કર્ણાટકના વર્તમાન અને ભૂતપૂર્વ સીએમ સામે કેસ
- મુદ્દા કૌભાંડમાં સિધ્ધારમૈયા સલવાયા છે
- ઇનસાઇડ સ્ટોરી
- કોરાના કાળ દરમ્યાન કરેલી ખરીદીમાં યેદુરપ્પા સામે 150 કરોડના કૌભાંડનો આક્ષેપ
કર્ણાટકમાં દરેક મુખ્યપ્રધાનના ભ્રષ્ટાચારમાં હાથ ખરડાયેલા જોવા મળી રહ્યા છે. ભાજપ એટલા માટે હરખાતું હતું કે કોંગ્રેસના વર્મમાન મુખ્યપ્રધાન સામે ભ્રષ્ટાચારનો મજબૂત કેસ ઉભો થયો છે. સિધ્ધારમૈયાના માથે માછલાં ધોવાતા હતા ત્યાંજ ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુરપ્પા અને તેમના તે સમયના સાથી આરોગ્યપ્રધાન બી. શ્રીલારામલુ સામે કોરોના કાળમાં કરેલી ગેરરીતીઓનું કૌભાંડ ઉછળ્યું છે.
રાજકારણમાં દરેક કાચના ઘરમાં રહે છે. ભાજપે કોંગ્રેસના ભ્રષ્ટાચારનું તપેલું ચઢાવ્યું તો કોંગ્રેસે વળતા પ્રહાર રૂપે યેદુરપ્પાને સાણસામાં લીધા છે. કોરોના કાળમાં યેદુઆરપ્પાની ભાજપ સરકારે પીપીઇ કીટ્સ ચીનની કંપની પાસેથી બહુ ઉંચા ભાવે ખરીદીને સરકારને ૧૫૦ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
કોરોના કાળ દરમ્યાન કર્ણાટકની ભાજપ સરકારે કરેલા ભ્રષ્ટાચારની તપાસ હાઇકોર્ટના નિવૃત જજને સોંપવામાં આવી હતી. આ તપાસ પંચે આપેલા અહેવાલમાં જણાવાયું છે કે યેદુરપ્પાની સરકારમાં ગેરરીતી આચરાઇ છે અને પીપઇ કીટ્સ ચીનની કંપની પાસેથી મોંઘાભાવે ખરીદાઇ હતી.
આક્ષેપ અનુસાર ૨૦૨૦માં કોરોના કાળ દરમ્યાન યેદુઆરપ્પા સરકારે ખરીદેલી કોરોનાની દવાઓ અને પીપીઇ કીટ્સ વગરે બજાર ભાવ કરતાં મોંઘા ભાવે ચીનની કંપની પાસેથી ખરીદી હતી. કર્ણાટકની સ્થાનિક કંપનીઓ જે પીપીઇ કીટ્સ ૩૩૦ રૂપિયામાં વેચતી હતી તેજ કીટ્સ ચીનની કંપની પાસેથી બહુ ઉંચા ભાવે ખરીદાઇ હતી એમ તપાસમાં જણાયું હતું. સ્થાનિક કંપનીઓ પાસે માલ હોવા છતાં ચીનની કંપનીઓ ડીએચબી ગ્લોબલ અને બીગ ફાર્માસ્યુટીકલ પાસેથી ઉંચા ભાવે ખરીદી કરવામાં આવી હતી, તપાસ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે ભાવોમાં ફેરના દસ્તાવેજો પણ છૂપાવવામાં આવ્યા હતા. તપાસ અનુસાર કર્ણાટક સ્ટેટ મેડિકલ સપ્લાય પાસેથી ભાવ મંગાવવાના બદલે તેને સાઇડ ટ્રેક કરીને ખરીદી કરવામાં આવી હતી.
આખી ખરીદીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળતો હતો અને તેના કારણે સરકારને ૧૫૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે એમ તપાસમાં કહેવાયું છે. યેદુઆરપ્પા કાર્યકરોને એમ કહેતા થઇ ગયા છે કે ચિંતા ના કરશેા આખો કેસ રાજકીય વેરઝેરની ભાવનાથી ઉભો કરાયો છે.
કોંગ્રેસને રાહત એ વાતની થઇ છે કે તેમના મુખ્યપ્રધાન સામેનેા મુદ્દા (મૈસુર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી) ભ્રષ્ટાચારનો કેસ પક્ષની બદનામી કરતો હતો. પક્ષ લોકોનું ધ્યાન સિધ્ધારમૈયાના કૈાભાંડ પરથી બીજી દિશામાં ખેંચવા માંગતો હતો, ત્યાંજ યેદુઆરપ્પાનું કોરોના કાળનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
લોકો પણ યેદુઆરપ્પાના કૌભાંડની વાતોની ચર્ચામાં સિધ્ધારમૈયાના કૌભાંડને ભૂલી ગયા હતા. તાજેતરમાંજ મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા લોકાયુક્ત સમક્ષ બે કલાક સુધી હાજર થઇ આવ્યા હતા. સિધ્ધારમૈયા પહેલાં એવા કર્ણાટકના મુખ્યપ્રધાન છે કે જેની સામે લોકાયુક્તમાં તપાસ ચાલી રહી છે.
સિધ્ધારમૈયાના કહેવા અનુસાર તપાસ દરમ્યાન મેં દરેક ખુલાસા કર્યા છે, મારે હવે ફરીથી લોકાયુક્ત પાસે જવાનું નથી. બીજી તરફ ભાજપ તેમજ અન્ય વિપક્ષ કહે છેકે સિધ્ધારમૈયાના કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપવી જોઇએ.ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્યપ્રધાન એમ બંને સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે પરંતુ બંને પોતાના સલામત સમજે છે.