Get The App

વ્યક્તિ નવ છે, પણ કેકના દસ ટુકડા

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વ્યક્તિ નવ છે, પણ કેકના દસ ટુકડા 1 - image


- અજાણ્યા માનવીઓ પ્રત્યેનાં અદ્રષ્ટ સંબંધોને કોણ યાદ કરે છે?

- પંખીને માટે જેમ માળો બાંધવો સરળ છે, એમ માણસને માટે સંબંધ બાંધવા સરળ છે, પરંતુ એ સંબંધ સતત જાળવવા મુશ્કેલ છે. એ સંબંધ વધુ ને વધુ દ્રઢ થતા જાય તે જોવું જોઈએ. પણ આજે તો એને માટે કોઈની પાસે ક્યાં સમય છે!

- ઝહર બિખરા હૈ ઈન ફઝાઓં મેં,

સાંસ લેને સે ભી લોગ ડરતે હૈ યહાં.

- ડૉ. આલ્બર્ટ સ્વાઈટ્ઝર

પરસ્પર સંદેશાઓની આપ-લે માટે મોબાઈલ, ફેસબુક, ટ્વિટર કે વૉટ્સએપ જેવાં પરિવર્તનોને આપણે સ્વીકારી લીધાં છે, પણ જેટલા ઉમળકાથી આ પરિવર્તનોને સ્વીકાર્યાં છે, એટલી જ ઉપેક્ષા આપણે એનાથી આવનારાં પરિણામો પ્રત્યે સેવીએ છીએ. રોજેરોજની માહિતી કે મનોરંજનની અથવા તો આપણા જીવનમાં કશાય ઉપયોગ કે મહત્ત્વ વગરની ઘણી વિગતો આપણી આંખ સામેથી પસાર થાય છે, પણ એમાંથી ક્યાં કોઈ વાત કે વિચાર મનમાં ઠરીને ઠરીઠામ થાય છે?

પોતાના જ રાષ્ટ્રનો વિચાર કરતી આજની ઝુંબેશના વર્ચસને કારણે ગ્લોબલાઈઝેશને તો પાછાં પગલાં ભર્યાં છે, પરંતુ માહિતીના આ ગ્લોબલાઈઝેશનથી કઈ રીતે આપણે આપણાં શહેર, ગામ કે સ્વજન પાસે પાછાં પગલે જઈ શકીશું? વિશ્વની માહિતી પળવારમાં મળતી હોવા છતાં આપણો સંબંધ માનવસમાજની સંવેદનાથી વધુ ને વધુ દૂર જાય છે. સમાજ, શહેર કે આપણા પરિચિતોથી એ વધુ ને વધુ તૂટી રહ્યો છે.

આ તૂટતા સંબંધોની વ્યાપક અસરો ક્યાં નથી જોવા મળતી? રિમોટ કન્ટ્રોલથી રાજ્ય કે પક્ષનું સંચાલન કરવાથી માંડીને આપણા ઉદ્યોગો અને આપણી સંસ્થાઓમાં પણ આવા 'રિમોટ કન્ટ્રોલ'ની બોલબાલા વધી છે. તમે ગમે તે ઈચ્છતા કે ચાહતા હો, તો પણ એ અદ્રશ્ય રિમોટ કન્ટ્રોલને શરણે જવું પડે છે અને ત્યાં ક્યાં રહી પરસ્પરના સંબંધોની વાત! અરે! જે કોઈ સંબંધો આપણા વારસા કે પરંપરા પાસે હતા એને સાવ ધૂળધાણી કરી નાખ્યા છે. ઊંચો પગાર અને ઓછું કામ કરતા અધ્યાપકને એના વિદ્યાર્થીઓ સાથે ક્યાં કોઈ આત્મીયતા હોય છે? સંબંધોની આત્મીયતાનો અભાવ શિક્ષકને એની સન્નિષ્ઠાથી દૂર ધકેલે છે. પરિણામે એને પોતાના વિષય પ્રત્યે કે પોતાની વિદ્યા પ્રત્યે હવે ઝાઝો લગાવ રહ્યો નથી.

તમારા વિસ્તારના લોકસભા કે વિધાનસભાના સભ્ય સાથે તમારે કોઈ સંબંધ છે ખરો? તમે જેને મત આપ્યો તે ચૂંટાઈ ગયા પછી તમને એ કેટલી વાર મળવા આવ્યા છે? આજે તો પાંચ વર્ષે ચૂંટણી આવતાં એમનાં માંડ દર્શન થાય છે. સાહિત્યકારના એના વાચક સાથેના તૂટેલા સંબંધની વાત તો આપણે સાહિત્યિક કાર્યક્રમોમાં ઉપસ્થિત થતા ભાવકોની સંખ્યા પરથી જાણી શકીએ છીએ.

આપણા સંબંધો કાં તો અપેક્ષાથી થયેલા સંબંધો છે અથવા તો સંબંધ થયા પછી એમાં રાખેલી અપેક્ષાના છે. આમાંથી થયેલો એકેય સંબંધ ચિરસ્થાયી નથી. આજે તો આવા સંબંધોને કારણે એવી કડવાશ આવી ગઈ છે કે પિતાને એનો પુત્ર બેધડક એમ કહે છે કે તમે મને ખૂબ ભણાવ્યો, ભારતમાં ઊંચી ડિગ્રી અપાવી, પરંતુ તમારે માટેનો મારો સૌથી મોટો અફસોસ એ છે કે તમે મને અમેરિકા મોકલ્યો નહીં. એ પુત્રને પિતા પ્રત્યે માત્ર અપેક્ષા ને અપેક્ષા જ છે. વળી, સાથોસાથ એ પોતાના પિતાની વાસ્તવિક પરિસ્થિતિને સમજવા તો ઠીક, જોવા પણ તૈયાર નથી. એના પિતાએ એના અભ્યાસની પાછળ ઉઠાવેલી જહેમત અને કરેલા ખર્ચને એ ભૂલી જાય છે. વર્તમાન સમયમાં પુત્રી અને માતા, પિતા અને પુત્ર વચ્ચે સંબંધોની કડવાશ વિશેષ જોવા મળે છે અને એનું કારણ એ છે કે પુત્ર કે પુત્રી એમ માને છે કે એનાં માતાપિતા એના જીવનની અપેક્ષા સંતોષવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તેથી સહેજેય આદરપાત્ર નથી.

આવી પરિસ્થિતિ સર્જાવાનું એક કારણ એ પણ છે કે ઘણી વાર ઘરમાં પડેલા ફર્નિચરની માફક માતાપિતા બાળકોને રાખતાં હોય છે. એ બાળકની ઈચ્છા અને અપેક્ષાને સમજવાની લેશમાત્ર કોશિશ કરતાં નથી, પરિણામે બાળકો માતાપિતા તરફ ધૃણા કે નફરત ધરાવતાં બની જાય છે. નાની ઉંમરમાં એ એમના તરફથી મુખ ફેરવી લે છે. સહેજ મોટાં થાય એટલે માતા કે પિતાને સીધેસીધું કહી દે છે. પગભર થાય એટલે જીવનમાંથી માતાપિતાની બાદબાકી કરી નાખે છે.

આજે સંબંધોની વ્યાખ્યામાં મૈત્રીનો આનંદ નહીં, પણ પ્રાપ્તિનું પ્રયોજન મહત્ત્વનું બન્યું છે. આને પરિણામે સંબંધો કેળવાતાં પ્રાપ્ત થતી મૈત્રી કે ઉષ્મા ગાયબ થવા લાગી છે. એનો અર્થ જ એ કે માત્ર સંબંધો સર્જવા એટલું પૂરતું નથી, પણ એ સંબંધોને દ્રઢમૂલ કરીને એની માવજત અને ઘડતર જરૂરી છે. સંબંધોમાં પોતાની અપેક્ષાઓ જ આગળ ધરીએ તો એ સંબંધ દુ:ખદાયી બની રહે છે અને અન્યની આપણા પ્રત્યેની અપેક્ષાનો વિચાર કરીએ તો સુવાસિત થાય છે. આપણે આપણી સુખાકારી માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, પરંતુ આપણા કોઈ સંબંધી બીમાર પડયા હોય અને એના સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રાર્થના કરીએ, ત્યારે કેવો ભિન્ન અનુભવ થાય છે! અને આની જાણ જ્યારે એ વ્યક્તિને થશે, ત્યારે એનું હૃદય તમારા પ્રત્યે કેટલું લાગણીભીનું અને પ્રસન્ન બનશે! જે ક્ષણે તમારે માટે શું કર્યુ તે નહીં, પણ તમે એમને માટે શું કર્યું અને તમારે શું કરવું જોઈએ એવા વિચારનો પ્રારંભ કરશો એટલે સંબંધની સૃષ્ટિમાં નવી ઊર્જા અને સુવાસ આવશે.

આવી જ રીતે સંબંધોની એક આગવી નજાકતનો પણ અનુભવ કરવા જેવો છે. સામાન્ય માનવીને તમારા સ્નેહની ઉષ્માનો આપેલો સ્પર્શ એ નિ:સ્વાર્થ સ્નેહનું દ્રષ્ટાંત બની રહેશે. તમારા એ સંબંધનું સામાન્ય માનવીને ઘણું મૂલ્ય હશે. એને માટે એ જીવનમાં સદૈવ સંઘરી રાખવા જેવી અમૂલ્ય સ્મૃતિ બનશે.

માનવતાવાદી ડૉ. આલ્બર્ટ સ્વાઈટ્ઝરના આગમન અંગે શુભેચ્છા વ્યક્ત કરવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો હતો. એમાં મિજબાનીના પ્રારંભે એક કેક લાવવામાં આવી અને એ સુશોભિત ટેબલ પર કેક મૂકીને સ્વાઈટ્ઝરને કાપવાનું કહેવામાં આવ્યું. સ્વાઈટ્ઝરે એના દસ ટુકડા કર્યા ત્યારે સહુને આશ્ચર્ય થયું કે વ્યક્તિ નવ છે, ત્યારે દસ ટુકડા કેમ?

સ્વાઈટ્ઝરે આનો ભેદ ખોલતાં કહ્યું કે, આપણે નવ છીએ, પણ આ દસમો ટુકડો સન્માનનીય નારી માટે છે કે જેણે આ સમારંભને માટે સઘળી વાનગી બનાવી છે. સ્વાઈટ્ઝરને એ મહિલાનો સહેજે પરિચય નહોતો, પરંતુ એના આ દસમા ટુકડાએ એ મહિલાના હૃદયમાં ચિરસ્થાયી પ્રસન્નતા ઉષ્મા જગાવી દીધી. સંબંધો બાંધવાની દોડ કરી રહેલા જગતને ભાગ્યે જ આવા 'અદ્રષ્ટ સંબંધો'નું સ્મરણ થાય છે, પણ આવો સંબંધ એ એક એવી સુરખી સરજી જાય છે કે જેનો કોઈ મુકાબલો કરી શકે નહીં.

પરસ્પરના સંબંધ વખતે વ્યક્તિને એક પ્રબળ ઈચ્છા સામી વ્યક્તિ પોતાની પ્રશંસા કરે તેવી હોય છે. જો પૂરતી પ્રશંસા ન થાય તો એને માઠું લાગે છે અને એની મૈત્રીની ભાવના તડકામાં પડેલા બરફની માફક ઓગળવા માંડે છે, ત્યારે એ ભૂલી જાય છે કે સ્નેહ અને પ્રાગટય વચ્ચે એક અંતર હોય છે.

જ્યોર્જ બર્નાર્ડ શૉને પુષ્પો તરફ અગાધ સ્નેહ હતો. તેમ છતાં એમના ઘરમાં રંગબેરંગી પુષ્પોની સેર કે ફૂલદાની મળતાં નહીં, કારણ કે એ એમ માનતા કે આ નિર્દોષ શિશુ જેવાં પુષ્પો ફૂલદાનીમાં સજાવવાની ચીજ નથી. આમ વ્યક્તિનો સ્નેહ એના પ્રાગટયમાં સ્વસ્થતા માગે છે. જો એમાં સ્વસ્થતા નહીં હોય તો એનું પ્રાગટય સામી વ્યક્તિને ગમશે ખરું, પરંતુ એનાથી પ્રશંસા કરનારનું મુખ મેલું થશે. પંખીને માટે જેમ માળો બાંધવો સરળ છે, એમ માણસને માટે સંબંધ બાંધવા સરળ છે, પરંતુ એ સંબંધ સતત જાળવવા મુશ્કેલ છે. એ સંબંધ વધુ ને વધુ દ્રઢ થતા જાય તે જોવું જોઈએ. પણ આજે તો એને માટે કોઈની પાસે ક્યાં સમય છે! જેની સાથે સંબંધ બાંધ્યા હોય એને વર્ષો સુધી મળવાનું ન બને, તો પછી એ સંબંધ ટકતો નથી. આથી આપણા આયુષ્યની મર્યાદામાં રહીને, સમય આપી શકીએ એટલા જ સંબંધો બાંધવા જોઈએ.

પ્રસંગકથા

નીતિશકુમારનો ગુલાંટનો ઓલિમ્પિક-વિક્રમ

ચૂંટણી પ્રચારનો સમય નજીક આવી ગયો હતો. વાતાવરણમાં પ્રચારની ઘણી ગરમી છે. બંને પક્ષ જોરશોરથી પોતાનો પ્રચાર કરે છે.

પોતાના પક્ષનો પ્રચાર કરવાની અને વિરોધ પક્ષને ઝાંખો પાડવાની એકે ય તક જવા દેતા ન હતા.

આવે સમયે ઈન્ડિયા ગઠબંધન પક્ષના પ્રચારકે પોતાના વિરોધી પક્ષવાળાને કહ્યું,

'અરે ભાઈ, આજકાલ તો પક્ષનો પ્રચાર કરવાની એક તક પણ હું જવા દેતો નથી. હોટલમાં જમવા જાઉં તો ત્યાં પણ પક્ષનો પ્રચાર કરતો રહું છું.'

વિરોધી એનડીએના ટેકેદારે પૂછયું, 'એ વળી કઈ રીતે? હોટલમાં જઈને કેવી રીતે પ્રચાર થઈ શકે?'

પેલા ભાઈએ કહ્યું, 'જુઓ, હોટલમાં જમ્યા પછી સારી એવી ટિપ આપું છું અને સાથોસાથ હોટલના વેઈટરને કહું છું કે વોટ તો ઈન્ડિયા મહાગઠબંધનને જ આપજો.'

એનડીએ પક્ષના ધારાસભ્યએ કહ્યું, 'તમારો આઈડિયા સારો છે, પણ તમારાથી મારો આઈડિયા વધુ સારો છે. હું જમ્યા પછી વેઈટરને એક પૈસો પણ ટિપમાં આપતો નથી અને કહું છું કે વોટ તો ઈન્ડિયા ગઠબંધનને જ આપજો. એટલે કે એ વેઈટર કોઈપણ સંજોગોમાં ઈન્ડિયા ગઠબંધનને વોટ આપે જ નહીં અને એના વિરોધીને એટલે એમને વોટ આપવાનું પસંદ કરે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજ સુધી નીતિશકુમાર એનડીએનો અને ભાજપનો પ્રખર વિરોધ કરતા હતા અને હવે એ ભાજપના ખોળે બેસી ગયા છે! એમણે પાંચ વખત આવી રીતે ગુલાંટ લગાવી છે અને નવમી વાર એ બિહારના મુખ્યપ્રધાન બન્યા છે! જેડીયુના પ્રમુખ નીતિશકુમારને કોઈએ કાંચિડાની માફક રંગ બદલતા કહ્યા, તો કોઈએ રાજકીય ગુલાંટનો વિક્રમ સ્થાપનારા કહ્યા. થોડો વખત પહેલાં જ નીતિશકુમારે કહ્યું હતું કે એનડીએમાં જોડાવા કરતાં મરવાનું પસંદ કરીશ. એ કામ એમણે જીવતાં કર્યું!

સવાલ એ છે કે આમાં પ્રજા ક્યાં? એમનાં સિદ્ધાંતો ક્યાં? જે એનડીએ સરકારની નીતિઓનો વિરોધ કરતા હતા, તે આજે એને ખોળે બેસી ગયા છે. પ્રજા આ સત્તાના ખેલ જુએ છે અને મનોમન વિચારે છે કે આવા પક્ષપલટુથી દેશને બચાવે. ક્યાં રામરાજ્યની વાત અને ક્યાં પક્ષપલટાનો ખેલ!


Google NewsGoogle News