કેમેરામાંથી નીકળતી ચીસ હૃદયને કંપાવતી હતી
- આવતી પેઢીને ભેટમાં આપીશું આવી યયાતિ સંસ્કૃતિ
- સેબેસ્ટિઓ સાલ્ગાડો
- વક્ત સબ કો મિલતા હૈ,
અપની જિંદગી બદલને કે લિયે,
મગર જિંદગી દોબારા નહીં મિલતી,
હમેં વક્ત બદલને કે લિયે.
કેવી ભયાવહ યયાતિ સંસ્કૃતિનું આજે આપણે સર્જન કરી રહ્યા છીએ. રાજા યયાતિએ યુવાન બનવા માટે પોતાના પુત્ર પાસેથી યુવાની લીધી અને દીકરાને બુઢાપો આપ્યો. એ જ રીતે આજે પશુ, પક્ષી, વૃક્ષો સઘળાનો ભયાવહ વિનાશ કરતો માનવી આવતી પેઢીને યયાતિ સંસ્કૃતિ આપી રહ્યો છે. માનવીની કાષ્ઠ-ભૂખ એટલે કે લાકડાંની ભૂખ એટલી બધી છે કે એણે બેરહમીથી જંગલોનો વિનાશ કરવાનું બીડું ઝડપ્યું છે. માનવજાત પર અગાધ ઉપકાર કરનાર વૃક્ષનું છેદન કરતાં એનું રૂંવાડુંય ફરકતું નથી. સિમેન્ટનાં જંગલો ઊભાં કરતી વખતે એણે વૃક્ષનું બેફામ નિકંદન કાઢ્યું છે અને પરિણામે થોડાં વર્ષો પછી એવો સમય આવે ય ખરો કે જ્યારે માણસને ઑક્સિજન વિના જીવવું પડે.
બીજું બધું તો ઠીક, પણ હું તમને કહું કે માત્ર પાંચ જ સેકન્ડ માટે આ પૃથ્વી પરથી ઑક્સિજન ગાયબ થઈ જાય, તો આ પૃથ્વીની કેવી મહાદુર્દશા સર્જાશે એની તમે કલ્પના કરો! જો પાંચ સેકન્ડ માટે આમ થાય તો પૃથ્વીની સપાટી પર હાજર ઓઝોન સ્તર અદ્રશ્ય થઈ જશે અને સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી માનવજાત શેકાવા લાગશે. એની ચામડી ભડભડ સળગતી હોય એવો અહેસાસ થશે અને ચામડીનાં અસાધ્ય રોગોથી એ ઘેરાઈ જશે. જો ઑક્સિજનની અછત ઊભી થાય તો હાઈડ્રોજન અને ઑક્સિજનનું બનેલું પાણી બાષ્પ બનીને ઉડવા લાગશે. પરિણામે મહાસાગરો સુકાવા માંડશે અને જળચરોના અસ્તિત્વ પર મહાસંકટ આવશે.
ગાડી અને હવાઈ જહાજ વગેરે વાહનોમાં એન્જિન ઈંધણને બાળવા માટે ઑક્સિજનની જરૂર હોય છે અને જો આ ઑક્સિજન ગાયબ થઈ જાય તો મોટર થંભી જશે અને આકાશમાં ઊડતાં વિમાન અને હેલિકોપ્ટર નીચે પડવા લાગશે. આપણા વાતાવરણમાં એકવીસ ટકા ઑક્સિજન એ છોડ, પ્રાણીઓ, પાણી અને માણસને જીવવા માટે જરૂરી છે. આ ઑક્સિજન વિના હુવર ડેમથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનાં કોંક્રીટથી બનેલા બાંધકામ તૂટી જશે, ઑક્સિજન એ કાર્બન ડાયોક્સાઈડનો એક ભાગ છે, જે કોંક્રીટ સ્ટ્રકચરમાં આવશ્યક એવું બાઈન્ડર છે અને તેના વિના સંયોજનો તેને મક્કમ રીતે પકડી સકતા નથી.
દિવસ દરમિયાન આકાશમાં અંધારું થઈ જશે, પૃથ્વીની સપાટી ક્ષીણ થશે, સુંદર અને વાદળી આકાશમાં સંપૂર્ણપણે અંધારું છવાઈ જશે. સરેરાશ માનવી રોજ અંદાજે પાંચસો પચાસ લીટર ઑક્સિજન વાપરે છે. આવા ઑક્સિજનની આવશ્યકતાને આજે આપણે નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ આવું વધુ સમય ચાલુ રહ્યું તો માણસને ઑક્સિજનનું સિલિન્ડર લઈને બહાર નીકળવું પડશે. આવી ભયાવહ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે આ જગતમાં એક તસવીરકાર મેદાને પડયો છે. તસવીર એ બોલતો દસ્તાવેજ છે અને બ્રાઝિલનાં જંગલોની ઈકોસિસ્ટમને પુનર્જીવિત કરીને વીસ વર્ષમાં વીસ લાખ વૃક્ષો વાવ્યાં છે.
બ્રાઝિલના એટલાન્ટિક કિનારે ૭૦ માઈલનાં અંતરિયાળ મિનાસ ગેરાઈસ રાજ્યમાં ૧,૭૫૦ એકરનું એક વિશાળ ખેતરનું હતું. એની શુદ્ધ જળ ધરાવતી રિયો ડોસ નદી ખીણમાં વહેતી હતી. એમેઝોન પછી આ એટલાન્ટિક જંગલ સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતું હતું. એમાં એક એકરમાં અસંખ્ય વૃક્ષોની પ્રજાતિ જોવા મળતી અને આ સમગ્ર પ્રદેશમાં અર્ધા ખેતરો અને અર્ધા પ્રદેશમાં રિયો ડોસ નદીની ખીણ હતી. આવા વાતાવરણ વચ્ચે ઉછરેલાં સેબેસ્ટિઓ સાલ્ગાડોના મનમાં આ રળિયામણા પ્રદેશની ભૂમિ છવાઈ ગઈ હતી અને એ પ્રદેશની તસવીરો ઝીલીને સાલ્ગાડો આનંદવિભોર બનીને નાચી ઊઠતો હતો.
સાલ્ગાડોનાં પિતા ફાર્મસિસ્ટ, ખચ્ચરથી ચાલતી ટ્રેનના ડ્રાઈવર અને ખેડૂત હતા. એમણે બ્રાઝિલનાં બીજા ખેડૂતોની માફક જંગલ કાપીને લાકડું વેચ્યું. એની સ્લેસ સળગાવી અને પછી એના પર પ્રાણીઓને ખવડાવવા માટે આફ્રિકન ઘાસનું વાવેતર કર્યું. આમ કરવા જતા એટલાન્ટિક જંગલનાં દસ ટકા જંગલો ઓછાં થયાં અને પછી ૧૯૮૦ના દાયકામાં તો બ્રાઝિલનાં જંગલોનો વધુને વધુ વિનાશ થતો ગયો. એકવાર એણે અંતરિક્ષમાંથી લેવાયેલી છબીમાં પોતાનો પ્રદેશ નિહાળ્યો અને એણે જોયું કે એનો પ્રદેશ વૈશ્વિક પર્યાવરણનાં વિનાશના નવા યુગમાં લગભગ નષ્ટ થઈ ગયો છે. બ્રાઝિલ ખતરનાક ગતિએ ઔદ્યોગિકીકરણ તરફ દોડી રહ્યું હતું અને વિકાસની આ દોડમાં પર્યાવરણનો વિનાશ સતત થતો હતો. મહાનગરો અને એની આસપાસનાં ઉપનગરોમાં કારખાનાંઓ ઊભાં થતાં હતાં અને પોર્ટ પર જહાજો ઊભરાતા હતા. બીજી બાજુ આપણા દેશની જેમ જ ગ્રામીણ સ્થળાંતર કરનારાઓથી નગરો છલકાઈ રહ્યાં હતાં. આ બધી પરિસ્થિતિએ સાલ્ગાડોને વ્યથિત કરી દીધો.
અતિઆધુનિક એવા વિટોરિયાની વતની લેલિયા વેનિક સાથે એનાં લગ્ન થયાં, પરંતુ એ સમયે બ્રાઝિલમાં સરમુખત્યારશાહીનું દમન વધતું ગયું. એમનાં કેટલાક મિત્રો અને સાથીઓની ધરપકડ થઈ. કેટલાંક પર જુલમ ગુજારવામાં આવ્યો, તો કેટલાંક ગાયબ થઈ ગયા. આથી સાલ્ગાડો અને લેલિયા બ્રાઝિલથી નાસીને પેરિસમાં સ્થાયી થયા. લેલિયાએ પોતાના આર્કિટેક્ચરના અભ્યાસ માટે ઈમારતોની તસવીરો ખેંચવાનું શરૂ કર્યું અને પચાસ કિ.મી.ના લેન્સ સાથે પેન્ટાક્સ સ્પોટમેટિક-ટુ કેમેરા ખરીદ્યો અને સાલ્ગાડોએ વિશ્વની વેદના આલેખતા તસવીરકાર બનવાનું નક્કી કર્યું.
એના પિતાને લાગ્યું કે એમનો દીકરો પાગલ થઈ ગયો છે, પરંતુ અનેક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સાલ્ગાડોએ તસવીરકાર તરીકે એની કામગીરી શરૂ કરી. પેરિસ શહેરની ઝૂપડપટ્ટીઓમાં ગયો, પોર્ટુગલ અને ઉત્તર આફ્રિકાથી ફ્રાંસમાં વસવાટ માટે આવેલા લોકોના જીવનની તસવીરો લીધી. એ પછી કોલસાની ખાણમાં કામ કરતા પોલેન્ડનાં વસાહતીઓની તસવીરો લીધી અને આમ સાલ્ગાડો સામાજિક દસ્તાવેજી તસવીરકાર બની ગયો. આને માટે કેટલાંય માઈલો સુધી જીપમાં મુસાફરી કરતો, પગપાળા લાંબું અંતર કાપતો, કોઈ તૂટી-ફૂટી ઝૂંપડીમાં કે તંબુ-કૅમ્પમાં સૂતો હતો અને એણે વેદનામય જીવન ગાળતા જુદા જુદા સમાજોની હૂબહૂ તસવીર ઝીલી.
નાઈજર, મોઝામ્બિક, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોલિવિયા, કુવૈત જેવા દેશોના વેદનાગ્રસ્ત જીવન જીવતા માનવચહેરાઓને એણે પોતાના કેમેરામાં કેદ કર્યાં. કાળી મજૂરી કરતાં કામદારો, માંડ જીવ બચાવીને સ્થળાંતર કરતા લોકો, પાંચેય ખંડોમાં ચાલી રહેલો નરસંહાર અને કારમા દુષ્કાળનાં દ્રશ્યો એણે એના કેમેરામાં ઝીલ્યાં.
આની સાથે એ પુસ્તકોનું પ્રકાશનકાર્ય કરવા લાગ્યો અને વિશ્વની રાજધાનીઓમાં પોતાની તસવીરોનું પ્રદર્શન ગોઠવવા લાગ્યો. ૨૦૧૪માં 'ધ સોલ્ટ ઑફ ધ અર્થ' નામની એના જીવન વિશેની દસ્તાવેજી ફિલ્મ ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી અને એણે કાન ફિલ્મોત્સવમાં જ્યુરી પુરસ્કાર જીત્યો હતો. સાલ્ગાડોએ નમ્રતાથી કહ્યું કે, 'એની સફળતા માત્ર પૃથ્વી પરનાં એના સમય અને સ્થાનને આભારી છે.'
ઘોર અવ્યવસ્થા વચ્ચેનું લાચાર લોકજીવન, આંધળું ભૌતિકવાદી શહેરીકરણ એ સઘળાં એના વિષયો બન્યાં. એવામાં બ્રાઝિલમાં સરમુખત્યારશાહીનું પતન થતાં સાલ્ગાડો અને લેલિયા પોતાની માતૃભૂમિમાં પાછા આવ્યાં. અહીં એમણે જમીનવિહોણા ખેડૂતોની ચળવળનાં ફોટા પાડવાની પાછળ વર્ષો વીતાવ્યાં. અર્થવ્યવસ્થા બદલાતી હતી, કોર્પોરેટ માલિક ખેતીની જમીન પર દાવો કરતા હતા અને ત્યારે એમણે આ જમીનવિહોણા ખેડૂતોને માટે પોતાની તસવીરકલા દ્વારા જનજાતિનું સર્જન કર્યું.
એમેઝોન નદીનાં જંગલોમાં ઊંડે ઊંડે વસતા આવા અને યનોમામી આદિવાસીઓનાં જીવન પર થઈ રહેલા અતિક્રમણને એમણે તસવીરમાં કેદ કર્યું. આને માટે પારાવાર મુશ્કેલીઓ સહન કરી. માંડ માંડ એ પ્રદેશમાં પહોંચ્યા અને પછી એ પ્રદેશનાં લોકો સાથે ધીરે ધીરે હળીમળીને એ તસવીરોમાં એમનું જીવન, એમની વેદના, બેહાલી અને અતિક્રમણને પ્રગટ કરતી તસવીરો ઝીલી. સાલ્ગાડોએ પરંપરાગત જમીનો પર જંગલોનું નિકંદન કરનારા ખાણિયાઓનાં આક્રમણની વાત કરી અને બ્રાઝિલમાં આધુનિકીકરણ ચાલતું હતું, ત્યારે એના કામદારો, અર્થવ્યવસ્થા અને પર્યાવરણની વાત કરી.
આમ, ૧૨૦ દેશોમાં જગતમાં તરછોડાયેલા બુભુક્ષિત, વેદનાગ્રસ્ત માનવીઓની તસવીરો ઝીલતા ઝીલતા સાલ્ગાડો જંગલોનાં બેફામ થતા નિકંદન સુધી પહોંચી ગયા. ઑક્સિજન વિનાની પરિસ્થિતિનો વિચાર કરવા લાગ્યા. આજ સુધી કેમેરામાં જનજીવનની ચીસને આલેખનારાઓએ હવે સક્રિય રીતે જનજીવનમાં પરિવર્તન લાવવાનો ભગીરથ નિર્ધાર કર્યો.
પ્રસંગકથા
નારી ખુદ જટાયુ બને
ગીધરાજ જટાયુએ સીતાની ચીસો સાંભળી. એણે જોયું કે લંકાનો રાજવી રાવણ સીતાનું અપહરણ કરીને, રથમાં લઈને ભાગી રહ્યો હતો. રાવણના રાક્ષસી હાથમાં આક્રંદ કરતા સીતાને જોયા.
ગીધરાજ જટાયુને રાવણની શક્તિનો પૂરો ખ્યાલ હતો. બળવાન રાવણને પરાજિત કરવો એ એને મન શક્ય નહોતું, પરંતુ બળવાનનો આવો બળાત્કાર કઈ રીતે સાંખી શકાય? રઘુવીર રામચંદ્રના પત્નીને આ ઉપાડી જાય તે કેમ ચાલે?
જટાયુએ વિચાર્યું કે મારામાં જેટલી શક્તિ હશે એનાથી રાવણનો સામનો કરીશ. રઘુવંશના પુત્રવધૂનું મારી નજર સામે અપહરણ થાય તે કેમ ચાલે? આવા અન્યાયને સાંખી લેવા જેવો બીજો કોઈ અન્યાય નથી. ગીધરાજ જટાયુએ રથમાં સીતાનું અપહરણ કરીને જતા રાવણને પડકાર કર્યો. એણે કહ્યું, 'હે સીતા, દીકરી, તમે ડરશો નહીં. હું હમણાં જ એ રાક્ષસને મારી નાખીશ.'
જટાયુ પોતાની સઘળી શક્તિ એકઠી કરીને રાવણ પર તૂટી પડયો. જાણે મોટા પર્વતને તોડવા માટે વજ્ર છૂટયું ન હોય!
જટાયુએ રાવણને પડકાર્યો અને કહ્યું, 'અરે હરામખોર! જરા ઊભો રહે. તું મને ઓળખતો નથી.' આમ કહીને જટાયુએ રાવણના વાળ પકડીને એને રથમાંથી ખેંચી કાઢ્યો. રાવણ ધરતી પર પડયો. ગીધરાજ જટાયુએ ચાંચ મારી-મારીને રાવણના શરીરને લોહીલુહાણ કરી નાખ્યું. પરિણામે રાવણ થોડીવાર મૂર્છિત થઈ ગયો.
મૂર્છા વળતાં રાવણનો ક્રોધ ફાટી નીકળ્યો. એણે અનિવાર્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાય તેવી ભયાનક તલવાર કાઢી અને જટાયુની પાંખ કાપી નાંખી. રાવણને ખબર હતી કે જટાયુ એને હરાવી શકે તેમ નથી, પરંતુ એની યોજનાને વિલંબમાં નાખી શકે તેમ છે, એને અટકાવી શકે તેમ છે, આથી જ રાવણે વિશિષ્ટ શક્તિ ધરાવતી તલવારનો જટાયુ સામે ઉપયોગ કર્યો. અદ્ભુત પરાક્રમ દાખવી ગીધરાજ જટાયુ રામનું સ્મરણ કરતાં કરતાં ધરતી પર ઢળી પડયા. અન્યાય કરે તે રાવણ અને અન્યાયની સામે પડકાર કરે તે જટાયુ.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે એક સમયે આ દેશને જટાયુની જરૂર હતી. જેણે હારવાની સ્થિતિ અને પ્રાણ ગુમાવવાની પરિસ્થિતિ હોવા છતાં અન્યાય સામે પડકાર કર્યો. આજે દેશમાં ચોતરફ રાવણો મ્હાલે છે, વધુને વધુ બળાત્કારની ઘટનાઓ બને છે, ત્યારે હવે દેશની સ્ત્રીઓએ ખુદ એમના શીલ અને ગૌરવની રક્ષા કાજે જટાયુ બનવાની જરૂર છે. જો આ રાવણનો પરાજય નહીં થાય, તો દેશમાં અનૈતિક્તા ફૂલતી ફાલતી રહેશે અને નારીનું જ નહીં, બલ્કે સંસ્કૃતિનું રોજેરોજ ચીરહરણ થતું રહેશે.