Get The App

સત્ત્વના દીવાની રક્ષા કરીશ, તો સત્તાનો સાગર નાનો લાગશે

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
સત્ત્વના દીવાની રક્ષા કરીશ, તો સત્તાનો સાગર નાનો લાગશે 1 - image


- ચક્રવર્તી રાજાના દરબારમાં સાધુ જાય, તેમાં સાધુ કે રાજાની શોભા નથી!

- ભરતદેવ અને બાહુબલિ વચ્ચે યુદ્ધના મેદાન પર દાવ ખેલવાનું નક્કી થયું. ધરતી કાંપી ઊઠી અને આસમાન ગાજી ઊઠયું. આ વખતે શાંતિના દૂતોએ એક યોજના મુકી. સત્તા માટે મથતા ભરતદેવ અને બાહુબલિ - બે મહારથીઓ ભલે લડે, પરંતુ નાહક શસ્ત્રો અને સેનાનો આટલો બધો સંસાર શા માટે!

- કભી હસના, કભી રોના, યહી તો જિંદગી હૈ,

કહીં પાના, કહીં ખોના, યહી તો જિંદગી હૈ,

કહીં ખુશીયાં, કહીં ગમ, યહી તો જિંદગી હૈ,

કુછ હકીકત, કુછ સપને, યહી તો જિંદગી હૈ.

સંસારના સત્તાધીશો એક અરીસો પાસે રાખે તો? એમાં પોતાનું પ્રતિબિંબ નિહાળે તો? એક જમાનામાં સત્તાધીશો પોતાના આવાસમાં વિશાળ અરીસાભવન રાખતા અને જ્યારે પ્રવાસોમાં, યુદ્ધોમાં કે પર્યટનોમાં અરીસાભવન સાથે રાખી શકતા નહીં, ત્યારે વિદ્વદમંડળ કે ઋષિમંડળ સાથે રાખતા. એ અરીસાનું કામ કરતા. જેવું હોય તેવું એમને સ્પષ્ટ પ્રત્યક્ષ રૂપે કહેતા. સિકંદર બાદશાહ પ્રખર વિદ્વાનો અને અમર થયેલા ગ્રંથો પોતાની સાથે રાખતો.

માણસને માણસાઈમાં મળવાની આ એક સાદી રીત હતી. છતાં એમાંય ખામી હતી. અરીસા ગમે તેટલા સાથે હોય, એ ગમે તેટલા સ્વચ્છ હોય, પણ એને જોનારી આંખો યથાર્થ ન હોય તો? તો સઘળું વ્યર્થ થાય.

સંસારના પહેલા સત્તાધીશ અને ભગવાન ઋષભદેવના પુત્ર ભરતદેવ વિજય પર વિજય મેળવીને ચક્રવર્તી થયા. ચક્રવર્તી થયા પછી દિલમાં એક દિવસ એવી ભાવના જાગી કે પંચશીલ જેવા માનવીય આદર્શોના પ્રચાર માટે મારી પાસે સત્તા હોવી ઘટે! એવો કોઈ દેશ હોવો ન જોઈએ જ્યાં આ માનવીય તત્ત્વોના પ્રચાર માટે ફરતાં મારા રાજરથનું ચક્ર અટકે. યુદ્ધોને અને વિજયોને શરમાવે તેવો આ પ્રયાસ હતો. પગદંડીઓ ન હતી, પુલો નહોતા, ભાષાઓ અને ભાઈચારો તો ક્યાંથી હોય! મોટા ભાગની માનવસમાજ સાવ પ્રાથમિક અવસ્થામાં હતો.

શત્રુઓ સર્વત્ર હતા. એમના ઘરમાં, એમના કિલ્લાઓમાં જઈને એમને પડકારવાના હતા. સામી છાતીએ લડીને યુદ્ધ ખેલવાનાં હતાં.

અનેક યુદ્ધો કર્યાં. ભવ્ય વિજયો હાંસલ કર્યા. છ ખંડમાં ભરદેવના રથનું ચક્ર નિરંકુશ રીતે ફરવા લાગ્યું. એ ચક્રવર્તી કહેવાયા.

સાથ અનેકનો હતો. એમનો વિજય અનેક નિર્દોષ માનવીના મોત પર સવારી કરીને આગળ વધ્યો હતો. અપંગ ને અંધ થઈને પ્રજાજનોએ ભરતદેવને ચક્રવર્તી સર્જ્યા હતા. એની પાછળ અનેકની મહેનત, કામગીરી ને આત્મભોગ હતાં અને આશ્ચર્ય તો જુઓ, એ વિજયનો ગર્વ માત્ર એક ભરતદેવ ચક્રવર્તીને જ ચડયો.

અરે! મેં આ વિજય મેળવ્યો. આખું ભૂમંડલ મેં વશ કર્યું! મારી અધીનતા ન સ્વીકારે, એ મારા રાજ્યમાં સુખે રહી શકે નહીં. પૃથ્વી પર વસી શકે નહીં! પહેલો પડઘો પરિવારમાં પડયો. ભરતદેવના જ ભાઈઓએ કહ્યું, 'અમે આધીન નથી. સ્વતંત્રતાની તમને કિંમત છે, તો અમને પણ છે. તમારા ગર્વનું શરણ અમે સ્વીકારી શકીશું નહીં.'

એ ભાઈઓએ યુદ્ધ કરવાને બદલે એમનું રાજ અને રાજભાગ છોડીને સાધુ થઈને જંગલમાં ચાલ્યા ગયા. આ ઘટનાએ વળી ચક્રવર્તી ભરતદેવને અભિમાન જગાડયું. એ સત્તાનો નિરંકુશ ઉપયોગ કરવા લાગ્યા.

પણ દરેક માણસ સત્તાને આધીન થતો નથી. બધા બાજુએ ખસી જઈને માર્ગ કરી આપતા નથી, કોઈ પડકારનારો પણ હોય છે.

ભરતદેવના ભાઈ બાહુબલિએ ભરતદેવની વિશાળ સત્તાને પડકારી. એક કેસરી બીજા કેસરીનું અસ્તિત્વ સહન કરી શકતો નથી, એમ એક સત્તા બીજી સત્તાની જોહુકમી સાંખી શકતી નથી.

ભરતદેવ અને બાહુબલિ વચ્ચે યુદ્ધના મેદાન પર દાવ ખેલવાનું નક્કી થયું. ધરતી કાંપી ઊઠી અને આસમાન ગાજી ઊઠયું. આ વખતે શાંતિના દૂતોએ એક યોજના મુકી. સત્તા માટે મથતા ભરતદેવ અને બાહુબલિ - બે મહારથીઓ ભલે લડે, પરંતુ નાહક શસ્ત્રો અને સેનાનો આટલો બધો સંસાર શા માટે!

પરાજયનો પછડાટ પણ અજબ હોય છે!

ધર્મવીર ભગવાન ઋષભદેવના બંને પુત્રો સામસામે આવીને યુદ્ધમાં ઉતર્યાં. પહેલું યુદ્ધ હતું દ્રષ્ટિ યુદ્ધ, બીજું યુદ્ધ હતું વાગ્ યુદ્ધ, ત્રીજું ભોજા યુદ્ધ અને આ ત્રણેય યુદ્ધમાં ભરત પરાજિત થયા. ચોથું મુષ્ટિ યુદ્ધ હતું અને વજ્રને ચૂર્ણ કરનારી મુઠ્ઠીનો પ્રહાર બાહુબલિ કઈ રીતે વેઠશે? અને બાહુબલિ કમર સુધી ઊંડો પૃથ્વીમાં ખૂંપી ગયો અને ભરતે ચક્રરત્ન એકાએક છૂટું મુક્યું, ત્યારે એ બાહુબલિ પાસે જઈને પાછું ફર્યું અને પછી બાહુબલિએ પોતાની મુષ્ટી ગુમાવી પણ એ સમયે એણે વિવેક દીપના પ્રકાશમાં પોતાના કર્તવ્યને નાણી જોયું. પોતાની વ્રજપાત જેવી મુષ્ટી સંહરી લીધી. બાહુબલિએ સામે ચાલીને પરાજય સ્વીકારી લીધો. અગાઉ પોતાના બાંધવો જે વિરાગના માર્ગે ચાલ્યા હતા એ માર્ગે વળી ગયા.

પરાજિત આત્મા, બાહુબલીના સંસારે વિજયગીત ગાયાં, પણ સત્તાનો મદ અપૂર્વ હોય છે. આ મહત્ત્વના બનાવને ભરતદેવે હસી કાઢ્યો.

દિવસો વીત્યા. ભરતદેવને ખબર પડી કે પોતાના ધર્મવીર પિતા ઋષભદેવ અહીંથી પસાર થવાના છે. પિતા જેની પાસે રાજ્ય હતું, એ આ જ ભિક્ષુક હતા. જેની પાસે અન્નના ભંડારો હતા, એ આજે ઉપવાસ કરતા અથવા ગોચરી (ભિક્ષા) માંગતા  જેની પાછળ વફાદાર સેવકો સેવા માટે ફરતા, એ આજે કીડીની પણ સેવામાં માનતા. રાયને પણ જેબ આપે એવું રંકપણું એ શોભાવતા હતા. ભરતદેવે રાજશાહી ખાણાં તૈયાર કરાવ્યાં.

ભરતદેવે પોતાના ત્યાં પધારવા નિમંત્રણ પાઠવ્યું. સામે જવાબ મળ્યો, 'ચક્રવર્તી રાજાઓના દરબારમાં સાધુઓ જાય, એ સાધુની ને રાજાની શોભા નથી. ચક્રવર્તી રાજા સાધુની ઝુંપડીએ જાય એમાં બંનેની શોભા છે.'

ભરતદેવ ધર્મવીર પિતાના પગે પડયા, ભોજન સ્વીકારવા આગ્રહ કર્યો. ધર્મવીર પિતાએ કહ્યું, 'સાધુ માટે રાજપિંડ માંસપિંડ બરાબર છે.'

સત્તાધીશોના ચરણ પંપાળતા સાધુઓ સમસમી ઊઠે એવો આ ઉત્તર હતો. સત્તાધીશ ભરતદેવે કહ્યું, 'અરીસાભવનમાં રોજ દિવસનો ઉત્તરાર્ધ ગાળું છું.'

ધર્મવીરે કહ્યું, 'અરીસો શું કરે? એને જોવા આંખ જોઈએને! દ્રષ્ટિ એવી સૃષ્ટી!'

'મને દ્રષ્ટિ આપો. આંખ આપો!'

ધર્મવીર સાધુ પિતા બોલ્યા, 'એક વેપારી હતો. એની પાસે કેટલાંય વહાણ હતાં. અઢળક સંપત્તિ હતી. એ એક મોટા નગરમાં મહાલવા આવ્યો. મોજશોખમાં પડી ગયો અને વેપાર વીસરી ગયો. એ દિવસે નાગરમાં મોટી ચોઈ થઈ. ચોરો પકડાઈ જવાની બીકે માલ વેપારી પાસે મૂકીને નાસી ગયા. વેપારી ઘડીભર માલમત્તા મળેલી જોઈ રાજી થયો. પણ પાછળ સિપાહીઓ આવી પહોંચ્યા.

'રાજાએ એને કેદ કર્યો. એ વખતે ચોરીની સજા મોત હતી. રાજાએ મોતની સજા ફરમાવી.

'વેપારી કહે, આ અમારી માલમત્તા લઈ લો, પણ જાન રક્ષો. કોઈ રીતે મારો છુટકારો...

'રાજાઓ મનમોજી હતા. વ્યક્તિના જાણકાર હતા. એણે કહ્યું, છલોછલ ભરેલું તેલનું કચોળું લઈને વધસ્થાન સુધી તું જા, અને એક પણ ટીપું નીચે ન પડે તો તારી સજા માફ. વેપારી તેલનું છલોછલ કચોળું લઈને ચાલ્યો. એને માથે મોત ગાજતું હતું.

'રસ્તામાં રૂપાળી નર્તકી નાચતી મળી. મીઠાઈની દુકાનો આવી. સસ્તા ભાવની બજારો આવી. એકના દશ મળે એવાં નીલામનાં સ્થળો આવ્યાં. પણ એણે પોતાના પથ પર કદમ જારી રાખ્યા ને અચૂક દ્રષ્ટિ તેલ પર રાખી, રખેને ટીપું ઢોળાઈ ન જાય. ...રે ભરત! સત્તાધીશો જો આ દ્રષ્ટિ અપનાવે તો સંસાર સ્વર્ગ થઈ જાય! સત્ત્વના દીવાની રક્ષા કર. સત્તાનો સાગર નાનો લાગશે.'

ભરતદેવે મસ્તક નમાવ્યું. એ સંધ્યાએ અરીસાભવનમાં ભરતદેવની બદલાએલી દ્રષ્ટિએ કંઈક અનોખું જોયું! અંદરનો સુષુપ્ત પ્રાણ જાગી ગયો.

એક દિવસ ચક્રવર્તી રાજા ભરત સર્વ ત્યાગીને ચાલી નીકળ્યા, વિદાય આપતા પ્રજાજનોને સંદેશ આપ્યો.

'સત્તારૂઢ થઈ દેશનું રક્ષણ કરીએ, પણ એ સત્તાનું અંતિમ તો સમર્પણ હોવું ઘટે.'

પ્રસંગકથા

ગોરખ ધંધાએ માઝા મૂકી દીધી છે!

મગનલાલ ખૂબ સાવચેતીથી મોટર ચલાવતા હતા, તેમ છતાં એમના દુર્ભાગ્યે એક મરઘી બાજુમાંથી આવી અને મોટર નીચે કચડાઈ ગઈ. આ જોઈને મરઘીનો માલિક અશરફ દોડી આવ્યો અને મગનલાલને કહ્યું, 'શેઠ, તમે તો ગરીબના પેટ પર ભારે લાત મારી.'

મગનલાલ સજ્જન પુરુષ હતા. આથી એમણે કહ્યું, 'ભાઈ, મારી કોઈ ભૂલ નથી. આ તો એકાએક બાજુમાંથી તમારી મરઘી દોડીને આવી અને કચડાઈ ગઈ. મનેય તમારા જેટલો જ અફસોસ છે.'

અશરફે કહ્યું, 'સાહેબ, અફસોસથી શું ચાલે, મારી આજીવિકાનો વિચાર કરો. પૂરી પાંચસો રૂપિયાની આ મરઘી હતી, સમજ્યા?'

મગનલાલે અશરફને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, 'લે ભાઈ, આમાંથી બીજી મરઘી લાવજે. તારી આજીવિકાને કોઈ આંચ નહીં આવે.'

અશરફે કહ્યું, 'સાહેબ, બીજા પાંચસો પણ આપવા પડશે.'

મગનલાલે કહ્યં, 'બીજા પાંચસો શેના? તેં હમણાં તો કહ્યું કે તેં પાંચસો રૂપિયામાં મરઘી ખરીદી હતી. એ તો મેં તને આપ્યા. હવે આ બીજા પાંચસો શેના?'

અશરફ બોલ્યો, 'આપની વાત સાચી છે, પરંતુ જે મરઘી અકસ્માતમાં મરી ગઈ એને એક પ્યારી નાની બહેન પણ છે. બંને બહેનો વચ્ચે અતૂટ વહાલ છે. જિસ્મ (દેહ) જુદા, પણ જાન (પ્રાણ) એક છે. એને મોટી બહેન મરઘીના અવસાનની વાત કરીશ એટલે એ પણ એના આઘાતને કારણે મરી જશે. માટે એના બીજા પાંચસો રૂપિયા આપવા પડશે!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે એક યા બીજા કારણે પૈસા લૂંટી લેવાનો ધૂર્ત લોકો દ્વારા મોટો પ્રપંચ ચાલે છે. સ્ટોકમાર્કેટ પાર્સલ કે પછી સેક્સ કૌભાંડમાં ફસાવીને ઓનલાઈન પૈસા પડાવવાનો ધંધો ધમધોકાર ચાલે છે.

ગયા જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ૧,૭૭૬ કરોડ રૂપિયા ભારતીય નાગરિકો પાસેથી ડિજિટલ એરેસ્ટ દ્વારા પડાવવામાં આવ્યા છે. કંબોડિયા, લાઓસ, મ્યાનમાર જેવા દેશોમાં બેઠેલા 'સાયબર સ્લેવ'ના માધ્યમથી ઓનલાઈન આ પૈસા પડાવવામાં આવે છે. ક્યારેક આધાર કાર્ડની માહિતી આપીને તો ક્યારેક તાજેતરની વિદેશી મુસાફરોનો હવાલો આપીને તો ક્યારેક ભય બતાવીને લોકોને ફસાવવામાં આવે છે.

આ ભેદી જાળ એવી છે કે ખરેખરો ગુનેગાર ઝડપાતો નથી અને નિર્દોષના છીનવાયેલા પૈસા પાછા આવતા નથી. ભારત પર આ એક પ્રકારનું ભયાવહ આક્રમણ છે. વધુને વધુ લોકો એના શિકાર બનતા જાય છે. બીજા દેશો કરતાં પણ ભારતમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે અને ભારતના ગરીબ યુવાનોને મોટી નોકરીની લાલચ આપીને વિદેશમાં લઈ જઈને 'ડિજિટલ ગુલામ' બનાવીને એમની પાસે આવો ગોરખધંધો કરવામાં આવે છે.

આ ભયાનક જાળને ભેદવી પડે, નહીં તો ભારતના નાગરિકો પછી તે અમીર હોય કે ગરીબ એ સઘળાની કમાણી આમાં હોમાઈ જશે.


Google NewsGoogle News