દિલ્હીની હાર એ વિપક્ષી એકતાના ડખાનું પરિણામ
- કોંગ્રેસ સિવાયનો અલગ વિપક્ષી મોરચો રચાઇ શકે છે
- ઇનસાઇડ સ્ટોરી
- ખરેખર યોગી આદિત્યનાથની 'બટેંગે તો કટેંગે'વાળી ફોર્મ્યુલા વિપક્ષી ગઠબંધનને પણ લાગુ પડે છે
પહેલાં મહારાષ્ટ્ર, પછી દિલ્હીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પક્ષ હવે બિહાર જીતવા માટેનું પ્લાનીંગ કરે તે સ્વભાવિક છે. મહારાષ્ટ્રમાં વિપક્ષોનું ગઠબંધન સફળ થયું નહોતું. દિલ્હીમાં તો વિપક્ષી ગઠબંધનના બે સભ્યો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. રાજકીય સમિક્ષકો કહે છે કે આમઆદમી પાર્ટી દિલ્હીમાં હારી તેની પાછળ કોંગ્રેસને જવાબદાર કહી શકાય કેમકે કોંગ્રેસે કેજરીવાલને મળતા વોટ તોડયા હતા.
હકીકત ભલે એ હોય કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સિનિયર નેતાઓનું સતત અપમાન કરીને તેમને ચૂંટણી લડવા ઉશ્કેર્યા હતા. જ્યારે કેજરીવાલે કોંગ્રેસને બેઠકો બાબતે સમજૂતીની તૈયારી નહોતી બતાવી ત્યારે ગઠબંધનમાં તિરાડ પડવા લાગી હતી. કેજરીવાલ સાચા છે એમ કહીને વિપક્ષી ગઠબંધનના અન્ય સાથીઓ જેવાંકે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળ વગેરેએ કેજરીવાલને ટેકો આપ્યો હતો. આ પક્ષોનો દિલ્હીમાં કોઇ પ્રભાવ નહોતો છતાંય કેજરીવાલ તેમનો સહકાર લઇને ખુશ થયા હતા પરંતુ કોંગ્રેસની નારાજગી બાબતે કોઇએ ધ્યાન નહોતું આપ્યું.
કોંગ્રેસે તોડેલા વોટના કારણે કેજરીવાલ એન્ડ કંપની ભૂંડી રીતે હારી છે. વિપક્ષી ગઠબંધનની હાલત ઘર ફૂટે ઘર જાય જેવી છે. વિપક્ષી ગઠબંધન પાસે રહેલું દિલ્હી અહમના કારણે ગુમાવવું પડયું છે.
અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વાર જીતીને વિપક્ષી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગતા હતા તે વાત કોંગ્રેસને ખટકતી હતી. વિપક્ષી ગઠબંધનમાં રહેલી એકતા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની ચાલમાં તૂટી ગઇ હતી. નારાજ કોંગ્રેસને સમજાવીને દિલ્હીના જંગથી દુર રહેવાની સલાહ આપવામાં મમતા, લાલુ પ્રસાદ જેવા નેતાઓ નિષ્ફળ ગયા હતા અથવા તો તેમણે પ્રયાસ નહોતા કર્યા.
દરેકને રાહુલ ગાંધી સામે વિરોધ હતો. તેમજ તે લોકો મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલને આગળ લાવવા મથતા હતા. કોંગ્રેસે દિલ્હીમાં કેજરીવાલની બાજી બગાડીને વિપક્ષના અન્ય ઘટક પક્ષોને સંકેત આપ્યો છે કે સાથે રહેવામાંજ લાભ છે. ખરેખર યોગી આદિત્યનાથની બટેંગે તો કટેંગે વાળી ફોર્મ્યુલા વિપક્ષી ગઠબંધનને પણ લાગુ પડે છે.
બિહારના જંગમાં કોંગ્રેસે મહિના પહેલાં તૈયારી શરૂ કરી દીધી છે. જે હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના થયા છે તે હાલ બિહારમાં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળના થઇ શકે છે તે વાત માત્રથી તેજસ્વી યાદવની ઊંઘ હરામ થઇ ગઇ છે. વિપક્ષોના વોટ વહેંચાયેલા છે. નિતીશ કુમારનો જનતાદળ (યુ) ભાજપ સાથે જોડાયા બાદ હવે બિહારમાં વિપક્ષો સામે પડકાર વધ્યો છે. અધુરામાં પુરૃં હોય એમ હવે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળ પણ અલગ લડવા માટે તૈયાર થયા છે.
દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસનું જાહેરમાં અપમાન કરનાર નવાસવા એવા આમ આદમી પાર્ટીના નેતાઓને સમજાવવાના કોઇ પણ વિપક્ષી નેતાઓએ પ્રયાસ નહોતો કર્યો તે તો ઠીક છે પણ આ નેતાઓ કેજરીવાલની પીઠ થાબડતા જોવા મળ્યા હતા. વિપક્ષોના વોટ વહેંચાયેલા છે. તેનું પરિણામ બહુ આઘાત જનક આવ્યું છે.
જો બિહારમાં પણ વિપક્ષ સારૃં પ્રદર્શન નહીં કરે તો વિપક્ષી એકતા માટે કોંગ્રેસ સિવાયનો અલગ મોરચો રચાઇ શકે છે. દિલ્હી જીતીને ભાજપે વિપક્ષી ગઠબંધનના ફરી જોડાણની શક્યતા પર મરણતોલ ફટકો માર્યો છે તેમાં શંકાને સ્થાન નથી.