મોત સામે લડતાં બાળકોને હું મોજ કરાવું છું !
- ક્રુરતાના જંગમાં અંતે વિજય તો માનવતાનો થાય છે !
- હમ ન દીપક થે, ન દિનકર થે, મગર જલતે રહે,
ચોટ ખા-ખાકર બુતોં કી શકલ મેં ઢલતે રહે.
આજે વિશ્વમાં થતા યુદ્ધોમાં ક્રતા જોવા મળે છે, પણ એથીયે વિશેષ ઘોર કૂરતા તો માનવી અન્ય માનવી પર આચરતી હોય છે. યુદ્ધમાં થતી ક્રતાને કારણે વ્યક્તિ તત્કાળ મૃત્યુ પામે છે, પરંતુ અહીં તો માનવી રોજેરોજ ત્રાસ, દમન અને શોષણની ક્રૂરતા સાથે મજબૂર બનીને જીવતો હોય છે ! એના જીવનને કોઈ આરો કે ઓવારો હોતો નથી. વેદના એની સદાની સાથી હોય છે, શોષણ એની હંમેશની પીડા હોય છે અને અપમાન એ એને માટે રોજિંદી ઘટના હોય છે. એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોની આવી સ્થિતિની સામે અવાજ ઉઠાવવાનો મંગલ તાઈએ નિશ્ચય કર્યો અને જેમ જેમ આવા દર્દીઓની પરિસ્થિતિ જોઈ તેમ તેમ એમનું હૃદય વેદનાથી અને ચિત્ત સંવેદનાથી ઉભરાઈ ગયું. મનોમન દ્રઢ નિર્ધાર કર્યો કે,'આવા નિરાધારોને આધાર આપતી કોઈ સંસ્થામાં એમને દાખલ કરવા નથી, બલ્કે મારે સ્વયં એમની મોટી બહેન બનીને સંભાળ લેવી છે.'
પણ આ વાત આસાન નહોતી, પણ તેથી શું ? જ્યાં એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિને એના કુટુંબીજનો લાત મારીને ઘરની બહાર હાંકી કાઢતા હોય, ત્યાં એને પ્રેમથી ઘરમાં રાખી હૂંફાળી ગોદમાં બેસાડવાની આ વાત હતી. કેટલાકે તો સલાહ આપી કે આવા દર્દીઓના કર્મો જ એવા હોય છે કે જેને કારણે આવા રોગ થાય છે. તો કેટલાંક કહેતા કે, 'આ દર્દીઓ આજે નહીં તો કાલે મૃત્યુ પામવાના જ છે, તો એની પાછળ આટલો બધો ભોગ આપવો શા માટે ?' વળી કોઈ આવા દર્દીઓને આશ્રયસ્થાન આપવાનો ધરાર ઇન્કાર કરી દેતા.
આવે સમયે ૨૦૦૧થી ૨૦૦૪ દરમિયાન મંગલ તાઈએ એમની સંસ્થા 'પ્રભા હીરા પ્રતિષ્ઠાન'નું કાર્ય શરૂ કર્યું. આરંભમાં સાવ નાની જગા ભાડે લીધી. એમાં માંડ માંડ આઠ બાળકોને રાખી શકાતા, જ્યારે બીજી બાજુ એવું થવા લાગ્યું કે એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હતો. આથી ધીરે ધીરે ૩૭૫૦ ચોરસ ફૂટનો પ્લોટ ખરીદવામાં આવ્યો અને પછી સમય જતા મંગલ તાઈની પુત્રી ડિમ્પલ ગાડગેએ આ બાળકોની એક નાની ટીમ ઊભી કરી. એમના દ્વારા મહારાષ્ટ્રમાં શેરીનાટકો રજૂ કર્યાં અને સમય જતાં જનસમુદાયે આ પ્રયાસને મદદ આપવાનું વિચાર્યું. કેટલાંક સ્થાનિક દાતાઓ આગળ આવ્યાં અને લગભગ ૩૭૫૦ ચો.ફૂટના પ્લોટ પર પલવી સંસ્થા દ્વારા 'દયા મંદિર' નામની સ્કૂલનો પ્રારંભ થયો.
પહેલાં આ બાળકો પંઢરપુરની સ્થાનિક સરકારી પ્રાથમિક શાળામાં ભણતા હતા, પરંતુ ત્યાં એમને ઘણાં અપમાનો સહન કરવા પડતાં, એમની સાથે દુર્વર્તન થતું અને એક એવું વાતાવરણ સર્જાતું કે એ બાળકો સ્કુલમાં આવે જ નહીં. ધીરે ધીરે આ બાળકો દયા મંદિરમાં આવવા લાગ્યા. એમને વિજ્ઞાાન, અંગ્રેજી અને કમ્પ્યુટર સાયન્સ શીખવે એવી વ્યવસ્થા થઈ. સંખ્યામાં વૃદ્ધિ થતાં છમાંથી બાર વર્ગખંડો કરવા પડયા. વળી બાળકોને ઈ- લર્નિંગ માટે કમ્પ્યુટર રૂમ, યોગાસન માટે યોગ હોલ અને ખેલવા માટે રમતગમતના મેદાનની જરૂર હતી. તો બીજી બાજુ ડોક્ટરી સારવાર માટે પણ આયોજન કરવું પડે તેમ હતું. એક ઈન-હાઉસ ડોક્ટર અને બે નર્સ, ત્રણ સંભાળ રાખનારા અને બે કાઉન્સેલર દ્વારા આ મેડિકલ યુનિટ કામ કરતું થયું. જેમ જેમ સમય જતો ગયો, તેમ તેમ વધુને વધુ સગવડ ઊભી કરવાની જરૂર પડવા લાગી.
એચ.આઈ.વી. સંક્રમણવાળા ગંભીર રીતે કુપોષિત બાળકોમાં, નીચા ભઘ૪+ સ્તરો મુખ્યત્વે એચ.આઈ.વી. ચેપ સાથે સંકળાયેલા છે. એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (એઆરટી)ની ઉપલબ્ધતાએ એચ.આઈ.વી. ધરાવતા બાળકોના અસ્તિત્વમાં સુધારો કર્યો છે અને ઝડપથી જીવલેણ રોગને ક્રોનિક રોગમાં રૂપાંતરિત કર્યો છે. આવી સ્થિતિમાં બાળકોમાં દીર્ઘકાલીન સંભાળના વિવિધ પાસાઓનું સંચાલન કરવાનો પડકાર વધી રહ્યો હતો. આમાં પોષણ એ સૌથી મહત્ત્વની બાબત છે, ત્યારે અહીં બાળકોનાં સ્વાસ્થ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી. એમને પોષણયુક્ત ખોરાક, મોસમી ફળો, અનાજ અને ભોજન વગેરે પીરસવામાં આવે છે. આ બાળકોએ પહેલાં શેરી નાટકો કર્યાં અને હવે એમાં એટલા નિપુણ થઈ ગયા છે કે મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં જઈને નાટકો ભજવે છે. એ રીતે આ બાળકોની પરિસ્થિતિ વિશે બહારની દુનિયાને સાચી હકીકત જાણવા મળે છે અને આ બાળકોને બહારની દુનિયાનો પરિચય થાય છે.
મંગલ તાઈ કહે છે કે, 'આ કેર હોમમાં જ્યારે કોઈ બાળક એઇડ્સ સંબંધિત બીમારીને કારણે મૃત્યુ પામે છે, ત્યારે એમની માતા તરીકે તેઓ આઘાત અનુભવે છે.' તેઓ વિચારે છે કે આ બધાં બાળકોની સંભાળ લેવી, એ માતા તરીકેનું મારું કર્તવ્ય છે અને તેથી જ રોજેરોજ રોગ સામે લડતા આ બાળકોનાં જીવનમાં મંગલ તાઈ ઉત્સાહ અને ખુશી લાવવાનો પ્રયત્ન કરે છે.
મંગલ તાઈ માને છે કે, 'દરેક બાળક સ્વસ્થ, સુખી, શિક્ષિત અને સલામત હોવું જોઈએ, તેથી અહીં દરેક બાળકને સ્વસ્થ અને સશક્ત માનવામાં આવે છે. આ માટેની એમની કાર્યપદ્ધતિ વિશે વાત કરતા મંગલ તાઈ કહે છે,' કોઈને સશક્ત બનાવવાની એક રીત એ છે કે એની ટીકા કરવાને બદલે તમે એની પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો.' અમારું કાર્ય. તો ભેદભાવ અને કલંકમુક્ત વાતાવરણમાં બાળકોનું સશક્તિકરણ કરવાનું છે. એમને આ વિશ્વમાં ટટ્ટાર ઊભા રહે તેવો આત્મવિશ્વાસ પ્રદાન કરવાનું છે. એથીયે વિશેષ એમનાં કાર્યો દ્વારા સમાજમાં એક મૂલ્ય ઉમેરીએ છીએ, જેનાથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા.
અગાઉ આવા બાળકોમાંથી સિત્તેર ટકા બાળકો ક્યાં તો શાળા છોડી દેતા હતા અથવા તો બીમારીને કારણે શાળાએ જઈ શકતા નહોતા. હકીકતમાં આવા ઘણા પીડિત બાળકો અનાથ હોવાથી એમને માતા- પિતાની સંભાળ પણ મળી હોતી નથી. જ્યારે અહીં દરેક બાળકને નાની વયથી જ એના રસના ક્ષેત્રમાં કુશળ બનવા માટે પ્રોત્સાહિત કરીને પરિવર્તન લાવવા માગે છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો માત્ર શાળા-કોલેજમાં જઈને અભ્યાસ જ કરતા નથી, પરંતુ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવીને પોતાની જાતે આજીવિકા કમાતા હોય છે અને પોતાના જીવન વિશે સ્વતંત્રપણે નિર્ણયો લેતા હોય છે, આ જોઈને મંગલ તાઈને પારાવાર પ્રસન્નતા થાય છે.
અંતે એમનું ધ્યેય તો એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો અને આ રોગથી પીડાતા સહુ કોઈને માટે ન્યાયી સમાજનું નિર્માણ કરવાનું છે. એથીયે વધુ એચ.આઈ.વી. વિશેની સમાજની ભ્રાંત ધારણાનું નિરસન કરવું છે. કેટલાક લોકો એમ માનતા હોય છે કે એચ.આઈ.વી.ગ્રસ્તની બીમારી હાથના સ્પર્શથી ફેલાતી હોય છે. આવી માન્યતાને કારણે આવા લોકોને બહિષ્કૃત કરવામાં આવતા હોય છે.
જે સાવ ખોટી છે. આમ એક બાજુ મંગલ તાઈ અને એમના પુત્રી ડિમ્પલ શેરીનાટકો દ્વારા સમાજમાં આ બાળકોનું પુનઃસ્થાપન કરે છે, પરંતુ એની સાથોસાથ એક બીજું કામ પણ કરે છે. તેઓ શેરીનાટક દર્શાવીને પછી લોકો સાથે સંવાદ કરે છે. એમના પ્રશ્નોનાં જવાબ આપે છે અને સાથોસાથ આ રોગ અંગે સાચી સમજ ફેલાવે છે.
ધીરે ધીરે લોકોનું આવા લોકો પ્રત્યેનું વલણ બદલાતું જાય છે. પહેલાં લોકો એમ માનતા કે જે બાળકો કે વ્યક્તિઓ સમય જતાં મૃત્યુ પામવાની જ છે, એની પાછળ શા માટે રોકાણ કરવું ? એમનું સ્વાસ્થ્ય જાળવવા માટે શા માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવા ? આવી માન્યતાને કારણે તો કેટલાક ડોક્ટરોએ આવા દર્દીઓને સારવાર તો ન આપી, પરંતુ અન્ય કશી સહાય પણ ન આપી. આજે આ પરિસ્થિતિમાં એવું પરિવર્તન થયું છે કે આની મુલાકાત લેનારાઓ અહીં બાળકો સાથે સમય વિતાવે છે. અહીંના ૧૨૫ બાળકોમાંથી કેટલાક ભીખ માંગતા મળી આવ્યાં છે, તો કેટલાક કચરાપેટી કે સ્મશાનગૃહમાંથી મળી આવ્યા છે. આ બાળકોની દિનચર્યામાં યોગ અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે, તેઓ પછી શાળાએ જઈ અભ્યાસ કરે છે અને સૌથી વિશેષ તો બાળકોને એમની પસંદગીની પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવે છે. જેમ કે કોઈ છોકરીને નૃત્ય શીખવામાં રસ હોય, તો તેને માટે નૃત્યની પ્ર-શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અહીં બાળક અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રહે છે, પછી બહારની દુનિયામાં જઈને એ જાતે કામ કરવા લાગે છે.
બાવીસ વર્ષની કવિતા એ આજે સ્નાતક બની છે. કમ્પ્યૂટરનો કોર્સ કર્યો છે અને સેવાભાવી સંસ્થામાં વહીવટ અને બેંકિંગનું કાર્ય સંભાળે છે અને એ રીતે એના ઘર અને પરિવારને ટેકો આપે છે. જ્યારે સત્તર વર્ષની સુભાંગી ડોક્ટર બનવા ચાહે છે, જેથી એ આવા બીમાર બાળકોની યોગ્ય સારવાર કરી શકે. કોવિડ દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે સુભાંગીએ પ્રાથમિક શાળાનાં બાળકોને ભણાવ્યા હતા અને એ કહે છે કે, 'જેમ ત્રણ વર્ષની ઉંમરે હું એકલી હતી, ત્યારે મંગલ તાઈએ મારી સંભાળ લીધી, એવી જ રીતે હું અન્ય લોકોની સંભાળ રાખવા માગું છું અને એમને સપોર્ટ આપવા ઇચ્છું છું.'
આમ મંગલ તાઈ એક હજારથી વધુ એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો માટે આશાનું કિરણ બની રહ્યા છે અને હજી પણ એમના દ્વારા અને એમના સંતાનો દ્વારા સેવાભાવનું અજવાળું પથરાતું રહેશે.
પ્રસંગકથા
તમે દેશવાસી છો કે મતદાતા ?
ડો.રાસબિહારી ઘોષ એમના સમયનાં પ્રખ્યાત વકીલ હતા. અદાલતમાં તેઓ પોતાનો કેસ જોરદાર દલીલો સાથે પ્રભાવક રીતે રજૂ કરતા. આ સમયે તેઓ ક્યારેક હાથ ઊંચો કરે તો ક્યારેક ટેબલ પર જોશથી મુક્કો લગાવે..
એકવાર અદાલતમાં આવી રીતે જોરશોરથી કેસ રજૂ કરતા હતા. બે ન્યાયમૂર્તિઓ એમની દલીલો સાંભળતા હતા.
આ બેમાં ન્યાયમૂર્તિઓમાં જુનિયર જજ અંગ્રેજ હતો અને ભારે મિજાજી પણ ખરો ! એમણે રાસબિહારી ઘોષને હાથ ઉછાળીને હાવભાવ કરીને દલીલ કરતા જોઈને સિનિયર જજને કહ્યું, 'આ બુઢ્ઢો આટલી બધી ધમાલ શેની મચાવે છે ?'
ડો.રાસબિહારી ઘોષને આ ટીકા સંભળાઈ ગઈ. આથી એમણે તરત જ સવાલ કર્યો.'માય લોર્ડ ! આપે શું કહ્યું ?'
જુનિયર અંગ્રેજ જજ કંઈ પ્રતિભાવ આપે તે પહેલા સિનિયર જજે પરિસ્થિતિ સંભાળી લેતા નમ્રતાથી કહ્યું, 'ડોક્ટર ઘોષ ! કોઈ ખાસ વાત નથી. આ તો બે જજની અંદરોઅંદરની વાતચીત છે.'
ડો.ઘોષે પોતાની દલીલો શરૂ કરી અને થોડા જ સમયમાં પોતાના સાથી વકીલને જોરથી કહ્યું, 'આ જુનિયર જજ સાવ બુધ્ધુ લાગે છે. એને કાયદાની કંઈ ગતાગમ પડતી લાગતી નથી.'
આ સાંભળતાં જ જુનિયર જજે પિત્તો ગુમાવ્યો અને મોટા અવાજે જ રાસબિહારી ઘોષને પૂછયું, 'પહેલાં તમે મને એ કહો કે તમે શું કહ્યું ?'
ડો. રાસબિહારી ઘોષે તરત જ સ્વાભાવિક રીતે જવાબ આપ્યો, 'માય લોર્ડ, કશું ખાસ નથી. આ તો બે વકીલોની અંદરોઅંદરની વાતચીત છે.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આવી અંદરોઅંદરની વાતચીતની જેમ ભારતના પક્ષો પણ પ્રત્યેક રાજ્યોના મતદાતાને નજરમાં રાખીને પોતાની વાત અને વિચાર બદલે છે.
પક્ષમાં જુદી વાત કરે છે અને બહાર સાવ જુદો દેખાવ કરે છે. કોઈ પણ પક્ષ પોતાની વાતચીતમાં ધ્યેયસિદ્ધિની વાત કરે છે, ભાવનાઓની વાત કરે છે, રાષ્ટ્રધર્મની વાત કરે છે, પરંતુ એનો બહારનો દેખાવ કે પ્રજા તરફનો ચહેરો જુદો જ હોય છે. કોઈ ધર્મને નામે તો કોઈ સાંપ્રદાયિકતાને નામે - પક્ષમાં એક વાત કરે છે અને બહાર સાવ જૂદું વલણ ધરાવે છે. પ્રજા પણ હવે સમજી ગઈ છે કે પક્ષને પોતાના ધ્યેય કરતાં મતદારોની માનસિકતાને અનુસરવાનું વધુ ગમે છે. દેશ નહીં, પણ મતનો મહિમા છે.