For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા

Updated: Apr 11th, 2024

સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા

- મુખ્યપ્રધાન, નાણાંપ્રધાન કે  રાજ્યપાલ પદને ઠુકરાવી દેનાર વિરલ માનવી 

- સૌથી ઉંચા છે કૃષ્ણદાસ જાજુ

- મિલી જો બૂંદ તો દરિયા સમઝ લિયા ઉસને,

તમામ ઉમ્ર કા પ્યાસા દિખાઇ દેતા હૈ.

યજ્ઞાનો દેવતા ઓલવાઈ ગયો છે.

બૂઝાયેલા ઈંધણનો ભંગાર કાળા ધુમાડા કાઢતો પડયો છે.

અંધકાર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવાનો હોય, ત્યારે ચહેરા પર પોતાનો આસમાની બુરખો નાખે છે.

અને કોઈપણ દેશની પીછે હઠ થવાની હોય, ત્યારે તે દેશના રાજકારણી પુરુષોના મન પર બેજવાબદારી અને અનૈતિકતાનો બુરખો નાખે છે.

આ દેશનો ભવ્ય ઇતિહાસ એ કહે છે અને કહી રહ્યો છે.

આજના કાર્યકરોને લોકશાહીનાં મંદિરના પૂજારી થવું નથી, પણ કોઈ પણ ભોગે સત્તાના સિંહાસનને મેળવવાની એમણે ભારે હોંશ છે. એક અર્થમાં કહીએ તો સહુને સત્તાની બલા ગળે વળગી છે. સત્તા માટે સિદ્ધાંત ટકે શેર વેચાતી ભાજી જેવો બન્યો છે. સત્ય, અહિંસા અને સમન્વયની બાધાઓ અને શપથો એક પછી એક સરી ગયા. સત્તાની મોજીલી ખુરશી મેળવવા કે જાળવવા ગમે તેનો સાથ લેવા તૈયાર છે. વિચારોના મેળનો સત્તા ખાતર મેળ મેળવી દેવાય છે. સત્તાને કાજે તો ગંગા અને ગટરનું સમાધાન થાય છે.

જૂની નાતમાં જેમ તડાં થતાં અને એ તડાંનાં ગોરમહારાજને 'વર મરો કે કન્યા મરો' પણ પોતાના લાડુના હિમાયતી અને હિતચિંતક રહેતા, એમ આજે કયા તડાંમાં લાડુ મળે છે, એની તપાસ રાખે છે ને લાગ મળતાં જ એ નાતમાં પેસી જાય છે. ગઈકાલે વિરોધી તરીકે તીખી ગાળો આપનારાનું આજે એકાએક ખોળિયું બદલાઈ જાય છે! સાવ નવો અવતાર થાય છે!

પહેરણ કરતાં ય વધુ ઝડપથી પક્ષ બદલાય છે! આમાં નથી જોવાનો સિદ્ધાંત, નથી નિરખાતું સત્ય કે નથી પળાતી નીતિ!

આજ કોઈ ગાંધી નથી!

આજ નથી કોઈ સરદાર! નહેરુ કે શાસ્ત્રીજીનું નામ ભૂલાઈ ગયું! આ બધા તો દીવાનખાનું શણગારવાની રૂપાળી છબીઓ બની ગયા છે. જેનાં નામે તૂત હાંકી શકાય તેવી વિભૂતિઓ બની ગયા છે.

ગાંધીજીનાં સમયનાં રાજકારણમાં જગતના ભલામાં પોતાનું ભલું જોવાતું. આજે દેશના વડાપ્રધાન દુનિયામાં દેશને ઇજ્જત અપાવી રહ્યા છે. સ્વયંને બદલે સર્વનો વિચાર કરે છે. જ્યારે બીજા રાજકારણીઓ તો પોતાના પગને કાંટા ન વાગે એની પૂરતી તકેદારી રાખે છે. પારકો ભલે શૂળીએ ચડે!

આવે સમયે શ્રીકૃષ્ણદાસ જાજુ જેવા લોકસેવકની યાદ આવે છે. સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા. આજે જેના માટે રાત-દિવસ તલસે છે, ઉધમાત થાય છે, એવાં મુખ્યપ્રધાનપદ કે નાણાં-પ્રધાનપદને એમણે ઠુકરાવી દીધું હતું.

શ્રીકૃષ્ણદાસ જાજુનું જીવન આજના જમાનાને જરૂર આશ્ચર્યકારક લાગે! અભ્યાસમાં તેજસ્વી એવા શ્રીકૃષ્ણદાસ જાજુએ બેચલર ઓફ લોની પરીક્ષામાં સુવર્ણચંદ્રક અને સ્કોલરશીપ બંને હાંસલ કર્યા હતા. ૧૯૨૧માં મહાત્મા ગાંધીજીનાં અસહકારના આંદોલનનો નાદ સાંભળ્યો. શ્રીકૃષ્ણદાસે વકીલાતની પ્રેક્ટિસ છોડી દીધી. પોતાનું જે કંઈ દેવું હતું, તે બધું ચૂકવી દીધું અને બાકીની જે રકમ હતી તે જાહેર સંસ્થાઓને આપી દીધી. એમણે પોતાના જીવનનું સમર્પણ કર્યું. એમના આ નિઃસ્વાર્થ સમર્પણને કારણે લોકો એમને 'તપોધન' કહેતા હતા અને વર્ધામાં શ્રીકૃષ્ણદાસ જાજુ સાથે જમનાલાલ બજાજ જોડાયા અને ગાંધીજીનાં આંદોલનને મોટો વેગ મળ્યો.

શ્રીકૃષ્ણદાસ જાજુએ આઝાદીના લડવૈયાની ખુમારીથી સમાજસુધારણા, રચનાત્મક કાર્યો અને રાજકીય ક્ષેત્રે નવા આયામો સર્જ્યા. શિક્ષણ, જાતિ- સમાનતા, ખાદી અને ગૌસેવા જેવા કાર્યોમાં એમણે જીવ રેડી દીધો.

પોતાના જીવનમાં કુટુંબ, શાળા અને કોલેજ પાસેથી દેશસેવાનાં મૂલ્યો મળ્યા હતા. આથી એમણે ૧૯૯૦માં મારવાડી વિદ્યાર્થી ગૃહની સ્થાપના કરી. ૧૯૧૨માં મારવાડી હાઈસ્કૂલની સ્થાપના કરી અને જમનાલાલ બજાજ સાથે મારવાડી શિક્ષણમંડળની સ્થાપના કરી.

ઈ.સ. ૧૯૩૭માં મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન ડો. ખરે હતાં. એમણે કોંગ્રેસનાં હાઈકમાન્ડને પૂછયા વિના અંગ્રેજ ગવર્નરની સલાહથી પોતાનાં પ્રધાન મંડળમાં ફેરફારો કર્યા. આ બનાવથી કોંંગ્રેસનાં નેતાઓ ખૂબ નારાજ થયા. એ વખતનાં કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડનાં અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ પટેલે ડો. ખરેને આદેશ આપ્યો કે તમારે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું. નવા મુખ્યપ્રધાનની વરણી કરવા માટે વર્ધાનાં નવભારત વિદ્યાલયનાં હોલમાં પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની સભા રાખવામાં આવી.

આ સમયે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે ડો. ખરેની જગ્યાએ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ અને અનુભવી રચનાત્મક કાર્યકર્તા શ્રીકૃષ્ણદાસ જાજુને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવા.

સરદાર પટેલે તત્કાળ મહાત્માજીનું એ માર્ગદર્શન સ્વીકારી લીધું. ગાંધીજીએ જાજુને સેવાગ્રામ આશ્રમમાંથી બોલાવીને તેમની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. પણ  આશ્ચર્યજનક રીતે શ્રીકૃષ્ણદાસ જાજુએ એ સ્વીકારવાની અશક્તિ બતાવી. એમણે નમ્રતાથી કહ્યું,

'બાપુ, હું તો કોંગ્રેસ પક્ષનો સામાન્ય સભ્ય પણ નથી!'

'એનો વાંધો નહીં. તમે છ માસમાં કોઈ પણ જગ્યાએથી ચૂંટાઈ શકશો.'

'પણ મને રાજ્ય ચલાવવાનો જરા જેટલો ય અનુભવ નથી. બાપુ મને રાજકારણમાં ન નાખો!'

ગાંધીજીએ ફરીવાર આગ્રહપૂર્વક કહ્યું, 'જાજુજી, અમારે હવે એવા મુખ્ય પ્રધાનની જરૂર છે, જેમના પર લોકોને પૂરો એતબાર હોય અને કોંગ્રેસને વિશ્વાસ હોય. કોંગ્રેસ તમને સર્વાનુમતે ચૂંટી કાઢવા રાજી છે, પછી તમને શો વાંધો છે?'

બાપુના આટલા આગ્રહ છતાં શ્રીકૃષ્ણદાસ જાજુ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા તૈયાર ન થયા. બીજા સાથીઓએ પણ પ્રયાસ કર્યો, ત્યારે એમણે કહ્યું,

'બાપુ, મને આમાં ન નાખો. આ જવાબદારી ઉપાડવાની મારી શક્તિ  નથી'

ગાંધીજીએ ગંભીરતાથી કહ્યું, 'જાજુજી, તમારે હિંમત હારવી ન જોઈએ. ભગવાનનું નામ લઈને આ કામ સંભાળી લે. નિર્બળના બળ રામ છે.'

શ્રીકૃષ્ણદાસ જાજુ ગળગળા થઈ ગયા. કશો જ ઉત્તર ન આપી શક્યા. એમણે વિચારવાને સમય માગ્યો અને લાંબા વિચારને અંતે એમણે ના જ પાડી!

શ્રીકૃષ્ણદાસ જાજુને આ પ્રસંગ વિશે શ્રી શ્રીમન્નારાયણજીએ પૂછયું કે આ પદ સ્વીકારવામાં તમે કઈ મુશ્કેલી અનુભવી હતી?

શ્રી કૃષ્ણદાસ જાજુએ જવાબ વાળ્યોઃ 'મુખ્યપ્રધાનનું પદ ધારાસભ્યો પર આધાર રાખે છે. ધારાસભ્યોનો ટેકો મેળવવા માટે એમને રાજી રાખવા માટે એમની વાજબી-ગેરવાજબી વાત ય સ્વીકારવી પડે. આમ કરવાની મારામાં શક્તિ નથી. મુખ્યપ્રધાનપદ ટકાવી રાખવા કશુંય ગેરવ્યાજબી કરવું મારા માટે શક્ય નહોતું. આથી લાંબા વિચારને અંતે મેં ના પાડી દીધી!'

આથી ય વધુ લલચાવે એવું શ્રીકૃષ્ણદાસ જાજુને બીજું આમંત્રણ આવ્યું.

કેન્દ્રના નાણાંપ્રધાન ષણમુખમ ચેટીએ પણ રાજીનામું આપ્યું.૫ં. જવાહરલાલ નહેરુએ શ્રીકૃષ્ણદાસ જાજુને નાણાંપ્રધાન થવા આગ્રહભર્યું ં નિમંત્રણ મોકલાવ્યું.

પણ સેવાને વરેલા એમ સત્તાની માયામાં ફસાય તેવું ન હતું. એમણે આ જવાબદારી સ્વીકારી નહીં. એમણે આ અંગે કહ્યુંઃ 'ભારતના નાણાંપ્રધાને માત્ર ભારતની નાણાંનીતિ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાંનીતિ સારી પેઠે જાણવી જોઈએ. એમાં એ કુશળ હોવો ઘટે. જો એ આંતરરાષ્ટ્રીય નાણાંનીતિમાં કુશળ ન હોય, તો એના હાથે દેશની સેવાને બદલે કુસેવા જ થાય.'

આ સમયે શ્રી શ્રીમન્નારાયણજીએ આ સાચા ગાંધીવાદી સેવકને કહ્યું,

'તમારા જેવાને આંતરરાષ્ટ્રીય નાણાંનીતિની જાણકારી મેળવવામાં ચાર- છ મહિના લાગે, ત્યાં સુધી તમે સેક્રેટરીઓની મદદથી કામ લઈ શકો.'

આનો જવાબ વાળતાં જાજુજીએ કહ્યું,'જે વાતની મને જાણકારી ન હોય, એના માટે બીજા પર આધાર રાખીને કામ કરાવવામાં ઘણું જોખમ રહેલું છે. સેક્રેટરીએ ધરેલા કાગળો પર સમજ્યા વિના સહી કરવાનું કામ મારા માટે શક્ય ન હતું, આથી મેં જવાહરલાલ નહેરુની ક્ષમા માગી.'

સમય જતાં ફરી શ્રી કૃષ્ણકાંત જાજુને રાજ્યપાલનું પદ સ્વીકારવાનું કહેવામાં આવ્યું, પણ સત્તાના સ્થાન કરતાં એમને સેવા વધુ પસંદ હતી. એ એમની ભૂદાન અને સર્વોદયની રચનાત્મક પ્રવૃત્તિમાં જ અંત સુધી ડૂબ્યા રહ્યા.

આજે રાજકારણ એ સત્તાશોખી મલ્લોનું કુસ્તી દંગલ બની રહ્યું છે, ત્યારે પ્રજાના ઘડતર કે ચણતર માટે પાયાની ઈંટ બનેલા શ્રીકૃષ્ણદાસ જાજુનું સ્મરણ ચિત્તમાં જાગી ઊઠયું!

પ્રસંગકથા

જનતા ઝિંદાબાદ

એક ગરુડ આકાશમાં ઊંચે ઊડતું હતું. સો સો માઇલ ઊંચે ઊડે! સો માઇલ ઊંચેથી એ શિકાર જુએ, અને તરાપ મારે.

ઘેટું, બકરૃં કે મરઘું એની જોરદાર ચોટ સહન કરી શકે નહીં. એ બિચારા મરણને શરણ થઇ જાય.

આકાશમાંથી ગરુડનો પડછાયો પૃથ્વી પર પડે કે બિચારાં નાનાં નાનાં પ્રાણીઓ ક્યાંય જઇને સંતાઇ જાય. જીવ લઇને ભાગવા માંડે. ગરુડની એક ચીસ હવામાં ગુંજે કે ભલભલાં પંખી માળામાં ભરાઇ પેસે. ગરુડ મનમાં અભિમાન રાખતું કે 'કેવા બધાં મારાથી ડરે છે.'

કોઇ પ્રાણી કે પંખી એનો મિત્ર થાય નહીં. સહુ એનાથી ભય પામે અને દૂર ભાગી જાય.

ગરુડને મનમાં એવું હતું કે હું મોટો પરાક્રમી છું. હલકા પ્રાણી સાથે મારી દોસ્તી શોભે નહીં. કોઇ એને નોતરે નહીં. એ કોઇને બોલાવે નહીં પણ વખત જતાં ગરુડ એકલું પડયું.

એ વખતે એક મધમાખી ઊડતી ઊડતી આવી. એ મીઠું મીઠું ગાતી હતી. ફૂલોમાંથી જાળવીને મધ ચૂસતી હતી ગરુડે મધમાખીને જોઇ અને બોલ્યું.

રે ક્ષુદ્ર મધમાખી! કેવી દયામણી તારી જિંદગી છે! ટીપું મધ માટે એક છોડથી બીજા છોડ પર ભમે છે ને મધપૂડો પણ બીજા માટે બાંધે છે! મને જો. જ્યારે મન થાય ત્યારે ગમે તેનું પડાવીને ખાઇ જાઉં છું. વીજળીથી પણ ઊંચે ઊંડું છું. ને વીજળીથી વધુ તેજ ઝપટ લગાવું છું.'

માખી બોલી, 'ભાઇ ગરૂડ! તારી મોટાઇ તને મુબારક. આવી મોટાઈ શા કામની? જેનાથી સહુ દૂર ભાગે. મારવામાં મોટાઇ નથી. પડાવી લેવામાં પરાક્રમ નથી. હું પડાવી લેવામાં માનતી નથી. જેટલું લઇએ તેટલું દઇએ - તેમાં માનું છું.'

ને મધમાખી મીઠું મીઠું ગુંજતી ચાલી ગઇ. ગરૂડે એ આનંદી મધમાખીને જોઇ અને એને પોતાના કઠોર જીવન તરફ તિરસ્કાર આવ્યો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે પ્રજાને માટે કોણે મધમાખી જેવું કામ કર્યું છે અને કોણે ગરુડ જેવું આચરણ કર્યું છે એનો વિચાર કરવાનો સમય આવી ચૂક્યો છે. મધમાખી જેવા લોકો પ્રજાની સેવા કરે છે, તો ગરૂડ જેવા લોકો સમારંભો શોભાવે છે અને પ્રજાને લલચામણાં વચનો આપે છે. ચૂંટણી આવતાં પ્રલોભનો આપે છે. આ દેશમાં પડાવી લેવાની ભાવના વધુ ફેલાતી જાય છે આવે સમયે ગરૂડના ધંધા વધી ગયા છે અને મધમાખીની વાત વિસરાઇ ગઇ છે.

ચૂંટણી એ પ્રજાને માટે મહત્ત્વનું પર્વ છે. સેવા કરવાનું સન્માન અને સેવાને નામે સત્તા દ્વારા સંપત્તિ એકઠી કરનારનો અનાદર કરવાનો આ સમય છે. ભારતીય લોકશાહીની આ ચૂંટણીમાં અંતે તો પ્રજાનાં હાથમાં ફેંસલો છે. હકીકતમાં ચૂંટણી એ રાજકારણની નહીં, કિંતુ પ્રજાનાં માનસની પરીક્ષા છે. આ સમયે રાજકીય પક્ષો એમના નારા બોલશે, પણ ખરેખર તો 'જનતા ઝિંદાબાદ'નો નારો સર્વત્ર ગુંજે છે.

Gujarat