Get The App

અણુશસ્ત્રોથી મુક્ત વિશ્વ સર્જવા ચાહતું હિબાકુશા

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
અણુશસ્ત્રોથી મુક્ત વિશ્વ સર્જવા ચાહતું હિબાકુશા 1 - image


- અમારું સ્વપ્ન આથમી જશે, તો માનવજાતિનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે !

- આ પીડિતો 'કીડીની ગતિએ ચાલતા મગર' જેવા લાગતાં હતા. આંખ વિનાના અને ચહેરા વિનાના હતા. એમનાં માથાં મગર જેવા કાળાં થઈ ગયા હતાં. જેના પરનાં લાલ કાણાં એમના મુખને સૂચવતા હતા. આ મગર જેવા માણસો ચીસો પાડતા નહોતા, એમના મોંમાંથી અવાજ કાઢી શકતા નહોતા, એ જે ઘોંઘાટ કરતા હતા તે તો કોઈ કારમી ચીસથી પણ બદતર હતો.

આ દુનિયામાં રાજકારણ, અર્થકારણ, જનજીવન વિશેનાં ચોતરફ થતા વિચાર, ઘોંઘાટ કે કોલાહલને જગતના માનવીઓ સાંભળી રહ્યા છે, પરંતુ એમના કાન કોઈની ચીસ, કોઈનું આક્રંદ કે કોઈની બેહાલી પ્રત્યે બહેરાશ અનુભવે છે. વિદાય પામી છે કરૂણા. બધિર બની ગઈ છે સંવેદના! ગાઝા અને યુક્રેનમાં આવો ભીષણ માનવસંહાર થતો હોય અને મિસાઈલ દ્વારા ચોતરફ વિનાશ વેરવામાં આવતો હોય, ત્યારે માનવજાત કોઈ આશાનું કિરણ શોધી રહી છે અને આવા આશાના કિરણની ખોજમાં ૨૦૨૪નો નોબેલ શાંતિ પુરસ્કાર જાપાનની નિહોન હિડાંક્યો સંસ્થાને એનાયત કરવામાં આવ્યો છે. જેથી વધતી જતી હિંસા, વકરતા આતંક અને ભયાવહ બૉમ્બ ધડાકાની ઉપેક્ષા કરતી માનવજાતિને ૮૦ વર્ષ પૂર્વે સર્જેલી ભયાનકતાને યાદ કરે અને એમાંથી બોધપાઠ મેળવીને સાચા માર્ગે ગતિ કરવાનો પ્રયાસ કરે.

૧૯૪૫ના બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા સમયે અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેર પર બે અણુબૉમ્બ વીંઝ્યા. અસત્ય પણ સત્યનો વેશ પહેરીને કેવું આવે છે! છઠ્ઠી ઑગસ્ટે હિરોશિમા પર નંખાયેલા અણુશસ્ત્રનું નામ હતું 'લિટલ બૉય' અને નવમી ઑગસ્ટે નાગાસાકી પર થયેલા અણુશસ્ત્રનું નામ હતું 'ફેટ મેન'. આ સાવ નાના બાળક અને આ અતિ મેદસ્વી માનવીએ કેવો વિનાશક સંહાર કર્યો, એની કલ્પના કરવી મુશ્કેલ છે. હિરોશિમામાં નેવું હજારથી દોઢેક લાખ લોકો અને નાગાસાકીમાં સાઈઠ હજારથી એંસી હજાર લોકો અણુ બૉમ્બ વિસ્ફોટના પ્રથમ દિવસે મૃત્યુ પામ્યા.

કલ્પના કરો કે આ લોકોમાંથી સાઈઠ ટકા લોકો તો અણુશસ્ત્રની આગના ભડકાથી દાઝીને ભડથું થઈ ગયા હતા. ત્રીસ ટકા લોકો કાટમાળમાં દબાઈને રૃંધાઈને મૃત્યુ પામ્યાં હતાં અને દસ ટકા લોકો બીજાં કારણોથી મૃત્યુ પામ્યાં હતાં, પણ આ એક દિવસનું મોત નહોતું, કારણ કે એ પછી કેટલાંય મહિનાઓ સુધી એ અણુબૉમ્બને કારણે એના કિરણોત્સર્ગથી પ્રેરિત બીમારી, રેડિયેશન કૅન્સર અને અન્ય બીમારીથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. કોઈ આગના ભડકાનો ભોગ બનવાને લીધે તો કોઈ અન્ય ઈજાઓને કારણે તો કોઈ કિરણોત્સર્ગની માંદગીને કારણે કરૂણ મોત પામ્યા. કોઈને કૅન્સર થયું તો કોઈ લ્યુકેમિયાનો ભોગ બન્યા. આ ભયાવહ બૉમ્બમારાનો શિકાર બનેલા, પરંતુ મોતથી બદતર જિંદગી જીવવા માટે મજબૂર એવા પીડિતાને 'હિબાકુશા' કહેવામાં આવે છે. આ જાપાની શબ્દનો અર્થ છે - 'વિસ્ફોટથી આહત થયેલા લોકો'.

એ માનવીઓની હાલતનું વર્ણન કરતા ચાર્લ્સ પેલેગ્રનોએ એના 'ધ લાસ્ટ ટ્રેન ફ્રોમ હિરોશિમા' નામક પુસ્તકમાં એનું વિવરણ આપ્યું છે. એણે લખ્યું છે કે, 'આ પીડિતો 'કીડીની ગતિએ ચાલતા મગર' જેવા લાગતાં હતા. આંખ વિનાના અને ચહેરા વિનાના હતા. એમનાં માથાં મગર જેવા કાળાં થઈ ગયા હતાં. જેના પરનાં લાલ કાણાં એમના મુખને સૂચવતા હતા. આ મગર જેવા માણસો ચીસો પાડતા નહોતા, એમના મોંમાંથી અવાજ કાઢી શકતા નહોતા, એ જે ઘોંઘાટ કરતા હતા તે તો કોઈ કારમી ચીસથી પણ બદતર હતો. તેઓ સતત ગણગણાટ કર્યા કરતા હતા - ભરઉનાળાની રાત્રે તીડના અવાજની જેમ, બળીને કોલસા થઈ ગયેલા પગનાં ઠૂંઠાઓ પરથી લથડિયા ખાઈને જતો એક માણસ, જેના હાથમાં એક મૃત બાળક લઈને ઉતરી રહ્યો હતો.'

૨૦૦૬માં આવા ૧૬૫ લોકોનું દસ્તાવેજી ચિત્ર જ્યારે યુનોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું, ત્યારે સહુ કોઈ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડયા હતા. આ ભયાવહ બૉમ્બમારાને કારણે જાપાનને જે સહન કરવું પડયું, તે ઘટનાએ જાપાનને સમગ્ર વિશ્વમાંથી આણ્વિક શસ્ત્રની નાબુદીનું આંદોલન જગાવવા માટે પ્રેરિત કર્યું. આજે સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત રીતે અણુવિરોધી નીતિઓ ધરાવનાર જાપાન છે અને એણે 'હિબાકુશા' એટલે કે અસરગ્રસ્તોને માન્યતા આપી. હિરોશિમા અને નાગાસાકીનાં સ્મારકો અત્યાર સુધી બૉમ્બમારાને કારણે મૃત્યુ પામેલા 'હિબાકુશા'નાં નામોની યાદી ધરાવે છે અને બૉમ્બમારાની વાર્ષિક તારીખે આ યાદીઓને અદ્યતન કરવામાં આવે છે.

આજે જાપાનમાં બૉમ્બમારાથી બચી ગયેલા લોકો વસે છે અને વિશ્વના અન્ય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પણ આવા બૉમ્બમારાથી ગ્રસિત લોકો વસે છે, ત્યારે આવા લોકોના જીવન અને અધિકારોના સંરક્ષણ માટે જાપાનની નિહોન હિડાંક્યો અન્ય સંસ્થાઓ સાથે મળીને સહકાર સાધે છે. એનો મુખ્ય ઉદ્દેશ તો પરમાણુ યુદ્ધની અટકાયત અને પરમાણુશસ્ત્રોની નાબૂદી છે. આ જગતમાં ટૅકનોલોજીએ જે ભસ્માસૂર પેદા કર્યો છે એ જગતને ભસ્મીભૂત કરે તે પહેલાં એને ભસ્મીભૂત કરવાનો આશય છે. આ સંસ્થા પરમાણુ બૉમ્બથી થયેલા નુકસાન માટે રાજ્ય પાસેથી વળતર મેળવવામાં સહાય કરે છે અને બીજી બાજુ જગતને આ માર્ગેથી પાછા વળવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ સંસ્થા માને છે કે પરમાણુશસ્ત્રો શાંતિ લાવે છે, એ વિચાર સદંતર ભ્રામક છે અને એ હકીકત છે કે આજે પરમાણુશસ્ત્રો ધરાવતા દેશો જો બીજા દેશો પર અણુશસ્ત્રો વિંઝશે તો શું થશે? એના ભીતરી ભયથી જગત ફફડી રહ્યું છે. આ સંસ્થાના સહઅધ્યક્ષ તોશિયુકી મિમાકીએ કહ્યું કે, 'જો રશિયા એનો ઉપયોગ યુક્રેન સામે કરે અને ઈઝરાયેલ જો એનો ઉપયોગ ગાઝા સામે કરે તો એ દેશોનો તો અંત આવશે જ, પરંતુ એનાથી અણુશસ્ત્રો વિંઝવાનો અંત નહીં આવે. વિરોધી દેશો એકબીજા સામે એનો ઉપયોગ કરીને આખી દુનિયાને રોળી-તોળી નાખશે.'

આગામી પેઢીઓને પરમાણુ યુદ્ધની ભયાનકતાથી બચાવવી એ આપણી સૌથી મોટી ફરજ છે અને એ ફરજને અનુલક્ષીને આ સંસ્થા કાર્ય કરે છે. એ શસ્ત્રોને માનવજાતના સંપૂર્ણ અનિષ્ટ તરીકે ઓળખે છે. આજે હિબાકુશા એ દુનિયાને અણુબૉમ્બ રાખવાની અર્થહીનતા અને તેની ભયાવહ અનિષ્ટતાની સાક્ષી આપે છે.

આ સંસ્થા યુદ્ધની ભયાનકતા વિશે વખતોવખત અવાજ ઉઠાવે છે. અત્યારે એ ગાઝા યુક્રેનથી લઈને સુદાન, મ્યાનમાર સુધીની યુદ્ધની પરિસ્થિતિને જોઈને જગતને એની અવર્ણનીય પીડાનો ખ્યાલ આપે છે.

નોબેલ પુરસ્કાર વિજેતા નિહોન હિડાંક્યો સંસ્થાએ કહ્યું કે, 'આજે ગાઝાની સ્થિતિ એંસી વર્ષ પહેલાનાં જાપાન જેવી છે. એ સમયે જાપાનમાં બાળકોની જે સ્થિતિ હતી, એ જ આજે ગાઝામાં લોહીથી લથબથ એવાં બાળકોની છે.

 છેલ્લા પાનખરમાં આ સંઘર્ષ શરૂ થયો. ઈઝરાયેલી સરકારે ભૂખમરાનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તેથી આ બાળકો ભૂખમરાથી રીબાઈને મૃત્યુ પામી રહ્યાં છે. જે કોઈ બાળકો ઘાયલ છે એની પાસે જીવિત પરિવાર નથી.'

નોર્વેની નોબેલ સમિતિના વડા જોર્ગેન વાટને ફ્રાયડનેસે આ પુરસ્કાર જાહેર કરતી વખતે કહ્યું કે, 'આજે જગતને પરમાણુશસ્ત્રોની ભયાવહતા સામે જાગવાની જરૂર છે. કેટલાય નવા દેશો પરમાણુશસ્ત્રો તૈયાર કરવા માટે થનગની રહ્યા છે અને કેટલેય સ્થળે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુશસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપવામાં આવે છે.'

વળી, બીજી બાજુ પરમાણુ શક્તિઓ એમના શસ્ત્રાગારોને આધુનિક અને અપગ્રેડ કરી રહ્યા છે. એટલે જાપાન પર ફેંકાયેલા અણુબૉમ્બ કરતા આજના અણુબૉમ્બની શક્તિ ઘણી વિનાશક છે. એ લાખો લોકોને મારી શકે છે અને વિનાશકારી આબોહવા સર્જી શકે છે. પરમાણુ યુદ્ધ એ માનવસંસ્કૃતિનો સર્વનાશ કરી નાખશે. આવે સમયે જાપાનમાં નાખવામાં આવેલા પરમાણુ બૉમ્બથી અસરગ્રસ્ત પણ બચી ગયેલા લોકો માટે નિહોન હિડાંક્યો દ્વારા આ ચળવળ ચલાવે છે. માનવજાતિ માટે શાંતિપૂર્ણ ભવિષ્યની પૂર્વ શરત રૂપે પોતાના કાર્યને જોઈ રહ્યા છે. બૉમ્બમાં બચી ગયેલા લોકોની પીડાદાયક યાદો હોવા છતાં શાંતિ માટે એમના અનુભવનો ઉપયોગ કરે છે.

છેલ્લાં એંસી વર્ષમાં યુદ્ધમાં હજી કોઈ દેશે પરમાણુશસ્ત્રનો ઉપયોગ કર્યો નથી, પરંતુ એ ક્યારે થશે એના ભય હેઠળ આજે માનવજાત જીવી રહી છે અને એવે સમયે 'હિબાકુશા' અણુશસ્ત્રોથી મુક્ત વિશ્વ સર્જવા માગે છે. પોતાની સાક્ષી અને જુબાનીથી દર્શાવવા માગે છે કે પરમાણુશસ્ત્રોનો ફરી ક્યારેય ઉપયોગ થવો જોઈએ નહીં.

શું આ ખરેખર સાચું છે? ત્યારે નિહોન હિડાંક્યો સંસ્થાના સહઅધ્યક્ષ અને ૧૯૪૫ના હિરોશિમા પરના પરમાણુ બૉમ્બ ધડાકામાં બચી ગયેલા એવા તોશિયુકી મિમાકીએ આંખમાં આંસુ સાથે કહ્યું, 'પરમાણુશસ્ત્રોથી મુક્ત એવું વિશ્વ સર્જવાનું અમારું સ્વપ્ન છે. જો એ સ્વપ્ન આથમી જશે તો માનવજાત આથમી જશે.'

પ્રસંગકથા

બળી ગયેલી રોટલી ભાવે છે?

વાત છે એ.પી.જે. અબ્દુલ કલામ આઠેક વર્ષના હતા ત્યારની. એકવાર સમી સાંજે પરિવાર સાથે સહુ ભોજન માટે બેઠા હતા. અબ્દુલ કલામના પિતા પણ પોતાનું કામકાજ પતાવીને ઘેર આવ્યા હતા. એવામાં બન્યું એવું કે એમના પિતાની થાળીમાં એક બળી ગયેલી રોટલી મુકાઈ ગઈ હતી. એમના પિતાએ શાંતિથી એ રોટલી ખાઈ લીધી. એ રાત્રે અબ્દુલ કલામે એમની માતાને ભોજનમાં અપાઈ ગયેલી રોટલી માટે પિતા પાસે માફી માગતા સાંભળ્યાં.

ડૉ. કલામના પિતાએ ખૂબ પ્રેમથી કહ્યું, 'અરે! મને અપાઈ બળી ગયેલી રોટલી પણ ખૂબ ભાવે છે.'

આ સાંભળી વિદ્યાર્થી અબ્દુલ કલામને આશ્ચર્ય થયું. એમણે વિચાર્યું કે, 'બળી ગયેલી રોટલી તો કોને ભાવે? તો પિતાજીએ આમ શા માટે કહ્યું હશે?'

એમણે એમના પિતાને આ વિશે પૂછયું, તો એમના પિતાએ ઉત્તર આપ્યો, 'બેટા! બળેલી રોટલીઓ ક્યારેય કોઈને નુકસાન નથી પહોચાડતી, પરંતુ કડવા શબ્દો ચોક્કસ નુકસાન પહોંચાડે છે. એટલા માટે સંબંધમાં એકબીજાની ભૂલને પ્રેમથી સ્વીકારો અને પરસ્પર પ્રત્યે સંવેદના રાખો.'

આપણા માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના બાળપણની આ વાત એમને એટલા માટે યાદ આવી કે આજે ધીરે ધીરે દેશમાંથી કૌટુંબિક સ્નેહ વિદાય લેવા માંડયો છે. સંયુક્ત પરિવાર હવે રહ્યો નથી અને પશ્ચિમના પવનને કારણે વ્યક્તિસ્વતંત્ર્યે પરસ્પરના લાગણીમય સંબંધોનો છેદ ઉડાડી દે છે.

પશ્ચિમની આધુનિક શૈલી સ્વીકારીએ છીએ, પરંતુ એમની કાયદાપાલનની વૃત્તિ અને એમના શસ્ત્રબદ્ધ આચાર-વ્યવહાર સ્વીકારતા નથી. એક તરફ લિવ-ઈન પાર્ટનર જેવી વ્યવસ્થાએ આપણાં વૈવાહિક મૂલ્યોને નષ્ટ-ભષ્ટ કરી નાખ્યા છે. એકબાજુ સ્વેચ્છાચાર વધ્યો છે, તો બીજી બાજુ દાંપત્યમાં દાવાનળ સળગતો જ રહે છે.

આજે માતાનાં મીઠાં હાલરડાં, પરિવારની હૂંફ, વડીલોની કેળવણી અને દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ ભુલાઈ રહ્યો છે. આથી બન્યું છે એવું કે પશ્ચિમની સંસ્કૃતિએ જનજીવનમાં સ્વચ્છંદતા આપી અને એની ચકાચૌંધમાં આપણે આપણી હજારો વર્ષ જૂની મૌલિક, માયાળુ અને માનવતાવાદી સંસ્કૃતિનો ત્યાગ કરી રહ્યા છીએ.


Google NewsGoogle News