હવેનો રાજકીય તખ્તેા દિલ્હીમાં નેતાઓ માટે આરામ હૈ હરામ
- ચૂંટણીનું ચક્ર: હવે દિલ્હી પછી બિહાર
- ઇનસાઇડ સ્ટોરી
- સતત ચૂંટણીઓથી લોકો કંટાળે છે પરંતુ રાજકીય પક્ષો વધુ તાજા થઇને લડતા હોય છે
મહારાષ્ટ્ર અને ઝારખંડનો ચૂંટણી જંગ પુરો થયો છે. હવે સમિક્ષાઓનો મારો ચાલશે. કોણે ક્યાં ભૂલ કરી કે ઇવીએમ હેક થયા જેવા આક્ષેેપો બે દિવસમાં ઠંડા પડી જશે અને દરેક રાજકીય પક્ષનું ધ્યાન દિલ્હીની ચૂંટણીની દિશામાં જવાનું છે. હવેનો ચૂંટણી તખ્તો દિલ્હી છે. દિલ્હીનો પ્રાદશિક પક્ષ આમ આદમી પાર્ટી દેશના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને વારંવાર હંફાવી ચૂક્યો છે. અન્ના આંદોલનના સ્ટેજ પરથી બહાર આવેલી આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સત્તા હાંસલ કરી ચૂકી છે.
મહત્વનું એ છે કે જે દિવસે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થયાકે તરતજ આમ આદમી પાર્ટીના નેતાઓ સચેત થઇ ગયા હતા. જે ઇન્ડી ગઠબંધન સાથે તે જોડાયેલા છે તેનો મુખ્ય પક્ષ કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થઇ ગયો હતો. આ ગઠબંધનમાં જોડાયેલા ઉધ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષનો પણ સફાયો થઇ ગયો હતો. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે રહીને લડશે કે કેમ તે પર એક પ્રશ્નાર્થ મુકાયો છે. ભારતના રાજકારણમાં ચૂંટણીનું ચક્ર એવું છે કે જે સતત ફર્યા કરે છે. હવે દિલ્હી અને ત્યાર પછી બિહારનો વારો છે. રાજકીય પક્ષો અને તેના કાર્યકરો ફરી તાજા માજા થઇને પ્રચારમાં જોડાશે.
દેશના દરેક રાજકીય પક્ષો મહારાષ્ટ્રની વાત ભૂલીને હવે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. કોઇના મોઢામાંથી હાશ થાકી ગયા, હવે ગોવા જઇને અઠવાડીયું આરામ કરીશું એવું ભાગ્યેજ નીકળે છે. હારનાર નિરાશ થયા છે પણ કોઇ હતાશ નથી થયું. દરેક પોતાની વ્યૂહરચના બદલીને પ્રજાની વચ્ચે જવા તૈયાર થઇ રહ્યા છે. દિલ્હી જીતવાના ભાજપે કરેલા પ્રયાસો સાવજ નિષ્ફળ ગયા છે છતાં ભાજપ પીછેહઠ કરવા તૈયાર નથી. દિલ્હીના ભાજપના નેતાઓની તમામ વ્યૂહરચના નવીસવી કહી શકાય એવી આમ આદમી પાર્ટીએ ભોંય ભેગી કરી નાખી હતી. રાજકીય પક્ષોના નેતાઓ કે કાર્યકરો થાકવા તૈયાર નથી. ચૂંટણી આવતાંજ તેમનામાં નવું જોમ ફૂટતું હોય તેવું દેખાઇ આવે છે. અગાઉની હારની તેમના પર કોઇ અસર નથી હોતી અને નવી ચૂંટણી જીતવાના કામમાં તે લાગી જાય છે.
સતત આવતી ચૂંટણીઓથી હજારો માનવ કલાકો વેડફાય છે અને હજારો લોકોને તેમાં મને કમને જોતરાવું પડે છે. ચૂંટણીના કારણે સલામતી રક્ષકો અને ચૂંટણી સ્ટાફ વેગેરેને પણ સ્થળ પર શિફ્ટ કરવા પડે છે. રાજકીય પક્ષોમાં પડદા પાછળ રહીને ચૂંટણી જીતાડવા કામ કરતા ચાણ્ક્યોના માટે પણ નવા સ્લોગનો રચવા, નવા મુદ્દા ઉભા કરવા વગેરે કામ બહુ મહત્વના હોય છે. છાશવારે આવતી ચૂંટણીઓથી પ્રજા પણ થાકી જાય છે કેમકે સત્તા પર બેઠા પછી તે જાણે છે કે પ્રજાના કોઇ કામ થતા નથી પણ માત્ર ભ્રષ્ચારમાંજ આ લોકો રચ્યા પચ્યા હોય છે. ચૂંટણીઓમાં મતદાન ઓછું થવા પાછળનું મુખ્ય કારણ પણ રાજકીય નેતાઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર જ છે. બહુ ઓછા લોકો રાજકારણને પોતાની કારકિર્દીનો એક ભાગ બનાવવા માંગે છે.
સતત ચૂંટણીઓથી લોકો કંટાળે છે પરંતુ રાજકીય પક્ષો વધુ તાજા થઇને તે લડતા હોય છે કેમકે પ્રજાને ભાગે કશું આવતું નથી, ચૂંટણી વચનો પ્રમાણે પણ કોઇ કામ થતા નથી. નિરસ બનતા જતા રાજકારણમાં પ્રાણ પુરવાના પ્રયાસો રાજકીય પક્ષો વિવિધ આંદોલનો દ્વારા કરતા હોય છે પરંતુ દરેકનું લક્ષ્ય સત્તા પ્રાપ્ત કરીને પૈસા કમાવવાનું હોય છે. વારંવારની ચૂંટણી રાજકીય પક્ષો માટે સત્તા પ્રાપ્ત કરવાનો મોકો ઉભો કરી આપે છે.