી, પણ સાથે એમનો હેતુ શ્રોતાજનોને એ જાણ કરવાનો હતો કે અમારા એક ટેકનિશિયને એમને દગો દીધો છે અને અમારી ધરપકડ થઇ છે.
પરંતુ આ ખબર પ્રસારિત કરવા ગયા, ત્યાં તો દગાબાજ ટેકનિશિયને ફ્યૂઝ ઉડાડી દીધો. ઓરડામાં અંધારં થઇ ગયું. પોલીસે એકાદ ફાનસ મંગાવીને મકાનમાંથી મળેલી વસ્તુઓની યાદી તૈયાર કરી અને પંચ બોલાવ્યું. પંચના એક માણસ તરીકે મકાનના ચોકીદારને બોલાવ્યો. તેણે કહ્યું,
'સાહેબ, હમ તો ગરીબ લોગ હૈ, હમ કૈસે સમજે ઇન બાતો મેં ?'
પોલીસે તેને ધમકાવવા ને ડરાવવા પ્રયત્ન કર્યો, પણ તેણે તો ટ્રાન્સમીટર હોઈ શકે તે વાત જ માનવાની ના પાડી. એમણે કહ્યું, 'ટ્રાન્સમીટર એટલે શું ? તેની મને શું ખબર ?'
એક પોલીસે દમદાટીથી કહ્યું, 'અલ્યા બેવકૂફ, તને એટલી ય ગમ પડતી નથી કે આમાંથી ગીત વાગે ?'
ચોકીદારે ખડખડાટ હસતા કહ્યું, 'લાકડાની વસ્તુ તે વળી કઈ રીતે ગાઈ શકે ?' અંતે જ્યારે ઉષાબહેને એને કહ્યું કે એને સહી કરવામાં કંઈ વાંધો નહિ આવે, ત્યારે જ છેવટે એણે કમને સહી કરી.
લગભગ સાડા ત્રણ કલાક સુધી કાર્યવાહી ચાલી. ઓરડાની બહાર બધાએ પગ મૂક્યો, ત્યારે પ્રત્યેક પગથિયે એકેક તેમજ નીચે કેટલાયે પોલીસોની ટુકડી ઊભી હતી. આઝાદીના આશકોને તો આ 'ગાર્ડ ઓફ ઓનર' જેવું લાગ્યું!
પોલીસે ઘણી ખૂટતી વિગતોની કડીઓ મેળવી લીધી અને બીજે દિવસે વિઠ્ઠલભાઈ ઝવેરીની ધરપકડ કરી, પછી વારો આવ્યો ચિકાગો રેડિયો કંપનીના નાનિક મોટવાણીનો. આ કેસની મહિનાઓ સુધી તપાસ ચાલી. પોલીસે આરોપોની ઝડી વરસાવી. કાયદાની કલમો લગાડવામાં કશું બાકી નહીં. સહુની અનિચ્છા છતાં કોંગ્રેસની આબરૂ જાળવા દેશના મોખરાના ધારાશાસ્ત્રીઓ શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી મોતીલાલ સેતલવાડ, શ્રી એસ.આર. તેંડુલકર અને શ્રી ઠક્કરને બચાવ માટે રોકવામાં આવ્યા. જ્યારે શ્રી વિમા દલાલે સરકારી વકીલ તરીકે કામ કર્યું.
એંશી જેટલાં સાક્ષીઓની જુબાની બાદ નાનિક મોટવાણી અને વિઠ્ઠલ ભાઈ ઝવેરી નિર્દોષ ઠર્યા. ચંદ્રકાન્તભાઈ અને ઉષાબહેન ગુનો કરતાં પકડાયા હતા. અંતે ચંદ્રકાન્તભાઈને એક વર્ષની, ઉષાબહેનને ચાર વર્ષની અને બાબુભાઈને પાંચ વર્ષની કેદ મળી, પણ આ સજાથી કોઇને સહેજે ક્ષોભ નહોતો, બલ્કે આનંદ અને ગૌરવ હતાં અને એ સઘળા ગાંધીજીની એ હાકલના શબ્દો એમના કંઠમાંથી ગૂંજતા હતા : 'કરેંગે યા મરેંગે.'
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ : જહાંપનાહ, કોઇપણ દેશનો વિનાશ બોંબમારાથી શક્ય નથી. જાપાન એનું ઉદાહરણ છે. કોઇ દેશનો વિનાશ આક્રમણો કે અત્યાચારોથી થતો નથી, જેમ કે ઇઝરાયેલ
બાદશાહ : ક્યા ખૂબ ? પણ કઈ રીતે દેશનો વિનાશ થાય છે ?
બીરબલ : પક્ષોની યાદવાસ્થળી, ભ્રષ્ટ રાજકારણીઓ અને ધર્મ-જાતિ કે કોમના ભેદભાવથી !
પ્રસંગકથા
શરીફ ચાંચિયાઓની નાગચૂડ
પોતાના અંતિમ સમયે સુલેમાને ત્રણેય પુત્રોને બોલાવ્યા. આખરી સંદેશ આપતા હોય એમ એમણે કહ્યું, 'જુઓ, તમને દરેકને પચીસ હજાર રૂપિયા આપું છું, પણ સાથે મારી એક શરત છે.'
કંજૂસ પિતા પાસેથી આટલા પૈસા મળે છે તેય ઘણું છે, એમ માનીને ત્રણે પુત્રોએ નમ્રતાથી કહ્યું, 'પિતાજી, આપ બેફિકર રહેજો. અમે જરૂર વચનપાલન કરીશું.'
સુલેમાને કહ્યું, 'તો સાંભળો, તમને દરેકને આ રકમ આપું છું, પરંતુ મારી દફનવિધિ વખતે તમારે એક કામ કરવાનું. તમારે મારી કબરમાં અગિયાર હજાર એકસોને એક રૂપિયા મુકવાના. બોલો, તમે આ મંજુર છે ?'
ત્રણેય દીકરાઓએ વિચાર્યું કે પિતાજી પાસેથી જે કંઇ મળે તે લઇ લેવું. આથી ત્રણેયે વાત મંજૂર રાખી. પહેલા દીકરાએ પિતાનું અવસાન થતાં એમની કબરમાં ૧૧ હજાર એકસોને એક રૂપિયા મૂક્યા, બીજાએ પણ એ જ રીતે એટલી રકમ મૂકી. પણ ત્રીજા દીકરાએ છટાથી પોતાના ખીસ્સામાંથી ચેકબૂક કાઢી. તેત્રીસ હજાર ત્રણસોને ત્રણ રૂપિયાનો ચેક લખ્યો. બંને ભાઈઓએ મૂકેલા બાવીસ હજાર બસો ને બે રૂપિયા પોતાના પાકિટના હવાલે કરીને એ ચેક કબરમાં મૂક્યો.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં પેલા ત્રીજા દીકરાની માફક ષડયંત્રો, ગેરરીતિ કે ગોટાળા કરીને બીજાની સંપત્તિ આંચકી લેનારાઓની હોડ જામી છે. સરકારી કારકૂન હોય, બાંધકામનો કોન્ટ્રાક્ટર હોય, સાયબર ફ્રોડ કરનાર હોય, કોલેજમાં પ્રવેશ હોય કે પછી બેંક હોય - બધેજ આવા લોકોનો પંજો એટલો બધો ફેલાઈ ગયો છે કે આ દેશમાંથી સીધી લીટીએ કામ કરવાનું કે સચ્ચાઈથી જીવવાનું મુશ્કેલ બનવા લાગ્યું છે. પ્રમાણિકતા કાજે સુખ કે સંપત્તિ ગુમાવનાર માનવી આજે બેવકૂફ ગણાય છેઅથવા તો એને બીજી દુનિયામાં વસતો હોય એમ કહીને લોકો એની હાંસી ઉડાવે છે.
ક્યારે આ દેશમાં સાચા રાહે ચાલનારા માનવીનો આ ત્રીજા દિકરા જેવા ચાંચિયાઓથી ઉગારો થશે !