યેદુઆરપ્પાને જેલ થશે તો ભાજપની ઇમેજને ફટકો..
- ઇનસાઇડ સ્ટોરી
- કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર ખેંચાખેંચ
- ભારતનું રાજકરાણ અનિશ્ચિતતાથી ભરેલું છે. કોણ ક્યારે સત્તા પર આવી જાય તે કહી ના શકાય
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પા અને જેલ વચ્ચે બહુ ઓછું અંતર રહ્યું છે. યેદુઆરપ્પાને જેલ થશે ત્યારે કેવા નિવેદનો કરવા તેની તૈયારી ભાજપવાળા કરી રહ્યા છે. યેદુઆરપ્પાએ અગોતરા જામીન માટે અરજી કરી છે પરંતુ તેમની ધરપકડ કરીને કર્ણાટક કોંગ્રેસ તેમના મોવડીમંડળને ખુશ કરવા માંગે છે. આ કિસ્સો દબાવી દેવાત તો કોંગ્રેસની આબરૂ જાય એમ હતી કેમકે કેસ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો છે. રાજકારણમાં સિધ્ધારમૈયા પર માછલાં ધોવાઇ રહ્યા છે. કેમકે ભારતના રાજકારણમાં ક્યારે પાસા પલટાય તે કહી શકાતું નથી. જો યેદુઆરપ્પા કે ભાજપ ફરી કર્ણાટકમાં સત્તા પર આવે તો સિધ્ધારમૈયા સામેના કેસો પણ ખુલી શકે છે અને તે પણ જેલ સુધી પહોંચી શકે છે.
યેદુઆરપ્પા સામેના કેસમાં પીડિતાની માતાનું મોત થયા બાદ તેના ભાઇએ હાઇકોર્ટમાં અરજી કર્યા બાદ કેસ ફરી વિવાદમાં આવ્યો હતો. મામલો કોર્ટમાં હોઇ હવે તેના પર ઢાંક પિછોડો કરવો બહુ અઘરો છે. યેદુઆરપ્પા કર્ણાટકનું બહુ મોટું રાજકીય માથું છે. તેમની ધરપકડ થાય તો કોંગ્રસને પણ નુકશાન થઇ શકે એમ છે. ભાજપ યેદુારપ્પાના કેસમાં સંવેદનશીલતા ઊભી કરીને કોંગ્રેસ વિરોધી મોજું ઊભું કરી શકે છે. રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપ નેગેટીવ બાબતોમાંથી પણ લાભ ઉઠાવી શકે છે. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર ખેંચાખેંચ ચાલે છે. ભાજપે જીતેલું દક્ષિણનું પહેલું રાજ્ય કર્ણાટક હવે તેના હાથમાંથી સરકી ગયું છે. ભાજપવાળા યેદુઆરપ્પાના કેસનેા ઉપયોગ કરવા માંગે છે માટે આક્ષેપબાજી શરૂ કરી છે.
તાજેતરમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાએ યેદુઆરપ્પાની ધરપકડના વોરંટ બાબતે કહ્યું હતું કે ભારતીય જનતાપક્ષ વાળા મને કિન્નાખોર કહે છે પરંતુ મારા મનમાં ક્યારેય વેરઝેરના વિચારો નથી આવતા. પોતાની સરકારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા યેદુઆરપ્પા સામે કરેલી ફરિયાદના બચાવમાં કહ્યું હતું કે મારી સરકાર દરેક કામ કાયદા હેઠળ કરવામાં માને છે. કર્ણાટક ભાજપના નેતાઓ જાહેરમાં કહી રહ્યા છે કે સિધ્ધારમૈયા યેદુઆરપ્પાની ધરપકડ કરીને ભાજપને દક્ષિણના રાજ્યોમાં બદનામ કરવા માંગે છે. યેદુઆરપ્પા સામેના કેસને ભાજપ કર્ણાટક કોંગ્રેસની કિન્નાખોરીમાં ખપાવવા મંાગે છે. સિધ્ધારમૈયા ભલે એમ કહે કે તે અને તેમની સરકાર વિપક્ષી નેતાઓ સામે કિન્નાખોરીમાં ક્યારેય માનતી નથી અને ભવિષ્યમાં પણ કિન્નાખોરી નહીં કરે. પરંતુ સિધ્ધારમૈયાની વાત સાથે કોઇ સંમત થઇ શકે એમ નથી.
સમાન્ય રીતે એવી પ્રણાલી ચાલી આવે છે કે એક મુખ્યપ્રધાન તેના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સાથે સંબંધો ના રાખે એવું બને છે પરંતુ તમેની ધરપકડ થાય તેવા પ્રયાસો વિવાદાસ્પદ કહી શકાય. ભારતનું રાજકરાણ અનિશ્ચિતતાથી ભરેલું છે. કોણ ક્યારે સત્તા પર આવી જાય તે કહી ના શકાય. આજનો સત્તાધીશ આવતીકાલે વિપક્ષની પાટલી પર જોવા મળે તે પણ સ્વભાવિક બનતું જાય છે. અહીં મહત્વનું એ પણ છે કે આર્થિક કૌભાંડ અને જાતીય સતામણી બનેમાં બહુ મોટો ફર્ક છે.ભારતના રાજકરાણમાં કોઇ રાજકારણી એમ કહે કે હું કિન્નાખોર નથી ત્યારે હસવું આવે છે. આયારામ-ગયારામ અને પલટુરામ જેવી ઓળખ ભારતના રાજકારણની હોય ત્યારે કિન્નાખોરી તો તેમના સ્વભાવમાં અને વ્યવહારમાં ઠાંસી ઠાંસીને ભરી હોય છે. યેદુઆરપ્પા સામેનો કેસ વિવાદાસ્પદ બની રહ્યો છે.