આર્થિક ઉદારીકરણનો લાભ પ.બંગાળ ના ઉઠાવી શક્યું

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
આર્થિક ઉદારીકરણનો લાભ પ.બંગાળ ના ઉઠાવી શક્યું 1 - image


- 60ના દાયકામાં પ.બંગાળ આર્થિક રીતે સમૃધ્ધ હતું

- ઇનસાઇડ સ્ટોરી

- કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશ જેવા રાજ્યો આજે આર્થિક ક્ષેત્રે પાવર હાઉસ સમાન 

ભારતના રાજકારણમાં આજકાલ પશ્ચિમ બંગાળ ટોપ પર છે.  મમતા બેનરજી શું બોલે છે અને શું કરવા માંગે છે  તે પર દેશના રાજકારણની નજર હોય છે. મમતા બેનરજીનું ફાયરબ્રાન્ડ વ્યકિતત્વ છે પરંતુ તે વ્યક્તિત્વ તેમના રાજ્યમાં બિઝનેસ ખેંચી લાવવામાં ઉપયોગી નથી બની શક્યું તે હકીકત ભૂલવી ના જોઇએ. 

૧૯૬૦ના દાયકા પર નજર કરીએ તો પ.બંગાળ આર્થિક રીતે ટોપ પર હતું.  આર્થિક સમૃધ્ધિમાં ભારતમાં તે ત્રીજા નંબરનું રાજ્ય હતું. આજે તે આર્થિક રીતે ખોટકાયેલી સ્થિતિમાં છે. ૧૯૬૦-૬૧માં પ.બંગાળનો દેશના જીડીપીમાં ૧૦.૫ ટકાનો ફાળો હતો જે આજે ૨૦૨૩-૨૪માં સરકીને ૫.૬ ટકા પર આવી ગયો છે.

૧૯૯૧માં ભારતે લીધેલા આર્થિક ઉદારીકરણના પગલાંનો લાભ પશ્ચિમ બંગાળ ઉઠાવી શક્યું નહોતું. એક સમયે ભારતના આર્થિક સમૃધ્ધિના નકશા પર જે રાજ્યનું નામ ગૌરવથી લેવાતું હતું તે રાજ્ય આજે આર્થિક ક્ષેત્રે ડચકાં ખાય છે.

એક સમય હતો કે જ્યારે મુંબઇ, કોલક્તા અને મદ્રાસ (ચેન્નાઇ)  ભારતના ઉદ્યોગના તખ્તા પરના ટોચના રાજ્યો ગણાતા હતા. આજે મુંબઇ અને ચેન્નાઇની ઉદ્યોગ ક્ષેત્રેે બોલબાલા છે. ૧૯૬૦ના દાયકામાં કોલક્તાનું બંદર બહુ બિઝી રહેતું હતું. તેના મારફતે વેપાર વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલતા હતા.

પ.બંગાળનો ઉદ્યોગનો બેઝ તેના વિકાસ માટે બહુ ઉપયોગી બની ગયો હતો જેના કારણે તેના પર આર્થિક રીતે સમૃધ્ધ રાજ્યનું લેબલ વાગેલું હતું પરંતુ ૧૯૬૦ના દાયકા બાદ ત્યાના ઉદ્યોગ ક્ષેત્રે પડતી શરૂ  થઇ હતી અને તે સતત ચાલુ રહી હતી.

દરિયાઇ રાજ્યોમાંે તમિળનાડુુનો પણ સમાવેશ થાય છે. તમિળનાડુ બિઝનેસ ફ્રેન્ડલી બની ચૂક્યું છે. તમિળનાડુના વર્તમાન મુખ્યપ્રધાન તાજેતરમાં ફોર્ડ મોટરને ફરી ભારત ખેંચી લાવ્યા છે.

જે ઓડિસાને ઉદ્યોગ ક્ષેત્રે સાવજ પછાત ગણવામાં આવતું હતું તે આજકાલ નોંધપાત્ર રીતે આર્થિક સધ્ધરતા મેળવી રહ્યું છે. પરંતુ પ.બંગાળ ઉદ્યોગ ક્ષેત્રેે સતત પીછેહટ કરી રહ્યું છે. 

૧૯૯૧માં જ્યારે આર્થિક ઉદારીકરણનો પવન ફૂંકાયો ત્યારે જેમને ઉદ્યોગ ક્ષેત્રે સામાન્ય ગણવામાં આવતા હતા તે કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશ જેવા રાજ્યો અચાનક ઉપસી આવ્યા હતા અને આજે આર્થિક ક્ષેત્રે પાવર હાઉસ સમાન બની ગયા છે.

તેની સરખામણીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને હરિયાણાનો  સમયાંતર ગ્રોથ ચાલુ રહ્યો હતો. દરેક રાજ્યએ આર્થિક ઉદારીકરણનો લાભ ઉઠાવ્યો છે એમ કહી શકાય પરંતુ કોણ જાણે કેમ પણ પશ્ચિમ બંગાળે ઉદ્યોગ ક્ષેત્રને વિકસાવવામાં બહુ રસ લીધો નહોતો. 

આર્થિક નિષ્ણાતોને ચિંતા એ વાતની છે કે એક સમયનું આર્થિક ક્ષેત્રે વેગવંતુ રાજ્ય આજે આર્થિક ક્ષેત્રેે ફસડાઇ પડયું છે. પશ્ચિમ બંગાળ આર્થિક વિકાસના પવનને ઓળખી શક્યું નહીં અને તેને મળેલી તકોનો ઉપયોગ કરી શક્યું નહોતું. 

ઉદાહરણ આપીને વાત કરીએેતો ટાટા નેનોની ફેક્ટરીએ પ.બંગાળ છોડીને ગુજરાતને પસંદ કર્યું તો તેનો કોઇ વસવસો પ.બંગાળના શાસકોને નહોતો.

ભારતના રાજકારણમાં પશ્ચિમ બંગાળ મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ ઔદ્યોગિક પ્રગતિમાં તો પાછળ ફેંકાતું ગયું છે જેથી તે સમૃધ્ધ રાજ્યોની યાદીમાં આવી શકતું નથી.


Google NewsGoogle News