Get The App

અનુભવી ખડગે સામે જૂથવાદ અને ગ્રુપ-23 પડકારજનક

Updated: Oct 26th, 2022


Google NewsGoogle News
અનુભવી ખડગે સામે જૂથવાદ અને ગ્રુપ-23 પડકારજનક 1 - image


- મુખ્ય વિપક્ષો એક થવાની દિશામાં આગળ વધશે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- તમામ મતદાર જાણતા હતા કે ખડગેના નામ પર ગાંધી પરિવારનો સિક્કો છે

કોંગ્રેસના નવા પ્રમુખ સામે અનેક પડકારો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન પદનો તાજ ત્રણ વાર ગુમાવનાર ૮૦ વર્ષના મલ્લિકાર્જુન ખડગે ભલે એક પ્રોફેશનલ રાજકારણી હોય પણ તેમને એ વાત મૂંઝવે છે કે કેમ તેમનો પક્ષ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં બહુ નજરે નથી પડતો.

જે રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ સીધો જ ભાજપ સાથે ટકરાઇ શકે એ રાજ્યો પૈકી બે ગુજરાત અને હિમાચલ પ્રદેશ છે. આ બંને રાજ્યોમાં કોઇ ત્રીજો મોટો પક્ષ મેદાનમાં નથી. આ બંને રાજ્યોમાં સ્થાનિક સ્તરના કોંગ્રેસના નેતાઓ બહુ સક્રિય જોવા નથી મળતા, જ્યારે ભાજપ પ્રચાર માટે તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. ચૂંટણી જંગમાં ઝુકાવનાર આમ આદમી પાર્ટી  પણ કોંગ્રેસ કરતાં વધુ નજરે પડે છે. 

ખડગે વધુ કલાકો કામ કરી શકે છે. ટૂંકમાં, તે પક્ષના રાજ્યનાં એકમો પર ધ્યાન આપવાનું શરૂ કરશે. કોંગ્રેસનાં એકમોમાં જૂથબંધી નિવારીને તેમણે નવેસરથી કોંગ્રેસને સક્રિય બનાવવી પડશે. અહીં એ પણ મહત્ત્વનું છે કે ભારત જોડો યાત્રા આંઠમા સપ્તાહમાં પ્રવેશી છે, પણ શા માટે રાહુલ ગાંધીએ તેમાંથી ગુજરાત અને હિમાચલને બાકાત રાખ્યાં છે તો કોઇને સમજાતું નથી. ચૂંટણીવ્યૂહ રચનામાં આવી યાત્રા જરૂરી છે, પરંતુ રાહુલ ગાંધીએ આ બંને રાજ્યોથી દૂર રહ્યા છે. જો ત્યાં ગયા હોય તો કાર્યકરોમાં ઉત્સાહનો  સંચાર કરી શકત. 

આશા રાખીએ કે ખડગે ભારત જોડો યાત્રાનું પ્લાન કરનારને ચૂંટણીગ્રસ્ત રાજ્યોમાં ઉત્સાહ ઉભો કરવા સમજાવી શકશે.

દરમ્યાન એ પણ નોંધવું જોઇએ કે ખડગેનો પક્ષ તેમજ રાજકારણનો અનુભવ પક્ષના અન્ય લોકો કરતાં પણ વધુ છે. એમ કહી શકાય કે ગાંધી પરિવારના ત્રણેય સભ્યોના કુલ સરવાળા કરતાં વધુ રાજકીય પરિપક્વતા અને હોંશિયારી તેઓ ધરાવે છે. 

ખડગે એ પ્રમુખ પદ સંભાળ્યા પછી હવે મુખ્ય વિપક્ષો એક થવાની દિશામાં આગળ વધશે. શશિ થરૂરે ફાઇટ આપી હતી, પરંતુ ખડગે બિનસત્તાવાર રીતે ગાંધી પરિવારના ઉમેદવાર હતા. દરેક મતદાર જાણતા હતા કે ખડગેના નામ પર ગાંધી પરિવારનો સિક્કો હતેા. તેમ છતાં શશી થરૂરને ૧૦૭૨ મળે તે તેમની નાના જૂથો સાથેની લોકપ્રિયતા કહી શકાય.

પ્રમુખ તરીકે ચૂંટાયા પછી ખડગેએ કહ્યું હતું કે જ્યારે મારે જરૂર પડશે ત્યારે ગાંધી પરિવારના સંપર્કમાં રહીશ. જાણકારો કહે છે કે ખડગે કોઇના પ્રભાવમાં રહીને કામ કરવાના બદલે પોતાની રીતે જ કામ કરશે. જોકે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેમનું એક ઠઠ્ઠાચિત્ર બનાવવામાં આવ્યું હતું જેમાં ખડગેને મનમોહનસિંહ-ટુ તરીકે ચિતરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ સાથે તેમની સરખાણી થઇ ના શકે, કેમ કે ખડગે પોતાના નિર્ણયો પોતાની જાતે લઇ શકવાની ક્ષમતા ધરાવે છે.

કર્ણાટકમાં વિપક્ષના નેતા, ત્યારબાદ લોકસભામાં વિપક્ષના નેતા અને હવે રાજ્યસભામાં વિપક્ષના નેતા રહેલા ખડગે માટે હવે સૌથી કપરૂં પદ આવ્યું છે. કોંગ્રેસમાં ચાલતો જૂથવાદ સમજવો પડશે, કેમ કે દરેક નેતા ઇગોથી પીડાય છે અને પક્ષની એકતા પર હથોડા મારી રહ્યા છે. ખડગેએ દરેક રાજ્યના નેતાના ઇગોને સમજવો પડશે. 

વિપક્ષની એકતાની દિશામાં પ્રયાસ કરતા પહેલાં ખડગેએ પક્ષમાંના ગ્રુપ-૨૩ તરીકે ઓળખાતા લોકોને પણ વિશ્વાસમાં લેવા પડશે. આ જૂથ લાંબા સમયથી પક્ષના પ્રમુખપદ માટે ચૂંટણીની માંગણી કરી રહ્યું હતું. ગ્રુપ-૨૩ના નેતાઓ અનુભવી અને ઉપયોગી બની શકે એમ છે, પરંતુ તેમણે ગાંધી પરિવાર, ખાસ કરીને રાહુલ ગાંધી બાબતે નારાજગી બતાવી હતી. 

અલબત્ત, ખડગે માટે સૌથી પહેલું કામ તો રાજસ્થાનમાં સચિન પાઇલટના જૂથને સાચવવાનું છે.


Google NewsGoogle News