ગૃહપ્રધાનને કોઈ ઘર ભાડે આપવા તૈયાર નહોતું
- ગરીબી શરમ નથી, એમાં પણ મસ્તી, મોજ અને અમીરી છે
- લાલબહાદુર શાસ્ત્રી
- જો ચલે થે સાથ મેં લેકર બુઝર્ગો કી દુઆ,
જિંદગી કી બેલ પર વો ફૂલતે-ફાલતે રહે
ધીમા દબાતા પગલે એ રૂમમાં હું પ્રવેશ્યો. ભાવનગરના એ પરિચિત સ્વજનના ઘેર ભારત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીનો ઉતારો હતો. ઘણા લાંબા સમયથી એ ખંડમાં મંત્રીશ્રી એકલા બેસીને સરકારી ફાઈલોનો અભ્યાસ કરતા અને એના પર પોતાની નોંધ કર્યે જતા હતા. ઘણો સમય વીતી ગયો હોવાથી મને એમ થયું કે, 'લાવો, એમને કંઈ નાસ્તાની જરૂર હોય તો પૂછી આવું.'
એમણે પ્રશ્નની સામે વળતો પ્રશ્ન કર્યો. 'કોઈ મીઠાઈ કે ફરસાણ નહીં, કિંતુ સાવ સાદો હોય તે નાસ્તો આપો.'
'એ તો ઉકાળો અને ખાખરા હોઈ શકે.'
એમણે કહ્યું, 'બસ, તો ઉકાળો અને ત્રણેક ખાખરા આપશો, તો ભોજન થઈ જશે!' વળી પાછા એ મંત્રીશ્રી ફાઈલોના ઢગલા વચ્ચે ગૂંથાઈ ગયા.
૧૯૬૧ની બીજીથી છઠ્ઠી જાન્યુઆરી સુધી ભાવનગરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું છાસઠમું અધિવેશન યોજાયું હતું. ગુજરાતમાં યોજાયેલા આ પાંચમા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ તરીકે શ્રી નિલમ સંજીવ રેડ્ડી હતા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે દેશના ઘણા અગ્રણી નેતાઓ આમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભાવનગરના કૃષ્ણનગરની સામે આવેલા એક્સો એકરના ખુલ્લા મેદાનમાં આ વિશાળ અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશના નેતાઓને નીરખવા અને સાંભળવા ભાવનગરના 'જયભિખ્ખુ'ના કુટુંબીજનો અને સ્નેહીજનોને ખાસ નિમંત્રણ આપ્યું હતું, તેથી હું પણ પિતા 'જયભિખ્ખુ'ની સાથે રાષ્ટ્રનેતાઓને નિહાળવા ઉમંગભેર ભાવનગર ગયો હતો અને એમાં જે સ્વજનને ત્યાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો ઉતારો હતો, ત્યાં જ હું ઊતર્યો હતો અને તેથી એ મંત્રીશ્રીને નાસ્તા-પાણીનું પૂછવાની આવી ગુસ્તાખી કરી હતી. એમણે ઉકાળા અને ત્રણ ખાખરાને ન્યાય આપ્યો અને પાછા હસતા મુખે અમને ખંડમાંથી વિદાય આપીને પોતાના કામમાં ડૂબી ગયા.
લાલબહાદુર શાસ્ત્રીની સાદાઈ, નમ્રતા અને સહજતા સ્પર્શી ગયાં અને ભીતરમાં એક એવી અનુભૂતિ થઈ કે આ કોઈ દેશની સરકારમાં ઉચ્ચસ્થાને બિરાજેલા મંત્રીશ્રી નથી, પરંતુ આપણા સહુની વચ્ચે હરતાં-ફરતાં અને હસતા એક આમઆદમી છે. કેટલાક સમર્થ નેતાઓમાં આમઆદમી હોવાની અનુભૂતિ થતી હોય છે. એ મહાત્મા ગાંધીજી અને અબ્રાહમ લિંકનમાં હતી. નેલ્સન મંડેલા કે લાલબહાદુર શાસ્ત્રીમાં એ પ્રત્યક્ષ જોવા મળી.
બસ, પછી તો આ ઉકાળા અને ત્રણ ખાખરાની ઘટનાએ મન પર એવું કામણ કહો તો કામણ અને પ્રભુત્વ માનો તો પ્રભુત્વ જમાવ્યું કે એ આ લોકનેતા વિશે વિચારવા લાગ્યું. એમ થયું કે જાણે ગાંધીજીની સાદાઈ, સચ્ચાઈ, પુરૂષાર્થ અને પ્રજાપ્રેમની નાની આવૃત્તિ ન હોય! અને એ દિવસથી લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિભાએ જાણે ચિત્ત પર એવું કામણ કર્યું કે એમના પૂર્વજીવનની અને એમના વર્તમાન જીવનની નાનામાં નાની વિગતો એકત્રિત કરવાના મહાપુરુષાર્થનો પ્રારંભ કર્યો.
લાલબહાદુર શાસ્ત્રીમાં કોઈ આડંબર નહીં, કોઈ છટા નહીં, કૃત્રિમ રીતે ભપકો ખડો કરવાની કોઈ ચાહના નહીં, જેવો છું તે આ છું. જે છે તે આ છે. લાલબહાદુર શાસ્ત્રી એમની ગાંધી ટોપી સાથે પાંચ ફૂટથી સહેજ જ ઊંચા લાગતા અને બાળપણના એમના સહાધ્યાયી મિત્ર આનંદીલાલ અગ્રવાલે તો કહ્યું કે અમે એમને એમની ગેરહાજરીમાં 'ગટ્ટી' કહેતા હતા. જેમ એમનું કદ ટૂંકું, એમ એમની વાત પણ મુદ્દાસરની.
૧૯૫૬માં અરિયાલુરમાં થયેલા અકસ્માતની ચર્ચા વખતે એમણે કહ્યું હતું, 'મારા નાના કદને લીધે અને મારી નમ્રતાને લીધે કેટલાક એમ માની બેસશે કે હું મક્કમ નથી. ભલે શરીરથી બળવાન ન હોઉં, પણ આત્માથી બળવાન છું જ.' અને પછી લાલબહાદુર શાસ્ત્રીને મળનારા દેશ કે વિદેશના પત્રકારો એમને વિશે એક જ વાત કરતા કે આ ચાલીસ કરોડ પ્રજાનો પ્રતિનિધિ એ ખુરશીમાં પણ ન દેખાય તેવો છે, પણ એમના નાના કદની પાછળ એક પ્રભાવક વ્યક્તિત્વ છુપાયેલું છે. હું પણ જેમ જેમ એમને વિશેની વિગતો મેળવતો ગયો, તેમ તેમ એ કથનની સચ્ચાઈ અનુભવતો રહ્યો.
આજે તો કલ્પના પણ ન થાય કે કોઈ રાજ્યના ગૃહપ્રધાનને અખબારમાં એવું વિજ્ઞાાપન આપવું કે 'મારે ભાડે મકાન જોઈએ છીએ.' જ્યારે રાજ્યના ગૃહપ્રધાન બનીને લાલબહાદુર શાસ્ત્રીને લખનૌ છોડીને અલ્લાહાબાદ આવવાનું થયું, ત્યારે એમને લખનૌનું ભાડાનું ઘર ખાલી કરવું પડયું. અલ્લાહાબાદમાં ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાન તરીકે આવ્યા હોવાથી સામાન્ય રીતે સહુ કોઈ એમને મકાન આપવા આતુર હોય. એમની સાથે સંબંધ હોય, તો ઘણો લાભ મળે. પરમિટ કે લાઇસન્સ મળે અને એમની લાગવગથી ઘણાં અંગત લાભદાયી કામ થઈ જાય. પણ લાલબહાદુર શાસ્ત્રી જુદી માટીના માનવી હતા. એ કોઈની શેહમાં તણાય નહીં, કોઈને માટે કશી લાગવગ વાપરે નહીં અને એમની સાથે લાંચ-રૂશ્વત લેવાની વાત કરવાનો ભાગ્યે જ કોઈ વિચાર કરી શકે. હિંમત કરવાની વાત તો દૂર રહી.
તેઓ અલ્લાહાબાદમાં ઓછી કિંમતે ઘર ભાડે રાખવા ચાહતા હતા. સુવિધાવાળા વિસ્તારમાં રહેવા માટે ઘણું ભાડું આપવું પડે અને તે આ પ્રધાનને પોસાય તેમ નહોતું! વળી જેમ લાલબહાદુર કોઈને અંગત લાભ ન કરાવે, એ રીતે કોઈની સામે વેરવૃત્તિ પણ ન રાખે. અલ્લાહાબાદના મુઠ્ઠીગંજના મજૂર વિસ્તારમાં ભાડના નાના મકાનમાં એ રહેવા લાગ્યા. બહારના પાંચ-સાત મુલાકાતી માંડ બેસી શકે એટલું ઘર. એટલે બનતું એવું કે એમનું ઘર તો મુલાકાતીઓથી ભરાઈ જતું, પરંતુ બહાર સડક પર પણ બેસીને લોકો એમની રાહ જોતા. અહીં લાઇટ કે ટેલિફોનની વ્યવસ્થા નહોતી તેથી કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, પણ લાઇટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લાલબહાદુર ક્યારેક ફાનસથી કામ ચલાવતા હતા.
લાલબહાદુરમાં ગરીબીનું ગૌરવ હતું. આક્રંદ નહીં. ઘણી ચીજો વિના ચલાવવું પડે છે એનું એમણે કદી દુ:ખ અનુભવ્યું નહોતું, બલ્કે ગરીબીમાં ફાકામસ્તીમાં મોજ માણનારા અમીરો-ગરીબ આદમી હતા. ગરીબીની લાચારી નહીં, પણ કરકસરની ખુમારી હતી. બાળપણમાં એક સમય એવો પણ હતો કે જ્યારે બે વર્ષ સુધી એમણે બૂટ-ચંપલ વગર ચલાવ્યું હતું. આ જોઈને મોટા ભાઈને દેવ સમાન માનતાં એમનાં બહેન સુંદરીદેવીનું કાળજું કપાઈ જતું. એમણે કહ્યું કે પગે કેવા ફોલ્લા પડયા છે. વળી બહારના લોકો આપણને ગરીબ ધારે છે, ત્યારે લાલબહાદુરે કહ્યું, 'અરે! એમાં શું ? ગરીબી એ કોઈ શરમ નથી. આ ગરીબીમાં પણ મસ્તી, મોજ અને અમીરી છે.'
એક વાર લાલબહાદુરના મિત્ર હેમવતીનંદને કહ્યું, 'તમે આખો દિવસ કામ કરો છો. સવારે ચા પીને ઘરેથી નીકળી જાઓ છો અને પછી સાંજે ઘરે પાછા ફરો છો. કોઈક જ દિવસ બપોરનું ભોજન લો છો, ત્યારે બપોરે ચાને બદલે સંતરાનો રસ લેતા હો તો.' ત્યારે લાલબહાદુરે હસતાં હસતાં કહ્યું, 'જનાબ, મને આનંદ છે કે તમે એમ માનો છો કે સંતરાનો રસ પીવાની મારી હેસિયત છે.' આમ કહીને એમણે એ વાત ઉડાડી દીધી!
૧૯૬૧ના વર્ષ બાદ ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ત્રણ વરિષ્ઠોમાં એક લાલબહાદુર હતા. સવારથી સાંજ સુધી એ ચૂંટણીનાં આયોજનોમાં વ્યસ્ત રહેતા. આથી એક વાર એમના મિત્ર પ્યારેલાલ શ્રીવાસ્તવ મોડી રાત્રે એમને મળવા આવ્યા. લાલબહાદુર સુવાની તૈયારી કરતા હતા. પ્યારેલાલે જોયું કે એક ખાટલા પર ચાદર પાથરી હતી અને માથા નીચે એક ઓશીકું મૂક્યું હતું. એ સમયે અત્યંત પ્રભાવશાળી કોંગ્રેસ પક્ષના અગ્રણી અને ૧૯૬૧ના એપ્રિલમાં પં. ગોવિંદ વલ્લભ પંતના અવસાન પછી ભારતના ગૃહપ્રધાન તરીકે કાર્યરત એવા લાલબહાદુરની આવી સાદગી જોઈને પ્યારેલાલ આશ્ચર્યચકિત બની ગયા. દિલ્હીમાં ક્યારેક એવું પણ બનતું કે તેઓ મોડી રાત્રે ઘેર પાછા આવે, ત્યારે બાળકોને ખાટલામાં સુતેલાં જુએ એટલે શાંતિથી જમીન પર ચાદર બિછાવીને અને એક કામળી ઓઢીને આખી રાત વિતાવે!
અરે! લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, ત્યારે પણ કાથીના ખાટલા પર સૂતા હતા. મોડી રાત્રે જ્યારે પાછા આવે, ત્યારે એમનાં પત્ની લલિતાદેવી અને બહેન સુંદરીદેવી જમવાનું યાદ કરાવે, તો ખાટલા પર બેસીને થોડું જમી લે. ખાટલો એ જ ડાઇનિંગ ટેબલ અને એ જ સૂવાનો પલંગ.
બધે જ ઘર ભાડે રાખીને રહેતા લાલબહાદુર શાસ્ત્રીને ઘણી વાર લલિતાદેવી હસતાં હસતાં કહેતાં, 'શાસ્ત્રીજી, અમને ઝાડની નીચે જ રહેઠાણ કરાવશે.' કદાચ લલિતાદેવીએ હસતાં હસતાં કહેલા આ શબ્દો એક અર્થમાં સાચા પૂરવાર થયા, કારણ કે લાલબહાદુર શાસ્ત્રીનું અકાળે અવસાન થતાં ભારતના આ અપાર ચાહના પ્રાપ્ત કરનાર વડાપ્રધાન પોતાની પાછળ પોતાના દેશની ધરતી પર પોતાનું કહી શકાય એવું એક નાનું શું ઘર પણ છોડી ગયા નહીં અને આ ધરતી પર એમની માલિકીની એક તસુ જમીન પણ નહોતી.
મારી સાથે પણ કેટલી બધી નમ્રતાથી વાત કરી! ઉકાળો અને ત્રણ ખાખરા આપવા માટે આભાર માન્યો. એ ૧૯૬૧ના જાન્યુઆરી મહિનામાં આ દેશનેતા વિશે જાણવાની એવી ધૂન લાગી કે એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી એમની સતત માહિતી મેળવતો રહ્યો અને જેમ જેમ માહિતી મેળવતો ગયો, તેમ મનમાં થયું કે આ ઉકાળા અને ત્રણ ખાખરાએ ભારે કરી. મારા ઉલ્લસિત મનની અપાર જિજ્ઞાાસા હવે મને જંપીને બેસવા નહીં દે! વધુ વાત હવે પછી કરીશું.
પ્રસંગકથા
તેજીલા ઘોડાની તેજ રફતારી
શાયરની શાયરી પર ફિદા થઈને બાદશાહે એને ઇનામ-અકરામ નવાજેશ કરવાનો વિચાર કર્યો, પરંતુ હુકમ કરતાં પહેલાં બાદશાહે શાયરને પૂછ્યું કે તમને એવું ઇનામ આપવું છે કે જે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બને. જેની તમને બેહદ જરૂર હોય!
શાયરે થોડો વિચાર કરીને કહ્યું, 'બાદશાહ, બસ એક તકલીફ પડે છે. રહેવાને ઘર છે, ભોજન પણ મળે છે. માત્ર આવવા-જવાની કઠિનાઈ રહે છે.'
બાદશાહે હુકમ કર્યો. 'આ શાયરો રાજ્યની ઘોડારમાંથી એક તેજીલો ઘોડો બહેતરીન શાયરી માટે ઇનામમાં આપો.'
બાદશાહનો હુકમ સાંભળીને દીવાન વિચારમાં પડયો. હજૂરે ઈનામ તરીકે ઘોડો આપવાનું કહ્યું, પરંતુ હમણાં જ લડાઈ થતાં બધા જાતવાન ઘોડાઓ તો યુદ્ધના મેદાનમાં મરી ગયા છે. એકાદ ઘોડો મરવાને વાંકે જીવી રહ્યો છે એટલે એ મરિયલ ઘોડો શાયરને ઈનામમાં આપવામાં આવ્યો.
માંડ માંડ ચાલી શકતો એ ઘોડો શાયરના ઘરે પહોંચ્યો, ત્યાં તો હાંફતો હાંફતો મરી ગયો. ફરી બીજે દિવસે બાદશાહ સલામતનો દરબાર ભરાયો. શાયર આવ્યા અને બાદશાહે પૂછ્યું, 'કહો, ઘોડો કેવો છે?'
શાયરે કહ્યું, 'બાદશાહ, દુનિયામાં અનેક ઘોડાઓ થયા હશે, પરંતુ આ ઘોડાની તેજ રફતારીનું હું બયાન કરી શકું તેમ નથી.'
બાદશાહ પ્રસન્ન થયા અને પૂછ્યું. 'કેવો તેજીલો છે એ?'
'જહાંપનાહ, એ એક જ રાતમાં આ ફાની દુનિયામાંથી છેક બીજી દુનિયામાં પહોંચી ગયો.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે પણ દુનિયાને તેજીલા ઘોડાનું આકર્ષણ છે. જાતજાતની પોંઝી સ્કીમ બનાવીને લોકોને ઊંચા વળતરની આશા આપીને છેતરપિંડી કરવામાં આવે છે. સામાન્ય માનવી એની બચત એમાં રોકે છે અને એકાએક એને જાણ થાય છે કે એના સઘળા પૈસા ડૂબી ગયા છે. આ તેજીલા ઘોડાઓ પબ્લિસિટીની ઝાકઝમાળ કરીને લોકોને આકર્ષે છે અને નેતાઓ અને સમાજના આગેવાનોને બોલાવીને પોતાની વાહ વાહ કરાવે છે.
આપણા દેશમાં એવા બીજા પણ તેજીલા ઘોડાઓ છે કે જે પ્રમાણિકતાને દફનાવીને કરોડો રૂપિયા હજમ કરી ગયા છે. અવંતા ગૂ્રપના ગૌતમ થાપર સામે પાંચસો કરોડ, નિરવ મોદીના તેર હજાર પાંચસો કરોડ, ગીતાંજલિ ગૂ્રપના મેહુલ ચોકસીના ચૌદસો કરોડ, સહારા ઇન્ડિયાના સ્થાપક સુબ્રતા રોયના છવીસ હજાર બસો પંચાવન કરોડ જેટલી રકમ પ્રજાની અને બેંકોની લોન રૂપે ફસાયેલી છે. વળી, આમાંના મોટાભાગના તો દેશનું ધન લૂંટીને વિદેશમાં મ્હાલી રહ્યાં છે. આ નામોની યાદી તો લાંબી છે, પરંતુ વાત એટલી છે કે પ્રજાએ આવા થોડા સમયનાં તેજીલા ઘોડા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં.