Get The App

દિલ્હીમાં મતદારોને જલસા દરેક પક્ષની મફત સ્કીમો

Updated: Jan 29th, 2025


Google News
Google News
દિલ્હીમાં મતદારોને જલસા દરેક પક્ષની મફત સ્કીમો 1 - image


- બજેટ પર કેટલો બોજ પડશે તે વિશે વિચારો

- ઇનસાઇડ સ્ટોરી

- મફત સવલતોની સ્કીમોનો ખર્ચ હકીકતે તો જે તે રાજકીય પક્ષાએે ઉઠાવવો જોઇએ 

દેશની ચૂંટણીઓમાં મહિલા મતદારોનું મહત્વ દરેક રાજકીય પક્ષો સમજવા લાગ્યા છે. મહિલાઓના મત જીતવા માટે જરૂરી બની જતા ચૂંટણીઓમાં મહિલાઓને વિશેષ સવલતો અને નાણાની સહાય આપવાના વચનો રાજકીય પક્ષો આપી રહ્યા છે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થાય તે રીતની યોજનાઓ તૈયાર થઇ રહી છે.

 આમ પણ, આમ આદમી પાર્ટીએ દિલ્હી જીતવા મફત વિજળી, પાણીની સવલતો આપીને ચૂંટણી જીતી ત્યારે દેશના મુખ્ય રાજકીય પક્ષોને ખ્યાલ આવ્યો હતો કે સત્તા મેળવવા મફતમાં સવલતો આપવી પડે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે મફત સ્કીમનો જાહેરાત કરી ત્યારે અન્ય રાજકીય પક્ષો તેમની ટીકા કરતા હતા. પરંતુ મફત સ્કીમોથીજ કેજરીવાલ જીતી શકે છે તેનું ભાન થતા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પણ મતદારોને દર મહિને રોકડા આપવાની સ્પર્ધામાં ઉતર્યા છે.

 ટૂંકમાં મતદારોને મફત સવલતો આપવાથી રાજ્યના બજેટ પર કેટલો બોજ પડશે તે વિશે કોઇ વિચારતું નથી. કોરોના કાળ વખતે જરૂરીયાતમંદ લોકોને મફત અનાજ આપવાની સ્કીમ મોદી સરકારે મુક્યા પછી હવે તેને દર વર્ષ લંબાવવામાં આવે છે.  અનાજની વર્તમાન ફ્રી સ્કીમથી મોદી સરકારની તિજોરી પર વર્ષે ૬૦૦ કરોડ રૂપિયાનો બોજો પડે છે પરંતુ મોદી સરકાર આ રીતે મતદારોના દિલ જીતવા માંગે છે.

 દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષો મતદારોને વિવિધ પ્રલોભનો આપીને પોતાની તરફ ખેંચતા હોય છે. મતદારોને ખુશ રાખવાથી સત્તા મળવાની ે જાદુઇ ચાવી મળી શકે છે. દરેકને સત્તા મેળવવી છે અને હરીફને હંફાવવા છે.

 ચૂંટણી જીતવાની નવી ફોર્મ્યુલા મતદારોને મફત ચીજો આપવામાં છે. ચૂંટણી જીત્યા પછી મતદારોને ટટળાવતા રાજકીય પક્ષો જાણે છે કે મતદારો પાંચ વર્ષ સુધી કોઇ કશું કરી શકવાના નથી અને પાંચ વર્ષમાં તે બધું ભૂલી જવાના છે. નવી ચૂંટણી આવશે એટલે મફત પ્રવાસ જેવી સ્કીમ મુકીને ફરી મતદારોને  ઉલ્લુ બનાવીશું.

 મતદારો એવો મત ધરાવે છે કે રાજકારણીઓને જે ભ્રષ્ટાચાર કરવો હોય તે કરે પરંતુ અમારા રોજીંદા ખર્ચમાં કાપ આવે એવી કોઇ સ્કીમ મુકે. લાઇટ બીલ કે પાણીનું બીલ ભરવું ના પડે તે રોજીંદા બજેટમાં મોટી રાહત સમાન છે. દિલ્હીના મુખ્યપ્રધાન રાજકારણી હોય તેના કરતાં વધુ તે સાયકોલોજીસ્ટ હોય એમ લાગે છે.

 મતદારોને શું જોઇએ છે તે દેશના મુખ્ય રાજકીય પક્ષોના પીઢ નેતાઓ કરતાં અરવિંદ કેજરીવાલ વધુ જાણતા હોય એમ લાગે છે. તેમણે મહિલાઓ, કોલજમાં જતા છોકરાઓ વગેરે માટે નવી વિનીંગ ફોર્મ્યુલા સમાન સ્કીમો મુકીને મતદારોને વધુ લાલચ આપી છે.

 આ વખતે દિલ્હીની ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસે પણ મતદારો માટે નવી સ્કીમો મુકી છે. આવા મોટા ભાગની સ્કીમો મહિલાઓ અને વિધ્યાર્થી વર્ગને ટાર્ગેટ બનાવીને રાખવામાં આવી છે. રાજ્યની આવક આવી મફતની સ્કીમોમાં ધોવાય છે.

 કેન્દ્ર સરકાર પોતે પણ મફત આનાજની સ્કીમ આપીને મતદારોને પોતાની તરફ ખેંચી રાખવામાં સફળ થાય છે. મતદારોને પોતાની તરફ ખેંચવામાં દરેક પક્ષ એક માળાના મણકા સમાન હોય છે.

આડેધડ અપાતી મફત સવલતોની સ્કીમોનો ખર્ચ હકીકતેતો જે તે રાજકીય પક્ષાએે ઉઠાવવો જોઇએ પરંતુ આપણે ત્યાં રાજકીય નિર્ણયો ક્યારેય શંકાથી જોવાતા નથી.

Tags :
Inside-Story

Google News
Google News