મોંઘવારી કે બેરોજગારી જેવા મહત્વના મુદ્દા ગુમ થઇ ગયા
- આજે મહારાષ્ટ્ર-જારખંડમાં મતદાન
- ઇનસાઇડ સ્ટોરી
- દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની કમનસીબી એ છે કે મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષોના જોર આગળ તે લાચાર દેખાઇ રહ્યા છે
- દરેક રાજ્યની ચૂંૂંટણી રાજકીય પક્ષો યુધ્ધની જેમ લડતા જોવા મળે છે, દરેક સત્તાલક્ષી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનો જંગ ચીલાચાલુ રીતે નથી લડાતો પણ બહુ ઝનૂનપૂર્વક લડાઇ રહ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વીજળી, પાણી, સડક જેવા મુદ્દા સાવજ અદ્રશ્ય થઇ ગયા છે. તે તો ઠીક પણ ઇન્ડિયા શાઇનીંગ કે અબકી બાર મોદી સરકાર જેવી વાતો તો ભાગ્યેજ સાંભળવા મળે છે. તેમ છતાં આ ચૂંટણીઓ ઉશ્કેરાટ ભરી બની રહી છે.
આજે ઝારખંડમા બીજા તબક્કાનું જ્યારે મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો માટે મતદાન છે. કોણ જીતશે તે કહેવું સ્વભાવિક રીતેજ બહુ મુશ્કેલ છે. દરેક પ્રજા સમક્ષ પોતાનો દાવો કરી રહ્યો છે. પરંતુ પ્રજાને સમજવું અઘરૃં બની ગયું છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન છે. દરેક પક્ષ માટે મહારાષ્ટ્ર મહત્વનું બની ગયું છે. દરેક રાજકીય પક્ષને મહારાષ્ટ્રના બુસ્ટની જરૂર છે. દરેક હતાશ છે દરેકને મહારાષ્ટ્ર જીતવું છે. ઝારખંડ માટે કોઇ મહારાષ્ટ્ર જીતવા જેટલા પ્રયાસ કરતાં ભાગ્યેજ જોવા મળે છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની કમનસીબી એ છે કે મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષોના જોર આગળ તે લાચાર દેખાઇ રહ્યા છે. ટૂંકમાં તેમના વિના લડી શકે એમ નથી.
એવું માનવાની જરૂર નથી કે રાજકીય પક્ષો માત્ર મહારાષ્ટ્રમાંજ જીત માટે મથામણ કરી રહ્યા છે. દરેક રાજ્યની ચૂંૂંટણી રાજકીય પક્ષો યુધ્ધની જેમ લડતા જોવા મળે છે. શિવસેના માટે કપરો સમય ચાલી રહ્યો છે. તેના બે ટુકડા થયા પછી પણ બંને ટુકડાના બોસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમ શિવસેના ખંડિત થઇ છે એમ શરદ પવારની પાર્ટી પણ ખંડિત થઇ છે. આ રાજકીય પક્ષો અંદરો અંદરજ લડતા હોયે એવો ભાસ થઇ રહ્યો છે.
એક હૈ તો સેફ હૈ જવા સ્લોગન વડાપ્રધાન બોલાવી રહ્યા છે તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું બટેંગે તો કટેંગે વાળું સ્લોગન લોકો ચીસો પાડીને તેમજ ઉત્સાહભેર બોલી રહ્યા છે. જાહેર સભામાં આ સ્લોગન શ્રોતા પાસે બોલાવાય છે. ભારત માતા કીજય કરતાં પણ બુલંદ અવાજમાં લોકો આ સ્લોગન બોલતા હોય છે. એવીજ રીતે વડાપ્રધાન પણ એક હૈ તો સેફ હૈ સ્લોગન જાહેરમાં લોકો પાસે બોલાવે છે. કોઇ ભારતની ઇકોનોમી પાંચમા નંબરે પહોંચી છે અને ત્રીજા નંબરે પહોંચવા કેવા પગલાં જરૂરી તે વિશેની ચર્ચા ક્યાંય જોવા નથી મળતી.
બટેંગે તો કટેંગે તે ચાણક્યના કાળનું સૂત્ર હતું. પછી તે દુર ક્યાંક ગુમ થઇ ગયું હતું. પરંતુ યોગીએ મહત્વની ચૂંટણીમાં તેને બગલ થેલામંાથી બહાર કાઢીને વિપક્ષ સામે બ્રહ્માસ્ત્રની જમે ફેંક્યું છે. પ્રજામાં સૌથી મહત્વની વાત વર્તમાન મોંઘવારી, દરેક ક્ષેત્રે ચાલતો ભ્રષ્ટાચાર, બેરોજગારી, હેકર્સનો ત્રાસ અને ડિજીટલ એરેસ્ટ જેવી સમસ્યાઓ છે પરંતુ ભાજપે બહુ સિફતથી સ્ટીયરીંગ એવી દિશામાં વાળી દીધું છે કે જેમાં દરેક સપડાઇ ગયા છે. મહારાષ્ટ્રના પરિણામોથી કેન્દ્ર સરકારના માળખામાં કોઇ ફેર નથી પડવાનો પણ દરેક જાણે છે કે એક હાર ડિપ્રેશન ખેંચી લાવે છે. દેશની આર્થિક રાજધાની પર કોનેા જાદુ ચાલશે તે આજે ઇવીએમમાં કેદ થઇ જશે.