યોગી સૌની પસંદ પરંતુ અખિલેશ તોડવાના મૂડમાં
- વ્યકિતગત રીતે પણ યોગી લડાયક છે
- ઇનસાઇડ સ્ટોરી
- સંઘે એ ભાજપને કહ્યું છે કે હિન્દુ કટ્ટરપંથી નેતાઓને નબળા પાડવાની કોઇ કોશિષ ના થવી જોઇએ
ઉત્તરપ્રદેશની યોગી સરકાર આજકાલ ભાજપ તેમજ વિરોધપક્ષ એમ બંને માટે ટાર્ગેટ બની ગઇ છે. વિપક્ષનું ખાસ કરીને સમાજવાદી પક્ષનું ગણિત એવું છે કે જ્યાં સુધી યોગી આદિત્યનાથનું ઉત્તર પ્રદેશમાં વર્ચસ્વ છે ત્યાં સુધી અખિલેશ યાદવને સત્તા મળી શકે એમ નથી. જેમ સમાજવાદી પક્ષ યોગી સરકાર નબળી પડે તેની રાહ જુવે છે એમ ઉત્તર પ્રદેશની અંધારી આલમ સાથે સંકળાયેલા લોકો પણ યોગીની વિદાયની રાહ જોઇને બેઠા છે. અંધારી આલમના ધંધા યોગીના કારણે ચોપટ થઇ ગયા છે.
ભાજપના મોવડીઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના લોકો યોગી આદિત્યનાથને ઇચ્છે છે માટે તેમની સરકાર ડામાડોળ થઇ શકે એમ નથી પરંતુ અખિલેશની ચાલ એવી છે કે યોગી ભલે રહે પણ ભાજપમાં ડખા થાય તો પક્ષ નબળો પડે અને વિધાનભાના જંગમાં ભાજપની નબળાઇથી જીતી શકાય છે.
યોગી સરકાર તૂટી પડે અને નવો પ્રદેશિક પક્ષ રચાય એવું અખિલેશ યાદવનું સપનું કાગડાના માંેમા રહેલી પુરી સાથે સરખાવી શકાય. ઝાડ ઉપર બેઠેલા કાગડાના મોંમા સત્તાની પુરી રહેલી છે અને ઝાડ નીચે શિયાળ સમાન અખિલેશ કાગડા કા-કા બોલે તેની રાહ જોઇને બેઠા છે. કાગડો બોલે તો સત્તાની પુરી તેના મોંમાથી પડીને સીધીજ અખિલેશની પાસે આવી જાય એમ છે.
અખિલેશનો સપનાં જોવાનો હક એટલા માટે છે કે લોકસભાના જંગમાં તેમણે ભાજપને ચક્કર લાવી દીધા છે. યોગીની ઇમેજ ભાજપમાં નંબર ટુ તરીકે થઇ રહી છે. મોદી અને યોગીની જોડીની પ્રશંસા અમેરિકા સુધી પહોંચેલી છે. હિન્દુ રાષ્ટ્ર માટે યોગીએ પછાડેલા ચીપીયાનો અવાજ ઇસ્લામોફોબિયામાં ઘટાડો કરી શક્યો છે. સંઘમાં યોગી કરતા મોદી વધુ પ્રિય છે કેમકે યોગી વધુ એગ્રેસીવ છે અને અંધારી આલમમાં ફફડાટ ફેલાવી શક્યા છે. મોદી તેમના હોદ્દાની રૂએ બોલવામાં મર્યાદા રાખી રહ્યો છે.
ભાજપમાં રહેલા યોગી વિરોધીઓને અખિલેશ એમ સમજાવવામાં સફળ કહ્યા હતા કે યોગીનું નામ દેશમાં ગાજી રહ્યું છે અને તમારા નામને કોઇ જાણતું પણ નથી. તમારે નામ જોઇતું હોય. તો અલગ ચોકો રચવો પડશે.
જ્યારે ઉત્તરપ્રદેશ ભાજપમાં ડખા ચાલે છે અને યોગીને બદલવાની વાત ચાલે છે એવી માહિતી જ્યારે નાગપુરમાં સંઘના કાર્યાલયને મળી ત્યારે સંઘના મોવડીઓએ ભાજપને સૂચના આપી હતી કે હિન્દુ કટ્ટરપંથી નેતાઓને બદલવાની કે તેમને નબળા પાડવાની કોઇ કોશિશ થવી ના જોઇએ.
દેશના સૌથી મોટા રાજ્યમાં હિન્દુ કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા નેતાને નબળા પાડવાની ચાલ રમનારાઓને પણ ચેતવવામાં આવ્યા હતા. તેમ છતાં યોગી સામેના વિરોધને બળવા તરીકે ચીતરવામાં અખિલેશને સફળતા મળી હતી.
અખિલેશ યાદવનો દાવ ૧૦૦ સભ્યોને લઇને આવો અને સરકાર રચો તે લલચામણો હતો પરંતુ ભાજપે સ્થિતિ ડામાડોળ થાય તે પહેલાંજ યુધ્ધના ધોરણે સમાધાનકારી પગલાં લઇને અનુપ્રિયા પટેલ અને રાજભર જેવાઓની લોબીનેા સંપર્ક કર્યો હતો અને યોગીને કવચ પુરૃં પાડયું હતું.
વ્યકિતગત રીતે પણ યોગી લડાયક છે. લોકોમાં તે પ્રિય છે.પરંતુ ભારતના રાજકરાણીઓ હંમેશા સત્તાની દિશામાં ઢળતા આવ્યા છે. ભાજપે ચારે બાજુ કડક પહેરો રાખ્યો હોવા છતાં બળવાખોરો છીંડા શોધી શકે છે.