ખુરશી પર એવી હળવાશથી બેસવું કે એના પરથી ઊઠતા સહેજે અચકાવું ન પડે
- ભારતના ગૃહપ્રધાને કહ્યું કે, 'બેટા! બે દિવસ થોભી જા. પગાર આવશે એટલે સ્લેટ લાવી આપીશ.'
- ખુલે હાથ સે ગમે-દૌલત લુટા દી મુઝ પે,
જિંદગી સે ફિર કર્યો ગિલા સા રહતા હૈ.
૧૧મી જાન્યુઆરીએ દેશનેતા લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ આવે છે. એમની સાથેની પ્રથમ મુલાકાત પછી તો એમના જીવનના કેટલાય પ્રસંગો અંગતજીવનની ઘટનામાંથી પસાર થવાનું બન્યું. એકવાર લાલબહાદુર શાસ્ત્રી નૈનિતાલના પ્રવાસમાં જુદી જુદી ફેક્ટરીઓ જોવા ગયા હતા. એ પછી એમને એક ફેક્ટરીની અગાશી પર લઇ જવામાં આવ્યા અને ત્યાં એક નાનકડી સભાનું આયોજન થયું હતું. એમને માટે અને એમના સાથીઓને બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી હતી અને ફેક્ટરીના મજુરોને માટે નીચે જાજમ પાથરી હતી. લાલબહાદુર શાસ્ત્રી ઊંચી ખુરશી પર બેસવાને બદલે મજુરોની સાથે નીચે જાજમ પર બેસી ગયા. એમને ઊંચે ચઢીને મંચ પર બેસવાનું ક્યારેય પસંદ નહોતું. બધાની વચ્ચે અને બધાની સાથે જ એક આસને બેસવાનું ગમતું હતું.
બિહારના સારણ જિલ્લાના મહારાજગંજ નામના ગામના રામધન નામના ગરીબે લાલબહાદુર શાસ્ત્રી સમક્ષ પોતાની મુશ્કેલી પ્રગટ કરી. આઝાદીનો આશક રામધન બે વાર તો અંગ્રેજ શાસન દરમિયાન કારાવાસ ભોગવી ચૂક્યો હતો. એ પછી આપણા દેશની સરકારે દર મહિને સ્વાતંત્ર્યસેનાનીને સહાય કરવાની જાહેરાત કરી હતી. આ સ્વાતંત્ર્યસેનાનીને એક વાર બસો રૂપિયા મળ્યા, પરંતુ એ પછી આ બસો રૂપિયા મેળવવા માટે એને સરકારી તુમારશાહીમાં ૭૫ રૂપિયાનો ખર્ચ કરવો પડતો! શાસ્ત્રીજીને આ હકીકત લેખક બનારસીદાસ ચતુર્વેદીએ એક પત્ર દ્વારા જણાવી, તો લાલબહાદુર શાસ્ત્રીએ એમને તત્કાળ ઉત્તર આપ્યો કે હું બિહારના મુખ્યપ્રધાનને રામધન અંગે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરું છું. એમણે જાણ પણ કરી, પણ એક વર્ષ વીતી ગયું છતાં કશું બન્યું નહીં. આથી બનારસીદાસ ચતુર્વેદીએ શાસ્ત્રીને પરિસ્થિતિની જાણ કરતાં એમણે તરત જ ત્રણસો રૂપિયા રામધનને મોકલી આપ્યા અને એ પછી બિહારના મુખ્યપ્રધાનને તાકીદ કરી કે તમે કેમ રામધનને મદદ કરતા નથી, તમારે જાણવું જોઇએ કે ખરેખર રામધને તેમને મદદ કરી છે. આજે તમે આઝાદ દેશમાં જે સત્તાસ્થાને બેઠા છો, તેનું કારણ રામધન જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ છે.
ક્યારેક મહિનાના છેલ્લા દિવસોમાં લાલબહાદુરને એમના ઘરમાં આર્થિક ભીડ પણ અનુભવવી પડતી હતી. તેઓ ભારતના ગૃહપ્રધાન હતા એ સમયે એમના પૌત્રએ સ્લેટની માગણી કરી, ત્યારે ભારતના ગૃહપ્રધાને જવાબ આપ્યો, 'બે દિવસ તું ગમે તે રીતે ચલાવી લે. પહેલી તારીખે પગાર આવતાં લાવી આપીશ.' આજે આવા પ્રધાનની કલ્પના થાય છે ખરી? અરે! એવું સ્વપ્નમાં પણ જોવા મળતું નથી! આવી જ રીતે ક્યારેક લાલબહાદુર શાસ્ત્રી લલિતાદેવીને કહેતા કે હવે બે શાકને બદલે એક શાક બનાવો, કારણ કે બે શાક બનાવવાં પરવડે તેમ નથી.
લાલબહાદુર પર વિશાળ કુટુંબના ભરણપોષણની જવાબદારી હતી, છતાં એમની ખુમારી કે ગરિમા ક્યારેય ઓછાં થયાં નહીં. એક વાર લાલબહાદુર પોતાનું કામ પતાવીને ઘેર આવ્યા. આવતાંની સાથે જ બાળકોને ખુશખુશાલ જોયાં. બાળકો લાલબહાદુરને વીંટળાઈ વળ્યાં. એમણે સમાચાર આપ્યા કે એમના બંગલાના આગળના ભાગમાં કૂલર મુકવાની વ્યવસ્થા થઇ રહી છે. લાલબહાદુરે જોયું તો સરકારના જાહેર બાંધકામ ખાતાના માણસો આ કામ કરી રહ્યા હતા.
બાળકોનો આનંદ અપાર હતો, પણ લાલબહાદુર ગંભીર બની ગયા. એમણે કહ્યું, 'આપણે ત્યાં કૂલર ન હોય. આવતીકાલે સ્થાન બદલાતાં આપણે અલ્લાહાબાદના કોઇ જૂના મકાનમાં જઇને રહેવું પણ પડે. આવી આદત ખોટી. આપણા દેશમાં લાખો લોકો ધૂપ-તાપ સહન કરે ને આપણે આમ રહીએ એ સારું ન કહેવાય.' એમણે તરત જ અધિકારીને ફોન કરીને જણાવી દીધું કે એમના ઘરમાં કૂલરની કોઇ આવશ્યકતા નથી.
લાલબહાદુર ભારત સરકારમાં પ્રધાનપદ ધરાવતા હોવા છતાં એમની સચ્ચાઈ અને સંનિષ્ઠાને કારણે દિલ્હીમાં થોડો સમય ઘર વિના વસવું પડયું. આથી એમણે પંડિત જવાહરલાલ નહેરુના નિવાસસ્થાન 'તીનમૂર્તિ'માં જ પોતાના ડેરાતંબૂ નાંખ્યા. ન ખાવાનું નક્કી, ન સૂવાનું નક્કી, આથી 'તીનમૂર્તિ'ના નોકરો શાસ્ત્રીના ઓરડામાં ભોજન ઢાંકી જાય. લાલબહાદુરને પોતાને સમય મળે ત્યારે જમે. ઘણી વાર નોકરો બીજે દિવસે એમ ને એમ ઢાંકેલી થાળી જુએ. કામને કારણે લાલબહાદુર જમવાનું પણ ભૂલી જાય! લાલબહાદુર સૂએ પણ આ ઓરડામાં જ. ચાર પાંચ હાથા વિનાની ખુરશીઓ એ એમની પથારી. લાઈનમાં ગોઠવીને ઉપર લંબાવે, વહેલી પડે સવાર! ચૂંટણીના દિવસો નજીક આવવા લાગ્યા, જમવા માટે આવવા-જવામાં કાર્યકરોનો સમય બગડતો, હોવાથી બધાની જમવાની વ્યવસ્થા 'તીનમૂર્તિ' બંગલામાં જ કરવામાં આવી. એ સમયે કોંગ્રેસમાં કેવા લોકસેવકો હતા તે યાદ કરીએ.
એક વાર ચૂંટણી પ્રચાર સમયે લાલબહાદુરને ભોજનમાં માખણ અને ઘી આપવામાં આવ્યાં. લાલબહાદુરે પૂછ્યું, 'શું માખણ અને ઘી બધા કાર્યકર્તાઓને આપવામાં આવ્યાં છે?'
સંચાલકે કહ્યું, 'ના, આ તો ખાસ આપના માટે વ્યવસ્થા કરવામાં આવી છે.'
લાલબહાદુરે માખણ અને ઘીનો અસ્વીકાર કરતાં કહ્યું, 'આ બરોબર નથી. કાર્યકરો અને મારી વચ્ચે કોઇ ભેદભાવ હોવો જોઇએ નહીં.'
કોંગ્રેસને આ ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો. આ વિજયમાં લાલબહાદુરનો મોટો હિસ્સો હતો.
ભારતના રેલવેપ્રધાન તરીકેનો કાંટાળો તાજ એમને શિરે પહેરાવવામાં આવ્યો. એ સમયે રેલવે પ્રધાન પ્રવાસે નીકળે ત્યારે સઘળી સલૂન સાથેનું પૂરેપૂરી સાહ્યબીવાળો ખાસ ડબ્બો હોય. વાઈસરૉયના સલૂનથી થોડું જ ઊતરતું હોય! પણ લાલબહાદુરે આવું ઠાઠમાઠવાળું સલૂન છોડી દીધું. તેઓ હંમેશાં બીજા વર્ગના ડબ્બામાં થોડો ફેરફાર કરીને એમાં જ મુસાફરી કરતા.
એ સમયે લાલબહાદુર શાસ્ત્રી ભારત સરકારના રેલવે અને વાહનવ્યવહાર ખાતાના મંત્રી તરીકે કાર્યરત હતા. એમને માથે ઘણી કપરી જવાબદારીઓ હતી. રેલવેમાં બાર લાખ કર્મચારીઓ કાર્ય કરતા હતા અને રેલવે એ દેશના વાહનવ્યવહારનું એક અગત્યનું સાધન હતું. યોજનાઓ, ઉદ્યોગો અને અર્થકારણ માટે પણ રેલવેની ઘણી જરૂર હતી. આવે સમય રેલવેપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમાંથી ફર્સ્ટક્લાસ કાઢી નાખ્યો, સેકન્ડ ક્લાસને ફર્સ્ટક્લાસમાં ફેરવી નાખ્યો. એ સમયે રેલવેમાં ચાર 'ક્લાસ' હતા એના બદલે એમણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ - એમ ત્રણ ક્લાસ કર્યા. એમની ઇચ્છા તો માત્ર બે જ વર્ગ કરવાની હતી! વળી ત્રીજા વર્ગના મુસાફરો માટે રિઝર્વ બેઠકોની વ્યવસ્થા કરી. ત્રીજા વર્ગના ડબ્બામાં પંખા નંખાવ્યા. રાત્રિ મુસાફરી દરમિયાન સૂવા માટેની સીટ આપી. ટ્રેનની ડાઇનિંગ કારમાં જમવાની સગવડ આપી.
વળી, અગાઉના રેલવેપ્રધાનો પ્રવાસ દરમિયાન સરકીટ હાઉસમાં ઉત્તરે. આમાં એમના માટે બધી વ્યવસ્થા હોય, પણ લાલબહાદુર રેલવેના ડબ્બામાં જ રહેવું પસંદ કરતા. ત્યાં જ આરામ કરતા, ત્યાં જ મળતા ને ત્યાં જ કામ કરતા. રેલવેપ્રધાન તો રેલવેના ડબ્બામાં જ હોય ને! એમની આવી સાદાઈ જોઇ સહુને લાલબહાદુર પોતીકા સ્વજન જેવા લાગતા. લાલબહાદુર શાસ્ત્રીમાં અનોખી હાસ્યવૃત્તિ હતી. પોતાની ઓછી ઊંચાઈને કારણે એ સ્વયં ઘણીવાર પોતાની મજાક કરતા. લાલબહાદુરના જીવનની એક સૌથી મોટી ઘટના ૧૯૫૬ના ઓગસ્ટ માસમાં મહેબૂબનગરપાસે રેલ્વે અકસ્માતમાં એકસો બાર માણસોના મૃત્યુ થયાં. લાલબહાદુરે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, પણ પંડિત જવાહરલાલ નહેરુએ તે સ્વીકાર્યું નહીં. ફરી ત્રણેક મહિના બાદ આવો અકસ્માત થતાં લાલબહાદુરે કહ્યું કે, 'તેઓ વધુ સમય આ પદ પર રહેવા તૈયાર નથી.'
આ સમયે એમના મિત્રે લાલબહાદુરને પૂછ્યું, 'એ બતાવો કે ભૂલ કોઈ કર્મચારીની હતી અને એનો અપરાધ તમે શા માટે પોતાના માથે લઇ લીધો? તમે તો જાતે જ તમારી જાતને 'ડીસમિસ' કરી.'
લાલબહાદુર હસ્યા અને જવાબ આપ્યો, 'હા, આ 'ડિસમીસ' શબ્દ સાચો છે. ખરેખર મેં મારી જાતને ડીસમિસ કરી. મને એવું લાગે છે કે મારા કાર્યમાં કોઇ ખામી હોય તો જ આવું બને અને મને મહાત્મા ગાંધીજીની એક વાત યાદ આવી છે.'
એમના મિત્રે પૂછ્યું, 'કઈ?'
'ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે પ્રધાનોએ ખુરશીને જકડીને નહીં બેસવું જોઇએ, પરંતુ એવી હળવાશથી બેસવું ઘટે કે એના પરથી ઊઠતાં સહેજે અચકાવું ન પડે. વળી, ભૂલ કોઇ કરતું અને દંડ ગાંધીબાપુ પોતે ભોગવતા હતા. તો તમે જ કહો, મેં નવું શું કર્યું છે? આ તો એ રાહબરે બતાવેલા માર્ગ પર જ હું ચાલ્યો છું.'
લાલબહાદુરની આ નિઃસ્વાર્થ વૃત્તિ જોઇ એમના મિત્રનું મસ્તક માનથી ઝૂકી ગયું.
રાજીનામું આપ્યા પછી લાલબહાદુર શાસ્ત્રી લોકસભામાંથી બહાર નીકળ્યા, ત્યારે રેલવેપ્રધાનની મોટર હાજર હતી, પરંતુ એમણે એમાં બેસવાનો ઇન્કાર કર્યો અને બસમાં બેસીને ઘેર પહોંચ્યા. આવા તો અનેક પ્રસંગો એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી મળ્યા છે. જેમ જેમ એ પ્રસંગો મળે છે તેમ તેમ લાલબહાદુરની સાદાઈ, સચ્ચાઈ અને દેશભક્તિથી ઝળહળતી પ્રતિભાનો અનુભવ થાય છે. કારમી ગરીબી અને અવિરત પુરુષાર્થ ખેડીને આવતો દેશનેતા જ દેશની નાડ પૂરેપૂરી પારખી શકે છે.
પ્રસંગકથા
હે ઇશ્વર! પૃથ્વીને બચાવવા માટે તમે પ્રયત્ન છોડશો નહીં...
મહેશનાં તોફાનથી આખો મહોલ્લો પરેશાન હતો. આસપાસના લોકો પણ એનાથી તંગ આવી ગયા હતા એટલે એનાથી દૂર રહેવાનું પસંદ કરતા. એને સલાહ આપવામાં પણ જોખમ હતું, કારણ કે એ સલાહ સાંભળવાને બદલે બોલનારને બીજી સલાહ આપતો.
એક દિવસ એની મમ્મીએ એને કહ્યું કે, 'તું કોલેજ જાય છે, ત્યારે રસ્તામાં એક મંદિર આવે છે. આ મંદિરમાં જઇને રોજ ભગવાનના દર્શન કરવા.'
મહેશે કહ્યું, 'એનાથી શું ફાયદો? ભગવાન મને કંઇ આપશે ખરા?'
માતાએ કહ્યું, 'હા, તારે રોજ મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરવી કે એ તને સારો છોકરો બનાવે. નિષ્ઠાવાન, ઇમાનદાર અને પ્રમાણિક બનાવે.'
એ પછી મહેશ રોજ કોલેજ જતા રસ્તામાં આવતા મંદિરમાં જઇને પ્રભુને પ્રાર્થના કરતો.
'હે ઇશ્વર! હું સારો છોકરો બનું તે માટે તમે મને મદદ કરજો અને જો એકવાર સફળ ન થાઉં તો એને માટે વારંવાર કોશિશ કરજો. તમે હિંમત હારશો નહીં.'
- આ વાત એમને એટલા માટે યાદ આવી કે પર્યાવરણની બાબતમાં મહાનગર, રાજ્ય, દેશ કે વિશ્વ મહેશના જેવી માનસિકતા ધરાવે છે. પર્યાવરણ દૂષિત થવાને કારણે આજે આખા જગતમાં રોજેરોજ એક યા બીજા પ્રકારની તબાહી સર્જાય છે. ક્યાંક અતિ હિમવર્ષા થાય છે, તો ક્યાંક હાડ ધુ્રજાવે તેવી અતિશય ઠંડી પડે છે. અગાઉના વર્ષો કરતાં વધુ ગરમીનો સહુને વધુ અનુભવ થયો છે. જંગલોમાં લાગતી આગ આમાં ઉમેરો કરે છે.
વિચિત્ર વાત એ છે કે દિલ્હી કે બેંગ્લોર હોય કે પછી જાપાન કે અમેરિકા હોય, બધા જ પર્યાવરણની હાનિને કારણે થતાં પરિણામો ભોગવે છે, પરંતુ કોઇ એને માટે નક્કર પગલાં ભરતું નથી. મહેશની માફક આ દેશો માત્ર નિષ્ઠાવાન અને પ્રામાણિક બનવાની પ્રાર્થના કરે છે અને પોતે નિષ્ઠાવાન કે ઇમાનદાર ન બને તો જાતે કોશિશ કરવાને બદલે ઇશ્વરને પ્રયત્ન કરવાનું કહે છે. પરિણામે પ્રદૂષણ ફેલાતું અને વધતું જાય છે. દિલ્હી શહેર એનું જીવંત ઉદાહરણ છે. વિદેશથી આવતા લોકો પણ આપણા પ્રદૂષણથી પરેશાની અનુભવે છે. આને માટે ચર્ચા, ચેતવણી, સેમિનાર ઘણા થાય છે, પણ કોઇ નક્કર પગલાં ભરતું નથી!