Get The App

2025નું વર્ષ વધારે મોટા સમાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પડકારો લાવશે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
2025નું વર્ષ વધારે મોટા સમાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પડકારો લાવશે 1 - image


- બુલેટ અને બેલેટના વર્ષ 2024ની વિદાય વેળાએ

- ઇનસાઇડ સ્ટોરી

- દરેક દેશ પોતાની ભૌગોલિક સ્થિતિ, સરહદો અને આર્થિક હિતના આધારે દ્વિપક્ષીય સંબંધો બનાવી રહ્યાં છે

વર્ષ ૨૦૨૪ બુલેટ (યુદ્ધ) અને બેલેટ (મતદાન, ચૂંટણી)નું વર્ષ રહ્યું. આ બંને ચીજોએ દુનિયાને રાજકીય, સામજિક અને સાંસ્કૃતિક રીતે વધારે વિભાજીત કરી છે. 

ફ્રાંસ, બ્રિટન, અમેરિકામાં મતદારોએ સત્તારૂઢ સરકારોને જાકારો આપ્યો છે અને નવી સરકારને ટેકો આપ્યો છે. ભારત જેવા દેશમાં સત્તાધારી પક્ષ પુનઃ સત્તા ઉપર આવ્યો છે પણ બહુમતના બદલે યુતિ સરકાર અસ્તિત્વમાં આવી છે. બાંગ્લાદેશ અને હવે છેલ્લે સિરિયામાં પ્રજા, ઉગ્રવાદી કે વિરોધીઓએ સત્તાધીશને હાંકી કાઢયા છે. આગલા બે યુદ્ધના પડકારોથી દુનિયા બહાર નથી આવી ત્યારે હવે નવા પડકાર ઉભા થઇ રહ્યા છે.

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  તા. ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે. શપથ સાથે સમગ્ર વિશ્વને અસર કરી શકે એવા ત્રણ નિર્યણ લેવા માટે અડગ છે. એક, ચીન, મેક્સિકો અને કેનેડાની ચીજો ઉપર તે આયાત ટેક્સ વધારવા ઈચ્છે છે. બીજું, અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા કે ઘુસણખોર લાખોને દેશ પરત કરવા ઈચ્છે છે અને ત્રીજું અમેરિકન સરકારના ખર્ચ બે ટ્રીલીયન ડોલર (વિશ્વના ૯૦ ટકા દેશોના અર્થતંત્રના કદ કરતા વધારે અથવા તો અમેરિકન વાર્ષિક બજેટનો ત્રીજો ભાગ). આ ત્રણ નિર્ણય આર્થિક અને સામાજિક રીતે વિશ્વ માટે વધારે ખતરો સાબિત થઇ શકે એમ છે. 

ચીન વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચીન વિશ્વનું ઉત્પાદન મથક છે અને તેના ઉત્પાદન ઉપર અમેરિકા ટેક્સ વધારે તો ચીન આ બધી ચીજો અન્ય દેશોમાં વેચવા માટે બેબાકળું થશે અને ભારત જેવા ચીન આધારિત દેશ ઉપર તેની વધારે અસર પડશે. પોતાની પ્રથમ ટર્મમાં પણ ચીન સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રેડ વોર શરૂ કરેલી અને તેની વિશ્વ ઉપર અસર જોવા મળી હતી. રાજદ્વારી રીતે ચીન અને અમેરિકા વચ્ચે ખાઈ વધશે તેથી જીયોપોલીટીકલ જોખમ પણ જોવા મળશે. અત્યારે પણ રશિયા અને ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે, આ દોસ્તી વધારે ગાઢ બનશે.

જે સ્થિતિ ઉભી થઇ રહી છે કે વૈશ્વિકીકરણ કે ગ્લોબલાઇઝેશનનો અંત આવી રહ્યો છે. વિશ્વ એક છે એવી બે દાયકા જૂની વિચારધારાના બદલે હવે દરેક દેશ પોતાની ભૌગોલિક સ્થિતિ, સરહદો અને આર્થિક હિતના આધારે દ્વિપક્ષીય સબંધો બનાવી રહ્યા છે. રશિયા - યુક્રેન યુદ્ધ સમયે ભારતે પણ પોતાના હિત માટે રશિયા સાથેના દાયકા જૂના સબંધો જાળવ્યા છે અને વધુ ગાઢ બનાવ્યા છે. છેલ્લા બે દાયકામાં ભારત અને અમેરિકા એકબીજાની નજીક આવી રહ્યા હતા તે હવે ફરી અલગ રાહ પકડે એવું જોખમ છે. ભારત માટે અલગ પડકાર છે. એક તરફ, ૧૪૫ કરોડની પ્રજાને વિકસિત અર્થતંત્રનો દરજ્જો આપવા ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સર્જન કરવાના છે. 

બીજી તરફ, પાકિસ્તાનની રાજકીય અનિશ્ચિતતા બાદ હવે પૂર્વમાં મ્યાનમાર બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીનો ઉમેરો થયો છે. નેપાળ ચીન તરફ સરકી રહ્યું છે અને શ્રીલંકા હજી નાદારીમાંથી ઉભરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારત માટે ૨૦૨૫ વધારે મોટા અને બહુવિધ પડકાર લઇ આવી રહ્યું છે. 


Google NewsGoogle News