વિપક્ષી એકતા માટે સિબ્બલના અર્થહીન પ્રયાસોની ટીકા થઇ
- વિપક્ષી નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ એક સફળ વકિલ છે. લેટર બેંાબના એક વર્ષ પછી ફરી તે ઝળક્યા છે. પોતાના પક્ષની નેતાગીરી સામેજ તેમણે પ્રશ્નો ઉભા કર્યા હતા. જે લેટર બોંબ તરીકે જાણીતા થયા હતા. પક્ષ પરથી ગાંધી પરિવારની પકડ ઘટી રહી છે માટે નેતાગીરી બદલવાની વાત તેમણે કરી હતી. ૨૩ સિનિયરોએ કાગળમાં સહી કરી હતી. જે ગૃપ ઓફ ૨૩ તરીકે ઓળખાતા હતા.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિરોધ કરનારાઓની બહુ દરકાર નહોતી કરી અને કોઇને મળવા પણ નહોતા બોલાવાયા કે પોતાના તરફથી સમાધાનની કોઇ પહેલ પણ નહોતી કરી. પત્ર લખવામાં જે મોખરે રહેવાનું મનાતું હતું તે કપિલ સિબલ હવે વિરોધ પક્ષોને ડીનર આપતા થયા છે. તેમના વિરોધ છતાં કોંગી કાર્યકરો એમ માનતા થયા છે કે સોનિયા ગાંધી ફરી સ્વસ્થ થયા છે અને નિર્ણયો લેતા થયા છે. પહેલાં એવું હતું કે ગાંધી પરિવારને પ્રશ્ન પૂછનારાઓને પક્ષમાં પનીશમેન્ટ થતી હતી. જોકે આ વખતે મોવડીમંડળે પત્ર લખનારાઓ સાથે બહુ વ્યવહાર નથી રાખ્યો.
પત્ર લખનારાઓ માનતા હતા કે તેમના પત્રની કોઇ અસર થશે પણ બિમાર સોનિયા ગાંધી હોદ્દા પર ચાલુ રહ્યા હતા. સોનિયા ગાંધી બિમાર હતા ત્યારે લેટર બોંબ આવતા ગાંધી પરિવારના લોકો નારાજ થયા હતા. હવે જ્યારે લેટર બોંબને એક વર્ષ પુરું થયું છે ત્યારે કપિલ સિબ્બલે વિપક્ષી એકતા માટેની બેઠકનું નવું ગતકડું ઉભું કર્યું હતું. ૨૦૨૪ના લોકસભા જંગમાં મોદીને હરાવવા તેમણે વિપક્ષી નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ કર્યો હતો.
કપિલ સિબ્બલની બર્થડે નજીક આવતી હોવાથી બર્થ ડે ના નામે તેણે દરેકને ભેગા કર્યા હતા.વિપક્ષના દરેક નેતાને જમાડયા હતા. સામાન્ય રીતે બર્થ ડે પાર્ટી જેવું હોય તો તેમાં પક્ષા પક્ષીનું રાજકારણ બહુ નથી હોતું પરંતુ અહીં તો ભાજપના કોઇ નેતા નહોતા દેખાયા તે તો ઠીક પણ કોંગ્રેસના મોટા નેતાઓ જેવાંકે રાહુલ કે પ્રિયંકા ગાંધી પણ નહોતા દેખાયા. તેમના મિત્રો મનાતા ગૃપ ઓફ ૨૩ વાળા પણ નહોતા દેખાયા. તેમ છતાં સિબ્બલે બોલાવેલી બેઠકમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ જેવાંકે વાય એસ આર કોંગ્રેસ, ટીડીપી, ટીઆરએસ, બીજેડી, એસએડી વગેરેનો સમાવેશ થાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે તે આ રાજકીય પક્ષો તેમના રાજ્યો માં કોંગ્રેેસ સાથે લડે છે અને જ્યારે ભાજપને વોટીંગની જરૂર પડે છે ત્યારે તેમની તરફ વળી જાય છે. ભાજપ વિરોધી મોરચો ઉભોે કરવાની વાત આ પક્ષો કેવી રીતે કરી શકે? આંધ્ર પ્રદેશ, ઓડિસા, પંજાબ વગેરેમાં તો આ પક્ષો કોંગ્રેસની સામે સીધી સ્પર્ધામાં ઉતર્યા હોય છે.
સાચી વાત તો એ છે કે કેંાગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ કપિલ સિબ્બલ સાથે જોડાવા તૈયાર નથી. પંજાબના મુખ્ય પ્રધાનની ઇચ્છા વિરૂધ્ધ નવોજોત સિંહ સિધ્ધુને પ્રદેશ પ્રમુખ તરીકે મુક્યા છતાં તે સિબ્બલને ટેકો આપવા બહાર નથી આવ્યા. રાજસ્થાનના સચિન પાઇલોટ અને છત્તીસ ગઢના ટીએસ સિંહ પણ સિબ્બલના પક્ષે બેસવા કે કશું બોલવા તૈયાર નથી. આ લોકો પોતાનો વિરોધ કરે છે પણ ગાંધી પરિવારના વિરોધી તરીકે રહેવા તૈયાર નથી. એક હકિકત એ પણ છે કે લેટર બોંબ વાળા તમાંમ ૨૩ સભ્યો હાલમાં જે સ્થાને છે તે ગાંધી પરિવારના આશિર્વાદથી છે તેેમાં કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે.
સિબ્બલના ડિનરમાં એવી ચર્ચા થઇ હતી કે કોરોના કાળમાં સરકારની થયેલી ભૂલોના કારણે અને અનેક તબક્કે નબળી કામગીરીના કારણે લોકો સરકાર બદલવા માંગે છે, મોંઘવારી વધવી, બેરોજગારી વધવી, પેગાસસ જાસુસી કાંડ વગેરેના કારણે પણ સરકાર સામેની નારાજગી વધી છે. જોકે આવી રજૂઆત કરનારા અંદર ખાને માને છે કે વિપક્ષો એક થાય તો પણ મોદી ત્રીજી ટર્મ માટે આવી જશે. વિપક્ષીનેતાઓને એ ખબર નથી પડતી કે શા માટે મમતા બેનરજી વડાપ્રધાનની પોસ્ટ માટે અને શરદપવાર રાષ્ટ્રપતિપદ માટે પ્રયાસ કરી રહ્યા છે?