Get The App

કર્ણાટકમાં પકડાપકડીનો ખેલઃ કોંગ્રેસનો વળતો પ્રહાર

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
કર્ણાટકમાં પકડાપકડીનો ખેલઃ કોંગ્રેસનો વળતો પ્રહાર 1 - image


- ભાજપ અને જનતાદળ(એસ)માં સન્નાટો 

- ઇનસાઇડ સ્ટોરી

- કેબિનેટે લીધેલા  ભાજપના ત્રણ સભ્યોની ધરપકડ કરવાના નિર્ણયને રાજ્યપાલેે સ્વીકારવો જ પડશે

કર્ણાટકમાં રાજકીય હૂંસાતૂંસીનો ચરૂ ઉકળેલો છે. 'મુદા' કૌભાંડમાં મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા સામે કેસ ચલાવવાની તૈયારી થઇ રહી છે ત્યારે સિધ્ધારમૈયા પણ મેદાન છોડીને ભાગે એવા નથી.  એચડી કુમારસ્વામી, ભાજપ અને સિધ્ધારમૈયા વચ્ચેની કોલ્ડ વોર હવે એકબીજાને જેલમાં ધકેલી દેવા સુધી પહોંચી છે. સિધ્ધારમૈયા અને કુમાર સ્વામી સામસામે આવી ગયા છે.

તાજેતરમાં મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાએ કહ્યું હતું કે કુમારસ્વામીને પકડવા એક કોન્સ્ટેબલ પૂરતો છે. એટલે કુમારસ્વામી ગભરાયેલા છે. ગમે ત્યારે તેમના પર ધરપકડની તલવાર વીંઝાઈ શકે એમ છે. આ વિવાદોથી ભાજપ દૂર એટલા માટે રહે છે કે ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પા પણ જેલની હવા ખાઇ આવેલા છે. 

કુમારસ્વામી એક એક પ્રેસ કોન્ફરન્સ કરીને સિધ્ધારમૈયાને ટાર્ગેટ બનાવ્યા બાદ બંને વચ્ચે જીભાજોડી જાહેરમાં થવા લાગી છે.

કર્ણાટકના રાજ્યપાલે મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ વિવાદ વધ્યો છે. એક કોન્સ્ટેબલ કુમારસ્વામીને પકડવા પૂરતો છે એમ કહ્યું એટલે સામે છેડે કુમારસ્વામીએ પણ કહ્યું છેકે સો સિધ્ધારમૈયા મને પકડવા આવે તો પણ હું ડરૃં તેમ નથી.

તેના જવાબમાં ફરી સિધ્ધારમૈયો કહ્યું કે ૧૦૦ સિધ્ધારમૈયા નહીં પણ માત્ર એક કોન્સ્ટેેબલ પૂરતો છે. કર્ણાટકના રાજકારણમાં ઉકળાટ એટલા માટે છે કે મુખ્યપ્રધાન સામે તપાસ શરૂ થવા જઇ રહી છે. સિધ્ધારમૈયાએ હવે રાજ્યપાલને ટાર્ગેટ કરીને કહ્યું છે કે રાજ્યપાલ એ બંધારણીય પોસ્ટ છે. અમે તે પોસ્ટને માન આપીયે છીએ. તેમણે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે. તેના બદલે એ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. કર્ણાટકના લોકાયુક્તે રાજ્યપાલને લખ્યું છે કે કુમારસ્વામી સાથે સંકળાયેલા ગેરકાયદે માઇનીંગના કેસમાં તપાસ કરવાની મંજૂરી આપો. 

કર્ણાટકના ટોચના રાજકરાણીઓ ખાસ કરીને સિધ્ધારમૈયા, કુમાર સ્વામી, યેદુઆરપ્પા વગેરે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. યેદુઆરપ્પા જેલની હવા ખાઇ આવેલા છે, જ્યારે હવે સિધ્ધારમૈયા અને કુમાર સ્વામીનો વારો છે. 

ં કર્ણાટકની સરકારે ગયા અઠવાડીયે કેબિનેટમાં નિર્ણય કર્યો હતો કે કેન્દ્રના હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર એચડી કુમારસ્વામી તેમજ ભાજપના ભૂતપૂર્વ પ્રધાનો શશીકલા જોલી, મૃગેશ નીરાની અને જી. જનાર્દન રેડ્ડી સામે કેસ ચલાવવા રાજ્યપાલ પાસે મંજૂરી માંગવામાં આવશે. આ સંદર્ભે કર્ણાટકના  લોકાયુક્તે પણ ઉપરોક્ત ત્રણેય સામે ચાર્જશીટ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ ઊભી કરવા જણાવ્યું છે.

ભાજપે સિધ્ધારમૈયાને ભીંસમાં લીધા તેના વળતા પ્રહાર રૂપે કુમારસ્વામી સહીતના ત્રણ નેતાઓ સામે પગલાં લેવાનું નક્કી કરાયું હતું. આગળની વ્યૂહરચના નક્કી કરવા મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમાર દિલ્હી જઇ કોંગ્રેસના મોવડી મંડળ સાથે ચર્ચા કરશે. મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા સામેના કેસની ૨૯ ઓગસ્ટે મુદત છે તે પહેલાં સરકાર ભાજપના પ્રધાનો સામે કેસ ચલાવવા માગે છે. એટલે જ લોકાયુક્તે રાજ્યપાલને બીજો પત્ર લખીને ત્વરીત તપાસ માટે આગ્રહ કર્યો છે.

આગામી દિવસોમાં કર્ણાટકમાં પકડાપકડીનો ખેલ જોવા મળશે. સિધ્ધારમૈયાએ જે રીતે વળતો પ્રહાર કર્યો છે તે જોઇ ભાજપ અને જનતાદળ (એસ)માં સન્નાટો પ્રસરેલો છે.

કેબિનેટે લીધેલા ભાજપના ત્રણ સભ્યોની ધરપકડ કરવાના નિર્ણયને રાજ્યપાલેે સ્વીકારવો જ પડશે એમ કોંગ્રેસનું માનવું છે.


Google NewsGoogle News