વિપક્ષી જોડાણ એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્તઃ ભાજપને લાભ
- વિપક્ષી શંભુમેળો પોતાના ભારથીજ તૂટી રહ્યો છે
- ઇનસાઇડ સ્ટોરી
- આશ્ચર્ય તો એ વાતનું છે કે તૂટી રહેલા આ શંભુમેળાને ટેકો મૂકીને બચાવવા કોઇ વિપક્ષી નેતા આગળ નથી આવતા
વડાપ્રધાન મોદીને ત્રીજીવાર સત્તાપર આવતા અટકાવવા રચાયેલું વિપક્ષી સંગઠન આઇએનડીઆઇએ (INDIA) મહત્વકાંક્ષી નેતાઓનો શંભુમેળો હોવાનું સાબિત થઇ રહ્યું છે. આ શંભુમેળો તેમના પોતાના ભારથીજ તૂટી રહ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે તૂટી રહેલા આ શંભુમેળાને ટેકો મુકીને બચાવવા કોઇ વિપક્ષી નેતા આગળ નથી આવતા.
જેમાં સૌથી જુના અને અનુભવી પક્ષ તરીકે કોંગ્રેસનું વર્ચસ્વ હોવું જોઇએ તેનેજ દુર હડસેલી દેવાના પ્રયાસ સતત થઇ રહ્યા હતા. પહેલાં પ. બંગાળ અને પછી બિહારે મારેલા ફટકાઓથી વિપક્ષોનું ગઠબંધન સમાધાનના પાટાપીંડી કરવામાં સમય પસાર કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષી જોડાણ રચાયું પણ ત્યારબાદ તેનું સ્ટીયરીંગ નિતિશકુમારે પકડી લીધું હતું.
નિતીશ કુમાર નેશનલ સ્ટેજ પર છવાઇ જાય તે બિહારના અન્ય નેતા લાલુપ્રસાદ યાદવને ખૂંચતું હતું. તેમણે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલ જેવાઓ સાથે મળીને કન્વીનર પદે નિતીશકુમારનું પત્તું કાપી નાખ્યું હતું. નિતીશકુમારને દુર કર્યા બાદ પ.બંગાળ અને પંજાબની આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો સૂર આલાપવાનો શરૂ કર્યો હતો.
વિપક્ષના મહત્વકાંક્ષી નેતાઓેએ કોંગ્રેસના નેતાઓની ઠેકડી ઉડાડાયા કરી હતી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા વખતે આસામની સરકાર સાથે થયેલા વિવાદ બાબતે વિપક્ષી સંગઠનના સાથી નેતાઓેએ તેમની તરફેણ કરવાનું ટાળ્યું હતું. પ.બગાળમાં પણ રાહુલ ગો બેકના બેનરો વાગ્યા હતા.
જ્યારે સંગઠનના દરેક નેતા વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગતા હોય ત્યારે ટાંટીયા ખેંચ જોવા મળે તે સ્વભાવિક છે. બિહાર કરતાં પ.બંગાળ વધુ સ્પષ્ટ છે. મમતા બેનર્જીએ પોતેજ ખોંખારીને કહી દીધું છે કે અમે પ.બંગાળની તમામ બેઠકો પર ચૂંટણી લડીશું અને કોંગ્રસને એક પણ બેઠક નહીં આપીયે.
પ.બંગાળમાં કોંગ્રેસની પકડ નથી છતાં તે દશ બેઠક માંગતી હતી તો બીજી તરફ કોંગ્રેસના પ.બંગાળના વડા અધિરંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસ પર આક્ષેપો કરીને વિપક્ષી જોડાણનું વાતાવરણ ડહોળી નાખ્યંય હતું.
અધિરંજન ચૌધરી મમતાની વિરૂધ્ધ બેફામ બોલતા હતા ત્યારે કોંગ્રેસના કોઇ નેતાએ તેમને રોક્યા નહોતા અંતે મમતાએ બધી બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસને પોતાની ભૂલ સમજાઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં વટાણા વેરાઇ ગયા હતા.
બિહારના નિતીશકુમારને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટેનું લોબીંગ જેેડીયુના નેતાઓએ શરૂ કર્યું તે લાલુપ્રસાદના પેટમાં દુખ્યું હતું. તે નિતીશને આગળ આવવા દેવા તૈયાર નહોતા. એટલે તેમને કન્વીનર પદેથી હટાવવા મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલની મદદ લીધી હતી.
પોતાને દુર હટાવવા પાછળ લાલુપ્રસાદ યાદવ છે તે જાણ્યા પછીજ નિતીશે બિહારમાં ભાજપનો હાથ ફરી પકડવાનો વિચાર વહેતો કર્યો હતો. બીજી તરફ ભાજપે પણ તેમને ફરી આવકારવા તૈયારી બતાવી હતી.
વિપક્ષના સંગઠનમાં દરેકે એક બીજાના ટાંટીયા ખેંચ્યા છે. તેમનું કામ વડાપ્રધાન મોદીના પગ ખેંચવાનું હતું તેના બદલે દરેક એક બીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે. લાલુએ નિતીશના તો અધિરંજન ચૌધરીએ મમતાના પગ ખેંચ્યા હતા.
વિપક્ષી જોડાણ નબળું પડે તેનો સીધો લાભ ભાજપને મળશે. ભાજપ માટેતો વિપક્ષી જોડાણ નબળું પડવું એ કોઇ પણ પ્રયાસ વિના મોંમા આવેલા પતાસા સમાન છે.