રાહુલની ભારત જોડો યાત્રા રાજકીય લાભ વિનાની બની
- સૌથી સફળ અડવાણીની રથયાત્રા હતી
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
રાહુલ ગાંધીની શુષ્ક પદયાત્રા ત્રીજા મહિનામાં પ્રવેશી છે. બહુ મોટા ઉપાડે શરૂ કરાયેલી ભારત જોડો યાત્રા તેનો કોઇ રાજકીય હેતુ સિધ્ધ કરી શકી નથી. ૩૫૦૦ કિલો મીટર પદયાત્રા કરીને ફરીને મૂળ ભારતની શોેધ કરવાની યાત્રા એમ કહેવું બરાબર નથી. યાત્રા રાજકીય નહીં હોય એવું કહેવું પણ સાવ ખોટું છે. લોકો યાત્રામાં કોઇ ઉપકાર કરવા જોડાયા હોય એમ જોડાતા હતા.
યાત્રા દરમ્યાન કોઇ પણ દિવસ એવો નહોતો કે જેમાં તેમણેે તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીનો કોઇ વિરોધ કે ટીકા ના કરી હોય. જ્યારે સરકારનો સતત વિરોધ કરાતો હોય તો તેને રાજકીય યાત્રા સિવાય બીજું કશું ના કહી શકાય.
ભારત જોડો યાત્રા કહેવા પુરતી જ હતી કેમકે તેમાં ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષો જોડાતા હતા. આમ ભારત જોડો યાત્રા એ સોે એ સો ટકા કોંગ્રેસની યાત્રા બની ગઇ હતી. કોંગ્રેસ વિનાના રાજ્યોમાં યાત્રાને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. સમાચાર માધ્યમોને રોજે રોજ મેટર અને ફોટા મોકલાતા હોવા છતાં કોઇ ખાસ કવરેજ જોવા મળ્યું નથી.
ભારત જોડો યાત્રાનો કોન્સેપ્ટ સારો હતો પરંતુ અનેક વાર રાજકીય તખ્તા પરથી દુર થઈ જવું અને પોતાને કામ હોય ત્યારે સપાટી પર આવવાથી લોકોના દિલ જીતી શકાતા નથી. યાત્રાને ભલે ભંંડોળ મળ્યું હોય પરંતુ પક્ષના લોકો પરાણે જોડાતા હોય તેમ જોડાતા હતા.
કેટલાક નોન પોલીટીકલ અને કોંગ્રેસ તરફ ઢળેલા લોકો જેવાં કે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન જોડાયા હતા અને બોલીવૂડની બી ગ્રેડ ફિલ્મોની હિરોઇનો જોવા મળતી હતી.
અહીં ૧૯૮૩-૮૪ની ભૂતપૂર્વ વડાપ્રધાન ચંન્દ્રશેેખરની પદયાત્રા યાદ આવે છે. ચન્દ્રશેેખરની યાત્રા અને ભારત જોડો યાત્રામાં ફર્ક એ છે કે ચન્દ્રશેખર પાયામાંથી બહાર ઉભરાઇ આવ્યા હતા અને તેમણે ગરીબી નજીકથી જોઇ હતી. જ્યારે રાહુલ ગાંધી પરિવારવાદથી આગળ આવેલા છે.
અહીં એ પણ ઉલ્લેખવું જોઇએ કે આઝાદ ભારતમાં સૌથી સફળ યાત્રા ૧૯૯૦માં એલ.કે.અડવાણીની રથયાત્રા હતી. તેમનો હેતુ સ્પષ્ટ હતો અને તે અયોધ્યા વિવાદે લોકોનો ઓપિનીયન મેળવવા માંગતા હતા. રામ મંદિર માટેનો આ સૌથી મોટો પ્રોજેક્ટ હતો. આ રથયાત્રાથી ભાજપ માટે રાજકીય ચાન્સ ઉભો થયો હતો અને ત્યારથીજ કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા હતા એમ કહી શકાય.
રાહુલ ગાંધીની યાત્રા તમિળનાડુથી શરૂ કરાઇ હતી. ત્યાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષ ડીએમકે ના ભરોસે છે. ત્યાં લોકસભાની બેઠકો પણ ઓછી છે. તેના બદલે જો લોકસભાની ૮૦ બેઠકો વાળા ઉત્તર પ્રદેશથી તે શરૂ કરાઇ હોત તો તેનો રાજકીય લાભ ઉઠાવી શકાત.
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ ઘણું બાફ્યું હતું. જેમકે તમિળનાડુની એક સભામાં તેમણે કહ્યું હતું કે ચીનથી ભારતનું રક્ષણ કરવા લશ્કર, નેવી અને એરફોર્સનો ઉપયોગ થાય છે તેના બદલે જો ભારતના કામદાર વર્ગને સરહદે ઉતારાય તો ચીન અંદર ઘૂસવાની હિંમત ના કરે. તે પરફેક્ટ આવુંજ બોલ્યા હતા. સાંભળનારા મૂંઝાતા હતા કે આ નિવેદનનો શું અર્થ કરવો?
રાહુલે એટલું સ્પષ્ટ કરી દીધું છે કે તે ચીનને મામલે તે મોદીને ભીડાવવા જાય છે. પરંતુ આવું કરવામાં તે શબ્દોનો પ્રયોગ બરાબર કરતા નથી. તેમને કહ્યું કે ચીનનું લશ્કર ભારતીય લશ્કરની પીટાઇ કરી રહ્યું છે.
૧૫૦ દિવસની યાત્રા પુરી થશે ત્યારે ખ્યાલ આવશેે કે તેનો કોઇ લાભ લઇ શકાયો નથી. રાહુલ ગાંધીનો પ્રોજેક્ટ કરવાનો પ્લાન ખોટો છે. તેમનામાં વિજય મેળવી શકવાનું કોઇ નૂર દેખાતું નથી. કોંગ્રેસે વિજય અપાવે તેવો નવો ચહેરો શોધવો પડશે.