રાહુલ માટે પડકાર અને તક વિપક્ષો હજુ અવઢવ હેઠળ
- રાહુલને સહાનૂભૂતિના મોજાની આશા
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- ભાષણમાં યોગ્ય શબ્દનો ઉપયોગ ના કરી શકે તો તૈયાર કરેલી સ્ક્રીપ્ટ વાંચવી જવી જોઇએ
સંસદમાંથી રાહુલ ગાંધીનું સંસદ પદ રદ થતાં તેમની સામે નવી તક અને પડકાર બંને ઊભા થયા છે. પડકાર એટલા માટે કે તેમણે સાબિત કરવું પડશે કે સંસદ પદ માટે યોગ્ય હતા અને તક એટલા માટે કે છેલ્લા બે દાયકાથી તેમની પ્રસરેલી પપ્પુ ઇમેજમાંથી બહાર નીકળવાની તક મળશે. લોકો તેમને ગંભીરતાથી સમજે તેવા પ્રયાસ કરવાની પણ તક મળશે. આગામી કેટલાક દિવસોમાં તે પોતાની બોટમ પર પહોંચેલી પોલીટીકલ કેરીયરમાં કેવી રીતે ફેરફાર લાવે છે અને કેવી રીતે પોતે પીઢ રાજકારણી છે તે શબ્દો દ્વારા સાબિત કરે છે તે જોવાનું રહ્યું. પોતાના આપબળે તૈયાર થયેલા રાજકારણી તરીકે ઉભરી આવવાની તક તેમને મળી છે એમ કહી શકાય. એ વાત પણ સાચી છે કે તેમના દાદી ઇન્દિરાગાંધી જેવી પાયાની પોલીટીકલ સ્કીલનો તેમનામાં અભાવ છે. તે પણ લોકસભામાં કર્ણાટકની ચિકમંગલૂરની બેઠક જીતીને એક મહિનામાંજ પાછા લોકસભામાં ગર્વભેર આવ્યા હતા.
સુરતની કોર્ટે આપેલા ચુકાદાના પગલે રાહુલનું સંસદ સભ્ય પદ રદ કરવામાં કેન્દ્ર સરકારે બતાવેલી સુપર સોનિક સ્પીડ ઉતાવળ છે કે યોગ્ય છે તે વિચારવાની સાથે રાહુલનું હવે પછીનું પગલું શું હશે તે પર સૌની નજર રહેશે. ટૂંંકમાં હવે બોલ રાહુલની કોર્ટમાં છે. સુરતની કોર્ટના ઓર્ડર પર સ્ટે મેળવાય તોજ રાહુલનું લોકસભાની સભ્ય પદ પાછું મળી શકે છે. એમ લાગે છે કે જે સ્પીડથી તેમનું સંસદ સભ્ય પદ રદ થયું છે તે સ્પીડે તેમને ફરી આપવામાં નહીં આવે. રાહુલ સામેના પગલાંથી સહાનુભૂતિ ખાતર પણ વિરોધ પક્ષો એક થશે એમ મનાય છે.
પરંતુ આ સહાનૂભૂતિ વિપક્ષી મોરચો ઊભો કરવામાં મદદરૂપ થશે કે કેમ તે કહી શકાય એમ નથી. મમતા બેનરજી એમ કહે છેકે સરકારે રાહુલ ગાંધીને હાથે કરીને બહાર કાઢ્યા છે જેથી લોકોનું ધ્યાન તે તરફ ખેંચાય અને તે વિપક્ષના નેતા બની શકે. જેના કારણે મતદારો પાસે મોદી અને રાહુલ એમ બે વચ્ચે પસંદગી કરવાની રહે. મમતા સિવાયના અન્ય વિપક્ષી નતાઓએ પોતે રાહુલની તાકાત વધારશેે એમ જણાવ્યું છે. પોતાના ટીકાકારો પર સરકાર સખત બનીને તૂટી પડે છે એવી હવા પણ મોદી સરકારના વિરોધમાં જઇ શકે છેે. મોદી સરકારે બહુ ગણત્રી સાથે જોખમ ઉઠાવ્યું છે. સરકારે રાહુલ સામે લીધેલા પગલાંનો અર્થ એ નથી કે તે મોદી સામે વિપક્ષના ઉમેદવાર તરીકે ફીક્સ સમજી લેવાનું છે.
રાહુલના સમર્થકો માને છે કે મોદી સરકારના પગલાંથી રાહુલને સહાનૂભૂતિનું મોજુ મળી શકશે જે કોંગ્રેસને ફળી શકે છે. રાહુલ એમ કહે છે કે મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો એટલે મારી સામે પગલાં લેવાયા છે પરંતુ મધ્યમ વર્ગના મતદારો આવી બાબતો પર બહુ ધ્યાન નથી આપતો. આટલું થવા છતાં વડાપ્રધાનની ઇમેજને આંચ નથી આવી કેમકે ઇન્ફ્રાસટ્રક્ચર પ્રોજેક્ટથી ઊભી થતી સવલતો અને વિવિધ સ્કીમો મારફતે ગરીબોને મળતા લાભ તેમની લોકપ્રિયતા વધારી રહ્યા છે.
૫૨ વર્ષે રાહુલ ગાંધીએ પીઢ રાજકારણીની જેમ વર્તવાની જરૂર છે. તેમની બોલી કે ભાષણ કોઇનું અપમાન થાય તેવું ના હોવું જોઇએ. જો તે તેમની માતાની જેમ યોગ્ય શબ્દનો ઉપયોગ ના કરી શકે તો તેમણે તૈયાર કરેલી સ્ક્રીપ્ટ વાંચવી જવી જોઇએ. લખેલા કાગળ સામું જોયા વિના બોલવાની ટેવ તેમનેે ભારે પડી શકે છે. તાજેતરમાં યુકેની મુલાકાત દરમ્યાનની તેમની સ્પીચે વિવાદ ઉભો કર્યો હતો એમ ૨૦૧૯માં કર્ણાટક ખાતે કોલારમાં સંસદીય ચૂંટણી દરમ્યાન આપેલી સ્પીચ ભારે પડી હતી.