તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું તપાસ એજન્સી વિરોધી વલણ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું તપાસ એજન્સી વિરોધી વલણ 1 - image


- શાહજહાં શેખના કૌભાંડને છુપાવવાની કોશિશ 

- ઇનસાઇડ સ્ટોરી

- કેન્દ્ર સાથે બાખડવામાં બે મુખ્યપ્રધાનો મોખરે છે. એક છે કેજરીવાલ બીજા છે મમતા બેનર્જી 

કોણ જાણે કેમ પણ મમતા બેનરજી અને તેમના તૃણમૂલ કોંગ્રેસ પક્ષના નેતા કોઇને કેાઇ રીતે કેન્દ્ર સરકાર સાથે સીધા સંઘર્ષમાં ઉતરી રહ્યા છે. કલ્યાણ બેનર્જીએ ઉરાષ્ટ્રપતિની મિમિક્રી કરી, મોઇના મિત્રાએ પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછવાના કેસમાં બદનામી પછી હવે શાહજહાં શેખ સામે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લૂકાઉટ નોટિસ કાઢી છે. ૩૦૦ લોકો ઇડીની ટીમ પર હુમલો કરે અને સ્થાનિક પોલીસ તમાશો જુવે તે બતાવે છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ કેન્દ્ર સરકાર સામે રણે ચઢેલા છે. કેન્દ્ર સરકારની એજંસી તપાસ કરવા જાય ત્યારે તેને ફટકારવી અને ભગાડી દેવાની ચાલ શાહજહાં શેખને મોંધી પડી શકે છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પોતાના બોસને (મમતા) ખુશ કરવા માંગતા હોય એમ લાગે છે. રેશન કૌભાંડમાં જો તપાસ એજંસીઓ સ્થળ પર જઇને તપાસ કરે તો તે યોગ્ય તપાસ બાદચાર્જશીટ તૈયાર થઇ શકે છે.

મોઇના મિત્રાનો કેસ તો બહુ ગંભીર છે. તેમને અપાયેલો સંસદની કામગીરીનો પાસવર્ડ જ્યારે અમેરિકા અને દુબઇમાં વપરાતો હોય ત્યારે તે બહુ ગંભીર બની જાય છે. દેશની કાર્યવાહી અન્ય દેશના લોકો જોઇ શકે તે ચલાવી શકાય નહીં. શક્ય છે કે આ પાસવર્ડ દેશના દુશ્મનોના હાથે પણ ચઢી શકે છે. સંસદમાંથી હકાલપટ્ટી કરાયેલા મોઇના મિત્રા કોર્ટમાં ગયા છે અને છેલ્લા સત્રમાં હાજર રહેવાની પરવાનગીની રજૂઆત કરી રહ્યા છે.

ઉપરોક્ત ત્રણેય કેસ ગંભીર છે પરંતુ મમતા બેનરજી તેને બહુ ગંભીરતાથી લેતા હોય એમ લાગતું નથી. મમતા બેનર્જી પોતે પણ અનેક વાર કેન્દ્ર સરકારની ટીકા કરી ચૂક્યા છે અને વિવાદ ઉભો કરી ચૂક્યા છે.  મમતા બેનર્જી પોતાનો કક્કો ખરો કરવા કેન્દ્ર સાથે બાખડતા હોય છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે પણ મમતા બેનર્જી તેમનો વિવધ રીતે વિરોધ કરતા હતા. રાજ્યપાલને આમંત્રણ ના આપવું કે તેમના નામનો ઉલ્લેખ ના કરવો વગેરે મુદ્દે વિવાદ ઉભા થતા હતા. બંધારણીય હોદ્દા કરતાં પણ પોતે મોટા છે એવું દર્શાવવા મમતા વારંવાર પ્રયાસ કરતા આવ્યા છે. કેન્દ્રીય એજંસીઓ સાથે બાખડવામાં બે મુખ્યપ્રધાનો મોખરે છે. તેમાં એક અરવિંદ કેજરીવાલ આવે છે અને બીજા નંબરે મમતા બેનર્જી આવે છે. બંનેને મહેચ્છા વડાપ્રધાન બનવાની છે પરંતુ વિપક્ષોનું સંગઠન તેમને ચાન્સ નથી આપતું તેમજ રાજકીય પરિસ્થિતિ તેમને અનુરૂપ ઉભી નથી થતી. 

કેન્દ્ર સાથે ઘર્ષણમાં ઉતરવાથી વિપક્ષમાં તેમજ દેશના  સરકાર વિરોધી પરિબળોમાં વાહવાહી લૂંટી શકાય છે પરંતુ ઓવરઓલ રાજકીય ઇમેજને નુકશાન થતું હોય છે તે સમજવા આ નેતાઓ તૈયાર હોય એમ લાગતું નથી. બંધારણીય સત્તા પાસે અનેક પાવર હોય છે.  જ્યારે ઇડીના તપાસ અધિકારીઓ કૌભાંડની તપાસ કરવા જાય છે ત્યારે તેમને નેગેટીવ પ્રતિભાવ મળતો હોય છે. ઇડીના અધિકારીઓના માથા ફૂટયા છે છતાં વિપક્ષના કોઇ નેતાઓએ ધટનાને વખોડી કાઢી નથી. ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ બાબતે ઇડી સામે વિપક્ષો આક્ષેપ બાજી કરી રહ્યા છે. વિપક્ષોના મતે મોદી સરકાર ઇડીનો દુરૂપયોગ કરે છે પરંતુ જ્યારે કરોડો રૂપિયા રોકડા મળે અને મશીનો પણ તે ગણતા  બગડી જાય ત્યારે તપાસ અધિકારીઓની પ્રશંસા પણ કરવી જોઇએ.

ભ્રષ્ટાચાર વિરોધી તપાસ કરતા અધિકારીઓ સાથે મારપીટ એમ દર્શાવે છેકે શાહજહાં શેખે મોટું કૌભાંડ આચર્યું છે અને તે છુપાવવાની કોશિષ કરે છે. 


Google NewsGoogle News